શૅરબજારમાં લિસ્ટિંગ વખતે ઍન્થ્રોપિક દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપનીઓ પૈકી એક બની - ન્યૂઝ અપડેટ

ઍન્થ્રોપિકનું લિસ્ટિંગ
ઇમેજ કૅપ્શન, ઍન્થ્રોપિકનું લિસ્ટિંગ
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

શૅરબજારમાં તેના શૅરનું ટ્રેડિંગ શરૂ થયા પછી ઍન્થ્રોપિક એ વિશ્વની સૌથી મૂલ્યવાન જાહેર કંપનીઓમાંની એક બની ગઈ છે. તેનું વેલ્યુએશન આશરે 1.76 ટ્રિલિયન ડૉલર જેટલું થયું છે.

ગુરુવારે નાસ્ડેક સ્ટોક ઍક્સચેન્જમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીનું પદાર્પણ એ આ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્ત્વપૂર્ણ કસોટી હતું, કારણ કે ટેકનૉલૉજીને આગળ વધારવા માટે મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવામાં આવી રહ્યા છે.

ઍન્થ્રોપિકના શૅર તેના 83 ડૉલર પ્રતિ શેરની ઍલોકેશન પ્રાઇઝને વટાવી ગયા હતા જે દર્શાવે છે કે AI ની આજુબાજુ ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

પરંતુ ટ્રેડિંગના થોડા કલાકોમાં જ, ઍન્થ્રોપિકના શૅરે બતાવ્યું કે રોકાણકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં જઈ રહ્યું છે તેના અંગે અનિશ્ચિત છે. શૅરનો ભાવ તાત્કાલિક વધીને 111.53 ડૉલર સુધી ગયો હતો જેનાથી કંપનીનું બજાર મૂલ્ય લગભગ 2 ટ્રિલિયન ડૉલર થયું હતું. જોકે, દિવસના અંત સુધીમાં શેર 97.17 ડૉલર પર બંધ થતાં તે ઘટી ગયું.

કેટલાક રોકાણકારોએ જણાવ્યું હતું કે ઍન્થ્રોપિકનું ડેબ્યૂ સફળ રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે દિવસ દરમિયાન શૅર લગભગ 17 ટકા વધ્યા હતા, પરંતુ વ્યાપક ટેક માર્કેટે સારું પ્રદર્શન કર્યું ન હતું.

ભારત-પાકિસ્તાનના સંબંધો અંગે રાહુલ ગાંધીને અમેરિકામાં પૂછાયો સવાલ, તેમણે શું કહ્યું?

રાહુલ ગાંધી
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી યુનિવર્સિટી ઑફ શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં

યુનિવર્સિટી ઑફ શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ઘણા લોકોએ સવાલ પૂછ્યા હતા.

આ કાર્યક્રમમાં પાકિસ્તાની મૂળના એક યુવાને રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો હતો.

આ યુવકે સવાલ પૂછ્યો હતો કે, "શું બંને દેશો ભૂતકાળના આરોપ-પ્રત્યારોપોને ભૂલીને સંયુક્ત ફાયદા માટે આગળ વાતચીત કરી શકે છે? શું બંને દેશો વચ્ચે કોઈ સ્કોપ છે?"

આ સવાલનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, "હા, સ્કોપ છે પરંતુ એક મોટી સમસ્યા છે. પાકિસ્તાન દ્વારા અમારા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન અને ટેકો આપવામાં આવે છે."

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "અમારા દેશના નિર્દોષ નાગરિકોને એક તરફ મારવામાં આવે એ સ્વીકારી લેવું અને પાકિસ્તાન સાથે વાતચીત કરવી એ અશક્ય છે. જે ઘડીએ એ અટકી જશે ત્યારે કદાચ વાતચીત ચાલુ થઈ શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન