એઆઇ અંગે અપીલ બાદ ટૅક કંપનીઓના શૅરોમાં ભારે ઘટાડો - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભારતમાં ફેબ્રુઆરી માસમાં યોજાયેલા 'એઆઇ ઇમ્પેક્ટ' સંમેલન દરમિયાન એઆઇ કંપનીઓના ટોચા લોકો સાથે વડા પ્રધાન મોદી (પ્રતીકાત્મક તસવીર)
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

એઆઇ સાથે સંકલાયેલી કંપનીઓના શૅરોમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડો એઆઇ ક્ષેત્રના મુખ્ય લોકો તરફથી આ તકનીકના વિકાસને ધીમો કરવાની અપીલ બાદ આવ્યો છે.

દક્ષિણ કોરિયામાં આખી રાત દરમિયાન કારોબાર વખતે ચિપનિર્માતા એસકે હાઇનિક્સના શૅરની કિંમતો 6.4 ટકા ઘટી ગઈ, જ્યારે સેમસંગ ઇલેક્ટ્રૉનિક્સમાં પણ 4.1 ટકાનો ઘટાડો થયો.

ઓપન એઆઇમાં મોટું રોકાણ કરનારી જાપાનની સૉફ્ટબૅન્કમાં 10 ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો.

યુરોપના શૅર્સમાં પણ કંઈક આવું જ વલણ જોવા મળ્યું. સેમિકંડક્ટર ડિઝાઇન અને નિર્માણ કરનારી જર્મની ઇન્ફિનિયૉનના શૅરની કિંમત 7.6 ટકા ઘટી હતી, જ્યારે ચિપ બનાવનારી દિગ્ગજ ડચ કંપની એએસએમએલના શૅર 5.2 ટકા ઘટ્યા હતા.

બીબીસી ન્યૂઝના બિઝનેસ રિપોર્ટર નિક એડ્સરે જણાવ્યું કે ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મ એજે બેલના રોકાણ નિદેશક રસ માઉલ્ડ પ્રમાણે, એઆઇ સાથે સંકળાયેલા કેટલાક શૅરની કિંમતો પાછલા કેટલાક સમયથી સતત વધી રહી હતી.

આ તકનીક જરૂરિયાત કરતાં વધુ તાકતવર બનતી જઈ રહી હોવાની વાતને કારણે આ ચિંતા હવે આ ક્ષેત્ર પર અસર કરી રહી છે.

રસ માઉલ્ડે કહ્યું, "એવું લાગે છે કે એઆઇની તાકત ઊલટી પડી શકે છે. અને એ વાતનો ડર વધી રહ્યો છે કે એઆઇ અસાધારણ ગતિથી આગળ વધી રહ્યું છે અને તેમાં વધુ સુરક્ષા ઉપાયો અને કંટ્રોલની જરૂર છે."

પાછલાં કેટલાંક વર્ષોમાં એઆઇ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓમાં એવી આશા સાથે રોકાણ થયું છે કે આ ક્ષેત્ર સતત વધશે અને નફો વધશે.

પરંતુ કેટલાક લોકોનો તર્ક છે કે એઆઇ કંપનીઓનું મૂલ્યાંકન નિયંત્રણથી બહાર થઈ ચૂક્યું છે.

આનાથી 1990ના દાયકાના અંતમાં પ્રારંભિક ઇન્ટરનેટ આધારિત કંપનીઓ વચ્ચે જોવા મળેલા ડૉટકૉમ ઉછાળા અને પડતી જેવી સ્થિતિ ફરી વાર સર્જાવાની આશા વધી ગઈ છે.

ઓપનએઆઇના સહસંસ્થાપક અને સીઇઓ સેમ ઑલ્ટમેન એ લોકોમાં સામેલ છે, જેઓ એઆઇના વિકાસ અંગે સાવધાન રહેવાની અપીલ કરી રહ્યા છે.

સેમ ઑલ્ટમેને એક્સ પર લખ્યું કે તેઓ એન્થ્રોપિક (એઆઇ સેફ્ટી અને સુરક્ષા કંપની)ની સલાહનું પાલન કરશે અને કંપનીમાં "પોતાના કર્મચારીઓની માફક પહોંચ"વાળા સ્વતંત્ર મૂલ્યાંકન કરનારાને નીમશે.

એ બાદ તેમણે વધુ બે પોસ્ટ કરી, જેમાં તેમણે બે વાતોથી બચવાની ચેતવણી આપી.

પ્રથમ એ કે માનવતા "એઆઇના હાથમાં ભવિષ્ય પરનું સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી શકે છે," તેમજ બીજું એ કે આનાથી એવું વિશ્વ બની શકે છે જ્યાં "તાકત કોઈક ખાસ જગ્યાએ ખૂબ વધુ" હોય.

સ્વતંત્ર ભારદ્વાજનો આરોપ : 'રાજકીય કારણસર ધરપકડ કરાઈ'

સ્વતંત્ર ભારદ્વાજે એક પૉડકાસ્ટમાં જંતર-મંતર પર મારપીટની વાત કરી હતી અને દાવો કર્યો હતો કે અનેક નેતાઓ સાથે તેમને ઘરોબો છે (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, સ્વતંત્ર ભારદ્વાજે એક પૉડકાસ્ટમાં જંતર-મંતર પર મારપીટની વાત કરી હતી અને દાવો કર્યો હતો કે અનેક નેતાઓ સાથે તેમને ઘરોબો છે (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીના જંતર-મંતર પર સીજેપીના પ્રદર્શન દરમિયાન મારપીટના આરોપમાં ધરપકડ કરાયેલા સ્વતંત્ર ભારદ્વાજે સોમવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાવો કર્યો કે તેમની ધરપકડ દિલ્હી પોલીસે રાજકીય કારણસર કરી છે.

લાઇવ લૉના અહેવાલ મુજબ, સોમવારે કોર્ટે સ્વતંત્ર ભારદ્વાજની જામીન અરજી પર સુનાવણી કરી હતી, પરંતુ પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

સ્વતંત્ર ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે ફરિયાદી પર તેમણે હુમલો કર્યો નહોતો, પરંતુ ફરિયાદીએ તેમના પર હુમલો કર્યો હતો.

ભારદ્વાજ પર જુલાઈ મહિનામાં જંતર-મંતર ખાતે ક્રૉકોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થિની કાર્યકરના પિતા સાથે મારપીટ કરવાનો આરોપ છે.

બાર ઍન્ડ બેન્ચના જણાવ્યા મુજબ, ભારદ્વાજના વકીલ ઉમેશ શર્માએ સોમવારે દલીલ કરી હતી કે એક વીડિયો ઉપલબ્ધ છે, જેમાં ફરિયાદી સ્વતંત્ર ભારદ્વાજ પર હુમલો કરતા જોવા મળે છે. તેમ છતાં, દિલ્હી પોલીસે ફરિયાદી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

કોર્ટે ભારદ્વાજની જામીન અરજી અંગે બંધબારણે સુનાવણી હાથ ધરી હતી.

શર્માએ કોર્ટેને જણાવ્યું કે ભારદ્વાજની ધરપકડ એફઆઇઆરમાં એસસી/એસટી અધિનિયમની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી. ઉપરાંત, તેમના વિરુદ્ધ પોક્સો હેઠળ પણ એક અન્ય એફઆઇઆર નોંધવામાં આવી છે.

બીજી તરફ, ફરિયાદી પક્ષ તરફથી વકીલ સ્વાતિ ખન્ના હાજર રહ્યાં હતાં. તેમણે દલીલ કરી હતી કે ભારદ્વાજે ફરિયાદી વિરુદ્ધ જાતિવાચક ગાળોનો ઉપયોગ કર્યો હતો અને એક વીડિયોમાં તેમણે પોતે ફરિયાદી પર હુમલો કર્યો હોવાની કબૂલાત પણ આપી હતી.

આ દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટેને જણાવ્યું કે જ્યારે પ્રથમ વખત ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે તેમાં જાતિવાચક ગાળાનો કોઈ ઉલ્લેખ નહોતો. બાદમાં જ્યારે ફરીથી નિવેદન નોંધવામાં આવ્યું, ત્યારે જાતિવાચક ગાળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને એટલે એસસી/એસટી અધિનિયમની જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

ક્રૂડ ઑઇલના ભાવમાં ફરી ઉછાળો, સાઉદી અરેબિયાએ શું નિર્ણય લીધો કે ભાવ વધી ગયા

ગત અઠવાડિયામાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં લગભગ 8 ટકા વધારો થયો હતો અને તે 100 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી હતી (ફાઇલ ફોટો).
ઇમેજ કૅપ્શન, ગત અઠવાડિયામાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં લગભગ 8 ટકા વધારો થયો હતો અને તે 100 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી હતી (ફાઇલ ફોટો).

સાઉદી અરેબિયાની મુખ્ય તેલ પાઇપલાઇન તાત્કાલિક રીતે બંધ થયા બાદ ક્રૂડ ઑઇલની કિંમતોમાં 3 ટકાથી વધુનો તેજ વધારો નોંધાયો છે.

રૉઇટર્સના જણાવ્યા મુજબ, સોમવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 3.21 ડૉલર વધીને 107.82 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ.

ઑઇલના ભાવમાં વધારાનું એક કારણ સાઉદી અરેબિયા પર હૂતી વિદ્રોહીઓના તાજા હુમલા અને પર્શિયન ગલ્ફમાં જહાજો પર થયેલા ઇરાની હુમલાઓ પણ છે.

પાછલા અઠવાડિયામાં ક્રૂડ ઑઇલના ભાવમાં લગભગ 8 ટકા વધારો થયો હતો અને તે 100 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચ્યો હતો. જુલાઈ બાદ આ પહેલી વાર હતું કે ક્રૂડ ઑઇલની કિંમત આ સ્તરે પહોંચી હતી.

સાઉદી અરેબિયાના અધિકારીઓએ ડ્રોન હુમલા બાદ દેશની ઈસ્ટ-વેસ્ટ ઑઇલ પાઇપલાઇનને તાત્કાલિક રીતે બંધ કરી દીધી છે.

આ પાઇપલાઇન સાઉદી અરબને તેલ નિકાસ માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવે છે, જેના કારણે ક્રૂડ ઑઇલને હોર્મુઝ જલસંધિમાંથી પસાર થવાની જરૂર રહેતી નથી.

પાઇપલાઇન બંધ થવાથી વૈશ્વિક ઑઇલ પુરવઠાના લગભગ 4 ટકા હિસ્સા પર અસર થવાની આશંકા છે. પરિણામે, પુરવઠાને લઈને વધેલી ચિંતાઓની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ઑઇલની કિંમતો પર પડી છે.

ઓમાન નજીક કોમર્શિયલ જહાજ પર હુમલો, ભારતીયો વિશે શું માહિતી મળી?

બીબીસી ગુજરાતી ભારતીય ચાલકદળ ઓમાન કોમર્શિયલ જહાજ હુમલો
ઇમેજ કૅપ્શન, ભારતીય વિદેશ મંત્રાલયે કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલાની આલોચના કરી છે. (પ્રતીકાત્મક તસવીર)

ઓમાનના દરિયાકિનારે રવિવારે એક કૉમર્શિયલ જહાજ એમટી અલ ગાઈયા પર હુમલો થયો છે, જેના પર 14 ચાર ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. તેમાંથી 13 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એકનો હજુ પતો નથી મળ્યો.

વિદેશ મંત્રાલયે જહાજ પર થયેલા હુમલાની ટીકા કરી છે. મંત્રાલયે જણાવ્યું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે અને લાપતા ભારતીયના શોધ અને બચાવ અભિયાનમાં ઓમાનના અધિકારીઓ સાથે સમન્વય સાધે છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે "અમે ઓમાનના કિનારે કૉમર્શિયલ જહાજ એમટી અલ ગાઈયા પર થયેલા હુમલાની ટીકા કરીએ છીએ. જહાજ પર સવાર 14 ભારતીય ચાલકદળના સભ્યોમાંથી 13 ભારતીયોને બચાવી લેવાયા છે. લાપતા ભારતીયની શોધખોળ અને બચાવ અભિયાન ચાલુ છે."

મંત્રાલયે કહ્યું કે "અમે તણાવને તાત્કાલિક ઘટાડવા અને ક્ષેત્રમાં શાંતિ લાવવા માટે વાતચીત અને કૂટનીતિનો રસ્તો અપનાવવાની ફરી અપીલ કરીએ છીએ. આ ક્ષેત્રમાં કૉમર્શિયલ જહાજો, નાવિકો અને સામાન્ય લોકોને નિશાન બનાવાય તે સ્વીકારી શકાય નહીં."

મહિલા એશિયા કપમાં ભારતની જીત પર પીએમ મોદીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એશિયા કપ
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાને લખ્યું કે આ જીત દેશના લાખો યુવાનોને રમત રમવા અને આગળ વધવા માટે પ્રેરિત કરશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ 2026ની ફાઇનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે.

ટીમ ઇન્ડિયાની આ જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા અને તેને ભારતીય ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ ગણાવી.

વડા પ્રધાન મોદીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે "ભારતીય ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ. એશિયા કપ જીતવા પર મહિલા ટીમને અભિનંદન. સમગ્ર ટુર્નામેન્ટમાં તેમનો આત્મવિશ્વાસ, સતત સારું પ્રદર્શન અને શાનદાર મિજાજ જોવા મળ્યો."

તેમણે લખ્યું કે "આ જીત દેશના લાખો યુવાનોને રમત રમવા અને આગળ વધવા માટે પ્રેરિત કરશે."

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી આ ફાઇનલમાં ટ્રૉફીને લગતો વિવાદ પણ થયો છે. ભારતીય ટીમે એસીસીના વડા અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના હાથે ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

યુકેના પૂર્વ વડા પ્રધાન પસાર થયા પછી તરત યુક્રેની ટીમ પર રશિયાનો હુમલો

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ રશિયા યુક્રેન યુદ્ધ પોલૅન્ડ ડ્રૉન હુમલો
ઇમેજ કૅપ્શન, જે જગ્યાએ હુમલો થયો, તે સ્થળ પોલેન્ડની સરહદથી લગભગ બે કિલોમીટર દૂર છે. (પ્રતીકાત્મક તસવીર)

યુક્રેનમાં પોલૅન્ડની સરહદે યાહોદીન વિસ્તારમાં એક પ્રવાસી ટ્રેન પર રશિયન ડ્રૉન દ્વારા હુમલો કરાયો છે. આ હુમલામાં ટ્રેનના એન્જિનને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.

મહત્ત્વની વાત એ છે કે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન અને યુરોપના અગ્રણી સુરક્ષા અધિકારીઓનો કાફલો આ રેલ માર્ગ પરથી એક ટ્રેનમાં થોડા કલાકો અગાઉ જ પસાર થયો હતો.

યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે યાહોદીનમાં જે જગ્યાએ હુમલો થયો, તે સ્થળ પોલૅન્ડની સરહદથી લગભગ બે કિલોમીટર દૂર છે.

બોરિસ જૉન્સનની સાથે યુરોપીયન દેશોના કેટલાક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો પણ આ રેલ માર્ગ પરથી સપાર થયા હતા.

તેમાં બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પૉવેલ પણ સામેલ હતા. તેઓ કિએવમાં એક સંમેલનમાં ભાગ લઈને પરત આવતા હતા.

રશિયાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. રશિયાના કહેવા મુજબ પશ્ચિમ યુક્રેનમાં રેલવે માળખાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો.

જોકે, યુક્રેનની સરકારી રેલવે કંપનીએ આશંકા વ્યક્ત કરી છે કે ડ્રૉન હુમલાનો વાસ્તવિક લક્ષ્ય રાજદ્વારી અધિકારીઓને લઈ જતી ટ્રેન હોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન