'જ્ઞાનેશ ઇટ્સ ડન બ્રો' સાથે વિપક્ષના સાંસદોની માર્ચ, કૉંગ્રેસે શું શરત મૂકી? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @INC
વિપક્ષ ઇન્ડિયા બ્લૉકનાં સાંસદોએ મંગળવારે કથિત મતચોરી અને મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિજન એટલે એસઆઈઆરના વિરોધમાં સંસદથી ચૂંટણીપંચના મુખ્યાલય સુધી માર્ચ શરૂ કરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો વચ્ચે આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે, આ સાંસદોને નીતિ આયોગના કાર્યાલય સામે રોકી દેવામાં આવ્યા હતા.
આ સ્થળ નીતિ આયોગ અને આકાશવાણી ભવન વચ્ચે આવેલા એ માર્ગ પર છે, જે ચૂંટણીપંચના મુખ્યાલય તરફ જાય છે.
આગળ વધતા અટકાવાયા બાદ વિરોધ પક્ષના સાંસદોએ રસ્તા પર બેસીને વિરોધપ્રદર્શન કર્યું હતું.
કૉંગ્રેસે સોમવારે જ પોતાની ત્રણ માગ મૂકી હતી.
કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ પર લખ્યું હતું, "કૉંગ્રેસ પાર્ટીની ત્રણ માગ બિનશરતી છે. પહેલી, જ્ઞાનેશકુમારનું રાજીનામું. બીજી, એસઆઇઆરને રદ કરવું. ત્રીજી, બૅલેટ પેપરથી ચૂંટણી કરાવવી."
વિરોધ પક્ષનાં સાંસદોના હાથમાં જ્ઞાનેશકુમારને આરએસએસની યુનિફૉર્મમાં દર્શાવતાં કટઆઉટ્સ હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે "ભાજપ જ મુખ્ય ચૂંટણી કમિશનર છે", "વોટચોર, ગાદી છોડ" અને "લોકશાહી વેચાણ માટે નથી" જેવા નારા પોકાર્યા હતા.
રાહુલ ગાંધીએ ઍક્સ પોસ્ટમાં કહ્યું હતું, "જ્ઞાનેશ, જ્ઞાનેશ ઇટ્સ ડન બ્રો. હવે રાજીનામું આપવાનો સમય છે."
મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અખિલેશ યાદવ સહિત અનેક સાંસદોને પોલીસે પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પર રોકી દીધા હતા. ત્યાર બાદ સાંસદોએ ત્યાં જ ધરણા કર્યા હતા.

ઇમેજ સ્રોત, Dilnawaz Pasha

ઇમેજ સ્રોત, @INC
હરમનપ્રીતકોરે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી કપ્તાની છોડી

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં સ્ટાર ખેલાડી હરમનપ્રીતકોરે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી કપ્તાની છોડી દીધી છે.
તેમણે 6 ઑક્ટોબર, 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શૅર કરીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી.
હરમનપ્રીતકોરે પોતાની પોસ્ટમાં લખ્યું, "આજે હું ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં તમામ ફૉર્મેટની કપ્તાની છોડી રહી છું. આ નિર્ણય સરળ નથી. તેમાં વર્ષોની યાદો, લાગણીઓ, ત્યાગ અને એવા ક્ષણો સામેલ છે, જે જીવનભર મારી સાથે રહેશે."
તેમણે આગળ લખ્યું, "મેં આ ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટ માટે મારું સર્વસ્વ આપ્યું છે. મારું લોહી, પરસેવો, સમય અને ઘણી વાર મારી રમત તેમજ મારાં વ્યક્તિગત સપનાંનો એક ભાગ પણ. એવા પ્રસંગો પણ આવ્યા જ્યારે મને મારા વ્યક્તિગત પ્રદર્શન, મારી પ્રગતિ અને મારી ઇચ્છાઓને પાછળ રાખવી પડી, કારણ કે મારું માનવું હતું કે ટીમ હંમેશાં પ્રથમ હોવી જોઈએ."
"કૅપ્ટન તરીકે મને ઘણા મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા. એવા નિર્ણયો, જેને હંમેશાં સમજવામાં આવ્યા નહોતા, જે હંમેશાં સરળ નહોતા અને ઘણી વખત તેની કિંમત મારે જાતે ચૂકવવી પડી, પરંતુ મેં દરેક નિર્ણય માત્ર એક જ હેતુથી લીધો હતો. આ ટીમને વધુ સારી બનાવવી, અન્ય ખેલાડીઓને આગળ વધવાની, પોતાનામાં વિશ્વાસ રાખવાની અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તક આપવી."
હરમનપ્રીતે લખ્યું, "મેં બધું જ જોયું છે. મેં સૌથી ખરાબ સમય, હાર્ટબ્રેક, ટીકા, સવાલો અને એવા દિવસો જોયા છે જ્યારે લાગતું હતું કે કંઈ પણ અમારા પક્ષમાં નથી જઈ રહ્યું. મેં સૌથી સુંદર ક્ષણો પણ જોઈ છે. જીત, ઉજવણીઓ, પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ અને એવા પળો, જેણે દરેક ત્યાગને યોગ્ય સાબિત કર્યો."
હરમનપ્રીતે જણાવ્યું કે ભલે તેઓ કપ્તાની છોડી રહ્યાં છે, પરંતુ તેમને આ વાતનો સંતોષ છે કે ટીમ હાલમાં સારી સ્થિતિમાં છે.
SIRના વિવાદ વચ્ચે આજે ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં પેટાચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
દેશભરમાં ચાલી રહેલા SIR અને મુખ્ય ચૂંટણી કમિશનરના વિવાદો વચ્ચે આજે ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની બેઠકો પર પેટાચૂંટણી છે.
તામિલાનડુની મદુરાન્તકમ અને ધરમપુરમ વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.
આ સિવાય પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેઝીનગર વિધાનસભા બેઠકો પર પણ આજે મતદાન છે. નંદીગ્રામની બેઠક પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ ખાલી કરી હતી.
આસામમાં નાગાંવ લોકસભા બેઠક પર પેટાચૂંટણી છે. આ બેઠક પર મુકાબલો ભાજપ, કૉંગ્રેસ અને એઆઇયુડીએફ વચ્ચે છે.
કૉંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરડોલોઈ અહીંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હોવાથી અહીં પેટાચૂંટણી થઈ રહી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ થટ્ટનચાવડી વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી માટેનું મતદાન છે.
સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કહ્યું, "તમારી જગ્યા જેલમાં છે"

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સમયસર ચુકવણી અંગેના આદેશનું પાલન ન કરવા બદલ ફટકાર લગાવી છે.
5 ઑક્ટોબરે સુનાવણી દરમિયાન જ્યારે કોર્ટ સમક્ષ ફક્ત 50 લાખ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની ફોટોકૉપી રજૂ કરવામાં આવી, ત્યારે કોર્ટે તેના પર નારાજગી વ્યક્ત કરી.
બાર ઍન્ડ બેન્ચના અહેવાલ મુજબ, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કડક શબ્દોમાં કહ્યું, "તેઓ તમારા કરતાં ધનવાન હોઈ શકે છે, પરંતુ તમે તેમની સાથે જેટલી છેતરપિંડી કરી છે તેના કરતાં તેઓ ગરીબ છે. આ ઘમંડને સાચી જગ્યા દેખાડવી જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે ક્યારે બોલવાનું છે. તમારું સ્થાન જેલમાં છે."
કોર્ટની આ ટિપ્પણી પરથી મામલાની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
કોર્ટે કહ્યું કે તે રાજપાલ યાદવની અરજી ફગાવી દેવા તૈયાર છે, પરંતુ તે એવું કરી રહી નથી, કારણ કે તે ઇચ્છે છે કે ફરિયાદીને તેના પૈસા મળી જાય. આ મામલામાં કુલ રકમ 7.5 કરોડ હતી.
સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને આવતી કાલ સુધીમાં બાકી રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ કેસની આગામી સુનાવણી પરમ દિવસે થશે અને તે દિવસના કાર્યસૂચિમાં તે પ્રથમ સ્થાને રહેશે.
આ કેસમાં ચેક બાઉન્સનો કેસ સામેલ છે, જેમાં કોર્ટે ચુકવણીમાં સતત વિલંબ પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે તેના આદેશોનું તાત્કાલિક પાલન કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
વર્ષ 2010માં રાજપાલ યાદવે તેમની ફિલ્મ 'અતા, પતા, લાપતા' માટે 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ' નામની ખાનગી કંપની પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
જોકે, ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ અને રોકાણ પાણીમાં ગયું હોવાના અહેવાલ છે, જેના કારણે તેઓ કંપનીને આપેલી લોન ચૂકવી શક્યા નહીં.
આ કેસમાં દિલ્હી હાઇકોર્ટે તેમને ત્રણ મહિનાની જેલની સજા પણ ફટકારી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























