વર્ષ 2070 સુધીમાં ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમોની વસ્તી કેટલી હશે? વિશ્વનું ધાર્મિક ચિત્ર કેવી રીતે બદલાશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભારતમાં દિવાળી એક મહત્ત્વનો તહેવાર છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

આગામી અનેક દાયકાઓ સુધી ભારત હિંદુ બહુમતી ધરાવતો દેશ બની રહેશે. જોકે, અહીંના ધાર્મિક ચિત્રમાં ધીમે ધીમે પરિવર્તન આવવાની ધારણા છે.

પ્યૂ રિસર્ચ સેન્ટરના એક નવા અભ્યાસમાં વર્ષ 2070 સુધીમાં વિશ્વની ધાર્મિક વસ્તી કેવી હશે તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ અભ્યાસ મુજબ, વર્ષ 2070 સુધીમાં ભારતની કુલ વસ્તીમાં હિંદુઓનો હિસ્સો 76 ટકા હશે. વર્ષ 2020માં આ હિસ્સો 79 ટકા હતો.

બીજી તરફ, આ સમયગાળા દરમિયાન દેશની વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો 15 ટકાથી વધીને 20 ટકા થવાની ધારણા છે.

આ પરિવર્તનનું મુખ્ય કારણ બંને સમુદાયોની સરેરાશ ઉંમર અને પ્રજનન દરમાં રહેલો તફાવત છે. ભારતમાં મુસ્લિમોની સરેરાશ ઉંમર હિંદુઓ કરતાં ઓછી છે અને તેઓ સરેરાશ વધુ બાળકોને જન્મ આપે છે.

પ્યૂના અંદાજ મુજબ, દક્ષિણ એશિયામાં થઈ રહેલા વ્યાપક વસ્તીવિષયક ફેરફારોના કેન્દ્રમાં ભારત છે.

બીજી તરફ, ઇન્ડોનેશિયાને પાછળ રાખીને પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનવાની ધારણા છે. ત્યાર પછી ભારત બીજા ક્રમે હશે. બાંગ્લાદેશમાં પણ મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ છે.

આ અભ્યાસમાં 201 દેશોના આંકડાઓના આધારે આગામી 50 વર્ષ દરમિયાન વિશ્વમાં વિવિધ ધર્મોને અનુસરતા લોકોની વસ્તી કેટલી હશે તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તેમાં વિશ્વની લગભગ તમામ વસ્તીનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ

આ અભ્યાસમાં વર્ષ 2020થી 2070 દરમિયાન સાત ધાર્મિક જૂથોની વસ્તીનો અંદાજ એમ માનીને લગાવવામાં આવ્યો છે કે તાજેતરના વસ્તીવિષયક પ્રવાહો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વસ્તીગણતરી અને સર્વેક્ષણોના આંકડાઓના આધારે વર્ષ 2020માં દરેક ધાર્મિક જૂથની વસ્તી અને વિવિધ વયજૂથોના પ્રમાણનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રજનન દર અને ધર્મપરિવર્તનના પ્રમાણમાં રહેલા તફાવતને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે.

આ અભ્યાસનાં તારણો વિશ્વના બદલાતા ધાર્મિક પરિદૃશ્યમાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. અંદાજ છે કે વર્ષ 2070 સુધીમાં પાકિસ્તાન પછી ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો બીજા ક્રમનો દેશ હશે.

અંદાજ મુજબ, ત્યારે ભારતમાં મુસ્લિમોની વસ્તી આશરે 33.4 કરોડ હશે. પાકિસ્તાનમાં મુસ્લિમોની વસ્તી વધીને અંદાજે 46.1 કરોડ થશે. આમ, તે ઇન્ડોનેશિયાને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.

જોકે, ભારતમાં વિવિધ ધર્મોના લોકોની વસ્તી અંગે સમયાંતરે કરવામાં આવતા દાવાઓને આ અંદાજો ખાસ સમર્થન આપતા નથી.

અહેવાલ મુજબ, જો વસ્તીવધારાના વર્તમાન પ્રવાહો ચાલુ રહેશે તો વર્ષ 2020થી 2070 દરમિયાન ભારતમાં હિંદુઓની વસ્તીમાં 17.6 કરોડનો વધારો થવાની ધારણા છે. એટલું જ નહીં, દેશની કુલ વસ્તીમાં તેમનો હિસ્સો ત્રણ ચતુર્થાંશ કરતાં વધુ જળવાઈ રહેશે.

ભારતમાં કુલ પ્રજનન દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં મુસ્લિમ મહિલાઓ આજે પણ સરેરાશ હિંદુ મહિલાઓ કરતાં વધુ બાળકોને જન્મ આપે છે. પ્યૂના મતે, આ પરિવર્તનનું મુખ્ય કારણ વસ્તીવિષયક વેગ (ડેમોગ્રાફિક મોમેન્ટમ) છે.

વર્ષ 2020માં ભારતીય મુસ્લિમોની સરેરાશ ઉંમર 24 વર્ષ હતી, જ્યારે હિંદુઓની સરેરાશ ઉંમર 29 વર્ષ હતી.

પ્યૂના અંદાજ મુજબ, વર્ષ 2025થી 2030 દરમિયાન ભારતમાં મુસ્લિમ મહિલાઓ સરેરાશ 2.3 બાળકોને જન્મ આપશે, જ્યારે હિંદુ મહિલાઓમાં આ આંકડો 1.8 હશે.

પ્યૂ રિસર્ચ સેન્ટરનાં સ્ટેફની ક્રેમરે બીબીસીને જણાવ્યું હતું કે, "અમારો અંદાજ છે કે ભારતમાં ધાર્મિક વસ્તીમાં પરિવર્તનનું મુખ્ય કારણ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી જોવા મળતો વસ્તીવિષયક તફાવત હશે. મુસ્લિમોની સરેરાશ ઉંમર ઓછી છે અને તેમનો પ્રજનન દર વધુ છે."

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે છઠ પૂજાના પ્રસંગે એકત્રિત થયેલી મહિલાઓ

સ્ટેફની ક્રેમરે જણાવ્યું હતું કે, "પ્રજનન દરમાં આ તફાવત ઘણો ઘટ્યો છે. વર્ષ 1992માં પ્રત્યેક મહિલા દીઠ એક કરતાં વધુ બાળકનો તફાવત હતો, જે તાજેતરનાં વર્ષોમાં ઘટીને લગભગ અડધો રહી ગયો છે. આગામી સમયમાં પણ આ તફાવત ઘટતો રહેવાની શક્યતા છે."

"જોકે, હિંદુઓનો પ્રજનન દર અત્યારથી જ વસ્તીનું સ્થાન જાળવી રાખવા માટે જરૂરી સ્તર (રિપ્લેસમેન્ટ લેવલ) કરતાં નીચે જતો રહ્યો છે. બીજી તરફ, મુસ્લિમોનો પ્રજનન દર આગામી બે દાયકા સુધી આ સ્તર કરતાં ઊંચો રહેવાની ધારણા છે."

(રિપ્લેસમેન્ટ લેવલ એટલે પ્રજનન દરનું એવું સ્તર, જેમાં જન્મતાં બાળકોની સંખ્યા કોઈ વસ્તીને સ્થિર રાખવા માટે પૂરતી હોય છે.)

પ્રિન્સ્ટન યુનિવર્સિટીના ભારતીય વસ્તીવિષયક નિષ્ણાત કે. એસ. જેમ્સનું કહેવું છે કે આ અંદાજો આશ્ચર્યજનક નથી.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, "મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે પ્રજનન દરનો તફાવત અગાઉથી જ સ્થાપિત છે. આનો અર્થ એ છે કે આગામી કેટલાક દાયકાઓ સુધી મુસ્લિમોની વસ્તી વધવાનો દર વધુ રહેવાની શક્યતા છે. જોકે, તમામ ધાર્મિક સમુદાયોમાં પ્રજનન દર ઘટી રહ્યો છે અને આ તફાવત પણ આગામી સમયમાં વધુ ઘટવાની ધારણા છે."

તેમણે ઉમેર્યું હતું કે, "આખરે બંને સમુદાયોનો પ્રજનન દર એકસરખો થઈ જશે." તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ અંદાજો ભારતના વસ્તીવિષયક પ્રવાહોમાં કોઈ મોટા કે નાટ્યાત્મક પરિવર્તનના સંકેત આપતા નથી.

વસ્તીવિષયક નિષ્ણાતો એવા દાવાઓને ફગાવે છે, જેને હિંદુ દક્ષિણપંથી સંગઠનો વારંવાર પ્રોત્સાહન આપે છે. આ દાવાઓમાં કહેવામાં આવે છે કે ભવિષ્યમાં મુસ્લિમોની વસ્તી હિંદુઓ કરતાં વધી જશે.

નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં વસ્તીની રચનામાં પરિવર્તન પાછળ મોટા પાયે થઈ રહેલા ધર્મપરિવર્તનનો કોઈ પુરાવો નથી. તેમના મતે, આ અંદાજો "લોકોમાં ભય પેદા કરતા દાવાઓ"ને સમર્થન આપતા નથી.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં વસ્તીની દૃષ્ટિએ ભારતે ચીનને પાછળ રાખી દીધું હતું

અંદાજ છે કે વર્ષ 2070 સુધીમાં પાકિસ્તાનમાં મુસ્લિમોની વસ્તી બમણાથી પણ વધુ વધીને 46.1 કરોડ થઈ જશે અને તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.

33.4 કરોડ મુસ્લિમોની વસ્તી સાથે ભારત બીજા ક્રમે રહેશે, જ્યારે બાંગ્લાદેશમાં મુસ્લિમોની વસ્તી વધીને 21.8 કરોડ થઈ જશે.

આ દરમિયાન ભારત અને નેપાળ વિશ્વના એવા બે દેશો બની રહેશે, જ્યાં હિન્દુઓ બહુમતીમાં છે.

આ પ્રાદેશિક ફેરફારો પાછળ વિશ્વભરમાં થઈ રહેલો એક વ્યાપક બદલાવ પણ જોવા મળે છે.

અહેવાલ મુજબ, વર્ષ 2035 સુધીમાં વિશ્વમાં મુસ્લિમોની વસ્તી ખ્રિસ્તીઓની વસ્તી કરતાં વધી જવાની શક્યતા છે. વર્ષ 2070 સુધીમાં વિશ્વમાં મુસ્લિમોની સંખ્યા વધીને 364 કરોડ થઈ શકે છે. વર્ષ 2020માં આ સંખ્યા 202 કરોડ હતી.

બીજી તરફ, ખ્રિસ્તીઓની વસ્તી ત્રણ અબજથી થોડી ઓછી હશે. વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો 36 ટકા હશે. હાલમાં આ પ્રમાણ 26 ટકા છે.

પરંતુ ધાર્મિક વસ્તીના પ્રમાણમાં સૌથી મોટો ફેરફાર દક્ષિણ એશિયાથી હજારો કિલોમીટર પશ્ચિમમાં આવેલા આફ્રિકામાં થઈ શકે છે.

ખ્રિસ્તી ધર્મનું કેન્દ્ર ધીમે ધીમે યુરોપ અને અમેરિકામાંથી ખસીને સહરાના દક્ષિણમાં આવેલા આફ્રિકા તરફ જઈ રહ્યું છે.

અહેવાલ મુજબ, જો તાજેતરનાં વલણો ચાલુ રહેશે, તો વર્ષ 2070 સુધીમાં વિશ્વના અડધાથી વધુ ખ્રિસ્તીઓ આ જ વિસ્તારમાં વસતા હશે. વર્ષ 2020માં આ પ્રમાણ 31 ટકા હતું. પ્યૂનો અંદાજ છે કે ખ્રિસ્તીઓની વસ્તીની દૃષ્ટિએ કોંગો લોકશાહી પ્રજાસત્તાક અમેરિકા કરતાં આગળ નીકળી જશે અને વિશ્વમાં સૌથી વધુ ખ્રિસ્તી વસ્તી ધરાવતો દેશ બનશે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં ઈદની નમાજ અદા કરતા લોકો

અહેવાલ મુજબ, યુરોપમાં ખ્રિસ્તીઓની વસ્તીમાં સૌથી ઝડપી ઘટાડો થવાની શક્યતા છે. જો વર્તમાન વલણો ચાલુ રહેશે, તો વર્ષ 2070 સુધીમાં વિશ્વની કુલ ખ્રિસ્તી વસ્તીમાં યુરોપનો હિસ્સો ઘટીને 11 ટકા થઈ જશે. વર્ષ 2020માં આ પ્રમાણ 22 ટકા હતું.

અંદાજ છે કે વર્ષ 2065 સુધીમાં અમેરિકામાં ખ્રિસ્તીઓની વસ્તી ઘટશે. આમ છતાં, વર્ષ 2070માં પણ ખ્રિસ્તીઓ ત્યાંનો સૌથી મોટો ધાર્મિક સમુદાય બની રહેશે.

આ બદલાતા ધાર્મિક પરિદૃશ્યનું એક કારણ એવા લોકોની વધતી સંખ્યા છે, જેઓ પોતાને કોઈ ધર્મ સાથે જોડાયેલા માનતા નથી.

બ્રિટન અને ફ્રાન્સમાં વર્ષ 2070 સુધીમાં એવા લોકો બહુમતીમાં આવી જવાની શક્યતા છે, જેઓ પોતાને 'કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી' એમ જણાવે છે. દક્ષિણ કોરિયામાં પણ આવું જ થવાની ધારણા છે.

જોકે, વિશ્વની કુલ વસ્તીમાં આવા લોકોનો હિસ્સો 24 ટકાથી ઘટીને 17 ટકા થવાનો અંદાજ છે. તેનું મુખ્ય કારણ ચીનની વસ્તીમાં થનારો ઘટાડો છે. અહેવાલ મુજબ, વિશ્વમાં પોતાને કોઈ ધર્મ સાથે જોડાયેલા ન ગણાવતા લોકોમાંથી બે તૃતીયાંશ ચીનમાં રહે છે.

વર્ષ 2070 સુધીમાં બીજા કેટલાક અણધાર્યા ફેરફારો પણ જોવા મળી શકે છે.

અંદાજ છે કે હિન્દુ વસ્તીની દૃષ્ટિએ અમેરિકા વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ બની જશે. ત્યાં હિન્દુઓની વસ્તી વધવાનું એક મોટું કારણ સ્થળાંતર હશે.

બીજી તરફ, ઑસ્ટ્રેલિયામાં કોઈ ધર્મ સાથે જોડાયેલા ન હોય તેવા લોકોની વસ્તી ખ્રિસ્તીઓ કરતાં વધી જશે અને તેઓ દેશનો સૌથી મોટો સમુદાય બની જશે.

આ દરમિયાન બૌદ્ધ ધર્મની વસ્તી પર વસ્તીવિષયક દબાણ વધવાની આશંકા છે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં બૌદ્ધોની વસ્તી 50 ટકાથી વધુ ઘટાડો થઈ શકે છે.

તેનું કારણ પૂર્વ એશિયામાં વસ્તીનું વૃદ્ધ થવું અને કુલ વસ્તીમાં ઘટાડો છે. લાઓસ અને મોંગોલિયામાં પણ બૌદ્ધો બહુમતીમાં નહીં રહે એવો અંદાજ છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દિલ્હીની જામા મસ્જિદમાં ઈદ દરમિયાન કેટલાંક બાળકો

જોકે, આ અંદાજો સાથે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ વસ્તીવિષયક અંદાજો છે, ભવિષ્યમાં બનનારી દરેક ઘટનાની આગાહી નથી. પ્યૂએ સ્વીકાર્યું છે કે તાજેતરનાં વર્ષોમાં પ્રજનનદર, સ્થળાંતર અને ધર્મ બદલવાના એટલે કે ધર્માંતરણના જે વલણો જોવા મળ્યાં છે, તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એમ માનીને આ અંદાજો તૈયાર કરવામાં આવ્યા છે.

અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે કે, "એવી અનેક ઘટનાઓ છે, જે ધાર્મિક સમુદાયોની વસ્તીને અસર કરી શકે છે. તેમાં યુદ્ધો, કુદરતી આફતો, મહામારીઓ અને આર્થિક કે સામાજિક પરિસ્થિતિઓમાં થતા ફેરફારોનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં આ બાબતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું નથી."

ભારતના કિસ્સામાં વર્ષ 2020ની ધાર્મિક વસ્તીનું પ્રમાણ નક્કી કરવા માટે વર્ષ 2011ની વસ્તીગણતરીના આંકડાઓનો ઉપયોગ કરવો પડ્યો છે, કારણ કે ત્યાર પછીની વસ્તીગણતરી હજુ સુધી થઈ નથી.

આમ છતાં, ફેરફારની એકંદર દિશા સ્પષ્ટ દેખાય છે.

વિશ્વના ધાર્મિક પરિદૃશ્યમાં દક્ષિણ એશિયાની મહત્ત્વની ભૂમિકા જળવાઈ રહેશે. તેનું કારણ માત્ર ભારતની વિશાળ હિન્દુ વસ્તી જ નહીં, પરંતુ અહીં વધતી મુસ્લિમ વસ્તીનું મહત્ત્વ પણ હશે. ખ્રિસ્તી ધર્મનું ભવિષ્ય નક્કી કરવામાં આફ્રિકાની ભૂમિકા સતત વધતી જશે. બીજી તરફ, યુરોપ અને પૂર્વ એશિયાના કેટલાક વિસ્તારોમાં બિનસાંપ્રદાયિકતાનું પ્રમાણ વધશે.

સ્પષ્ટ છે કે વર્ષ 2070 સુધીમાં વિશ્વનું ધાર્મિક પરિદૃશ્ય ઘણું બદલાઈ શકે છે. આ ફેરફારો પર ધર્મપરિવર્તન કરતાં જન્મ, મૃત્યુ અને સ્થળાંતરના અસમાન દરોની વધુ અસર પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન