મોદી પોતાના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ કયા દેશોની મુલાકાતે ગયા છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી
    • લેેખક, જાસ્મિન નિહલાની
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદનાં 12 વર્ષમાં તેમની વિદેશ યાત્રાઓ પર 900 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે.

આ માહિતી વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સંસદનાં બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપવામાં આવી છે.

આ આંકડો જૂન 2014થી જુલાઈ 2026 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન વડા પ્રધાને 81 દેશોના 183 પ્રવાસ કર્યા હતા. જુલાઈથી અત્યાર સુધી વધુ ત્રણ વિદેશ પ્રવાસ કરવામાં આવ્યા છે, પરંતુ તેમના ખર્ચ સંબંધિત કોઈ જાહેર માહિતી ઉપલબ્ધ નથી.

જ્યારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે મે 2004થી મે 2014 સુધીના પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન 96 દેશોની મુલાકાત લીધી હતી. મનમોહન સિંહ સૌથી વધુ 10 વખત અમેરિકા ગયા હતા. જોકે, મનમોહન સિંહના વિદેશ પ્રવાસો પર થયેલા કુલ ખર્ચની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી. પરંતુ તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ચાર્ટર્ડ વિમાનો પર આશરે 795 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ફિલિપાઇન્સ મુલાકાત લીધી હતી. તેઓ અહીં મનીલામાં આસિયાન-ભારત શિખર સંમેલન (દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનું સંગઠન)માં ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોદી ત્યાં જ ક્વાડ શિખર સંમેલનમાં પણ ભાગ લીધો હતો.

આ પહેલાં ઑગસ્ટમાં તેઓ દ્વિપક્ષીય મુલાકાતે ઉઝબેકિસ્તાન ગયા હતા. ત્યારબાદ તેમણે કિર્ગિસ્તાનમાં યોજાયેલા શાંઘાઈ સહકાર સંગઠન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.

સંસદમાં આપવામાં આવેલા જવાબમાં વિદેશ મંત્રાલયએ જણાવ્યું છે કે આવા ઉચ્ચસ્તરીય પ્રવાસો દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે કરવામાં આવે છે. તેમનો હેતુ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ભારતની ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવાનો છે.

વિદેશ પ્રવાસો પર થનારા ખર્ચ અંગે મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યારે વડા પ્રધાન કોઈ બીજા દેશની મુલાકાતે જાય છે, ત્યારે તેમને તે દેશના મહેમાન તરીકે ગણવામાં આવે છે.

મેજબાન દેશની સરકાર તેમના નિવાસ અને અન્ય સુવિધાઓનો ખર્ચ ઉઠાવે છે. જોકે, આ પ્રવાસોમાં સાથે જતાં અધિકારીઓ, સુરક્ષા વ્યવસ્થા અને મીડિયા પ્રતિનિધિમંડળનો ખર્ચ ભારત સરકાર ઉઠાવે છે.

માર્ચ 2025માં આપવામાં આવેલા એક અલગ જવાબમાં વિદેશ મંત્રાલયે 2022થી 2024 દરમિયાન વડા પ્રધાનની વિદેશ યાત્રાઓ પર થયેલા ખર્ચની વિગત આપી હતી. તેમાં હોટેલ અને રહેવાની વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળોનો ખર્ચ, સુરક્ષા અને સાધનો, પરિવહન તથા અન્ય ખર્ચનો સમાવેશ થતો હતો.

સંસદમાં આપવામાં આવેલા જવાબ મુજબ, 2022થી 2024 દરમિયાનના ત્રણ વર્ષમાં વડા પ્રધાનની વિદેશ યાત્રાઓ દરમિયાન રહેવાની વ્યવસ્થા પર અંદાજે 104 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

ત્યારબાદ સૌથી વધુ 75.7 કરોડ રૂપિયા અન્ય ખર્ચાઓ પર વપરાયા હતા. જ્યારે પરિવહન વ્યવસ્થા પર 71 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળો તથા સુરક્ષા અને સાધનો પર અંદાજે 4-4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

જોકે, આ વિશ્લેષણમાં સમાવાયેલા સમગ્ર 12 વર્ષ માટે ખર્ચની આવી વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. તેથી દરેક પ્રવાસ પર થયેલા કુલ ખર્ચના આંકડાઓને આધાર બનાવવામાં આવ્યા છે.

દર વર્ષે કેટલા વિદેશ પ્રવાસ કરવામાં આવ્યા?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વર્ષે અત્યાર સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16 વિદેશ પ્રવાસો કર્યા હતા. જુલાઈ સુધી આ પ્રવાસો પર ઓછામાં ઓછા 74.6 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. જોકે, આ આંકડામાં તેમના છેલ્લા ત્રણ પ્રવાસોના ખર્ચનો સમાવેશ થતો નથી, કારણ કે તેની માહિતી જાહેર રેકૉર્ડમાં ઉપલબ્ધ નથી.

મોદીના 12 વર્ષના કાર્યકાળમાં સૌથી વધુ વિદેશ પ્રવાસ 2015માં થયા હતા. આ વર્ષે તેમણે 28 વખત વિદેશ યાત્રા કરી હતી.

આ દરમિયાન તેઓ અમેરિકા, બ્રિટન અને ચીન જેવા મોટા દેશોની મુલાકાતે ગયા હતા. તેમણે રશિયા, ફ્રાન્સ અને સિંગાપુરની બે-બે વખત મુલાકાત લીધી હતી.

આ જ વર્ષે તેમણે અચાનક પાકિસ્તાનના લાહોરનો પણ પ્રવાસ કર્યો હતો. ત્યાં તેમણે તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.

2015 પછી સૌથી વધુ વિદેશ પ્રવાસ 2025માં થયા હતા. આ વર્ષે વડા પ્રધાનએ 23 દેશોની મુલાકાત લીધી હતી.

જોકે, ખર્ચની દૃષ્ટિએ 2025નો આંકડો વધુ રહ્યો હતો. આ વર્ષે તેમની વિદેશ યાત્રાઓ પર ઓછામાં ઓછા 187.8 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

જ્યારે 2015માં આ ખર્ચ 91.5 કરોડ રૂપિયા હતો. જો મોંઘવારીના હિસાબે 2015ના ખર્ચને 2025ની કિંમતોમાં જોવામાં આવે, તો તે અંદાજે 145 કરોડ રૂપિયા થાય છે.

વડા પ્રધાન મોદી સૌથી વધુ વખત કયા દેશોમાં ગયા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત અમેરિકાની મુલાકાતે ગયા છે. તેઓ અત્યાર સુધી 10 વખત અમેરિકા જઈ ચૂક્યા છે.

તે પછી સંયુક્ત અરબ અમીરાત (UAE), જાપાન અને ફ્રાન્સનો નંબર આવે છે. આ ત્રણેય દેશોની તેમણે આઠ-આઠ વખત મુલાકાત લીધી છે.

આ દેશોમાંથી કેટલાકના પ્રવાસો પર નોંધપાત્ર ખર્ચ પણ થયો છે.

2019માં વડા પ્રધાનની અમેરિકા યાત્રા સૌથી ખર્ચાળ પ્રવાસોમાંથી એક હતી. આ પ્રવાસ પર 37.7 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

આ દરમિયાન તેમણે ટેક્સાસના હ્યુસ્ટનમાં યોજાયેલા 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 50 હજાર લોકો સામેલ થયા હતા.

આ ઉપરાંત 2025માં ફ્રાન્સની મુલાકાત અને 2023 તથા 2021માં અમેરિકાના પ્રવાસો પર પણ સૌથી વધુ ખર્ચ થયો હતો.

શું મોદીએ મનમોહન સિંહ કરતાં વધુ વિદેશ યાત્રાઓ કરી?

વડા પ્રધાન કાર્યાલય (PMO)ના આંકડાઓના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે મે 2004થી મે 2014 સુધીના પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન 96 દેશોની મુલાકાત લીધી હતી.

જ્યારે નરેન્દ્ર મોદીએ મે 2014થી મે 2024 સુધીના પોતાના પ્રથમ 10 વર્ષના કાર્યકાળ દરમિયાન 133 વિદેશ પ્રવાસો કર્યા હતા.

મનમોહન સિંહ સૌથી વધુ 10 વખત અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેમણે રશિયાની નવ વખત અને જાપાન તથા જર્મનીની પાંચ-પાંચ વખત મુલાકાત લીધી હતી.

જોકે, મનમોહન સિંહના વિદેશ પ્રવાસો પર થયેલા કુલ ખર્ચની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી. પરંતુ તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ચાર્ટર્ડ વિમાનો પર અંદાજે 795 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ નું પ્રકાશન