કોણ છે ગુજરાતી ગેઇમર સ્કાઉટઓપી, તેઓ ઑનલાઇન ગેઇમિંગથી મહિને કેટલી કમાણી કરે છે?

ઇમેજ સ્રોત, Instagaram/sc0ut
સ્કાઉટઓપી. ઑનલાઇન ગેઇમિંગ કૉમ્યુનિટી માટે આ નામ નવું ન હતું.
જોકે, છેલ્લા બેએક મહિનાથી આ નામ 'બિગ બૉસ સિઝન 20'ના સ્પર્ધક તરીકે લોકોના ડ્રૉઇંગરૂમ સુધી પહોંચી ગયું છે.
બિગ બૉસની વર્તમાન સિઝન દરમિયાન મહિલા સહસ્પર્ધક સાથેના 'ભાઈબહેન જેવા સંબંધ' હોવાનો સ્વીકાર, પછી તેનાં પ્રત્યે 'ફિલિંગ્સ જાગવી', એપછી શૉમાં ગર્લફ્રૅન્ડનું આવવું અને તેનાં દ્વારા સ્કાઉટઓપી વિશે કરાયેલી ટિપ્પણી.
એ પછીના દિવસોમાં સ્કાઉટઓપી દ્વારા માથાના વાળ ઊતારી નાખવા. આમ બિગ બૉસ 20માં તેમની સફર ચઢાવ-ઉતાર ભરેલી રહી છે.
ત્યારે સ્કાઉટઓપી કોણ છે? તેમનું ગુજરાત કનૅક્શન શું છે? તેઓ ગૅમિંગની દુનિયામાંથી મહિને કેટલી કમાણી કરે છે? બિગ બૉસમાં તેમની સફર દરમિયાન કેવા-કેવા વિવાદ થયા છે, જાણો આ વીડિયોમાં.
કોણ છે સ્કાઉટઓપી?

ઇમેજ સ્રોત, PUBG
સ્કાઉટઓપીનું ખરું નામ તન્મયસિંહ છે. તેમનો જન્મ તા. 30 જુલાઈ 1996ના રોજ ગુજરાતના વલસાડ ખાતે થયો હતો અને હાલ તેઓ મોટાભાગે મુંબઈમાં રહે છે.
તેઓ પબજી પ્લેયર તરીકે વિખ્યાત હતા અને વર્ષ 2018 આસપાસ ચર્ચામાં આવ્યા હતા. એ સમયે ભારતમાં પબજી લોકપ્રિય ગૅમ હતી.
ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ, એ પછી સપ્ટેમ્બર-2020માં ભારતે 100 જેટલી ચાઇનિઝ સોશિયલ મીડિયા, ગેઇમિંગ તથા અન્ય ઍપ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે પબજી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી તેમણી કારકિર્દીએ વળાંક લીધો છે. તેઓ ગૅમર હોવા ઉપરાંત કૉ-ફાઉન્ડરની 'ઍક્સસ્પાર્ક' (XSpark) ભૂમિકામાં છે અને બૅટગ્રાઉન્ડ્સ ઇન્ડિયા મોબાઇલ સિરીઝમાં ભાગ લે છે.
સ્કાઉટઓપી નામ કેવી રીતે પડ્યું?

ઇમેજ સ્રોત, Instagaram/sc0ut
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ અથવા ગેઇમિંગ પ્લૅટફૉર્મ્સ ઉપર તન્મયસિંહની ઓળખ 'સ્કાઉટઓપી' તરીકેની છે.
બિગ બૉસની સિઝનમાં 10મા સ્પર્ધક તરીકે સલમાન ખાનને સ્કાઉટઓપીને ઇન્ટ્રૉડ્યૂસ કર્યા, ત્યારે પૂછ્યું હતું કે 'હું તમને સ્કાઉટ કહું કે તન્મય?'
ત્યારે સ્કાઉટઓપીએ કહ્યું હતું, 'સર, તમને જે પસંદ પડે તે. તન્મય મારું ખરું નામ છે. સ્કાઉટના નામથી દુનિયા ઓળખે છે, દુનિયાએ સ્કાઉટ નામ રાખ્યું છે.'
ત્યારે સલમાન ખાને પૂછ્યું હતું, 'આ સ્કાઉટ નામ કેવી રીતે પડ્યું?' જેના જવાબમાં તન્મયસિંહે તેમનું નામ પડવા પાછળની કહાણી જણાવી હતી. તેમણે કહ્યું:
'નાનપણમાં હું શૂટિંગ ગેઇમ્સ રમતો, ત્યારે એમાં એક ગન આવતી. જેને લોકો ચલાવી શકતા ન હતા. હું તેના થકી ખૂબ સારા હેડશૉટ્સ મારતો હતો. તો લોકોએ કહ્યું કે ભાઈ આ તો ખૂબ સારો 'સ્કાઉટ' છે. તો એનું નામ જ 'સ્કાઉટ' રાખીએ. તો મિત્રો એજ નામથી બોલાવવા લાગ્યા, તો મેં એ ગેઇમનેમને જ મારું ખરું નામ બનાવી નાખ્યું.'
સૈન્યવ્યવસ્થાની તર્જ પર ગૅમિંગમાં 'સ્કાઉટ' હોય તે ટુકડીમાં સૌથી આગળ હોય છે. તે ખૂબ જ ચપળ અને સતર્ક હોય છે તથા તેની આજુબાજુમાં ચાંપતી નજર હોય છે. તે શૂટિંગમાં પણ સારો હોય છે.
મહિને આવક કેટલી?

ઇમેજ સ્રોત, Jio Hotstar/ Colors
એજ સંવાદ દરમિયાન સલમાન ખાને પૂછ્યું હતું કે, 'તમે આ જે ઇ-સ્પૉર્ટ્સ રમો છો, તે મજા માટે રમો છે કે પ્રોફેશન છે?'
તેના જવાબમાં સ્કાઉટઓપીએ કહ્યું હતું, 'સર, કિક મળે છે.'
એ પછી સલમાને પૂછ્યું કે કેટલા મળી રહે? જેના જવાબમાં સ્કાઉટઓપીએ સલમાન ખાનના કાનમાં જણાવ્યું હતું કે '20થી 30ની આસપાસ...' આ વાત માઇક્રૉફોનમાં પકડાય ગઈ હતી.
જોકે, એ પછી સલમાન ખાનની પ્રતિક્રિયાને પગલે કોઈ શંકા રહી નહોતી. ચોંકી જતા સલમાન ખાને કહ્યું, 'શું 30? મહિનાના 30 લાખ રૂપિયા.' એ પછી સ્કાઉટઓપી મંચ પર જ શરમાઈ ગયા હતા અને પાછળ વળી ગયા હતા. આ તેમણે જાતે જાહેર કરેલી રકમ હતી, જેની સ્વતંત્રપણે ખરાઈ થઈ શકે એમ નથી.
સ્કાઉટઓપીએ વર્ષ 2022માં યુટ્યૂબ ઉપર પોતાના દમણ ખાતેના ઘરની હોમ ટૂર કરાવી હતી. આધુનિક સુવિધાઓ સભર ઘરમાં સ્કાઉટઓપીએ ગેઇમિંગ માટે અલગથી વ્યવસ્થા કરી હોવાનું દેખાડ્યું હતું.
તેઓ યુટ્યુબની એક ચૅનલ પર 53 લાખ જેટલા સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર લગભગ 59 લાખ અને ટ્વિટર ઉપર ચાર લાખ ફોલૉઅર્સ છે. સામાન્ય રીતે આ પ્લૅટફૉર્મ્સ પરથી ઍડ રૅવન્યૂ તથા બ્રાન્ડ ઍન્ડોર્સમેન્ટની આવક થતી હોય છે.
આ સિવાય સૅલિબ્રિટી તરીકે કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ફિસ મળતી હોય છે, જેનું આકલન ન થઈ શકે.
બિગ બૉસના પછીના ઍપિસોડ્સ દરમિયાન સલમાન ખાને કહ્યું, 'તમે એક મહિનામાં કેટલી કમાણી કરો છે, એ તમે મને જણાવી હતી, પરંતુ મને બહારથી જાણ થઈ છે કે તમે એનાથી ઘણી વધુ કમાણી કરો છો.'
આ વાત સાંભળીને સ્કાઉટઓપીએ પોતાનો ચહેરો છૂપાવી દીધો હતો. બિગ બૉસમાં સામેલ થવા માટે પણ સ્કાઉટઓપીને ફિસ મળેલી છે.
બિગ બૉસ 20ની સફર
બિગ બૉસની સફર ચઢાવ-ઉતાર ભરેલી રહી છે. એક તબક્કે તેમણે સ્કાઉટઓપીએ ઘરને છોડી દેવાની વાત કરી હતી. ત્યારે સલમાન ખાને તેને યાદ અપાવ્યું હતું કે તેનો મતલબ કૉન્ટ્રેક્ટનો ભંગ થશે અને તેણે આયોજકોને પૅનલ્ટી ભરવી પડી શકે છે.
બિગ બૉસના સ્પર્ધકોને અઠવાડિયાના હિસાબે રકમ મળે છે. જે તેમણે જીતેલી રકમથી (જો જીતે તો) અલગ હોય છે.
એ પછી ગત અઠવાડિયે સ્કાઉટઓપીએ બિગ બૉસના ઘરમાં પોતાના માથના વાળ ઉતારી નાખ્યા હતા. ચૅનલે તેના પ્રૉમોની સાથે ફિલ્મ 'કબીરસિંહ'નું 'બેખયાલી...' ગીત મૂક્યું હતું.
જેના પગલે સ્કાઉટઓપીનાં માતાએ સોશિયલ મીડિયા ઉપર વૉઇસ-નોટ દ્વારા સ્કાઉટના માનસિક આરોગ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે રીતે પ્રૉમોટ ઍડિટ કરવામાં આવ્યો, તેનાથી લોકોના માનસમાં તેમના દીકરાની ખોટી છાપ ઊભી થાય એમ છે.
'બિગ બૉસ 20' દરમિયાન સ્કાઉટઓપીના સફરની કેન્દ્રમાં અન્ય એક સ્પર્ધક લવ ગીલ રહ્યાં છે.
તાજેતરમાં 'વિકઍન્ડ કા વાર'માં હંગામી હોસ્ટ રોહિત શેટ્ટીની સાથે સાથે જ સ્વીકાર્યું હતું કે કાશ્વી સાથે તેમની સગાઈ થઈ છે. કાશ્વી હિરાનંદાની આવ્યાં. જેનાં પ્રૉમોમાં સ્કાઉટઓપીએ કહ્યું હતું કે લવ ગીલ તેમનાં બહેન જેવાં છે.
કાશ્વીએ કહ્યું હતું, 'તમારા દરેક વર્ડ અને સ્પર્શ ઉપર ઝૂમ-ઇન કરવામાં આવે છે. તમે મારી સરખામણી એની સાથે કેવી રીતે કરી શકો? કેવી સૉફ્ટ કૉર્નર? કેવું કન્ફ્યૂઝન? તમે કઈ હોડીમાં સવાર છો?'
સ્કાઉટઓપીને સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે, ત્યારે કાશ્વી કહે છે, 'મને સૂગ ચડે છે. મારો પરિવાર શરમ અનુભવે છે.'
એ પછી કાશ્વી કહે છે, 'બૅકગ્રાઉન્ડ કૅરેક્ટરની જેમ એક છોકરીની પાછળ ફરી રહ્યા છો.'
એ પહેલાં રોહિત શેટ્ટીએ કહ્યું હતું, 'લવ, એ જ્યારે તમારા પગ, હાથ અને ગરદન પર મસાજ કરવા માટે કહો છો, ત્યારે સારું નથી લાગતું. તમે એને પાછળથી સમાજ કરવા માટે કહો છો અને સ્કાઉટ તમારી પીંડીઓને મસાજ કરે તે સારું નથી લાગતું.'
સાથે જ રોહિત શેટ્ટીએ ઉમેર્યું હતું કે 'હું નથી કહેતો ઇરાદા ખરાબ છે, પરંતુ તે બહારથી સારું નથી લાગતું.'
મહત્ત્વપૂર્ણ માહિતી -
દવા અને થૅરાપી દ્વારા માનસિક સમસ્યાઓનો ઈલાજ શક્ય છે. આને માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























