બૉલ ટૅમ્પરિંગ વિવાદ : બૉલ સાથે ચેડાં કેવી રીતે કરવામાં આવે છે અને તેનાથી બૉલરને કયો ફાયદો થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ખ્વાજા ખ્વાજાએ તાજેતરમાં જ પોતાની આત્મકથા પ્રકાશિત કરી છે.
જેમાં પૂર્વ બૅટ્સમૅન ખ્વાજાએ કહ્યું છે કે, કમિન્સ સહિત ઑસ્ટ્રેલિયાની સમગ્ર ટીમને સૅન્ડપેપરથી બૉલ સાથે ચેડાં કરવાની યોજના વિશે ખબર હતી.
ખ્વાજાનું કહેવું છે કે ટીમે આની જવાબદારી લેવી જોઈતી હતી.
સામે પક્ષે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે સૅન્ડપેપર વિવાદને લઈને પોતાના પૂર્વ સાથી ઉસ્માન ખ્વાજાના દાવાઓ પર પલટવાર કર્યો છે.
તેમણે આ દાવાઓને '100 ટકા ખોટા' અને 'તદ્દન બકવાસ' ગણાવ્યા છે.
2018માં ઑસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા સામે કૅપટાઉનમાં ટેસ્ટમૅચ રમી રહી હતી. આ દરમિયાન બૉલ સાથે ચેડાં કરવાનાં કાવતરાં અંતર્ગત સ્ટીવ સ્મિથ, ડૅવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રોફ્ટે બૉલ પર સૅન્ડપેપરનો ઉપયોગ કર્યો હતો.
આ માટે ત્રણેય ખેલાડીઓને સજા આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
કમિન્સ અને ખ્વાજાએ સાથે મળીને 56 ટેસ્ટમૅચ રમી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખ્વાજાએ જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
પરંતુ ક્રિકેટના બૉલ સાથે ચેડાં કરવાથી શો ફાયદો થાય છે? ક્રિકેટના વિશ્લેષક સાઇમન હ્યુઝે અગાઉ બીબીસી સ્પૉર્ટ્સ સાથેની વાતચીતમાં સમજાવ્યું.
રિવર્સ સ્વિંગ એટલે શું?

સ્વિંગના બે પ્રકાર છે. પરંપરાગત સ્વિંગમાં બૉલર બૉલની ચમકતી બાજુનો ઉપયોગ કરીને બૉલને એક તરફ વળે તે રીતે ફેંકે છે.
દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં મોટા પ્રમાણમાં વપરાતો 'કુકાબુરા બૉલ' ઘણી વાર બહુ લાંબા સમય સુધી ચમકતો રહેતો નથી. આવી સ્થિતિમાં બૉલરો 'રિવર્સ સ્વિંગ' કરવાનો પ્રયાસ કરે છે.
રિવર્સ સ્વિંગ કરવા માટે બૉલની એક બાજુને શક્ય એટલી ખરબચડી અને ઘસાઈ ગયેલી બનાવવી પડે છે. સાથે જ એ બાજુને સંપૂર્ણપણે સૂકી પણ રાખવી પડે છે.
આનાથી બૉલની ખરબચડી બાજુની આસપાસ હવાના પ્રવાહમાં અશાંતિ સર્જાય છે. પરિણામે બૉલ તેની સ્વાભાવિક સ્વિંગની દિશાથી વિરુદ્ધ દિશામાં વળે છે. આથી જ તેને રિવર્સ સ્વિંગ કહેવામાં આવે છે.
કેવી રીતે બૉલ રિવર્સ સ્વિંગ થાય?

પાકિસ્તાનના મહાન ક્રિકેટર ઇમરાન ખાન એવા પ્રથમ ક્રિકેટર હતા, જેમણે ક્રિકેટના વિશ્લેષક સાઇમન હ્યુઝને બૉલ સાથે ચેડાં કેવી રીતે કરવામાં આવે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું એ પણ નૅટ પ્રૅક્ટિસ દરમિયાન.
તેમણે કોચની બૅગમાંથી એક જૂનો બૉલ લીધો. બૉલની ખરબચડી બાજુ પરની ક્વાર્ટર સીમને થોડી ઊંચી કરી. (ક્વાર્ટર સીમ એટલે મુખ્ય સીમને કાટખૂણે આવેલી સાંધાની રેખા.) ત્યાર પછી બૉલ બૂમરેંગની જેમ સ્વિંગ થવા લાગ્યો.
મૅચ દરમિયાન ક્યારેક એવું બનતું કે બૉલ જરાય સ્વિંગ ન થતો હોય. ત્યારે સાઇમન હ્યુઝે પણ આ પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત, આ રમતના નિયમોની તદ્દન વિરુદ્ધ હતું. પરંતુ હ્યુઝના જણાવવા પ્રમાણે, તેનાથી કંઈ થયું નહીં. અથવા કંઈ થયું પણ હોય તો તેનો લાભ ઉઠાવવાની તેમનામાં આવડત નહોતી.
બૉલ સ્વાભિવક રીતે ખરબચડો થાય?

ઇમેજ સ્રોત, Getty Images
બૉલને આડી સીમ પર ફેંકવો, જેથી તે ચામડાની સપાટી પર પડે, અથવા બાઉન્ડરી પરથી મેદાનમાં ઉછાળીને ફેંકવો- આ બંનેમાંથી કોઈ પણ રીતે બૉલની એક જ બાજુ ખરબચડી થશે તેની ખાતરી નથી.
આથી બૉલરો અને ફિલ્ડરો ગેરકાયદે રીતો અપનાવવા લલચાય છે.
આમાં જાણીજોઈને અજાણતાં બૉલ પર પગ મૂકી દેવો, નખથી છૂપી રીતે બૉલને ખોતરવો, બૉટલના ઢાંકણથી ઘસવો, પૅન્ટમાં સીવેલી કાચપેપરની પટ્ટીનો ઉપયોગ કરવો કે એક પ્રસંગે તો પેન-નાઇફનો પણ ઉપયોગ થયો હતો. આવી અનેક રીતોનો સમાવેશ થાય છે.
જ્યારે વિકેટ લેવાની ભારે જરૂર હોય ત્યારે બૉલ સાથે ચેડાં કરવાની સૌથી સારી કાયદેસરની રીત કઈ? એક નબળા સ્પિનરને બૉલિંગ આપો.
જો નબળા સ્પિનરની બૉલિંગમાં બૅટ્સમૅનો સિમેન્ટના બનેલા સ્ટૅન્ડમાં બે-ચાર છગ્ગા ફટકારે તો બૉલની સપાટીને એવું નુકસાન થઈ શકે, જેની ફાસ્ટ બૉલરોને જરૂર હોય છે. અલબત્ત, બૉલ એટલો દૂર ન ફેંકાવો જોઈએ કે પાછો જ ન મળે.
પરંતુ બૉલ કુદરતી રીતે ખરબચડો થયો હોય તો તેની સાથે ચેડાં થયાં છે કે નહીં, એ કેવી રીતે જાણી શકાય?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1990ના દાયકાના અંતમાં જૂના બૉલથી રિવર્સ સ્વિંગ મેળવવાનું મહત્ત્વ વધ્યું. એ વખતે કેટલાક બૉલરો આંગળી કે અંગૂઠાના નખથી બૉલની ખરબચડી બાજુ પર ઘસરકા પાડવામાં અથવા અગાઉથી પડેલા ઘસરકાને વધુ ઊંડા કરવામાં નિપુણ બની ગયા હતા. આંગળી કે અંગૂઠાના નખથી તેઓ આવા ઘસરકાને વધુ ઊંડા પણ બનાવતા હતા.
પકડાઈ ન જવાય ત્યાં સુધી કુદરતી રીતે પડેલા ઘસરકા અને માણસે જાણીજોઈને પાડેલા ઘસરકા વચ્ચેનો તફાવત પારખવો લગભગ અશક્ય હતો.
2006માં ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ મૅચમાં પાકિસ્તાને જે બૉલનો ઉપયોગ કર્યો હતો તેનું સાઇમને નિરીક્ષણ કર્યું હતું. અમ્પાયરોએ પણ એ બૉલ તપાસ્યો હતો અને તેની સાથે ચેડાં થયાં હોવાનું જાહેર કર્યું હતું. આખરે આ વિવાદને કારણે ટેસ્ટ મૅચ અધૂરી છોડી દેવામાં આવી હતી.
સાઇમને પાકિસ્તાની બૉલરોનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે બૉલ સાથે કોઈ ગેરકાયદે ચેડાં થયાં હતાં એવું માનવાને તેમની પાસે કારણ નહોતું.
સાઇમનનું માનવું હતું કે ઑવલના ખરબચડા મેદાન પર બૉલ પડવાથી તેની સપાટી પર ઘસરકા અને નિશાન પડ્યાં હતાં કે નહીં, તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નહોતું. વળી, કોઈને પણ કૅમેરામાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા પકડવામાં આવ્યા નહોતા.
ઑસ્ટ્રેલિયાની આ રીતો સફળ થઈ હોત?
ટેપના એક ટુકડા પર થોડી માટી ભેગી કરીને તેને ગુપચુપ રીતે બૉલ પર ઘસવાથી બૉલની ગતિ કે સ્વિંગ પર કોઈ નોંધપાત્ર અસર થાય એમ માનવું મુશ્કેલ છે.
ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓએ તો આનું ભારે પરિણામ ભોગવવું પડ્યું છે. તે જોતાં આટલું જોખમ લેવું બિલકુલ યોગ્ય નહોતું.
શું બૉલ સાથે ચેડાં કરીને છટકી જવું સહેલું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સાઇમનને લાગે છે કે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભ્રમમાં હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજના સમયમાં આવી કોઈ પણ હરકત કરીને પકડાયા વિના છટકી જવું લગભગ અશક્ય છે.
તમારા પર નજર રાખવા માટે 30 કૅમેરા હોય છે અને અમ્પાયરો નિયમિત રીતે બૉલની તપાસ કરતા રહે છે.
ક્રિકેટમાં પહેલેથી ગેરરીતિઓ થતી આવી છે, પરંતુ આ રમતની એક આગવી ઓળખ રહી છે કે તેમાં ખેલાડીઓ સારો વ્યવહાર કરે છે અને એકબીજાનું સન્માન જાળવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























