ભારત-ન્યૂઝીલૅન્ડની ત્રીજી વનડે મૅચ વરસાદને કારણે રદ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Phil Walter/Getty Images
ન્યૂઝીલૅન્ડ અને ભારતીય ટીમ વચ્ચે હેમિલ્ટનના સેડૉન પાર્કમાં થનારી ત્રીજી વનડે મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે.
જોકે, ભારતીય ટીમે આ મૅચમાં ટૉસ જીતી લીધો હતો. કપ્તાન શુભમન ગિલે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
સિરીઝની ચોથી મૅચ 13 નવેમ્બરના રોજ માઉન્ટ મૉન્ગનુઈના બે ઓવલ ખાતે રમાશે. પાંચ મૅચોની વનડે સિરીઝમાં ભારતીય ટીમ પહેલાંથી જ બે મૅચ જીતી ચૂકી છે.
અત્યાર સુધી ભારત માટે વિરાટ કોહલીએ આ સિરીઝમાં સૌથી વધુ 40ની સરેરાશથી 81 રન બનાવ્યા છે. તેમજ, ભારતીય બૉલર ગુરનૂરે સૌથી વધુ સાત વિકેટ ઝડપી છે.
તુર્કીમાં સ્ટીલના કારખાનામાં વિસ્ફોટ, 17 લોકોનાં મોત, 12ને ઈજા

ઇમેજ સ્રોત, Getty Images
તુર્કીના પશ્ચિમી ભાગમાં આવેલા ઇજમિર શહેર નજીક એક સ્ટીલ ફૅક્ટરીમાં સોમવારે વિસ્ફોટ થયો હતો, જેમાં 17 લોકોનાં મોત નીપજ્યાં છે અને 12ને ઈજા થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે મૃતકો અને ઈજાગ્રસ્તોમાં કારખાનામાં કામ કરતા મજૂરો હતા. આ ઘટના અલિયાગાસ્થિત હબાસ ડેમિર સેલિક સ્ટીલ પ્લાન્ટમાં બની હતી. આ દેશની ટોચની સ્ટીલ કંપનીઓ પૈકી એક છે.
ઘટનાસ્થળના વીડિયોમાં ફૅક્ટરીની અંદર ભયંકર આગ અને આકાશમાં ઊઠતો ધુમાડો જોવા મળે છે. સ્થાનિક ગવર્નર મુજબ આ દુર્ઘટના બપોરના સમયે ઘટી હતી. એક ક્રેનમાં નવું બૉઇલર લાવવામાં આવતું હતું, ત્યારે ક્રેન તૂટી ગઈ અને બૉઇલરનો સામાન નીચે ભઠ્ઠીમાં જઈ પડ્યો હતો. એ બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો.
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેન અર્દોગને શરૂઆતમાં 16 લોકોનાં મોતની માહિતી આપી હતી. એ બાદ આરોગ્યમંત્રી કેમલ મેમિસોગ્લુએ જણાવ્યું કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિનું પણ મોત નીજપ્યું છે. આ સાથે મૃત્યુઆંક 17 થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હજુ પણ જોખમી સ્તરે, વહેલી સવારે એક્યુઆઇ 314

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હજુ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. દિલ્હીમાં 59માંથી 56 મૉનિટરિંગ સ્ટેશન હવાની ગુણવત્તાનો ડેટા આપે છે. તેમાં 52 સ્ટેશન પર પીએમ 2.5 સૌથી મોટો પ્રદૂષક છે. દિલ્હી સરકારની વેબસાઇટ મુજબ મંગળવારે સવારે છ વાગ્યે દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 314 નોંધાયો હતો.
આ 'અત્યંત ખરાબ' શ્રેણીમાં આવે છે. વેબસાઇટ મુજબ ગઈ કાલની તુલનામાં આજે એક્યુઆઇ 51 પૉઇન્ટ જેટલો નીચી છે.
એક્યુઆઇનો સ્તર 301થી 400 વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તાને 'અત્યંત ખરાબ' ગણવામાં આવે છે.
ટ્રમ્પે કહ્યું 'એનવીડિયાના પ્રમુખ અને કથિત ચાઇનીઝ જાસૂસ વચ્ચેના સંબંધોની એફબીઆઇ તપાસ કરશે'

ઇમેજ સ્રોત, Brendan SMIALOWSKI / AFP via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે એફબીઆઇ એનવીડિયાના સીઇઓ અને એક કથિત ચાઇનીઝ મહિલા જાસૂસ વચ્ચેના પ્રેમ સંબંધોની તપાસ કરી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે સોમવારે તેમણે એનવીડિયાના સીઇઓ જેન્સન હુઆંગ સાથે વાતચીત કરી હતી. સૌપ્રથમ એવા અહેવાલ આવ્યા હતા કે અમેરિકાનું માનવું છે કે ચીનના જાસૂસી અભિયાન હેઠળ હુઆંગને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, "મેં તેમને પૂછ્યું કે શું એ મહિલા જાસૂસ હતાં? તેમણે મને કહ્યું કે તેમને બિલકુલ ખબર નહોતી કે તે જાસૂસ હતાં. મને તેમની વાત પર ખરેખર ભરોસો છે.
ચીને આ આરોપો નકારી કાઢ્યા છે."
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા, અટકળો પર આધારિત અને ચીનની છબી ખરાબ કરવાના ઇરાદાથી લગાવવામાં આવ્યા છે.
એનવીડિયાએ એલિસ હુઆંગ સાથે સંકળાયેલા આ મામલાની તપાસ કરી છે. એલિસ હુઆંગ ચીનનાં જાસૂસ હોવાનો આરોપ છે.
પેટ્રોલમાં ખરેખર કેટલું ઇથોનોલ છે? હવે કેરળે પણ તપાસ શરૂ કરી

ઇમેજ સ્રોત, EyesWideOpen/Getty Images
કર્ણાટકમાં પેટ્રોલમાં ઇથેનોલના પ્રમાણ વિશે સવાલ ઊઠ્યા પછી કેરળે પણ મામલે પેટ્રોલના નમૂના એકટા કરીને તપાસ શરૂ કરી છે. સરકાર એ તપાસી રહી છે કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકા કરતાં વધુ છે કે નહીં.
કેરળના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી અનુક જેકબે જણાવ્યું કે તેમણે સોમવારે ચાર જિલ્લામાં અચાનક તપાસના આદેશ આપ્યા છે.
ઉત્તર કેરળના બે અને દક્ષિણ કેરળના બે જિલ્લામાંથી નમૂના લેવામાં આવી રહ્યા છે. તેમાં પાટનગર તિરુવનંતપુરમ્ ઉપરાંત અર્નાકુલમ, કોઝિકોડ અને કન્નૂર પણ સામેલ છે.
જેકબે બીબીસીને જણાવ્યું કે, "અમે નમૂના લેવાનું શરૂ કરી દીધું છે અને તેને સરકારી તથા એનએબીએલ માન્યતાપ્રાપ્ત લૅબોરેટરીમાં મોકલી રહ્યા છીએ. અમને આશા છે કે લગભગ દસ દિવસમાં તપાસનાં પરિણામો આવી જશે."
તેમણે કહ્યું કે, "કર્ણાટકમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ અને 31.2 ટકા સુધી મળ્યા પછી કેરળમાં પણ નમૂના ભેગા કરવાનો નિર્ણય લેવાયો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























