શું તમને ચા કે કૉફી પીધા બાદ દાંત પર ડાઘ પડે છે, દાંતની સફેદી જાળવવાના સરળ ઉપાયો કયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લૉરેન પૉટ્સ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
સુપરમાર્કેટમાં ટૂથપેસ્ટની હરોળ સામે ઊભા રહો. તમને દરેક ટૂથપેસ્ટનાં પૅકેટ અને બૉક્સ પર દાંતને સફેદ બનાવવાના અનેક દાવા જોવા મળશે.
એવું લાગે છે કે પહેલાં કરતાં હવે આપણે દાંતની સફેદી પ્રત્યે વધુ સભાન બન્યા છીએ.
'ઓરલ હેલ્થ ફાઉન્ડેશન' દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં 42 ટકા લોકોએ જણાવ્યું હતું કે, પોતાના સ્મિતને વધુ આકર્ષક બનાવવા માટે તેઓ સૌથી પહેલાં દાંતની સફેદી સુધારવા માગે છે.
પરંતુ દાંતને સફેદ બનાવતી પ્રોડક્ટ્સ જ એકમાત્ર ઉપાય છે? કે પછી આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પણ દાંતની કુદરતી સફેદી જાળવવામાં મદદરૂપ થઈ શકે છે?
શું તમને ચા કે કૉફી પીધા બાદ દાંત પર ડાઘ પડે છે, દાંતની સફેદી જાળવવાના સરળ ઉપાયો કયા? આવો જોઈએ.
દાંત પર ડાઘ શા માટે પડે છે?

દંતચિકિત્સક ટૉબી હેનકૉકના જણાવ્યા અનુસાર, દાંત પર બે પ્રકારના ડાઘ પડે છે : આંતરિક અને બાહ્ય. તેઓ ખાનગી ક્ષેત્ર ઉપરાંત બ્રિટનની 'નૅશનલ હેલ્થ સર્વિસ' (એનએચએસ)માં પણ દંતચિકિત્સક તરીકે સેવા આપે છે.
દાંતની અંદરના ભાગમાં થતા રંગના ફેરફારને આંતરિક ડાઘ (Intrinsic Staining) કહેવાય છે.
દાંતના ઇનેમલના રંગને અસર કરતી એમેલોજેનેસિસ ઇમ્પર્ફેક્ટા જેવી આનુવંશિક ખામીઓ અથવા કેટલીક દવાઓની આડઅસરને કારણે દાંતના અંદરના ભાગનો રંગ બદલાઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાહ્ય ડાઘ (Extrinsic Staining) તેના નામ મુજબ દાંતની બહારની સપાટી પર પડે છે.
ધૂમ્રપાન, દાંતની અપૂરતી સ્વચ્છતા, ખોરાક અને પીણાં આ પ્રકારના ડાઘ માટે જવાબદાર પરિબળોમાં સામેલ છે.
કયા ખાદ્યપદાર્થોથી દાંત પર ડાઘ પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હેનકૉક કહે છે કે કેટલાંક પીણાં દાંત પર ડાઘ પાડવા માટે જવાબદાર છે, એ આપણે સૌ જાણીએ છીએ. આમાં ટૅનિન ધરાવતાં પીણાંનો સમાવેશ થાય છે. ટૅનિન વનસ્પતિમાં કુદરતી રીતે જોવા મળતું એક રાસાયણિક દ્રવ્ય છે.
તેઓ કહે છે, "રેડ વાઇન, કૉફી અને ચા દાંત પર ડાઘ પડવાનાં સામાન્ય કારણો છે. ખાસ કરીને ઍસ્પ્રેસો કૉફી દાંત પર વધુ ડાઘ પાડે છે."
હેલ્થ સર્વિસ કંપની બૂપાના જણાવ્યા અનુસાર, અન્ય રંગીન ખાદ્યપદાર્થો અને પીણાં પણ દાંત પર ડાઘ પાડી શકે છે.
તેમાં કોલા, ઘેરા રંગનાં બેરી ફળો, બાલ્સમિક વિનેગર અને બીટનો સમાવેશ થાય છે.
કંપની ચેતવણી આપે છે કે ટમેટાંની ગ્રેવી અને સોયા સોસમાં રહેલાં ઘેરા રંગનાં ઘટ્ટ રંજકદ્રવ્યો પણ દાંત પર પીળા ડાઘ પાડી શકે છે.
આપણા રસોડામાં વપરાતા મસાલાઓમાં અને રેસ્ટોરાંની વાનગીઓમાં પણ એક એવો મસાલો હોય છે, જે દાંત પર ડાઘ પાડી શકે છે. હેનકૉક કહે છે, "કરીમાં વપરાતા મસાલા દાંત પર ઘેરા ડાઘ પાડી શકે છે." તેનું કારણ તેમાં રહેલી હળદર છે.
બિરયાની ખાધા પછી આપણી થાળીમાં પડતા પીળા ડાઘ આપણે સૌએ જોયા છે.
હળદર આપણા દાંતને પણ આવી જ રીતે રંગી શકે છે. આ વાતનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
તેઓ સમજાવે છે, "ચિનાઈ માટીનાં વાસણોની સૂક્ષ્મ રચના દાંતના ઇનેમલની રચના સાથે ઘણી મળતી આવે છે. કમનસીબે, આ રચના પર ડાઘ સહેલાઈથી પડે છે. તમારી થાળીમાં જે ખાદ્યપદાર્થ ડાઘ પાડી શકે છે, તે તમારા દાંત પર પણ ડાઘ પાડી શકે છે."
આવાં બધાં ખાદ્યપદાર્થો અને પીણાંથી દૂર રહેવાથી દાંતની સફેદી જાળવવામાં મદદ મળી શકે છે, પરંતુ તેમને સંપૂર્ણપણે ટાળવાનું વ્યવહારુ નથી.
દાંતનો રંગ બદલાતો અટકાવવા માટેના સરળ ઉપાયો કયા છે?

ઇમેજ સ્રોત, BBC Food
હેનકૉકના જણાવ્યા અનુસાર, ખોરાક ખાધા પછી તરત જ દાંત સાફ કરવા એ ડાઘથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ દરેક વખતે આવું શક્ય હોતું નથી.
જોકે, ટૂથબ્રશ પાસે ન હોય ત્યારે પણ દાંત પર ડાઘ પડતા અટકાવવાનો એક ઉપાય છે. એ છે કડક અને કરકરા ખાદ્યપદાર્થો ખાવા.
હેનકૉક કહે છે, "ખાદ્યપદાર્થો ગમે તેટલા કડક હોય, તે દાંતને કુદરતી રીતે સાફ કરવામાં મદદ કરી શકે છે. કાચાં ગાજર જેવી વસ્તુ બટકું ભરીને ખાવાથી તે પાવડા જેવું કામ કરે છે અને દાંત પર જામેલું બૅક્ટેરિયાનું ચીકણી પડ, જેને પ્લાક કહેવાય છે, તેને ખોતરીને દૂર કરે છે."

ઇમેજ સ્રોત, BBC Food
ફળો ખાતી વખતે સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તેમાં રહેલા ઍસિડ દાંતના રક્ષણાત્મક બાહ્ય પડને નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે દાંત પર ડાઘ પડવાની શક્યતા વધી જાય છે.
પરંતુ ચીઝ ખાવામાં કોઈ વાંધો નથી. જોકે, યોગ્ય પ્રકારની ચીઝ પસંદ કરવી જરૂરી છે.
હેનકૉક કહે છે, "સખત ચીઝ દાંતની સફાઈ માટે ઉત્તમ છે. તેને બટકું ભરીને ખાઓ ત્યારે તેના પર દાંતનાં સ્પષ્ટ નિશાન પડવાં જોઈએ. પરંતુ નરમ અને ચીકણી ચીઝથી એવો ફાયદો થતો નથી. તે દાંતને ચોંટી જાય છે."
ડેન્ટિસ્ટોની સલાહ મુજબ દાંત સફેદ રાખવાના ઉપાયો કયા છે?

ઇમેજ સ્રોત, Getty Images
હેનકૉક કહે છે કે દાંતને સફેદ રાખવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે શરૂઆતથી જ તેમની સ્વચ્છતા જાળવવામાં આવે.
દિવસમાં ઓછામાં ઓછા બે વાર દાંત સાફ કરવા જોઈએ. જોકે, ભોજન પછી દાંત સાફ કરવાથી પણ દાંતની સ્વચ્છતા જાળવી શકાય છે.
તેઓ સમજાવે છે, "દાંતનું ઇનેમલ ચમકદાર અને લીસું હોય તો તેના પર ડાઘ પડવા મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે, સારી રીતે પૉલિશ કરેલા ચાના કપની અંદરની સપાટી પર ડાઘ પડવા મુશ્કેલ હોય છે. પરંતુ જો કપ ગંદો અને ખરબચડો હોય તો તેના પર સહેલાઈથી ડાઘ પડી શકે છે."
દાંત પર ડાઘ પડતા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે કે શરૂઆતથી જ ડાઘ પડવા ન દો. ખાસ કરીને દાંતને સફેદ કરાવવાની સારવાર પાછળ થનારા ખર્ચનો વિચાર કરીએ ત્યારે સારવાર કરતાં તકેદારી રાખવી વધુ સારી છે.
દાંત પર ડાઘ પડતા અટકાવવાની કેટલીક બીજી સરળ રીતો પણ છે. ખાસ કરીને ટૅનિનનું પ્રમાણ વધુ હોય તેવાં પીણાં પીવાની આદત ધરાવતા લોકો માટે આ રીતો ઉપયોગી છે.
હેનકૉક સલાહ આપે છે, "કૉફીનો છેલ્લો ઘૂંટડો પીધા પછી તરત જ કપ ધોઈ નાખો. ત્યાર બાદ તેમાં થોડું પાણી ભરીને એક ઘૂંટડો પીવો. પાણીના કોગળા કરીને થૂંકી નાખો. આમ કરવાથી ચામાં રહેલાં કેટલાંક રાસાયણિક તત્ત્વો દૂર કરવામાં મદદ મળશે."
બૂપાના જણાવ્યા અનુસાર, જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવાથી પણ મદદ મળી શકે છે.
ચા અને કૉફીમાં દૂધ ઉમેરવાથી દાંત પર ડાઘ પડવાનું પ્રમાણ ઘટી શકે છે. એ જ રીતે, ઘેરા રંગનાં સૉફ્ટ ડ્રિંક્સ પીવા માટે સ્ટ્રૉનો ઉપયોગ કરવાથી પીણું દાંતના સંપર્કમાં આવ્યા વિના સીધું ગળામાં ઉતરી જાય છે.
આમ, જો તમે દાંતની સફેદી જાળવીને સુંદર સ્મિત મેળવવા ઇચ્છતા હો તો દાંત સફેદ કરવાની સારવાર પાછળ નાણાં ખર્ચતાં પહેલાં અજમાવવા જેવા અનેક ઉપાયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























