ખાંસતા, છીંકતા કે હસી પડો ત્યારે પેશાબ છૂટી જાય છે, મહિલાઓની આ પરેશાનીનું સમાધાન શું છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઘણ વાર ખાંસતી કે છીંકતી, સીડી ચડતી વખતે કે જોરથી હસી પડો ત્યારે મહિલાઓનો પેશાબ છૂટી જાય છે
    • લેેખક, ઓંકાર કરંબેલરકર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

ઘણી મહિલાઓને ક્યાંય બહાર ફરવા કે પ્રવાસે જવાનું વિચારવામાં જ બીક લાગવા માંડે છે.

ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન તેમના મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે છે કે જો પેશાબ પર નિયંત્રણ ન રહી શક્યું તો?

ઘણી વાર ખાંસતા કે છીંકતા, સીડીઓ ચઢતી વખતે કે જોરથી હસી પડાય ત્યારે મહિલાઓ પેશાબ લીક થઈ જાય છે. એટલે સુધી કે ભારે સામાન ઊંચકતી વખતે પણ તેમને પેશાબ લીક થવાની બીક રહે છે.

આવી મહિલાઓ ધીરે ધીરે આ વસ્તુઓ કરતા ખચકાટ અનુભવવા લાગે છે, પરંતુ બીક અન શરમના કારણે આ સમસ્યા વિશે કોઈની સાથે વાત નથી કરવા માગતી.

હકીકતમાં તો ગર્ભાવસ્થા, પ્રસૂતિ, મેનોપૉઝ, વધુ ઉંમર, સ્થૂળતા કે ડાયાબિટીસ જેવાં કારણોને લીધે પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ કમજોર થઈ શકે છે.

આની અસર પેશાબ કંટ્રોલ રાખવાની ક્ષમતા પર પડે છે. મેડિકલ ભાષામાં તેને 'સ્ટ્રેસ યુરિનરી ઇન્કૉન્ટિનેન્સ' કહેવામાં આવે છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને પેશા લીક થવાની કે યુરિન લીકેજ કહેવામાં આવે છે.

ઘણાં મહિલાઓને લાગે છે કે ઉંમર વધવાની સાથે કે બાળકના જન્મ બાદ પેશાબ લીક થવું 'સામાન્ય' બાબત છે.

તેથી તેઓ ઇલાજ કરાવવાને સ્થાને એ સમસ્યાને સહન કરતી રહે છે, પરંતુ વિશેષજ્ઞો પ્રમાણે, કોઈ પણ ઉંમરે ઇચ્છા વિના પેશાબ છૂટી જાય એ એવી સમસ્યા નથી, જેને નજરઅંદાજ કરી શકાય.

સમયસર તપાસ અને ઇલાજ કરાવવાથી આ સમસ્યાને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. પેલ્વિક ફ્લોર કસરત, લાઇફસ્ટાઇલમાં બદલાવ, દવા અને જરૂર પડે ત્યારે સર્જરી પણ આના ઇલાજમાં કારગત નીવડી શકે છે.

તેથી પેશાબ છૂટી જવો એ 'ઉંમર વધવાની સાથે તો થાય જ છે' કહીને સ્વીકારી લેવાને સ્થાને તેને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યા તરીકે ગંભીરતાથી લેવાની જરૂર છે.

ઘણી મહિલાઓને લાગે છે કે 'આનો કોઈ ઇલાજ નથી' કે 'આ તો સહન કરવું જ પડશે', પરંતુ એવું જરૂરી નથી.

પેશાબ લીક થવાની પરેશાની કેવી રીતે વધતી જાય છે?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેશાબ લીક થવાની સમસ્યા સામાન્ય રીતે ધીરે ધીરે વધતી જાય છે. શરૂઆતમાં ખાંસતા કે કસરત કરતી વખતે જ પેશાબનાં કેટલાંક ટીપાં લીક થાય છે, પરંતુ બાદમાં તેની અસર રોજિંદા જીવન પર પણ પડવા લાગે છે.

કેટલાંક મહિલાઓ માટે આના કારણે મુસાફરી, કસરત, સામાજિક કાર્યક્રમોમાં સામેલ થવું કે બહાર નીકળવું સુધ્ધાં મુશ્કેલ થઈ શકે છે.

જો પેશાબ છૂટવાની સાથે બળતરા, દુખાવો, પેશાબમાં લોહી, વારંવાર ચેપ કે બ્લેડર સંપૂર્ણપણે ખાલી ન થાય એવો અનુભવ ન થતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી વધુ જરૂરી બની જાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઇલાજ જેટલી ઝડપથી શરૂ કરવામાં આવે, પરિણામ એટલાં જ સારાં હોઈ શકે છે.

પેલ્વિક ફ્લોરની માંસપેશીઓની કસરત, વજનને કંટ્રોલમાં રાખવું, કબજિયાત અને લાંબા સમયથી ચાલી રહેલી ખાંસીના ઇલાજ જેવા સરળ ઉપાયોથી પણ ઘણાં મહિલાઓને રાહત મળી શકે છે.

કેટલાક મામલામાં દવા કે કોઈ ખાસ મેડિકલ પ્રક્રિયાની જરૂર પણ પડી શકે છે. સૌથી જરૂરી વાત એ છે કે પેશાબ આવી રીતે છૂટી જવો એવી સમસ્ય નથી, જે અંગે શરમાઈને ચૂપ રહેવામાં આવે.

આ એક મેડિકલ કંડિશન છે અને તેનો ઇલાજ શક્ય છે. તેથી તકલીફને સહન કરતા રહેવાના સ્થાને કોઈ નિષ્ણાતની સલાહ લેવી એ જ પ્રથમ અને સૌથી જરૂરી પગલું છે.

હંસતી, ખાંસતી કે છીંકતી વખતે શું થાય છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પેશાબ એ સિસ્ટમના કમજોર થવાના કારણે છૂટી જાય છે, જે બ્લેડર અને પેશાબની નળીને સહારો આપે છે

હસતા, ખાંસતા, છીંકતા, દોડતા, ઊછળતા કે ભારે સામાન ઊંચકવાથી પેટની અંદર અચાનક દબાણ વધી જાય છે.

સામાન્યપણે પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ અને પેશાબની નળીને આશરો આપનારી માંસપેશી આ દબાણને સંભાળી લે છે અને પેશાબને બહાર નીકળતા રોકે છે.

પરંતુ જો આ સપૉર્ટ કમજોર થઈ ગયો હોય કે ત્યાંની માંસપેશીઓ વચ્ચેનું તાલમેલ બગડી, તો પેશાબ લીક થવા લાગે છે.

તેનો અર્થ એ નથી કે બ્લેડરમાં જ કોઈ ખરાબી છે, બલકે આ એ સિસ્ટમ કમજોર થવાના કારણે થાય છે, જે બ્લેડર અને પેશાબની નળીને આશરો આપે છે.

મહિલાઓમાં અચાનક ઝડપથી પેશાબ લાગવાના કારણે થતા યુરિનરી ઇનકૉન્ટિનન્સ, દબાણ કે ભાર પડવાના કારણે જ થતા યુરિનરી ઇનકૉન્ટિનન્સ અને આ બંનેનો મિશ્ર પ્રકાર યુરિનરી ઇનકૉન્ટિનન્સ સૌથી સામાન્ય પ્રકાર છે.

કયા કયા ઇલાજ ઉપલબ્ધ છે?

આ સમસ્યાનો ઇલાજ કઈ રીતે કરાશે, એ યુરિન લીકેજના પ્રકાર, તેની ગંભીરતા અને તેના પાછળના કારણ પર આધારિત છે.

શરૂઆતમાં પેલ્વિક ફ્લોર કસરત, બ્લેડર ટ્રેનિંગ, લાઇફસ્ટાઇલમાં બદલાવ અને કેટલાક વ્યવહાર સાથે સંકળાયેલા ઉપાય અપનાવવાની સલાહ અપાય છે.

કેટલાંક મહિલાઓને દવાઓ કે ખાસ મેડિકલ ડિવાઇસથી પણ લાભ થઈ શકે છે. જો સ્ટ્રેસ યુરિનરી ઇનકૉન્ટિનન્સ લાંબા સમય સુધી જળવાયેલું રહે ત ઇંજેક્શન કે સ્લિંગ સર્જરી જેવા ઇલાજના વિકલ્પો પર પણ વિચાર કરી શકાય છે.

જોકે, ઇલાજ શરૂ કરતા પહેલાં સાચી બીમારીની ખબર પડે એ અત્યંત જરૂરી છે અને આ તપાસ ડૉક્ટર પાસેથી જ કરાવવી જોઈએ. પોતાની જાતે બીમારીનો અંદાજ લગાવીને ઇલાજ કે કસરત શરૂ ન કરવી જોઈએ.

પેલ્વિક ફ્લોર શું હોય છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પેલ્વિક કરોડરજ્જુના હાડકાના નીચલા ભાગ અને બંને સાથળનાં હાડકાં સાથે જોડાયેલું હોય છે (પ્રતીકાત્મક તસવીર)

પેલ્વિક ફ્લોર, પેલ્વિસના નીચલા ભાગમાં મોજૂદ માંસપેશીઓ અને લિગામેન્ટ્સનો એક સમૂહ હોય છે. પેલ્વિસ એટલે કે કમરની નીચે, પેટના નીચલા ભાગમાં રહેલાં હાડકાં અને માંસપેશીનો ભાગ.

સરળ ભાષામાં કહીએ તો જો પેલ્વિસને એક ઇમારત માનવામાં આવે તો પેલ્વિક ફ્લોર તેના નીચેના ભાગમાં મોજૂદ માંસપેશી અને ટિશ્યૂની એક લવચીક જાળી હોય છે.

આ ભાગ કરોડરજ્જુના હાડકાના નીચલા ભાગ અને બંને સાથળનાં હાડકાં સાથે જોડાયેલો હોય છે. તે શરીરનું વજન સંભાળવાની સાથોસાથ પેટના નીચલા ભાગનાં મહત્ત્વપૂર્ણ અંગોને પોતાના સ્થળે જાળવી રાખવામાં મદદ કરે છે.

સરળ ભાષામાં કહીએ તો એ માંસપેશીઓ શરીરના નીચલા ભાગનાં અંગોને આશરો આપે છે. પેશાબ અને મળને કંટ્રોલ કરવા, પેટની અંદર દબાણ વધે ત્યારે અંગોને આશરો આપવા અને સેક્સુઅલ ફંક્શનને સામાન્ય જાળવી રાખવામાં પેલ્વિક ફ્લોરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે.

પ્રેગનન્સી, ડિલિવરી, વધતી ઉંમર, સ્થૂળતા, લાંબા સમય સુધી રહેતી કબજિયાત કે કોઈ સર્જરીના કારણે પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ કમજોર થઈ શકે છે. જોકે, એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિમાં થનારી સમસ્યાનું કારણ માંસપેશીઓનું કમજોર થવું જ હોય.

કેટલાક લોકોમાં પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ ખૂબ વધુ ટાઇટ કે ઓવરઍક્ટિટ થઈ જાય છે. આવી સ્થિતિમાં પેલ્વિક એરિયામાં દુખાવો, પેશાબ કરવામાં પરેશાની કે સેક્સ દરમિયાન દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તેથી આ પ્રકારની સમસ્યામાં પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ મજબૂત કરનારી એટલે કે સ્ટ્રેંથનિંગ કસરત કરવી એ જ યોગ્ય રીત હોય, એવું જરૂરી નથી.

વધતી ઉંમર સાથે બ્લેડર અને યુરિનરી સિસ્ટમમાં શું બદલાવ થાય છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડૉ. સોની મહેતા પ્રમાણે, મેનોપૉઝ બાદ હોર્મોનલ બદલાવોના કારણે પેશાબ નીકળવાની જગ્યા સાંકડી થઈ શકે છે અને પેશાબને કંટ્રોલ કરવાની ક્ષમતા ઘટી શકે છે

પેશાબ લીક થવાની સમસ્યા કોઈ પણ પ્રકારની હોય, તેની તપાસ ડૉક્ટર પાસેથી કરાવવી જરૂરી છે. તેને નજરઅંદાજ ન કરવું જોઈએ.

ઉંમર વધવાની સાથે મહિલાઓના યુરિનરી સિસ્ટમમાં થનારા ફેરફારો વિશે અમને ડૉ. સોની મહેતાએ જાણકારી આપી.

તેઓ મુંબઈના ખારસ્થિત પીડી હિંદુજા હૉસ્પિટલ અને એમઆરસીમાં યુરોલૉજિસ્ટ અને એન્ડ્રોલૉજિસ્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ઉંમર વધવાની સાથે પેલ્વિક ફ્લોરની માંસપેશીઓનો સપૉર્ટ ઘટી જાય છે. તેના કારણે સિસ્ટોસિલ અને રેક્ટોસિલ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બ્લેડર સંપૂર્ણપણે ખાલી કરવામાં પરેશાની થઈ શકે છે."

"આ સિવાય યુરિનરી ટ્રેક્ટ સાંકડા થવાના, વારંવાર યુરિનરી ઇન્ફેક્શન થવાના અને પેશાબ સંપૂર્ણપણે બહાર ન નીકળી શકવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે."

"મેનોપૉઝ બાદ હોર્મોનલ બદલાવોના કારણે પેશાબ નીકળવાની જગ્યા પણ સાંકડી થઈ શકે છે અને પેશાબને કંટ્રોલ કરવાની ક્ષમતા ઘટી શકે છે."

ઉંમર વધવા અને ડિલિવરી સિવાય આ સમસ્યા માટેનાં અન્ય કોઈ કારણ છે ખરાં?

આ સવાલ અંગે ડૉ. મહેતા કહે છે, "લાંબા સમય સુધી રહેતી ખાંસી, જૂની કબજિયાત, સ્થૂળતા, મેટાબૉલિક સિંડ્રોમ અને ડાયાબિટીસ પેશાબ લીક થવાના ખતરાને વધારનારાં કેટલાંક મહત્ત્વપૂર્ણ કારણ છે."

"સ્થૂળતા અને મેટાબૉલિક સિંડ્રોમ શરીરનાં તમામ અંગો પર અસર કરે છે, જેમાં બ્લેડર પણ સામેલ છે."

"તેના કારણે બ્લેડરને કંટ્રોલ કરનારી નસો પર અસર પડી શકે છે અને ઘણા પ્રકારના યુરિનરી ઇનકૉન્ટિનન્સની સમસ્યાઓ થઈ શકે છે."

આ સમસ્યાના નિદાન માટે કઈ તપાસોની જરૂર પડી શકે છે, એ અંગે ડૉ. સોની મહેતા કહે છે, "આના નિદાન માટે પેશાબની સામાન્ય તપાસ, યુરિન કલ્ચર અને અલ્ટ્રાસાઉન્ડ જેવી પ્રારંભિક તપાસોથી માંડીને યુરોડાયનામિક સ્ટડી જેવી વિસ્તૃત તપાસ સુધી ઘણા ટેસ્ટ કરાવવા પડી શકે છે."

"આ તપાસનાં પરિણામોનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવા માટે યુરોલૉજિસ્ટની સલાહ અને માર્ગદર્શન જરૂરી હોય છે."

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રેગનન્સી દરમિયાન જો પેશાબ લીક થવાની સમસ્યા થઈ જાય, તો ડિલિવરી બાદ પણ તે જળવાઈ રહેવાનો ખતરો વધી શકે છે. ઉંમર, વજન અને પહેલાં થઈ ચૂકેલી પ્રેગનન્સીની પણ તેના પર અસર પડી શકે છે

પ્રેગનન્સી દરમિયાન પેલ્વિક ફ્લોર પર શી અસર પડે છે અને તેનો પેશાબ પર કંટ્રોલ સાથે શો સંબંધ છે?

પ્રેગનન્સી દરમિયાન પેલ્વિક ફ્લોર પર ઘણું દબાણ પડે છે. જેમ-જેમ ગર્ભાશયનો આકાર વધે છે, પેલ્વિક એરિયા પર દબાણ વધવા લાગે છે.

આ સાથે જ હોર્મોનલ અને શારીરિક બદલાવ પણ પેશાબ પર કંટ્રોલ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી માંસપેશીઓ અને ટિશ્યૂને અસર કરે છે.

કેટલાંક મહિલાઓમાં ડિલિવરી પહેલાં પેશાબ લીક થવાની સમસ્યા શરૂ થઈ જાય છે.

પ્રેગનન્સી દરમિયાન એવી સમસ્યાઓ થઈ જાય, તો ડિલિવરી બાદ પણ તે જળવાઈ રહેવાનો ખતરો વધી શકે છે. ઉંમર, વજન અને પહેલાં થઈ ચૂકેલી પ્રેગનન્સીની તેના પર અસર પડી શકે છે.

ડિલિવરી બાદ જે મહિલાઓમાં આ સમસ્યા શરૂ થાય છે, તતેના વિશે અમે ડૉ. માયા પી. એલ. ગાડેને સવાલ કર્યા.

તેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સ્ત્રીરોગ અને પ્રસૂતિ રોગ નિષ્ણાત કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.

નૉર્મલ ડિલિવરી અને સિઝેરિયન ડિલિવરીમાં આ સમસ્યાનો ખતરો અલગ અલગ હોય છે કે કેમ?

ડૉ. માયા પી. એલ. ગાડેએ જણાવ્યું કે સંશોધન પ્રમાણે, નૉર્મલ ડિલિવરી બાદ યુરિનરી ઇનકૉન્ટિનન્સ એટલે કે પેશાબ પર કંટ્રોલ ન રહી શકવાનો ખતરો સિઝેરિયન ડિલિવરીની સરખામણીએ વધુ હોય છે.

ઘણા અભ્યાસોના સંયુક્ત વિશ્લેષણમાં પણ નૉર્મલ ડિલિવરી બાદ આ સમસ્યા વધુ જોવા મળી છે.

જોકે, સિઝેરિયન ડિલિવરી કરાવવાથી પણ આ ખતરો સંપૂર્ણપણે ખતમ નથી થતો, કારણ કે પ્રેગનન્સીની અસર પણ પેલ્વિક ફ્લોર પર પડે જ છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડૉ. માયા પ્રમાણે, ડિલિવરી બાદ પેશાબ લીક થતો હોય તો તેને 'નૉર્મલ' ગણીને નજરઅંદાજ ન કરવું જોઈએ (પ્રતીકાત્મક તસવીર)

ડિલિવરી પહેલાં રહેલાં લક્ષણ, માનું સ્વાસ્થ્ય અને ડિલિવરી દરમિયાન થયેલી જટિલતાઓના કારણે દરેક મહિલાની સ્થિતિ અલગ હોઈ શકે છે.

ડૉ. માયા પ્રમાણે, ડિલિવરી બાદ પેશાબ લીક થઈ રહ્યો હોય તો તેને 'નૉર્મલ' માનીને નજરઅંદાજ ન કરવું જોઈએ

ડિલિવરી બાદ શું હંમેશાં થોડા સમય માટે પેશાબ લીકેજ થાય જ છે?

આ સવાલના જવાબમાં ડૉ. ગાડે કહે છે, "ડિલિવરી બાદ પ્રારંભિક કેટલાક મહિનામાં પેલ્વિક ફ્લોરના ઠીક થવાની પ્રક્રિયા સાથે પેશાબ લીક થવાની સમસ્યા આપમેળે ઓછી થઈ શકે છે, પરંતુ દરેક વખતે આવું થાય, એ જરૂરી નથી. સંશોધન મુજબ, ઘણી મહિલાઓમાં આ સમસ્યા લાંબા સમય સુધી જળવાઈ રહી શકે છે."

"તેથી ડિલિવરી બાદ પેશાબ લીક થઈ રહ્યો હોય તો તેને 'નૉર્મલ' ગણીને નજરઅંદાજ ન કરવું જોઈએ, તપાસ કરાવવાથી યુરિનરી ઇનકૉન્ટિનન્સના સાચા પ્રકાર અને તેના ઇલાજની ખબર પડી શકે છે."

કયાં લક્ષણ દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી?

આ અંગે તેમણે કહ્યું, "જો પેશાબ લીક થવાની સમસ્યા સતત સર્જાતી રહે, વધતી રહે કે કસરત, કામ, ઊંઘ, સંબંધો કે રોજિંદા જીવન પર અસર પેદા કરતી હોય, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ સિવાય પેશાબ કરતી વખતે દુખાવો કે બળતરા થવી, પેશાબમાં લોહી પડવું, બ્લેડર સંપૂર્ણપણે ખાલી ન થવું, વારંવાર યુરિનરી ઇન્ફેક્શન થવો, પેલ્વિક એરિયા સાથે સંકળાયેલી બીજી પરેશાનીઓ કે અચાનક પેશાબ પર કંટ્રોલમાં બદલાવ થવો એ પણ મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. યોગ્ય તપાસ દ્વારા આનાં કારણ જાણી શકાય છે."

કીગલ ઍૅક્સરસાઇઝ શું છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રોસ્ટેટ સર્જરી બાદ કીગલ ઍક્સરસાઇઝ કરવાની સલાહ અપાય છે

કીગલ ઍક્સરસાઇઝ પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ સંકોચાવા અને બાદમાં રિલેક્સ કરવા પર આધારિત કસરત છે.

1940ના દાયકામાં ડૉ. આર્નોલ્ડ કીગલે મહિલાઓમાં યુરિન ઇનકૉન્ટિનન્સના ઇલાજ માટે પ્રથમ વખત આ કસરતની સલાહ આપી હતી.

આજે મહિલાઓની સાથોસાથ પુરુષોને પણ ખાસ કરીને પ્રોસ્ટેટ સર્જરી બાદ, કીગલ ઍક્સરસાઇઝ કરવાની સલાહ અપાય છે.

જોકે, ઘણી વાર લોકો ખોટી માંસપેશીઓને સંકોચવા લાગે છે, પેટ, નિતંબ કે સાથળની માંસપેશીઓ કસવાને જ કીગલ ઍક્સરસાઇઝ સમજી લેવામાં આવે છે. એ સિવાય ઘણા લોકો આ ઍક્સરસાઇઝને સતત અને જરૂરત કરતાં વધુ સમય સુધી કરે છે.

જે લોકોનું પેલ્વિક ફ્લોર પહેલાંથી જ વધુ ટાઇટ હોય છે, જો તેઓ માત્ર માંસપેશીઓને વધુ કસવા કે ટાઇટનિંગવાળી ઍક્સરસાઇઝ કરતા રહે, તો દુખાવો, અસહજતા કે પેશાબ સાથે સંકળાયેલી પરેશાનીઓ વધી શકે છે.

તેથી કીગલ ઍક્સરસાઇઝ શરૂ કરતા પહેલાં એ વાત જાણવી જરૂરી છે કે અસલ સમસ્યા શું છે. જરૂરત પડે ત્યારે પેલ્વિક ફ્લોર ફિઝિયૉથેરપિસ્ટનું યોગ્ય માર્ગદર્શન મેળવવું પણ મહત્ત્વપૂર્ણ છે.

પુરુષો અને મહિલાઓમાં પેલ્વિક ફ્લોરની માંસપેશીઓની મૂળ સંરચના એક જેવી હોય છે. પરંતુ મહિલાઓમાં આ માંસપેશીઓ પ્રેગનન્સી અને ડિલિવરી માટે વધુ લવચીક હોય છે.

તેમજ પુરુષોમાં કીગલ માંસપેશીઓ પેશાબ પર કંટ્રોલ, ઇરેક્શન અને સેક્સુઅલ ફંક્શન સાથે વધુ સંકળાયેલી હોય છે.

કીગલ ઍક્સરસાઇઝથી કેટલી મદદ મળે છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પેલ્વિક ફ્લોરનું રિહેબિલિટેશન માત્ર માંસપેશીઓને સંકોચવા સુધી સીમિત નથી

પેશાબ લીક થવાની સમસ્યાથી પરેશાન મહિલાઓને કીગલ ઍક્સરસાઇઝ વડે વધુ ફાયદો થાય છે ખરો?

આ સવાલ અંગે ઠાણેની કિમ્સ હૉસ્પિટલના ફિઝિયૉથેરપી વિભાગના પ્રમુખ ડૉ. અરુણકુમાર કન્નૌજિયાએ કહ્યું, "કીગલ ઍક્સરસાઇઝ આજે પણ ઉપયોગી છે."

"જોકે, પેલ્વિક ફ્લોરનું રિહેબિલિટેશન હવે માત્ર આ માંસપેશીઓને કસવા સુધી સીમિત નથી."

"પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ પેટની અંદર ઊંડી માંસપેશીઓ, ડાયાફ્રામ અને સાથળની માંસપેશીઓ સાથે મળીને એક ફંક્શનલ યુનિટની રીતે કામ કરે છે."

"પેલ્વિક ફ્લોરની માંસપેશીઓને કસવાની સાથે પેલ્વિક ટિલ્ટ્સ અને કોર ઍક્ટિવેશન, બર્ડ-ડૉગ્સ અને ગ્લૂટ બ્રિજ જેવી ઍક્સરસાઇઝ કરવાથી રોજિંદી પ્રવૃત્તિઓ દરમિયાન માંસપેશીઓની તાકત અને તેમના વચ્ચેનું તાલમેલ બહેતર કરવામાં મદદ મળી શકે છે."

તેમણે આગળ કહ્યું, "બાયોફીડબૅક પણ એક ઉપયોગી રીત છે. ઇએમજી કે પ્રેશર આધારિત ડિવાઇસની મદદથી મહિલાઓને રિયલ ટાઇમમાં એ સમજવામાં મદદ મળે છે કે તેઓ યોગ્ય માંસપેશીઓનો ઉપયોગ કરી રહી છે કે નહીં."

"તેને યોગ્ય રીતે રિલેક્સ કરી શકી રહી છે કે નહીં. ખાસ કરીને એ મહિલાઓ માટે એ વધુ મદદગારી થઈ શકે છે, જેમને એ ઓળખવામાં પરેશાની થાય છે કે પેલ્વિક ફ્લોરની માંસપેશીઓને યોગ્ય રીતે કેવી રીતે ઍક્ટિવેટ કરવાની છે."

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડાયટમાં બદલાવ કરવાનો હોય, દવા લેવી હોય કે કસરત કરવાનું શરૂ કરવું હોય તો ડૉક્ટર અને યોગ્ય ટ્રેનરની મદદ લેવી જરૂરી છે

એ બાદ ડૉ. કન્નૌજિયા એક જરૂરી વાત તરફ ધ્યાન દોરે છે.

તેઓ કહે છે કે, "દરેક પેલ્વિક ફ્લોરને મજબૂત કરવાની જરૂર હોય, એ જરૂરી નથી. કેટલાંક મહિલાઓમાં માંસપેશીઓ વધુ ટાઇટ કે ઓવરઍક્ટિવ હોઈ શકે છે. આવી સ્થિતિમાં માંસપેશીઓને રિલેક્સ કરવી અને તેની વચ્ચે યોગ્ય તાલમેલ જાળવવું એ યોગ્ય હોઈ શકે છે. ફિઝિયૉથેરેપિસ્ટ વ્યક્તિની સ્થિતિની તપાસ કરીને તેના હિસાબે યોગ્ય ઍક્સરસાઇઝની યોજના તૈયાર કરી શકે છે."

તેઓ આગળ કહે છે, "પેલ્વિક ફ્લોરની કમજોરીનો સંબંધ પેલ્વિક ઑર્ગન પ્રોલેપ્સ પણ હોઈ શકે છે. જોકે, પેશાબ સાથે સંકળાયેલી દરેક સમસ્યાનો અર્થ એ નથી કે પેલ્વિક ફ્લોરની માંસપેશીઓ કમજોર છે."

"કેટલાંક મહિલાઓમાં આ માંસપેશીઓ કમજોર હોવાના સ્થાને વધુ ટાઇટ હોઈ શકે છે. તેથી પેલ્વિક હેલ્થ ફિઝિયૉથેરપિસ્ટ પાસેથી તપાસ કરાવીને એ સમજવું ફાયદાકારક હોઈ શકે છે કે ખરી સમસ્યા શું છે."

જીવનશૈલીમાં કોઈ મોટો બદલાવ કરવો હોય, ડાયટમાં બદલાવ કરવો હોય, દવા લેવી હોય કે ઍક્સરસાઇઝ કરવાનું શરૂ કરવું હોય,તો ડૉક્ટર અને યોગ્ય ટ્રેનરની મદદ લેવી જરૂરી છે.

પોતાનાં શરીર અને લક્ષણોની ડૉક્ટર પાસેથી યોગ્ય રીતે તપાસ કરાવ્યા બાદ, તેની સલાહ પ્રમાણે જ જીવનશૈલીમાં બદલાવ કરવો એ બહેતર હોય છે. ડૉક્ટરને બતાવ્યા વગર જાતે ઇલાજ કરવું એ નુકસાનકારક હોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન