જ્ઞાનેશકુમાર મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ અને સરકારને નોટિસ પાઠવીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને બે અન્ય ચૂંટણી કમિશનરોને મળેલી અભિયોજનમાંથી છૂટની કાનૂની માન્યતા તથા મુખ્ય ચૂંટણી કમિશનર પર ચૂંટણી સંબંધિત એકતરફી નિર્ણયો લેવાના આક્ષેપોની તપાસ કરવા માટે સહમતિ વ્યક્ત કરી છે.
જોકે, સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને સર્વસંમતિ વિના કોઈ નિર્ણય લેતા રોકવા માટે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ચૂંટણીપંચનો કોઈ નિર્ણય કાયદા અનુસાર યોગ્ય ન હોવાનું જણાશે, તો તેને રદ કરવામાં આવશે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, મુખ્ય ચૂંટણી કમિશનરને સસ્પેન્ડ કરવાની માગ કરતી અરજી પર કોર્ટે ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે.
કોર્ટે એક અઠવાડિયામાં જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણીપંચના નિર્ણયો સર્વસંમતિથી અથવા બહુમતીના આધારે થવા જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં જ્ઞાનેશકુમાર વિરુદ્ધ એસઆઇટી તપાસની માગ કરવામાં આવી છે. સાથે જ મતદારયાદીઓના દેશવ્યાપી વિશેષ સઘન પુનરીક્ષણ (એસઆઇઆર)ને ગેરકાયદેસર જાહેર કરવાની માગ પણ કરવામાં આવી છે.
આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત તેમજ ન્યાયમૂર્તિ જૉયમાલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠ કરી રહી છે.
આ અરજીઓ ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રકાશિત થયા બાદ થોડા દિવસોમાં દાખલ કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું હતું કે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં મતદારયાદીઓના એસઆઇઆર સંબંધિત નિર્ણયો અને આદેશો અંગે ઓછામાં ઓછા 14 વખત વાંધા નોંધાવ્યા હતા.
ચાલો જાણીએ કે પશ્ચિમ બંગાળની મતદારયાદીમાંથી નામ કાપી નાખવામાં આવેલા લોકોના મામલે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી શું કહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ તો માત્ર પેટાચૂંટણીઓ છે, બસ એટલી જ વાત છે"

ઇમેજ સ્રોત, ANI
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે 26 સપ્ટેમ્બર, 2026ના રોજ આ શબ્દો સાથે પશ્ચિમ બંગાળની મતદારયાદીમાંથી નામ કાપી નાખવામાં આવ્યું હોવાનો દાવો કરનારા લોકોની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી હતી.
અરજદાર પક્ષના વકીલે કોર્ટને કહ્યું હતું કે નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા વિસ્તારોમાં મતદારયાદીમાંથી બહાર થયેલા લોકો એપ્રિલમાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન કરી શક્યા નહોતા.
વકીલે કહ્યું હતું કે જો તેમની અપીલ પર નિર્ણય નહીં આવે, તો તેઓ 6 ઑક્ટોબરે યોજાનારી પેટાચૂંટણીમાં પણ મતદાન કરી શકશે નહીં.
તેમણે ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠને જણાવ્યું હતું કે 18 હજારથી વધુ અપીલો હજુ બાકી છે. જોકે, ખંડપીઠે મામલાની તાત્કાલિક સુનાવણી કરવાની માગ સ્વીકારી નહોતી.
આ બાબત એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે કે મુખ્ય વિરોધ પક્ષો સહિત અન્ય વિરોધી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હઠાવવાની માગ સાથે વિરોધપ્રદર્શન શરૂ કર્યાં છે.
મતદારોની ચકાસણી માટેનું મોટું અભિયાન

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા મામલાની નવી કડી હતી.
આ મામલાના કેન્દ્રમાં મતદાર યાદીની વિશેષ સઘન પુનઃચકાસણી (Special Intensive Revision - SIR) છે. ભારતના ચૂંટણીપંચે મતદારયાદીને અપડેટ કરવા માટે ઘર-ઘર જઈને ચકાસણીનું આ અભિયાન શરૂ કર્યું હતું.
ચૂંટણીપંચનું કહેવું છે કે મૃત્યુ પામેલા, એકથી વધુ સ્થળે નોંધાયેલા, અન્યત્ર સ્થળાંતર કરી ગયેલા મતદારો તેમજ ભારતના નાગરિક ન હોય એવા લોકોનાં નામ મતદારયાદીમાંથી દૂર કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે.
આ પ્રક્રિયાને પડકારનારા અરજદારોનું કહેવું છે કે તેનાથી મતદારો પર દસ્તાવેજો રજૂ કરવાનો વધારાનો બોજો મૂકવામાં આવ્યો છે અને મતદાન માટે પાત્ર નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે.
અદાલતે બિહારમાં SIR પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી આપી હતી અને મે મહિનામાં તેને કાયદેસર પણ ઠેરવી હતી.
પરંતુ પશ્ચિમ બંગાળમાં અદાલતે આ પ્રક્રિયા અંગે ઘણી વધુ સક્રિય ભૂમિકા ભજવી હતી.
લાખો મતદારોની ચકાસણીની જવાબદારી એવા ટ્રિબ્યુનલને સોંપવામાં આવી હતી, જેમાં કાર્યરત ન્યાયિક અધિકારીઓ અને હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જેમના નામ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, તેઓ તેમની અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી મતદાન કરી શકશે નહીં.
બિહારમાં શરૂઆત અને પડકારો

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
SIR વિરુદ્ધની અરજીઓ પર પહેલી સુનાવણી જુલાઈ 2025માં થઈ હતી. તે સમયે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાંના થોડા મહિનાઓમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
બે ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું હતું કે આ પ્રશ્ન "લોકતાંત્રિક ગણરાજ્યના કાર્યના મૂળ સુધી પહોંચે છે."
અદાલતે સુનાવણી માટે ત્રણ મુદ્દા નક્કી કર્યા હતા:
- શું ચૂંટણીપંચ પાસે આ પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર છે?
- શું પંચ દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયા કાયદા મુજબ છે?
- શું તેના માટે નક્કી કરવામાં આવેલો સમયગાળો ખૂબ ઓછો છે?
અદાલતે SIR પ્રક્રિયા પર રોક લગાવી નહોતી. જોકે, તેણે ચૂંટણીપંચને સૂચન કર્યું હતું કે મતદારોની ઓળખ ચકાસવા માટે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અને રેશન કાર્ડને પણ માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત થતો અટકાવવાની માંગ કરતી અરજી પર વિચાર કર્યો નહોતો.
જો કે, તેમણે અરજદારોને કહ્યું હતું, "જો અમે તમારી સાથે સહમત થઈશું, તો અમે આખી પ્રક્રિયાને રદ કરી દઈશું."
ઑગસ્ટમાં ખંડપીઠે ચૂંટણી આયોગને મતદાર યાદીના ડ્રાફ્ટમાંથી બહાર રાખવામાં આવેલા લગભગ 65 લાખ લોકોના નામ અને તેમને દૂર કરવાના કારણો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું, "જો પૂનમ દેવીનું નામ દૂર કરવામાં આવ્યું હોય, તો પૂનમ દેવીને ખબર હોવી જોઈએ કે તેમનું નામ કેમ દૂર કરવામાં આવ્યું છે."
8 સપ્ટેમ્બરે અદાલતે આદેશ આપ્યો હતો કે આધાર કાર્ડને ઓળખ સાબિત કરવા માટેના 12મા માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવે.
જોકે, અદાલતે આ પણ સ્પષ્ટ કર્યું હતું કે આધાર કાર્ડને "નાગરિકતાના પુરાવા" તરીકે માનવામાં આવશે નહીં.
30 સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થયા બાદ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું, "દરેક વ્યક્તિને અપીલ કરવાનો અધિકાર છે."
અરજદારોની દલીલો અંગે પ્રશ્ન ઉઠાવતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પૂછ્યું હતું, "જો મતદાર યાદીઓને દર વર્ષે કોઈ ફેરફાર કર્યા વગર માત્ર કોપી-પેસ્ટ કરવામાં આવતી રહે, તો શું થશે?"
જોકે, તેમણે આ બાબત પર ભાર મૂક્યો હતો કે અદાલત કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી રહી નથી.
ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીએ પણ કહ્યું હતું કે આ માત્ર પ્રશ્નો છે, "અમારો અંતિમ નિર્ણય નથી."
બિહારમાં SIRને પડકારતી અરજીઓ પર કુલ 29 દિવસ સુધી સુનાવણી થઈ હતી. ત્યારબાદ અદાલતે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
તે સમય સુધી બિહારમાં SIRની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને નવેમ્બર 2025માં બિહાર વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ ગઈ હતી.
સૉફ્ટવેરની ખામીઓ, 'તાર્કિક અસંગતતાઓ' અને બંગાળમાં ટ્રિબ્યુનલ

ઇમેજ સ્રોત, Ishant Chauhan/Hindustan Times via Getty Images
જાન્યુઆરી સુધીમાં SIRની પ્રક્રિયા પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગઈ હતી. અહીં આ મામલામાં એક નવો શબ્દ સામે આવ્યો હતો - "તાર્કિક અસંગતતા" (Logical Inconsistency).
મતદારોના દસ્તાવેજોમાં જોવા મળેલા તફાવતોના આધારે તેમને તપાસ માટે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. તેમાં પિતાના નામ અથવા માતા-પિતાની ઉંમરમાં જોવા મળતા તફાવતો જેવી બાબતો સામેલ હતી.
જાન્યુઆરીમાં અદાલતે નોંધ્યું હતું કે આશરે 1 કરોડ 36 લાખ મતદારોને આ શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા.
4 ફેબ્રુઆરીએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે જોડણીની ભૂલોને કારણે "સાચા અને વાસ્તવિક લોકોને મતદાર યાદીમાંથી બહાર રાખી શકાતા નથી."
તેના પાંચ દિવસ બાદ ન્યાયમૂર્તિ બાગચીએ નોટિસ જારી કરવા માટે વપરાયેલા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત સૉફ્ટવેર અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે બંગાળી પરિવારોમાં "કુમાર" મધ્ય નામ તરીકે વપરાય છે. પરંતુ "તપન કુમાર રૉય"ના બદલે "તપન રૉય" લખાયેલું હોવા જેવા તફાવતને કારણે પણ તાર્કિક અસંગતતાની નોટિસ મોકલવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું, "જમીની હકીકત એ છે કે સૉફ્ટવેરના ઉપયોગને કારણે મોટા પાયે નોટિસો મોકલવામાં આવી રહી છે."
આ સ્વચાલિત પદ્ધતિની ટીકા કરતાં વરિષ્ઠ વકીલ મોહન કટરકીએ કહ્યું હતું કે "સુપ્રીમ કોર્ટ વાસ્તવિક ગડબડીને પકડી શકી નથી."
તેમણે બીબીસીને કહ્યું હતું, "SIRનો હેતુ મૃત્યુ પામેલા અને અન્યત્ર સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ દૂર કરવાનો હતો. પરંતુ તેના બદલે એક ગુપ્ત અલ્ગોરિધમ દ્વારા 13 કરોડ ભારતીયોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં."
"તેના માટે 'તાર્કિક અસંગતતા', 'મેપિંગ ન થવું' અને 'ઉંમરમાં તફાવત' જેવાં કારણો દર્શાવવામાં આવ્યાં. મશીને જોડણીના તફાવતને પણ ગડબડ ગણી લીધો."
"મશીનના કોડ વિશે કોઈ પારદર્શિતા નથી. એવું લાગે છે કે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી છે."
20 ફેબ્રુઆરીએ અદાલતે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર અને ચૂંટણીપંચ વચ્ચે "વિશ્વાસનો અભાવ" છે, કારણ કે બંને આ બાબતે સહમત થઈ શક્યા નહોતા કે દાવાઓ પર નિર્ણય કયા અધિકારીઓએ લેવો જોઈએ.
અદાલતે કલકત્તા હાઈકોર્ટને સેવા આપતા તથા નિવૃત્ત ન્યાયિક અધિકારીઓ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું.
આ અધિકારીઓને "તાર્કિક અસંગતતા" અને મતદારયાદીના જૂના રેકૉર્ડ સાથે જોડાઈ ન શકેલા લોકોના દાવાઓની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ચાર દિવસ બાદ અદાલતે પ્રક્રિયાના વિશાળ વ્યાપને ધ્યાનમાં રાખીને ન્યાયિક અધિકારીઓની સંખ્યા વધારી હતી.
અદાલતે ઓડિશા અને ઝારખંડમાંથી પણ અધિકારીઓને બોલાવવાની મંજૂરી આપી હતી.
તેની સાથે અદાલતે કહ્યું હતું કે અંતિમ મતદારયાદી જાહેર થયા પછી પૂરક યાદીઓ પણ પ્રકાશિત કરી શકાય છે. બાદમાં ઉમેરાયેલાં નામોને પણ અંતિમ મતદારયાદીનો ભાગ માનવામાં આવશે.
10 માર્ચે અદાલતે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની અધ્યક્ષતામાં અપીલીય ટ્રિબ્યુનલની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું, "હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે અમને બંને પક્ષોની નિયત અંગે શંકા થવા લાગી છે."
તેમનો સંકેત ચૂંટણીપંચ અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેના મતભેદો તરફ હતો.
1 એપ્રિલ સુધીમાં લગભગ 60 લાખ વાંધાઓમાંથી 46 લાખથી વધુ પર નિર્ણય લેવામાં આવી ચૂક્યો હતો.
તે દિવસની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ બાગચીએ કહ્યું હતું કે મતદારયાદીમાંથી કોઈનું નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યું હોય અથવા ખોટી રીતે ઉમેરવામાં આવ્યું હોય, તો ચૂંટણી બાદ ટ્રિબ્યુનલ તે ભૂલો સુધારી શકે છે.
તેમણે કહ્યું હતું, "જો કોઈ વ્યક્તિને આજે મતદારયાદીમાંથી બહાર કરી દેવામાં આવે અને તે આ ચૂંટણીમાં મત ન આપી શકે, પરંતુ પૂર્વ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળા ટ્રિબ્યુનલને એવું લાગે કે તેને બહાર કરવું યોગ્ય નહોતું, તો અમને કોઈ કારણ દેખાતું નથી કે તે નિર્ણયમાં ફેરફાર કેમ ન થઈ શકે અને તે વ્યક્તિનું નામ ફરી યાદીમાં કેમ ન ઉમેરાઈ શકે."
એપ્રિલમાં મતદાન નજીક આવતાં સુધીમાં 34 લાખથી વધુ અપીલો દાખલ થઈ ચૂકી હતી.
13 એપ્રિલના પોતાના આદેશમાં અદાલતે કહ્યું હતું કે જે અપીલો પર 21 અથવા 27 એપ્રિલ સુધીમાં નિર્ણય આવી જશે, તેનાં પરિણામોને પૂરક મતદારયાદીઓમાં સામેલ કરવામાં આવશે.
પરંતુ અદાલતે એ પણ કહ્યું હતું કે "માત્ર અપીલ બાકી હોવાના" આધારે યાદીમાંથી બહાર થયેલા લોકોને મતદાનનો અધિકાર આપવામાં આવશે નહીં.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું, "જો અમે તેની મંજૂરી આપી દઈએ, તો પછી મતદારયાદીમાં સામેલ લોકોના મતદાનના અધિકાર પર પણ રોક લગાવવી જોઈએ."
ન્યાયમૂર્તિ બાગચીએ કહ્યું હતું કે કોઈએ એવું માનવું જોઈએ નહીં કે ખંડપીઠ "તે સતર્ક મતદારની અવગણના કરી રહી છે, જેનું નામ યોગ્ય કે અયોગ્ય કારણસર યાદીમાં નથી."
તેમણે કહ્યું હતું કે મતદાનનો અધિકાર "રાષ્ટ્રીયતા અને દેશભક્તિની સૌથી મોટી અભિવ્યક્તિ" છે.
તેમણે એક કલ્પિત પરિસ્થિતિનું ઉદાહરણ આપ્યું હતું.
જો 2002ની મતદારયાદી સાથે જોડાઈ શકતા, એટલે કે "મૅપ થયેલા" મતદારોમાંથી 15 ટકા લોકો મતદાન ન કરી શકે અને કોઈ બેઠકનું પરિણામ માત્ર 2 ટકા મતના અંતરથી નક્કી થાય, તો તેમણે કહ્યું હતું, "અમારે ચોક્કસપણે આ મુદ્દા પર વિચાર કરવો પડશે."
જોકે, તેમણે આ મુદ્દે કોઈ અંતિમ અભિપ્રાય વ્યક્ત કર્યો નહોતો.
તેમણે કહ્યું હતું કે આટલા મોટા પાયે પ્રક્રિયામાં "ભૂલની થોડી સંભાવના હંમેશાં રહે છે." અપીલની વ્યવસ્થા આવી ભૂલોને સુધારવા માટે જ બનાવવામાં આવી છે.
આ પહેલાંની એક સુનાવણીમાં પણ તેમણે કહ્યું હતું કે અદાલત અપીલની પ્રક્રિયા ઉતાવળમાં પૂર્ણ કરાવવા માંગતી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























