દીકરીના લગ્નમાં ચાર લાખ લોકોને બોલાવનાર નેતા કોણ છે, કુલ કેટલી સંપત્તિના માલિક છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અનંત સિંહે દાવો કર્યો છે કે લગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનો આવશે
    • લેેખક, સીટુ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહનાં પુત્રી શિવાંગીનાં લગ્ન 25 નવેમ્બરે થવાનાં છે. આ લગ્ન અનંત સિંહના પૈતૃક ગામ નદવાં (બાઢ) ખાતે યોજાશે.

નદવાં ગામ પટના શહેરથી આશરે 65 કિલોમીટર દૂર આવેલું છે. અનંત સિંહે પોતે એવો દાવો કર્યો છે કે લગ્નમાં મહેમાન તરીકે લગભગ ચાર લાખ લોકો આવશે. હાલમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

અનંત સિંહે લગ્ન વિશે કહ્યું છે, "ચાર લાખ તો શરૂઆત છે. જો એનાથી વધુ લોકો આવશે તો તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અમે આ લગ્નનું આમંત્રણ હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં સૌને મોકલ્યું છે."

આ લગ્નપ્રસંગે ઘોડદોડની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના વિજેતાને થાર ગાડી આપવામાં આવશે. ઘોડદોડ સ્પર્ધાની જાહેરાત અનંત સિંહનાં પત્ની નીલમ દેવીએ પોતે સોશિયલ મીડિયા પર કરી હતી, જેની પાછળથી અનંત સિંહે પણ પુષ્ટિ કરી હતી.

'સિનેમાની જેમ ટિકિટ લેવાની નથી, સૌ લગ્નમાં આવજો'

એવી પણ ચર્ચા છે કે અનંત સિંહ પોતાના જમાઈ ઋષિકેશને એક મોંઘી ગાડી ભેટ આપવાના છે. જોકે, ઋષિકેશના પિતા રણવિજય કુમારે મીડિયાને જણાવ્યું હતું કે તેમને આ અંગે કશી જાણકારી નથી.

ઋષિકેશ પટનાના બિહટા સ્થિત કૃષ્ણાનગરના રહીશ છે. પરિવારના જણાવ્યા અનુસાર, ઋષિકેશે અમેરિકામાં એમબીએનો અભ્યાસ કર્યો છે.

પોતાનાં વન-લાઇનર્સ (ટૂંકાં અને માર્મિક વાક્યો) માટે જાણીતા અનંત સિંહને પત્રકારો વારંવાર લગ્નમાં આવનારા મહેમાનોની યાદી વિશે પૂછી રહ્યા છે.

આ સવાલના જવાબમાં અનંત સિંહ પત્રકારોને કહેતા જોવા મળે છે, "અહીં સિનેમાની જેમ ટિકિટ લેવાની નથી. તમે સૌ લગ્નમાં આવજો."

જોકે, એક મીડિયા ઇન્ટરવ્યૂમાં અનંત સિંહને લગ્ન પાછળ થનારા ખર્ચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "મારા મિત્રો અને ચાહકો બધી વ્યવસ્થા કરે છે. અમે પોતે કંઈ કરતા નથી. કોઈ શામિયાણાનો ખર્ચ ઉઠાવી લેશે તો કોઈ બીજી કોઈ વ્યવસ્થા કરી આપશે. મારા મિત્રો આખા દેશમાં છે."

અનંત સિંહે લગ્નના ખર્ચ અંગેના સવાલનો સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, લગ્નમાં થઈ રહેલા ખર્ચને પગલે અનંત સિંહની કુલ સંપત્તિ કેટલી છે, એ જાણવાની ઉત્સુકતા વધી છે.

ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામા અનુસાર, અનંત સિંહ અને તેમનાં પત્ની નીલમ દેવી પાસે કુલ 100 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકત છે.

સાંસદની જે દીકરીનાં લગ્ન છે, તેના નામે એક પણ બૅન્ક ખાતું નથી

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અનંત સિંહના પૈતૃક ગામમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

65 વર્ષના અનંત સિંહ 2005થી મોકામા બેઠક પરથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તેમનાં પત્ની નીલમ દેવી આ બેઠક પરથી માત્ર થોડા સમય માટે ધારાસભ્ય રહ્યાં હતાં.

2025ની વિધાનસભા ચૂંટણી વખતે રજૂ કરવામાં આવેલા સોગંદનામા અનુસાર, અનંત સિંહ પાસે 26 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે, જ્યારે તેમનાં પત્ની પાસે 13 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે.

રોકડ રકમની વાત કરીએ તો અનંત સિંહ પાસે 15 લાખ રૂપિયા છે, જ્યારે નીલમ દેવી પાસે 34 લાખ રૂપિયા છે. પટના અને બાઢમાં અનંત સિંહનાં પાંચ બૅન્ક ખાતાં છે, જ્યારે તેમનાં પત્ની નીલમ દેવીનાં નામે 12 બૅન્ક ખાતાં છે.

અનંત સિંહે પોતાના સોગંદનામામાં ચાર આશ્રિતોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમનાં પુત્રી શિવાંગી સિંહનું નામ પણ સામેલ છે. શિવાંગીનાં લગ્ન થઈ રહ્યાં છે, પરંતુ તેમના નામે એક પણ બૅન્ક ખાતું નથી. બીજી તરફ, અન્ય ત્રણ આશ્રિતોનાં નામે બૅન્ક ખાતાં છે.

સોગંદનામા અનુસાર, અનંત સિંહ પાસે દર્પ કન્સ્ટ્રક્શન નામની કંપનીમાં 34.375 ટકા હિસ્સો છે, જેની કિંમત આશરે 10.18 કરોડ રૂપિયા છે. બીજી તરફ, તેમનાં પત્ની નીલમ દેવી પાસે રાજનંદિની પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસએસજીસી કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના શેર છે, જેની ખરીદકિંમત 21 લાખ 50 હજાર રૂપિયા છે.

નીલમ દેવીએ જીવન વીમામાં 37 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે.

પત્નીને આઠ કરોડની લોન, બે કરોડની લૅન્ડ ક્રૂઝર

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અનંત સિંહ અને નીલમ દેવીના પટણાસ્થિત નિવાસસ્થાને ઊભેલી ગાડીઓ

સોગંદનામા અનુસાર, અનંત સિંહે તેમનાં પત્ની નીલમ દેવીને આઠ કરોડ 37 લાખ રૂપિયાની લોન આપી છે, જ્યારે અન્ય લોકોને ત્રણ કરોડ 75 લાખ રૂપિયાનું ધિરાણ આપ્યું છે.

બીજી તરફ, નીલમ દેવીએ પણ 10 કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ આપ્યું છે. આમ, આ દંપતીએ કુલ 22 કરોડ રૂપિયાથી વધુની રકમ ધિરાણ પેટે આપી છે.

અનંત સિંહ પાસે ત્રણ કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં વાહનો છે. તેમાં 48 લાખ રૂપિયાની ટોયોટા ફૉર્ચ્યુનરનો પણ સમાવેશ થાય છે, જે તેમણે 2024માં ખરીદી હતી.

અનંત સિંહ પાસે 2013માં ખરીદેલી મહિન્દ્રા એક્સયુવી 500 અને 2015માં ખરીદેલી બે કરોડ 70 લાખ રૂપિયાની લૅન્ડ ક્રૂઝર પણ છે.

બીજી તરફ, તેમનાં પત્ની નીલમ દેવી પાસે ઇનોવા ક્રિસ્ટા, મહિન્દ્રા થાર અને ફૉર્ચ્યુનર સિગ્મા છે. અનંત સિંહ અને નીલમ દેવીનાં વાહનોની કુલ કિંમત ચાર કરોડ રૂપિયાથી વધુ છે.

સોગંદનામા અનુસાર, અનંત સિંહ પાસે 150 ગ્રામ સોનું છે, જેની કિંમત આશરે 15 લાખ રૂપિયા છે. બીજી તરફ, નીલમ દેવી પાસે આશરે 700 ગ્રામ સોનું અને છ કિલો ચાંદી છે, જેની કિંમત 71 લાખ રૂપિયાથી વધુ છે.

અનંત સિંહ પાસે એક લાખ 90 હજાર રૂપિયાની કિંમતનાં ઘોડા, ગાય, હાથી અને ભેંસ પણ છે.

અનંત પાસે 11 કરોડની, તો નીલમ પાસે 49 કરોડની સ્થાવર મિલકત

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પટનાસ્થિત પોતાના નિવાસસ્થાને ઊભેલા અનંત સિંહના ઘોડા

અનંત સિંહની ખેતીલાયક જમીનની કિંમત 15 લાખ રૂપિયા છે, જ્યારે નીલમ દેવી પાસે આવી જમીનની કિંમત છ કરોડ રૂપિયાથી વધુ છે. અનંત સિંહ પાસે બિનખેતીલાયક જમીન માત્ર તેમના પૈતૃક ગામ નદવાંમાં છે, જેની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ છે.

બીજી તરફ, નીલમ દેવી પાસે પટણાના પાટલીપુત્ર, બંદર બગીચા, બિરલા મંદિર અને બોરિંગ કેનાલ રોડ ઉપરાંત ઉત્તર પ્રદેશના જીબી નગરમાં પણ જમીન છે.

કમર્શિયલ બિલ્ડિંગની વાત કરીએ તો અનંત સિંહ પાસે ફ્રેઝર રોડ પર હસન મંઝિલ છે, જેની વર્તમાન કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે.

બીજી તરફ, નીલમ દેવી પાસે પટનાના પાટલીપુત્ર, બંદર બગીચા અને દક્ષિણ કૃષ્ણાપુરીમાં મિલકતો છે. આ ઉપરાંત, બાઢના બેરહના અને ગુરુગ્રામમાં તેમની એક ઓફિસ પણ છે, જેની કિંમત 13 કરોડ 90 લાખ રૂપિયા છે.

અનંત સિંહ પાસે તેમના પૈતૃક ગામ નદવાંમાં રહેણાક મકાન છે.

નીલમ દેવી પાસે પટણાના બોરિંગ રોડ પર 5,700 ચોરસ ફૂટનો એક ફ્લેટ અને દિલ્હીના જીકે વિસ્તારમાં 2,100 ચોરસ ફૂટનો ફ્લેટ છે. આ બંને ફ્લેટની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધુ છે.

સમાજસેવા, વ્યવસાય અને ખેતી

અનંત સિંહે આ સોગંદનામામાં પોતાનો વ્યવસાય સમાજસેવા, બિઝનેસ અને ખેતી દર્શાવ્યો છે. તેમનાં પત્ની નીલમ દેવીનો વ્યવસાય પણ આ જ દર્શાવ્યો છે.

આવકના સ્રોત તરીકે મકાનનાં ભાડાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સોગંદનામામાં અનંત સિંહ પર બે કરોડ રૂપિયા અને તેમનાં પત્ની પર 23 કરોડ રૂપિયાથી વધુનું દેવું હોવાનું પણ જણાવાયું છે.

અનંત સિંહે કાર ખરીદવા માટે બે કરોડ રૂપિયાની લોન લીધી છે. બીજી તરફ, તેમનાં પત્નીએ કાર લોન ઉપરાંત ખેતી માટે પણ લોન લીધી છે.

આ ઉપરાંત, નીલમ દેવીએ અનંત સિંહ પાસેથી આઠ કરોડ રૂપિયા અને રાજનંદિની પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 12 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે. અનંત સિંહે પણ આ કંપની પાસેથી 10 લાખ રૂપિયાની વ્યક્તિગત લોન લીધી છે.

અનંત સિંહ સામે 28 ફોજદારી કેસ પડતર છે. તેમાં હત્યા, હત્યાની ધમકી, ગુનેગારોને આશ્રય આપવો અને અપહરણ જેવા ગંભીર ગુનાઓના કેસનો સમાવેશ થાય છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અનંત સિંહને આગામી પહેલી ડિસેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. અનંત સિંહનાં પુત્રી શિવાંગી સિંહનાં લગ્નને કારણે અદાલતે તેમને ચાર અઠવાડિયાંની મુદત આપી હતી. આ આદેશ અંગે પ્રતિક્રિયા આપતાં અનંત સિંહે કહ્યું હતું કે તેમને ન્યાયતંત્ર પર ભરોસો છે અને તેઓ આત્મસમર્પણ કરશે.

સુપ્રીમ કોર્ટે આ આદેશ દુલારચંદ યાદવની હત્યાના કેસમાં આપ્યો હતો. 2025માં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન દુલારચંદ યાદવની હત્યા કરવામાં આવી હતી.

મોકામાના સ્થાનિક પત્રકાર અનુભવ કુમારે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું હતું, "અનંત સિંહ અને નીલમ દેવીને પાંચ સંતાનો છે. ત્રણ પુત્રો અને બે પુત્રીઓ. આ તેમની નાની પુત્રી છે, જેના લગ્ન થઈ રહ્યાં છે."

"આ પહેલાં મોટી પુત્રીનાં લગ્ન પણ આટલી જ ધામધૂમથી થયાં હતાં. તેમનાં લગ્ન એક સરકારી અધિકારી સાથે થયાં હતાં. જોકે, ત્યારે સોશિયલ મીડિયા આટલું પ્રભાવશાળી નહોતું, એટલે એ લગ્ન એટલાં ચર્ચામાં આવ્યાં નહોતાં."

અનંત સિંહ પોતે પણ પોતાનાં નાની પુત્રીનાં લગ્ન અંગે સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાથી નારાજ જણાય છે. આ દરમિયાન તેઓ અનેક વાર પત્રકારોને કહેતા જોવા મળે છે કે પોતે કંઈ નવું નથી કરી રહ્યા.

તેમણે મોટી પુત્રીનાં લગ્ન વખતે પણ ઘોડાદોડની સ્પર્ધા યોજી હતી અને પ્રથમ ક્રમે આવનાર વિજેતાને ગાડી ભેટ આપી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન