જુનિયર હૉકી એશિયા કપમાં ભારતને બેવડી સફળતા, મહિલા-પુરુષ બંને ટીમોએ જીત્યો ખિતાબ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters
ભારતની જુનિયર હૉકી ટીમે મહિલા અને પુરુષ બંને વર્ગોમાં એએચએફ જુનિયર હૉકી એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
ભારતીય હૉકીની આ સિદ્ધિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને બંને ટીમોને અભિનંદન પાઠવ્યાં છે.
ભારતની મહિલા જુનિયર હૉકી ટીમે એએચએફ જુનિયર એશિયા કપનો ખિતાબ સળંગ ત્રીજી વખત જીત્યો છે. જ્યારે પુરુષ જુનિયર હૉકી ટીમે સતત ચોથી વખત આ ખિતાબ જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો છે.
આ સાથે જ ભારતીય જુનિયર પુરુષ હૉકી ટીમે કુલ છઠ્ઠી વખત એશિયા કપ જીત્યો છે.
મહિલા જુનિયર હૉકી ટીમે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવ્યું હતું.
આ જીત સાથે ભારતીય મહિલા ટીમે જુનિયર હૉકી વર્લ્ડકપ માટે પણ ક્વૉલિફાય કર્યું છે.
આ મુકાબલામાં ભારત તરફથી એકમાત્ર અને નિર્ણાયક ગોલ સાનિકા ચંદ્રકાંત માનેએ મૅચની 17મી મિનિટે કર્યો હતો.
બીજી તરફ, પુરુષ જુનિયર હૉકી ટીમે ફાઇનલની શરૂઆતથી જ મૅચ પર પોતાની પકડ જાળવી રાખી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચની 9મી મિનિટે અજિત યાદવે ગોલ ફટકારીને ટીમને શરૂઆતની લીડ અપાવી હતી.
ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત ચાલુ રાખી હતી અને પ્રથમ હાફ પૂર્ણ થાય ત્યાં સુધી સ્કોર 3-0 કરી દીધો હતો.
ત્યાર બાદ પણ ભારતે મૅચ પર નિયંત્રણ જાળવી રાખ્યું અને 4-1ની જીત સાથે વધુ એક એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
અમિત શાહે કહ્યું કે 2029 પહેલાં 21 રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ થશે

ઇમેજ સ્રોત, ani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં જણાવ્યું છે કે 2029 પહેલાં એનડીએશાસિત તમામ 21 રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા (યુનિફૉર્મ સિવિલ કોડ) લાગુ કરી દેવામાં આવશે.
અમિત શાહ રવિવારથી ત્રણ દિવસની મુંબઈ મુલાકાતે છે. એક કાર્યક્રમ દરમિયાન પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "અમે ઘણાં રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરી છે. મને વિશ્વાસ છે કે 2029 પહેલાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએશાસિત તમામ 21 રાજ્યોમાં યુસીસી લાગુ થઈ જશે."
તેમણે ભારતીય ન્યાય સંહિતા અંગે પણ દાવો કરતાં કર્યો કે ઘણાં રાજ્યોમાં સજા અપાવવાનો દર માત્ર એક વર્ષની અંદર 30 ટકા વધ્યો છે."
જોકે, તેમણે પોતાના આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.
માતૃભાષા અંગે શું કહ્યું?
મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહને માતૃભાષા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબમાં તેમણે કહ્યું કે સરકારની નીતિ માતૃભાષાને પ્રાથમિકતા આપવાની છે.
તેમણે વધુમાં કહ્યું, "બંધારણમાં રાજ્યો માટે માતૃભાષા અંગે નિર્દેશ અપાયા છે. મને નથી લાગતું કે આ કોઈ મોટો પ્રશ્ન બનશે. કેટલાક લોકો ઉશ્કેરણી કરે છે, તો ક્યારેક કેટલીક ઘટનાઓ બને છે. પરંતુ રાજ્યો પાસે અનુભવી નેતૃત્વ છે અને તે ચોક્કસપણે તેનો માર્ગ શોધી કાઢશે."
તેમણે આ નિવેદન તે પ્રશ્નના જવાબમાં આપ્યું હતું જેમાં પૂછવામાં આવ્યું હતું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનાર લોકોને ઘણી વખત પોતાની માતૃભાષા માટે સંઘર્ષ કરવો પડે છે.
બ્રિક્સ સમિટ : પીએમ મોદીએ કહ્યું, 'દુનિયામાં વધતા તણાવની સામાન્ય લોકોની જિંદગી પર પડી રહી છે અસર'

ઇમેજ સ્રોત, ANI
બ્રિક્સ શિખર સંમેલનના બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગ્લોબલ સાઉથના દેશોનો બ્રિક્સ પર વિશ્વાસ વધ્યો છે, કારણ કે અહીં તેમની વાત સાંભળવામાં આવે છે અને તેમના અનુભવોને મહત્ત્વ આપવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું, "હું મારા વ્યક્તિગત અનુભવના આધારે કહી શકું છું કે બ્રિક્સમાં ગ્લોબલ સાઉથના દેશોનો વિશ્વાસ વધ્યો છે, કારણ કે બ્રિક્સમાં તેમનો અવાજ સાંભળવામાં આવે છે, તેમના અનુભવનું સન્માન કરવામાં આવે છે અને ઉકેલો માત્ર તેમના માટે નહીં, પરંતુ તેમની સાથે મળીને તૈયાર કરવામાં આવે છે."
પીએમ મોદીએ કહ્યું, "વિશ્વમાં તણાવ સતત વધી રહ્યો છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે. મહામારી, જલવાયુ આપત્તિઓ અને સપ્લાય ચેઇનમાં આવેલા અવરોધોએ દર્શાવ્યું છે કે આજે વિશ્વના દેશો એકબીજા સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં એક જગ્યાએ ઊભી થયેલી સમસ્યા અન્ય દેશોને પણ અસર કરી શકે છે."
તેમણે જણાવ્યું કે આ જ વિચારસરણી સાથે ચેપી રોગોના ફેલાવાને અટકાવવા અને તેનો સામનો કરવા માટે 'બ્રિક્સ ઇન્ટિગ્રેટેડ અર્લી વૉર્નિંગ સિસ્ટમ' બનાવવા પર સહમતિ થઈ છે. તે ઉપરાંત આપત્તિઓનો સામનો કરવા માટે અર્લી વૉર્નિંગ ડેટા ઇન્ટિગ્રેશન ગાઇડલાઇન્સ પણ તૈયાર કરવામાં આવી છે.
સંમેલનના બીજા દિવસે ભારત મંડપમ્ ખાતે સભ્ય દેશોના નેતાઓનું ગ્રૂપ ફોટો સેશન યોજાયું હતું. આ દરમિયાન પીએમ મોદીના એક બાજુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જોવા મળ્યા હતા.
એલેના રિબાકિનાએ પ્રથમ વખત યુએસ ઓપન ટ્રૉફી જીતી, વિશ્વની નંબર-1 મહિલા ટેનિસ ખેલાડી બનશે

ઇમેજ સ્રોત, Simon Bruty/USTA via Getty Images
કઝાકિસ્તાનનાં એલેના રિબાકિનાએ પ્રથમ વખત યુએસ ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
ન્યૂ યૉર્કમાં રમાયેલા રોમાંચક ફાઇનલ મુકાબલામાં રિબાકિનાએ બેલારુસનાં આર્યના સબાલેન્કાને 6-4, 5-7, 6-2થી હરાવીને ટ્રૉફી પર કબજો જમાવ્યો.
આ જીત સાથે રિબાકિનાના નામે હવે ત્રણ મહિલા સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ થઈ ગયા છે. તેઓ સોમવારથી સત્તાવાર રીતે વિશ્વની નંબર-1 મહિલા ટેનિસ ખેલાડી બની જશે.
રિબાકિનાએ આ પહેલાં 2022માં વિંબલ્ડન અને 2026માં ઑસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પણ તેણે સબાલેન્કાને જ હરાવ્યાં હતાં.
યુએસ ઓપનનો ખિતાબ જીત્યા પછી હવે રિબાકિના પાસે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરવા માટે માત્ર ફ્રેન્ચ ઓપનની ટ્રૉફી જીતવી બાકી છે.
એન્થ્રોપિકમાંથી રાજીનામું આપનાર સંશોધક બોલ્યા, 'એઆઈની ગતિ નહીં રોકીએ તો આપણે બધા નષ્ટ થઈ જઈશું'

એન્થ્રોપિકમાંથી રાજીનામું આપનાર એઆઈ સંશોધક જૅકબ કૉક્સને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ)ના ઝડપથી થઈ રહેલા વિકાસને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ ટૅક્નૉલૉજી પર કામ કરતા લોકો તેની સતત વધતી ક્ષમતાઓ અને માનવજાત પર પડી શકે તેવી સંભવિત અસરને લઈને 'ખરેખર ડરેલા' છે.
કૉક્સને શનિવારે બીબીસીનાં લૉરા કુએન્સબર્ગ સાથેની વાતચીત દરમિયાન પોતાની વાયરલ રાજીનામાની પોસ્ટ અંગે પણ ચર્ચા કરી હતી. આ પોસ્ટમાં તેમણે એઆઈ નિયંત્રણની બહાર જવાની આશંકા વ્યક્ત કરતાં તેની વર્તમાન વિકાસગતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું, "મારું માનવું છે કે જો આપણે એઆઈની હાલની ગતિને નહીં રોકીએ, તો નજીકના ભવિષ્યમાં આપણે બધા નષ્ટ થઈ જવાની પ્રબળ સંભાવના છે."
27 વર્ષીય કૉક્સન બ્રિટનના રહેવાસી છે અને તેમનું સંશોધન એઆઈ મૉડલ્સની ટ્રેનિંગ પર આધારિત રહ્યું છે.
તેમણે કહ્યું, "એઆઈ ક્ષેત્ર સાથે જોડાયેલાં સંભવિત જોખમોને લઈને આવી જ ચિંતા વ્યક્ત કરનારાઓમાં ઍલન મસ્ક અને ઓપનએઆઈના સૅમ ઑલ્ટમેન પણ સામેલ છે."
કૉક્સનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એઆઈ ઉદ્યોગમાં સુરક્ષાને લઈને ચિંતા સતત વધી રહી છે. તેમના પૂર્વ બૉસ અને એન્થ્રોપિકના વડા ડારિયો આમોદેઇએ પણ શનિવારે પ્રકાશિત એક લેખમાં એઆઈના વિકાસની ગતિ ધીમી કરવાની વકાલાત કરી છે.
જોકે, ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક લોકોનું માનવું છે કે એઆઈનાં જોખમોને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહ્યા છે.
'સાઉદી અરેબિયાની હૂતીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની માંગ ટ્રમ્પે નકારી', એક અહેવાલ

ઇમેજ સ્રોત, Artur Widak/NurPhoto via Getty Images
અમેરિકાની સમાચાર વેબસાઇટ ઍક્સિઓસે દાવો કર્યો છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત ટેલિફોન પર વાતચીત કરી હતી.
અહેવાલ અનુસાર, ક્રાઉન પ્રિન્સે યમનમાં હૂતી બળવાખોરો સામે સૈન્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી, પરંતુ ટ્રમ્પે આ માંગ નકારી કાઢી હતી.
આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે યમનમાં સંઘર્ષ ફરી એકવાર વધ્યો છે. શનિવારે સાઉદી અરેબિયા સમર્થિત યમનનાં સરકારી સૈન્યદળોએ દાવો કર્યો હતો કે તેમણે લાલ સમુદ્રના તટીય શહેર મોક્હા આસપાસ હૂતી ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં.
ગયા કેટલાક દિવસોમાં હૂતી બળવાખોરોએ યમનના લાલ સમુદ્ર કિનારાના અનેક વિસ્તારો પર કબજો મેળવી લીધો છે. તેમણે બાબ અલ-મંદેબ જળમાર્ગ પર પણ પોતાની પકડ મજબૂત કરવાનો દાવો કર્યો છે.
સાથે જ હૂતીઓએ એવી જાહેરાત પણ કરી છે કે તેમણે લાલ સમુદ્રમાં આવેલા સાઉદી અરેબિયાનાં બંદરોની નૌકાદળ દ્વારા નાકાબંધી કરી દીધી છે.
બીજી તરફ, શનિવારે રાત્રે સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે હૂતીઓ દ્વારા છોડવામાં આવેલું એક પ્રોજેક્ટાઇલ સરહદ નજીકના વિસ્તારમાં પડ્યું હતું. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક મસ્જિદ, અનેક ઇમારતો અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
મહિલા એશિયા કપ 2026 : ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મૅચ આજે, આટલા વાગ્યે શરૂ થશે મૅચ

ઇમેજ સ્રોત, Sameera Peiris/Getty Images
મહિલા એશિયા કપ 2026નો ફાઇનલ મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે (13 સપ્ટેમ્બર) દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ મૅચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યેથી શરૂ થશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતે ગ્રૂપ Aમાં છ અંક સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
આ દરમિયાન ટીમે પાકિસ્તાન સામે પણ જીત નોંધાવી હતી. આ મુકાબલામાં પાકિસ્તાનની ટીમ ટી-20 ક્રિકેટમાં પોતાના સૌથી ઓછા સ્કોર (55 રન) પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
જ્યારે, શ્રીલંકાએ સતત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. દુબઈમાં શુક્રવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવીને ખિતાબી મુકાબલામાં સ્થાન મેળવ્યું હતું.
આ પહેલાં ભારતે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે બંને ટીમોની નજર ખિતાબ પોતાના નામે કરવા પર રહેશે.
મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમે બ્રિક્સ ડિનર દરમિયાન ગાયા કિશોરકુમાર અને મુકેશનાં ગીતો

ઇમેજ સ્રોત, Kazuhiro NOGI / AFP via Getty Images
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે શનિવારે નવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ ડિનર દરમિયાન હિંદી ફિલ્મોનાં બે પ્રસિદ્ધ ગીતો ગાયા. તેમનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં અનવર ઇબ્રાહિમ પિયાનોની ધૂન પર કિશોરકુમારનું પ્રસિદ્ધ ગીત 'ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત' અને મુકેશનું ગીત 'દોસ્ત દોસ્ત ના રહા' ગાતા જોવા મળી રહ્યા છે. લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં તેઓ બંને ગીતોના કેટલાક અંતરા ગાતા દેખાય છે.
અનવર ઇબ્રાહિમે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર શૅર કર્યો છે. વીડિયો સાથે તેમણે લખ્યું, "ગુરુ, થોડુંક ગાવાની પરવાનગી છે?"
કિશોરકુમારનું 'ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત' ગીત 1965માં રિલીઝ થયેલી ફિલ્મ 'તીન દેવિયાં'નું છે. જ્યારે મુકેશના અવાજમાં લોકપ્રિય બનેલું 'દોસ્ત દોસ્ત ના રહા' 1964માં રિલીઝ થયેલી ફિલ્મ 'સંગમ'નું ગીત છે.
આ પહેલાં ફેબ્રુઆરી 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયા યાત્રા દરમિયાન અનવર ઇબ્રાહિમે એક સત્તાવાર વીડિયો મૉન્ટેજ શૅર કર્યો હતો. તેમાં ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'નું લોકપ્રિય ગીત 'બોલે ચૂડિયાં' ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
અનવર ઇબ્રાહિમ મલેશિયાના 10મા વડા પ્રધાન છે. તેમણે 24 નવેમ્બર 2022ના રોજ વડા પ્રધાનપદની જવાબદારી સંભાળી હતી. આ પહેલાં તેઓ 1993માં મલેશિયાના 7મા નાયબ વડા પ્રધાન બન્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























