IND VS NZ : મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને ન રમાડતા વિવાદ કેમ થયો?

ઇમેજ સ્રોત, GETTY/ANI
ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમૅચમાં મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને સામેલ ન કરવાને લઈને વિવાદ થઈ રહ્યો છે.
સુનિલ ગાવસ્કર સહિતના અનેક નિષ્ણાતોએ મોહમ્મદ સિરાજની પસંદગી ન કરવાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ગુરુવારે વૅલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ. તેમાં ચાર ભારતીય બૉલર જસપ્રીત બુમરાહ, આકાશદીપ, અંશુલ કંબોજ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે. વૉશિંગ્ટન સુંદરને સ્પિન ઑલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હૅમસ્ટ્રિંગની ઈજા બાદ પ્રસિદ્ધ કૃષ્ણા ન્યૂઝીલૅન્ડ પહોંચ્યા હતા.
આ જ પ્રવાસ દરમિયાન ઇન્ડિયા-એ અને ન્યૂઝીલૅન્ડ-એ વચ્ચે રમાયેલી ટેસ્ટમૅચમાં સિરાજે એક ઇનિંગ્સમાં 118 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
ટૉસ સમયે ભારતીય ટીમના કપ્તાન શુભમન ગિલે કહ્યું, "સિરાજ અને ગુરનૂર બ્રાર, બંનેને બહાર મૂકવા ખૂબ મુશ્કેલ હતું."
જોકે, બુધવારે ભારતના બૉલિંગ કોચ મોર્ને મોર્કલે મોહમ્મદ સિરાજના વખાણ કર્યા હતા, પરંતુ સાથે એ પણ કહ્યું હતું કે, "કાલે શું થાય છે તે જોઈએ."
હવે સિરાજ અને રવીન્દ્ર જાડેજાને બહાર બેસાડવામાં આવતા પ્રશ્નો ઊઠી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ કૅપ્ટન સુનીલ ગાવસ્કરે સિરાજને બહાર બેસાડવા પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.
પૂર્વ ક્રિકેટર વસીમ જાફર અને કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન આપતા આશ્ચર્ય વ્યક્ત કર્યું. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેસ્ટમૅચનો પહેલો દિવસ પૂર્ણ થયા પછી ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું, 'ટીમ મૅનેજમેન્ટ, કૅપ્ટન જ્યારે ટીમની પસંદગી કરે છે ત્યારે તે સૌથી સારા 11 ખેલાડીઓની પસંદગી કરતા હોય છે. બધાને અહેસાસ થયો હશે કે આ બેસ્ટ છે. તો કર્યું હશે. '
રવીન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ ન કરવા અંગે સિતાંશુ કોટકે કહ્યું, 'ન્યૂઝીલૅન્ડની ટીમમાં ટોચના ચાર ખેલાડીઓ ડાબોડી છે માટે ઑફ સ્પિનરની પસંદગી કરવામાં આવી અને તે (વૉશિંગટન સુંદર) સારી રીતે બેટિંગ કરી શકે છે. જાડેજા સારા ઑલરાઉન્ડર છે, તેમણે સારું કર્યું છે. પણ આ સમયે અમને એવું લાગ્યું કે આ મૅચ માટે આ સારી જોડી છે. તો અમે આમની પસંદગી કરી.'
ગાવસ્કરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર સુનીલ ગાવસ્કરે સોની સ્પૉર્ટ્સ પરની એક ચર્ચા દરમિયાન કહ્યું, "જ્યારે તે ટેસ્ટ ટીમ સાથે વહેલા જોડાયા નહોતા, ત્યારે જ તેના સંકેતો મળી ગયા હતા. જ્યારે તેણે છેલ્લી વન-ડે રમી, ત્યારે મને લાગ્યું હતું કે તેઓ તેને ટેસ્ટમાં રમાડવાના છે. પરંતુ આ આશ્ચર્યજનક બાબત છે. મને લાગતું નથી કે તેમણે ભારતને નિરાશ કર્યું છે. તેમણે ભારતને કદી નિરાશ કર્યું નથી."
ગાવસ્કરે એ પણ સ્પષ્ટ કર્યું કે, સિરાજની વર્તમાન ફૉર્મ અથવા લયમાં એવો કોઈ ઘટાડો આવ્યો નહોતો કે જેના કારણે તેને ટીમમાં લેવામાં ન આવે.
ગાવસ્કરે ગયા વર્ષે ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન સિરાજના શાનદાર પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં કહ્યું, "તેમની બૉલિંગમાં કંઈપણ ખોટું થયું નથી. તેમની લય સારી છે. તાજેતરમાં તેમણે જે પણ ક્રિકેટ રમી છે, મેં જેટલું જોયું છે તે મુજબ તેઓ સંપૂર્ણ રીતે ઠીક રહ્યા છે. તેમને શા માટે પસંદ કરવામાં આવ્યા નથી તે મને ખબર નથી. હું માત્ર એટલી જ આશા રાખું છું કે જે ખેલાડીઓને તેની પહેલાં પસંદ કરવામાં આવ્યા છે તેઓ સારું પ્રદર્શન કરે."
તેમણે કહ્યું, "પ્રસિદ્ધ કૃષ્ણાએ એક કે બે વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અંશુલ કંબોજ અને આકાશદીપનો મામલો પણ એવો જ છે. બીજી તરફ તમારા સૌથી અનુભવી બૉલરોમાંના એક મોહમ્મદ સિરાજ ઉપલબ્ધ હોવા છતાં, તમે તેમને સામેલ કર્યા નથી."
"મારા મત મુજબ તમારા ટોચના ચાર બૉલરોમાં સિરાજનો સમાવેશ નથી થતો, એ સમજવું થોડું મુશ્કેલ છે. હું એવું નથી કહી રહ્યો કે તેઓ વિકેટ લઈ રહ્યા નથી અથવા તેની ઇકૉનૉમી રેટ સારી નથી. પરંતુ જો આજે પ્રથમ સત્ર દરમિયાન થોડી વધુ વિકેટ લેવામાં આવી હોત, તો કહાણી કંઈક અલગ હોત."
ગુરુવારથી શરૂ થયેલી આ પ્રથમ ટેસ્ટમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. એક સમયે ન્યૂઝીલૅન્ડનો સ્કોર પાંચ વિકેટે માત્ર 70 રન હતો. પરંતુ શરૂઆતના ઝટકાઓમાંથી બહાર આવીને ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસના અંતે પાંચ વિકેટે 243 રન બનાવી લીધા હતા.
હૅનરી નિકોલસ 113 રન બનાવીને અને ગ્લેન ફિલિપ્સ 94 રન બનાવીને અણનમ રહ્યા હતા.
જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે આકાશદીપ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ લીધી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ પણ સિરાજને બહાર બેસાડવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.
તેમણે કહ્યું, "આ ખૂબ મહત્ત્વપૂર્ણ મૅચ છે. તમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે મહત્ત્વપૂર્ણ મૅચ રમી રહ્યા છો ત્યારે સિરાજને ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર રાખવા સમજણ બહારની વાત છે."
રવીન્દ્ર જાડેજાને બહાર બેસાડવાને લઈને પણ થયા પ્રશ્નો

ઇમેજ સ્રોત, ANI
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન ન આપવા વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, 'ટેસ્ટમૅચ જીતાડી આપે તેવા બૉલર સિરાજ અને જાડેજાને પડતા મૂકવામાં આવ્યા તે ગાંડપણ ભર્યું છે. આખા દિવસ દરમિયાન માત્ર એક જ બૉલર બુમરાહે વિકેટ લીધી અને તેણે વધારે બૉલ નાખ્યા. બીજા બૉલરોએ ઘણી મહેનત કરી પરંતુ તેઓ 20 વિકેટ લઈ શકે તેવું લાગતું નથી.'
રાજદીપ સરદેસાઈએ પ્રશ્ન પૂછતા લખ્યું, 'કદાચ હું ખોટો સાબિત થાઉં, પણ પહેલા દિવસના અંતે આ એક અત્યંત ખરાબ નિર્ણય લાગે છે. કોઈ સ્પષ્ટતા છે? કે પછી ક્રિકેટ પણ રાજકારણ જેવું બની ગયું છે: અગવડભર્યા પ્રશ્નો ન પૂછો! જવાબ નહીં મળે.'
પૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર વસીમ જાફરે પ્લેઇંગ ઇલેવનને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ દ્વારા વસીમ જાફરે કહ્યું, "ન્યૂઝીલૅન્ડના ડાબોડી બેટરોને ધ્યાનમાં રાખીને જાડેજાની જગ્યાએ વૉશિંગ્ટન સુંદરને પસંદ કરવાની વાત હું સમજી શકું છું. પરંતુ સિરાજને ટીમમાંથી બહાર રાખવું આશ્ચર્યજનક છે."
તેમણે ઍક્સ પર લખ્યું, 'જે ખેલાડીએ એકલા હાથે ઇંગ્લૅન્ડ સામે શ્રેણી બરાબરી પર લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને જેઓ વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બૉલર છે, તેમને અનુકૂળ પરિસ્થિતિઓમાં પણ ટીમમાં સ્થાન ન મળ્યું?'
"ભારતને પહેલા દિવસથી જ સિરાજની ખોટ અનુભવાઈ રહી છે. આવી પરિસ્થિતિઓ સિરાજ માટે જ અનુકૂળ છે. તેઓ પોતે સતત મહેનત અને ઊર્જાથી બેટરોને થકવી દે છે, તેમની ભાગીદારીઓ તોડે છે અને મૅચમાં કંઈક કરીને બતાવે છે. આ નિર્ણય સ્વીકારવો ખૂબ મુશ્કેલ છે!"
ક્રિકેટ નિષ્ણાત અને કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ઍક્સ પર લખ્યું, "આ જોઈને આશ્ચર્ય થયું અને નિરાશા થઈ કે ભારતે સિરાજને ટીમમાંથી બહાર રાખ્યા છે. ટીમ માટે તેને જે પણ જવાબદારી સોંપવામાં આવી, તેણે તે બખૂબી નિભાવી છે. બુમરાહની ગેરહાજરીમાં તેમણે બૉલિંગ આક્રમણની જવાબદારી સંભાળી છે અને તેઓ સકારાત્મક વિચારધારા ધરાવતા ઉત્તમ ટીમ ખેલાડી છે. કંબોજને શુભેચ્છા આપવી જોઈએ, પરંતુ આશા છે કે સિરાજ સાથે આ નિર્ણયની ખૂબ જ પ્રામાણિક ચર્ચા કરવામાં આવશે."
સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતા સોશિયલ મીડિયા પર લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. કેટલાક યુઝર્સે ટીમ મૅનેજમેન્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી, તો કેટલાકે ઝડપી બૉલર પ્રસિદ્ધ કૃષ્ણાના પ્રદર્શનની તુલના સિરાજ સાથે કરી.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક યુઝરે લખ્યું, "જસપ્રીત બુમરાહ ટીમમાં આવે એટલે ભારતીય બૉલિંગનું સ્તર અલગ જ થઈ જાય છે. પરંતુ જ્યાં બાકીના બૉલરો પ્રતિ ઓવર ત્રણથી ઓછા રન આપી રહ્યા છે, ત્યાં કૃષ્ણા આઠ ઓવરમાં લગભગ પ્રતિ ઓવર પાંચ રન આપી રહ્યા છે."
યુઝરે સિરાજને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાના નિર્ણય પર પણ પ્રશ્ન ઉઠાવ્યો.
તેમણે ઍક્સ પર લખ્યું, "સિરાજે શ્રેણીમાં માત્ર એક જ વન-ડે રમી છે અને બીજી ટેસ્ટમાં પણ તેને તક મળશે કે નહીં, તે નક્કી નથી."
તેમણે કોચ ગૌતમ ગંભીર અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (બીસીસીઆઈ) પાસે આ નિર્ણય અંગે જવાબ માંગ્યો.
અન્ય એક યુઝરે પણ સિરાજની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી.
તેમણે ઍક્સ પર લખ્યું, "સિરાજે વિદેશી પરિસ્થિતિઓમાં અનેક વખત ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તેના જેવા અનુભવી બૉલરને બહાર રાખવો સમજણ બહારની વાત છે."
આ યુઝરે ટીમ મૅનેજમેન્ટની પસંદગીને નિરાશાજનક નિર્ણય ગણાવ્યો.
સોશિયલ મીડિયા પર આવેલી આ પ્રતિક્રિયાઓમાં મુખ્યત્વે સિરાજને ટીમમાંથી બહાર રાખવા અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવાના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























