"મને ચાર સ્તનને કારણે લોકો ચીડવતા હતા" - પછી શું કારણ બહાર આવ્યું?

- લેેખક, મેરી-લુઇસ કૉન્નોલી
- પદ, સ્વાસ્થ્ય વિષયક સંવાદદાતા, બીબીસી ન્યૂઝ NI
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
સ્કૂલમાં કિશોરી તરીકે ભણતાં હતાં ત્યારે ચાર્લી ક્લાર્કને પોતાના સ્કૂલ યુનિફૉર્મમાં ખૂબ ખરાબ લાગતું હતું. જન્મજાત શારીરિક વિકૃતિને કારણે તેઓ ખુદ પ્રત્યે એટલાં સચેત બની ગયાં હતાં કે પોતાના ક્લાસમેટ્સથી પણ દૂર રહેતાં હતાં.
ઘરે હોય ત્યારે પણ તેઓ પોતાના ડ્રેસિંગ ગાઉનને છાતી આસપાસ કસીને બાંધી રાખતાં હતાં કારણ કે તેઓ તેમની પરિસ્થિતિને છુપાવવા માગતાં હતાં.
તેમણે પોતાના માતાપિતાને પણ આ અંગે કંઈ જણાવ્યું નહોતું.
હવે 26 વર્ષનાં ચાર્લી ઘણાં વર્ષોથી 'પેક્ટસ ઍક્સકેવેટમ' નામની જન્મજાત 'કૉન્જાઇનલ ચેસ્ટ વૉલ' (છાતી ઉપર દીવાલ) સ્થિતિ સાથે જીવી રહ્યાં છે.
આ સ્થિતિમાં છાતી અંદરની તરફ ધસી ગયેલી અથવા ખાડા જેવી દેખાઈ શકે છે.
શસ્ત્રક્રિયાની રાહ જોઈ રહેલાં ચાર્લીએ જણાવ્યું કે આ સ્થિતિની ભાવનાત્મક અને શારીરિક અસરો 'કલ્પના બહારની અને ભૂલી ન શકાય તેવી' રહી છે.
તેમણે કહ્યું, "પેક્ટસ ઍક્સકેવેટમ સાથે જીવવું એ મારા માટે નરક સમાન રહ્યું છે. આ મારા શર્ટની નીચે રહેલી એક વિકલાંગતા અને શારીરિક વિકૃતિ છે."
તેમની કિશોરાવસ્થાની ઘણી કડવી યાદો છે. તેઓ શાળામાં શારીરિક શિક્ષણના પીરિયડમાં બાથરૂમમાં છુપાઈ જતાં હતાં જેથી કરીને અન્ય છોકરીઓ તેની 'ચાર સ્તનો' જેવી દેખાતી છાતી વિશે ટિપ્પણી ન કરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાઉન્ટી ડાઉનનાં રહેવાસી ચાર્લીએ કહ્યું, "એક સમય એવો આવ્યો જ્યારે મને મારો સ્કૂલ યુનિફૉર્મ પહેરતાં બહુ ખરાબ લાગતું હતું. તેનું કારણ માત્ર મારો દેખાવ જ નહોતો. પણ લોકો મારી તરફ જે રીતે જોતા અને મારી છાતી વિશે ટિપ્પણીઓ કરતા હતા તે મોટું કારણ હતું."

ઇમેજ સ્રોત, Charlie Clarke
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આવી સ્થિતિ દર 200 લોકોમાં અંદાજે એક વ્યક્તિને અસર કરે છે.આ સ્થિતિના કારણે ચાર્લીનું હૃદય અને ફેફસાં દબાઈ જાય છે.
તેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને હૃદયના ધબકારા વધે છે, જેનાથી ક્યારેક તેઓ બેભાન પણ થઈ શકે છે.
ચાર્લી ઉત્તર આયર્લૅન્ડના એવા 85 લોકોમાંનાં એક છે જેઓ પેક્ટસ સંબંધિત સ્થિતિઓ માટે સર્જરીની રાહ જોઈ રહ્યા છે.
તેમાંથી ઘણા લોકોને તેમની સર્જરી માટે બે વર્ષથી ઓછો સમય રાહ જોવી પડી છે, પરંતુ પાંચ લોકો એવા પણ છે જેઓ પાંચ વર્ષથી વધુ સમયથી રાહ જોનારાઓની યાદીમાં છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું કે તેમને ખબર છે કે ઉત્તર આયર્લૅન્ડના કેટલાક દર્દીઓએ ખૂબ લાંબી રાહ જોવી પડી છે.
તેમનું કહેવું છે કે દર્દીઓની સંખ્યા વધારે હોવા અને થોરેસિક સર્જરી સેવાઓ પરના અન્ય દબાણોને કારણે રાહ જોવાનો સમય વધ્યો છે. લોકોની યાદી ઘટાડવા માટે વધુ સર્જરીઓ કરી શકાય તે હેતુથી વધારાનું ભંડોળ પણ ફાળવવામાં આવ્યું છે, જેના પરિણામે છેલ્લાં ત્રણ વર્ષમાં પેક્ટસ સંબંધિત વધારાની સર્જરીઓ કરવામાં આવી છે.
વિભાગે વધુમાં જણાવ્યું હતું કે એક વધુ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી રાહ જોતા દર્દીઓની સંખ્યા તથા તેમની રાહ જોવાનો સમયગાળો બંને ઘટાડવામાં મદદ મળશે.
'શાળામાં રમતગમતથી દૂર થઈ જવું પડ્યું'
જો સમયસર નિદાન થઈ જાય તો દર્દીઓને ઘણી વખત સર્જરી વગર પણ સારવાર મળી શકે છે. પરંતુ તેના માટે વહેલું નિદાન અત્યંત મહત્ત્વનું છે.
સારવાર એ પેક્ટસના પ્રકાર, તેની ગંભીરતા અને દર્દીની ઉંમર પર આધાર રાખે છે.
ચાર્લીએ જણાવ્યું કે અગાઉ તેમનું ખોટું નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને ચિંતા (ઍન્ઝાયટી) હોવાની વાત પણ કહેવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, "જ્યારે મેં એક ક્લિનિકલ ટૅક્નિશિયન સામે ચૅકઅપ માટે શર્ટ ઉતાર્યો ત્યારે તેમણે કહ્યું કે સ્કેનમાં મારું હૃદય સ્પષ્ટ દેખાતું નથી કારણ કે તે દબાઈ ગયું છે. ત્યારબાદ મને થોરેસિક સર્જન પાસે મોકલવામાં આવી."
તે સમયે ચાર્લીની ઉંમર 23 વર્ષની હતી, જે સામાન્ય રીતે નૉન-સર્જિકલ માટે ખૂબ વધારે માનવામાં આવે છે.
ચાર્લીના જીવનમાં મહત્ત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ એવી વ્યક્તિને મળ્યાં કે જે તેમના અનુભવને સાચા અર્થમાં સમજતા હતા.
ઉત્તર આયર્લૅન્ડમાં કાર્યરત કન્સલ્ટન્ટ થોરેસિક સર્જન નિઆલ મેકગોનિગલ છાતીની દીવાલની વિકૃતિના નિષ્ણાત છે.
તેમનું નિષ્ણાંતપણું વિશેષ હોવાનું એક કારણ એ પણ છે કે બાળપણમાં તેઓ પોતે પણ પેક્ટસ વિકૃતિથી પીડાતા હતા અને 17 વર્ષની ઉંમરે તેમની સર્જરી થઈ હતી.
તેમણે કહ્યું, "શાળામાં મને 'ફ્રીક' અને 'મ્યુટન્ટ' કહેવામાં આવતું હતું,"
"શારીરિક શિક્ષણ માટે કપડાં બદલવા પડતા હોવાથી હું રમતગમતથી દૂર થઈ ગઈ. મારી સાથે ધાકધમકી અને સતામણી થતી હતી."
"તેનાથી જ મને તબીબી ક્ષેત્રમાં રસ જાગ્યો. સર્જરીમાં અને ખાસ કરીને પેક્ટસમાં રસ પડ્યો."

ઇમેજ સ્રોત, Charlie Clarke
મેકગોનિગલે કહ્યું કે ઉત્તર આયર્લૅન્ડમાં આ સ્થિતિને યોગ્ય રીતે માન્યતા આપવામાં આવતી નથી અને દર્દીઓ માત્ર દેખાવ સુધારવા કૉસ્મેટિક સર્જરી માગી રહ્યા હોવાનું માનીને ઘણીવાર તેમની વાત નકારી કાઢવામાં આવે છે, જ્યારે હકીકતમાં એવું નથી.
તેઓ કહે છે કે, "આ બાબતના પૂરતા પુરાવા ઉપલબ્ધ છે કે આ સ્થિતિ ફેફસાં અને હૃદય પર દબાણ સર્જે છે, જે વ્યક્તિને ગંભીર રીતે અશક્ત બનાવી શકે છે."
"જો તેનું વહેલું નિદાન થઈ જાય, તો દર્દીઓને શસ્ત્રક્રિયા વગરની સારવાર દ્વારા પણ મદદ મળી શકે છે. પરંતુ ઉત્તર આયર્લૅન્ડમાં આવી સેવાઓ ઉપલબ્ધ નથી, અને તેથી અમારા યુવાનોને સારવાર માટે ઇંગ્લૅન્ડ જવું પડે છે."
મેકગોનિગલે જણાવ્યું કે ઉત્તર આયર્લૅન્ડમાં પેક્ટસ સર્જરી માટે ઉપલબ્ધ મર્યાદિત સેવાઓને અનિયમિત ભંડોળના કારણે નુકસાન થયું છે.
ચાર્લીની સર્જરી દરમિયાન તેમની છાતીમાં બે ધાતુના બાર અને સ્ટર્નમ (છાતીના મધ્યભાગનું હાડકું)માં એક ધાતુની પ્લેટ મૂકવામાં આવશે. આ પ્રક્રિયાથી તેનું હૃદય અને ફેફસાં ફરીથી તેમની સ્વાભાવિક સ્થિતિમાં આવી શકશે.
ચાર્લીએ જણાવ્યું કે તે આ સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવવા અને અન્ય પીડિતોને મદદ કરવા માટે પોતાની વાત જાહેરમાં મૂકી રહ્યાં છે. તેમનાં નાનાં બહેનને પણ આવી તકલીફ છે.
ચાર્લીએ કહ્યું, "હું નથી ઇચ્છતી કે મારી બહેનને પણ આટલો લાંબો સમય રાહ જોવી પડે, તેનું જીવન અટકી જાય અને તેની સ્થિતિ એટલી ગંભીર બની જાય કે તે તેના જીવન માટે જોખમરૂપ સાબિત થાય."
પેક્ટસ ઍક્સકેવેટમ શું છે?

ઇમેજ સ્રોત, Niall McGonigle
પેક્ટસ ઍક્સકેવેટમને 'ફનલ ચેસ્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દરેક વ્યક્તિમાં અલગ-અલગ રીતે હોય છે. આ સ્થિતિ ધરાવતા મોટાભાગના લોકો તેનો જન્મથી જ અનુભવ કરતા હોય છે.
તેમાં દર્દીના છાતીના મધ્યભાગનું હાડકું અંદરની તરફ વળી જાય છે, જેના કારણે પાંસળીઓ વચ્ચે ખાડા જેવો ભાગ બને છે.
તેના કારણે છાતી અંદર ધસેલી અથવા ખાલી જેવી દેખાઈ શકે છે.
આ સ્થિતિ સામાન્ય રીતે બાળપણ કે કિશોરાવસ્થામાં વધુ સ્પષ્ટપણે દેખાય છે.
સારવારની એક પદ્ધતિ વેક્યુમ બેલ થેરેપી છે. આ પદ્ધતિમાં સક્શન ડિવાઇસને છાતીના અંદર ધસેલા ભાગ પર મૂકવામાં આવે છે જેથી ધીમે ધીમે છાતીનું હાડકું આગળ ખેંચી શકાય.
આ સારવાર એવા યુવાનોમાં સૌથી વધુ અસરકારક છે જેમની છાતીની દીવાલ લવચીક હોય અને વિકૃતિ પ્રમાણમાં ઓછી ગંભીર હોય.
બીજી સારવાર કમ્પ્રેશન બ્રેસિંગ છે. તેમાં દર્દી માટે વિશેષ રીતે તૈયાર કરાયેલા બ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ખાસ કરીને કિશોરાવસ્થાના દર્દીઓમાં સૌથી વધુ અસરકારક રહે છે.

પરંતુ એકવાર વયસ્ક અવસ્થામાં છાતી કઠોર બની જાય પછી સામાન્ય રીતે તેની અસર ઓછી થાય છે.
પોતાના નિવેદનમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે 2023માં કરવામાં આવેલી કામગીરી પછી 'પેક્ટસ કેરિનેટમ' માટે 'શસ્ત્રક્રિયા વગરની બ્રેસિંગ સેવા' શરૂ કરવામાં આવી હતી.
વિભાગે ઉમેર્યું કે તેની સમજ મુજબ, 'યોગ્ય રીતે પસંદ કરાયેલા દર્દીઓમાં આ સારવાર સર્જરીની જરૂરિયાતને દૂર કરી શકે છે.'
"આ સેવાની અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં એવી સ્થિતિઓ માટે ઑપરેશન થિયેટરની ઉપલબ્ધ ક્ષમતા વધારવાની તેની સંભાવનાનો પણ સમાવેશ થશે, જેનો ઉકેલ માત્ર સર્જરી દ્વારા જ શક્ય છે."
ગયા મહિને, સમગ્ર યુકેમાંથી દર્દીઓ અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો આ સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બેલફાસ્ટમાં મળ્યા હતા.
ચેરિટી સંસ્થા પેક્ટસ મેટર્સના સાયમન કેન્ડલે કહ્યું કે વહેલી સારવાર લાંબાગાળે આરોગ્ય સેવાના ખર્ચમાં બચત કરે છે.
"જો દર્દી નાની ઉંમરે હોય અને તેની છાતીની દીવાલ વધુ લવચીક હોય ત્યારે સારવાર મળી જાય, તો ભવિષ્યમાં થતી મોટી શસ્ત્રક્રિયાઓ ટાળી શકાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























