ગુજરાતમાં કોળી જ્ઞાતિમાંથી મુખ્ય મંત્રી બનાવવાની માગ કેમ ઊઠી રહી છે, ભાજપ માટે કેટલી મુશ્કેલી?

ઇમેજ સ્રોત, FB/Getty
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ગુજરાતમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે આપેલા એક નિવેદનને કારણે 'જ્ઞાતિ આધારિત મુખ્ય મંત્રી'ની વાત ફરીથી ચર્ચામાં આવી ગઈ છે.
પબુભા માણેકે કોળી સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, "ગુજરાતમાં તમારો સમાજ (કોળી સમાજ) બીજા નંબરે છે. તો મુખ્ય મંત્રી પણ ખરેખર તમારો જ થવો જોઈએ. તકલીફ એ છે કે જાગૃતિ નથી."
ત્યારબાદ મુખ્ય મંત્રી ક્યા સમાજનો હોવો જોઈએ એ ચર્ચા ફરી છેડાઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી અગાઉ વારંવાર આ પ્રકારે પાટીદારો, ઠાકોરો સહિત ઘણી જ્ઞાતિઓ પોતાનો મુખ્ય મંત્રી બનાવવાની વાત ભૂતકાળમાં પણ કરતાં રહ્યા છે.
પબુભા માણેકના તાજેતરના નિવેદન પછી કોળી સમાજના આગેવાનો, અન્ય સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા પણ આપી હતી.
પરસોત્તમ સોલંકીએ કહ્યું, "તમે આટલામાં સમજી જાઓ..."

ઇમેજ સ્રોત, Pabubha Manek/FB
આ મુદ્દે ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીપદ પર કાયમ રહેલા તથા કોળી સમાજના 'મોટા આગેવાન' ગણાતા પરસોત્તમ સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી.
સ્થાનિક મીડિયા ચૅનલો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "એમણે જે વાત કરી છે તેના વિશે હું સૂર પુરાવું છું અને આવનારા દિવસોમાં આનું પરિણામ દેખાશે."
ત્યારબાદ પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે કોળી સમાજમાંથી ગુજરાતના મુખ્ય મંત્રી બનવા જોઈએ કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો પરસોત્તમ સોલંકીએ જવાબ આપ્યો હતો કે, "એવું કહેવું તો સારું ન કહેવાય, પણ કોળી સમાજને સ્થાન તો મળવું જોઈએ. કોળી સમાજને વધારે બેઠકો પણ મળવી જોઈએ."
ત્યારબાદ પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે કેટલું મોટું સ્થાન કોળી સમાજને મળવું જોઈએ ત્યારે તેમણે કહ્યું હતું કે, "તમે આટલામાં સમજી જાઓ...હું આટલું કહું છું એમાં સમજી જાઓ."
આ વિશે રાજુલાથી ભાજપના ધારાસભ્ય અને કોળી સમાજના નેતા હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી પરંતુ તેમણે આ વિશે ટૂંકો પ્રતિભાવ આપીને વધુ વાત કરવાનું ટાળ્યું હતું.
હીરા સોલંકીએ પબુભા માણેકના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "પબુભા માણેકે આ વાત કરી છે. હું ત્યાં હાજર હતો. પણ દરેક વ્યક્તિના અલગ-અલગ વિચારો હોઈ શકે છે. ત્યાં મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ-બહેનો હાજર હતાં. તેમણે વિચારો વ્યક્ત કર્યા છે અને બીજી કોઈ વાત નથી."
પાટીદાર આગેવાનોએ આપી તરત પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, FB/DineshBambhaniya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પબુભા માણેકના નિવેદનો પછી તરત જ પાટીદાર સમાજના આગેવાનોએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય એવા દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે સમાજને આધારે આવી માગ ગેરવાજબી છે.
સ્થાનિક મીડિયા ચૅનલો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "ગુજરાતની અંદર દરેક સમાજ શાંતિથી હળીમળીને રહેતો આવ્યો છે. રાજકીય રીતે લોકો અલગ-અલગ જગ્યાએ જોડાયેલા હોય છે. ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણોને આધારે પ્રતિનિધિત્વ મળતું હોય છે પણ ક્યારેય જ્ઞાતિના આધારે મુખ્ય મંત્રી બનતા નથી. આ પક્ષનો નિર્ણય હોય છે."
તેમણે કહ્યું હતું કે, "પબુભા માણેકે આપેલા નિવેદન પર હું કહેવા માગું છું કે કોળી સમાજને તો પ્રતિનિધિત્વ તો મળવું જ જોઈએ પણ સમાજને આધારે મુખ્ય મંત્રીની માગણી કરવી એ ગેરવાજબી છે."
જોકે, આ મુદ્દે અન્ય પાટીદાર આગેવાન વરુણ પટેલે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું હતું કે, "આવી રીતે વગર મતલબની વાતો કરતા રહેશો, પ્રજાના મુદ્દાની વાત નહીં કરો અને તાળીઓ પડાવવા આવાં નિવેદનો આપશો તો તમારી નેતાગીરી ખતમ થઈ જશે."
તેમણે કહ્યું હતું કે, "પાર્ટીના કે પૈસાના બાહુબળે બધાની દુકાન ચાલતી હોય છે. પરંતુ ગુજરાતની પ્રજા ખાલી આવો બકવાસ કરનારા નેતાઓની દુકાન આવનારા દિવસોમાં બંધ કરી દેશે."
કોળી સમાજના મુખ્ય મંત્રીની ઊઠી રહેલી માગ શું સૂચવે છે?
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યનું કહેવું છે કે આ ઊઠી રહેલી માગ પાછળ ઘણાં સંભવિત કારણો હોઈ શકે છે.
તેઓ કહે છે કે, "વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો કોળી સમાજ એ લગભગ પાટીદારો જેટલી જ મોટી વોટબૅન્ક બનાવે છે. પરંતુ તેમ છતાં અત્યાર સુધી કોઈ કોળી સમાજની વ્યક્તિ મુખ્ય મંત્રી બની નથી. ઘણીવાર શક્તિશાળી જ્ઞાતિઓ ચૂંટણી પહેલાં પ્રેશર ટૅક્નિક અજમાવતી હોય છે જેથી કરીને બેઠકો માટે વધુ માગણી કરી શકાય."
તેઓ કહે છે કે, "આ મુદ્દો અત્યારે ઊઠ્યો એમાં ભાજપનું આંતરિક રાજકારણ પણ હોઈ શકે છે. આનંદીબહેનનાં દીકરી અનાર પટેલ અને અન્ય પાટીદાર આગેવાનો સક્રિય દેખાઈ રહ્યાં છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ."
જગદીશ આચાર્યનું માનવું છે કે આમાં સ્થાપિત કોળી નેતાઓની વધી રહેલી ઉંમર પણ જવાબદાર હોઈ શકે છે.
તેઓ કહે છે કે, "કોળી સમાજને કદાચ એવું લાગી રહ્યું હોય કે તેમનું નેતૃત્વ ખતમ થઈ રહ્યું છે. જો આ રીતે દબાણ ચાલુ રાખીએ તો હજુ નેતાઓનું મહત્ત્વ વધુ જળવાઈ રહે."
ફૂલછાબ દૈનિકના પૂર્વ તંત્રી અને સૌરાષ્ટ્રના રાજકારણના જાણકાર કૌશિક મહેતાનું પણ માનવું છે કે આમાં ઘણા પરિબળો જવાબદાર છે.
તેઓ કહે છે કે, "આગામી સમયમાં કોળી સમાજનું નેતૃત્વ કોની પાસે રહે એ સૌથી મોટો મુદ્દો છે. જ્યારથી કુંવરજી બાવળિયા મંત્રી બન્યા ત્યારથી પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયા એમ બે ફાંટા મનાય છે. પરસોત્તમ સોલંકીની તબિયત પણ ખરાબ છે. આમ, સમાજ સામે આગામી નેતૃત્વનું સંકટ છે."
કૌશિક મહેતા કહે છે કે, "આ ઉપરાંત પટેલ વિ. કોળીની વાત પણ ચાલી રહી છે. બંને સમુદાયોની લગભગ સમાન મતની તાકાત છે. તમે જુઓ કે કઈ રીતે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ વર્ષો પછી અચાનક માફી માગી અને અનાર પટેલ નિવેદનો આપી રહ્યાં છે. આ બધું એકાએક નથી થતું."
ગુજરાતમાં આજ સુધી કોઈ કોળી મુખ્ય મંત્રી કેમ ન બની શક્યા?
જગદીશ આચાર્ય એક વાત સ્પષ્ટપણે માને છે કે કોળી સમાજને ભાજપ નારાજ ન કરી શકે.
તેઓ કહે છે કે, "ગુજરાતમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર જેવા જિલ્લામાં કોળી સમાજના મતો સૌથી વધુ નિર્ણાયક છે અને તેમના હાથમાં બેઠકો જીતવાની ચાવી છે."
જગદીશ આચાર્ય કહે છે કે, "અત્યાર સુધી ગુજરાતના રાજકારણમાં પાટીદારોને વધુ મહત્ત્વ મળતું રહ્યું છે. કોળી સમુદાય એ રાજકીય રીતે સક્રિય છે પણ તેમણે ક્યારેય આવું લક્ષ્ય નહોતું રાખ્યું કે તેમનો મુખ્ય મંત્રી બને. આવી માગ કદાચ પહેલી વાર તેમના તરફથી ઊઠી છે."
ગુજરાતમાં અત્યાર સુધી કોઈ કોળી સમાજની વ્યક્તિ મુખ્ય મંત્રીપદે કેમ ન પહોંચી શકી એ અંગે કૌશિક મહેતા માને છે કે, "પાટીદારો બોલકા છે અને તેમનો છેલ્લા દાયકાઓમાં ઘણો આર્થિક વિકાસ થયો છે. રાજકીય રીતે પણ તેઓ સદ્ધર સમુદાય છે. સામે પક્ષે કોળી સમુદાયમાં રાજકીય અને સામાજિક જાગૃતિ એટલી નથી. શિક્ષણ, ઉદ્યોગો વગેરે તો આ સમાજમાં ઘણું પાછળથી આવ્યું અને હજુ પણ તેમની આર્થિક તાકાત એટલી નથી."
ગુજરાતનું રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે?
ગુજરાતમાં છાશવારે ઘણા સમાજના નેતાઓ પોતપોતાના સમાજમાંથી મુખ્ય મંત્રી બને તેવી વાત કરતાં હોય છે.
આમાં પાટીદારો, ક્ષત્રિયો, ઠાકોરો સહિત અનેક સમુદાયો પોતાની વાત મૂકતા હોય છે અને ચૂંટણીટાણે આ વાત વધુ ખુલીને સામે આવતી હોય છે.
જગદીશ આચાર્ય કહે છે કે, "ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદ સૌથી મહત્ત્વનું પરિબળ છે. હવે આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આ જ્ઞાતિઓનું સંતુલન કેવી રીતે બેસાડવું એ ભાજપે વિચારવાનો વારો આવ્યો છે. એવું લાગે છે કે ગુજરાતનું રાજકારણ બે-ત્રણ જ્ઞાતિઓના બાનમાં આવી ગયું હોય."
"પણ મને લાગે છે કે આવનારા સમયમાં ગુજરાતના રાજકારણમાં સવર્ણો માટે કોઈ સ્થાન નહીં રહે. ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે."
કૌશિક મહેતા કહે છે કે, "ગુજરાતમાં જ્ઞાતિઓનું રાજકારણ વધુને વધુ તીવ્ર બની રહ્યું છે. આટલાં વર્ષોમાં મેં પહેલાં ક્યારેય આવું જોયું નથી. હવે એવું થઈ ગયું છે કે કોઈ પણ નાની વાતમાં પણ જ્ઞાતિની વાત તરત હવા પકડી લે છે. આ ગુજરાતમાં સતત વધતું જાય છે અને એ ચિંતાજનક છે."
ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ
ગુજરાતમાં કોળી સમુદાયનું પ્રભુત્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વ્યાપક છે. ખાસ કરીને જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ જિલ્લામાં આવતી વિધાનસભા બેઠકોમાં તેમનો દબદબો છે.
ગુજરાતમાં જાતિવાર વસ્તીગણતરી તાજેતરમાં થઈ નથી પરંતુ 1931માં થયેલી જાતિવાર વસતીગણતરીમાં પણ કોળી સમુદાય ગુજરાતનો સૌથી મોટો સમુદાય હતો.
હાલમાં પણ તેમને કેટલાક વિશ્લેષકો વસ્તીની દૃષ્ટિએ ગુજરાતમાં બીજા નંબરનો સમુદાય ગણાવે છે તો ઘણા અહેવાલોમાં તેમની વસ્તી સરેરાશ 20થી 24 ટકા જેટલી ગણાવાય છે.
વિવિધ મીડિયા અહેવાલો કહે છે કે કોળી મતદારો ગુજરાતની 27થી 35 વિધાનસભા બેઠકો પર અસર પાડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























