ચીની જાસૂસ સાથે સંબંધ અને ભારતના કુલ જીડીપી કરતાં પણ વધારે મૂલ્યની AI કંપનીના CEO પદેથી રાજીનામું, કોણ છે જેસન હુઆન?

એનવીડિયાના પૂર્વ સીઇઓ જેન્સન હુઆંગ કોણ છે, એનવીડિયાનું વિશ્વ ફલક પર શું મહત્વ છે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

યુએસ ટેક્નોલૉજી કંપની એનવીડિયાના બોર્ડે જાહેરાત કરી છે કે, તેના સીઈઓ જેન્સન હુઆંગે રાજીનામું આપી દીધું છે.

બોર્ડે જણાવ્યું હતું કે, કૉલેટ ક્રેસ — જેઓ પહેલાથી જ કંપનીના ઍક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઈનાન્શિયલ ઑફિસર છે, તેમણે વચગાળાના સીઈઓની ભૂમિકા સંભાળવા સંમતિ આપી છે.

એનવીડિયાના બોર્ડે હુઆંગના રાજીનામાની જાહેરાત કરી અને કંપનીના નેતા તરીકેના તેમના કાર્યની પ્રશંસા કરી.

બોર્ડ અને કંપનીએ જેન્સનનો "કંપની અને સમગ્ર ઉદ્યોગમાં અજોડ યોગદાન" બદલ આભાર માન્યો હતો.

"એનવીડિયામાં જેન્સનનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે," કંપનીના નિવેદનમાં જણાવાયું છે. "એનવીડિયા વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ ટેક્નોલૉજી કંપનીઓમાંની એક છે."

શું હતો સમગ્ર મામલો ?

અમેરિકન અખબાર 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના એક અહેવાલ મુજબ, ગુપ્તચર અધિકારીઓનું માનવું હતું કે, ચીની ઉદ્યોગપતિ એલિસ હુઆંગનો જેન્સન હુઆંગ સાથે ગાઢ સંબંધ હતો. અધિકારીઓનું માનવું હતું કે, તે બેઇજિંગ માટે જાસૂસી કરી રહી હતી.

અખબારે અજ્ઞાત સ્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, યુએસ ગુપ્તચર એજન્સીઓ ચીની ઉદ્યોગપતિ પર નજર રાખી રહી હતી અને તારણ કાઢ્યું હતું કે તે બેઇજિંગ માટે કામ કરી રહી હતી.

સર્વેલન્સમાં એલિસ હુઆંગ અને એક અમેરિકન નાગરિક વચ્ચેની વાતચીતનો ખુલાસો થયો હોવાનું કહેવાય છે. અમેરિકન નાગરિકની પાછળથી "અનમાસ્કિંગ" નામની પ્રક્રિયા દ્વારા જેન્સન હુઆંગ તરીકે ઓળખ કરવામાં આવી હતી.

હુઆંગ લે તરીકેની ઓળખ ધરાવનાર એલિસ હુઆંગે બેઇજિંગને કઈ માહિતી પૂરી પાડી હતી, તે કેટલી મૂલ્યવાન હતી અને તેણે ક્યારે ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું તે હજુ સ્પષ્ટ નથી.

અહેવાલ મુજબ, દેખરેખમાં શંકાસ્પદ જાસૂસ અને એક અમેરિકન નાગરિક વચ્ચેની વાતચીતનો ખુલાસો થયો હતો. એલિસ હુઆંગે અખબાર તરફથી ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો નહોતો.

તેઓ સિંગાપોરસ્થિત ડેટા સેન્ટર કંપની મૅગાસ્પીડ સાથે સંકળાયેલા છે. કંપનીએ ગયા મહિને 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ને જણાવ્યું હતું કે, તેનું વર્તમાન નેતૃત્વ આરોપોને ગંભીરતાથી લઈ રહ્યું છે અને આંતરિક તપાસ કરવા માટે બહારના કાનૂની સલાહકારોને રાખ્યા છે.

જેન્સન હુઆંગ કોણ છે?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1963માં તાઇવાનમાં જન્મેલા હુઆંગ 9 વર્ષના હતા, ત્યારે તેમના પરિવાર સાથે અમેરિકાના પશ્ચિમ કિનારે સ્થાયી થયા હતા. તેમણે ઑરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને ત્યારબાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી આ જ વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

કૉલેજમાં જ તેમની મુલાકાત તેમનાં પત્ની લોરી મિલ્સ સાથે થઈ હતી. બંને લેબ પાર્ટનર હતાં અને એનવીડિયાની સ્થાપનાનાં 8 વર્ષ પહેલાં, 1985માં તેમનાં લગ્ન થયાં હતાં. તેમને મેડિસન અને સ્પેન્સર નામનાં 2 બાળકો છે, જેઓ હાલમાં એનવીડિયામાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે.

નવી દિશામાં આગળ વધતાં પહેલાં આ કંપની ગેમિંગ માટે વપરાતી કૉમ્પ્યુટર ચિપ્સ અને સર્કિટ બનાવતી મુખ્ય કંપની હતી. હવે તે ઝડપથી વિકસતી AI ટેક્નોલૉજીને ચલાવવા માટે જરૂરી પ્રોસેસિંગ ચિપ્સ બનાવે છે.

હુઆંગે AIને વીજળીની શોધ જેવી જ એક "નવી ઔદ્યોગિક ક્રાંતિ" ગણાવી છે.

AI ઉદ્યોગ ઝડપથી વિકસતો ગયો, તેમ તેમણે કંપનીને મલ્ટિ-ટ્રિલિયન ડૉલરની સેમિકન્ડક્ટર કંપની બનાવી.

હુઆંગ શરૂઆતના તબક્કામાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્ષમતા સમજી ગયા હતા. તેમણે પોતાની કંપનીના વિડિયો ગેમ ચિપ્સના વ્યવસાયને AIના વિકાસ માટે જરૂરી સેમિકન્ડક્ટર બનાવવાની દિશામાં વાળી દીધો.

હુઆંગ એનવીડિયાનો જાહેર ચહેરો રહ્યા છે અને તેમના ચાહકોમાં તેમની લોકપ્રિયતા કોઈ રૉકસ્ટારથી ઓછી નથી.

તાઇવાનમાં તેમના ચાહકો તેમને 'ડેડી હુઆંગ' કહે છે, જ્યારે કેટલાક લોકો તેમની સરખામણી ટેક્નોલૉજી જગતનાં 'ટેલર સ્વિફ્ટ' તરીકે કરે છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, તેમની અંદાજિત કુલ સંપત્તિ 145 અબજ ડૉલર છે.

એનવીડિયાની હરીફ કંપની AMDના સીઈઓ લિસા સુ, હુઆંગના દૂરના સંબંધી છે. બંનેનો જન્મ તાઇવાનમાં થયો હતો.

એનવીડિયા શું છે?

એનવીડિયાના પૂર્વ સીઇઓ જેન્સન હુઆંગ કોણ છે, એનવીડિયાનું વિશ્વ ફલક પર શું મહત્વ છે?

એનવીડિયા શૅરબજારમાં લિસ્ટેડ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે, જેનું મૂલ્ય આશરે 4.5 ટ્રિલિયન ડૉલર (ભારતનો કુલ જીડીપી આશરે $4 ટ્રિલિયન) છે. તે અદ્યતન કૉમ્પ્યુટર ચિપ્સના અગ્રણી ઉત્પાદકોમાંની એક છે.

આ ચિપ્સ વિવિધ ટેક્નોલૉજી માટે જરૂરી છે, જેમાં વિડિયો ગેમ્સ, ડ્રાઇવરલેસ વાહનો, મોટા ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ સર્વર્સનો સમાવેશ થાય છે.

પરંતુ આ ચિપ્સ AI રેસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિ ચલાવવા માટે થાય છે, જેમાં મોટા ભાષા મૉડેલો અને જનરેટિવ AI સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

સૌથી શક્તિશાળી AI સિસ્ટમ બનાવવાની દોડમાં ચીન અમેરિકાનું સૌથી મોટું હરીફ છે. વૉશિંગ્ટને 2022થી એનવીડિયાની સૌથી અદ્યતન ચિપ્સની ચીનમાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓનો ઉલ્લેખ કરીને આ પ્રતિબંધોને વાજબી ઠેરવ્યા છે અને દલીલ કરી છે કે, આવી ચિપ્સની નિકાસ ચીનની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરી શકે છે. જોકે, રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં કેટલાંક નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન