અભિષેક શર્મા ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમૅન બન્યા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રીજી અને છેલ્લી ટી20 મૅચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ તાબડતોબ બૅટિંગ કરતાં માત્ર 30 બૉલમાં સદી ફટકારી છે.
તેઓ 34 બૉલમાં 108 રન બનાવીને આઉટ થયા હતા.
તે હવે ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમૅન બની ગયા છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઓપનર સંજુ સેમસન તથા અભિષેક શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી હતી.
અભિષેક શર્માએ પોતાની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા.
અમેરિકાના 100% સુધીના ટેરિફ બિલ પસાર થવા પર ચીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવતું બિલ અમેરિકન સંસદમાં પસાર થતાં ચીને તેના પર પ્રતિક્રિયા આપી છે.
ચીને જણાવ્યું છે કે તે સતત એવા નિર્ણયોનો વિરોધ કરે છે, જેમનો આધાર આંતરરાષ્ટ્રીય કાયદામાં નથી અને જેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.
ચીનની સરકારી મીડિયા 'ગ્લોબલ ટાઇમ્સ' અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને ગુરુવારે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચીન કોઈ ત્રીજા પક્ષના દબાણમાં નહીં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુઓએ કહ્યું, "ચીને હંમેશાં વિશ્વભરના દેશો સાથે સમાનતા અને પરસ્પર લાભના આધારે સામાન્ય આર્થિક અને વેપારી સહકાર કર્યો છે. આવો સહકાર કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવતો નથી અને ન તો તે કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપ કે દબાણ હેઠળ છે."
અમેરિકન પ્રતિનિધિ સભાએ 'લિન્ડસે-ઓ ગ્રાહમ સૅન્કશનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ 2026' પસાર કર્યો છે.
આ કાયદો ટ્રમ્પને રશિયા પર પ્રતિબંધો લગાવવાનો અને ભારત તથા ચીન જેવા તેના મુખ્ય વેપારી ભાગીદારો પર 100% સુધીનો ટેરિફ લગાવવાનો અધિકાર આપે છે.
આ બિલ પસાર થયા પછી અમેરિકન સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે ચીન અને ભારતને પોતાનો અભિગમ સુધારવાની ચેતવણી આપી હતી.
અમેરિકન સેનેટરે ભારત અને ચીનને આપી સલાહ, 'ઑઇલ અને ગૅસ બીજી જગ્યાએથી ખરીદો'

ઇમેજ સ્રોત, @SenBlumenthal
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના ડેમૉક્રેટિક સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે ભારત અને ચીનને રશિયા સિવાયના અન્ય દેશોમાંથી ઑઇલ અને ગૅસ ખરીદવાની સલાહ આપી છે.
તેઓ અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રશિયા પર પ્રતિબંધ લગાવતું એક બિલ પસાર થયા બાદ બોલી રહ્યા હતા. આ બિલ હેઠળ રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદનારા પાંચ સૌથી મોટા ખરીદદાર દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવી શકાય છે.
આ બિલ પસાર થયા બાદ ડેમૉક્રેટિક સેનેટર બ્લુમેન્થલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, "ચીન અને ભારત, તમારા માટે સારું રહેશે કે તમે તમારો અભિગમ સુધારો. તમારાં ઑઇલ અને ગૅસ અન્યત્રથી ખરીદો. તુષ્ટિકરણની કોઈ નીતિ કામ નહીં કરે."
કૉંગ્રેસે તેને ભારત માટે ધમકી ગણાવી છે અને સરકાર પર અમેરિકા સામે આત્મસમર્પણ કરવાનો આરોપ લગાવ્યો છે.
કૉંગ્રેસે પોતાના ઍક્સ હૅન્ડલ પર લખ્યું, "ભારતને આ ધમકી અમેરિકન સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે આપી છે. અમેરિકાએ ભારત પર 100% ટેરિફ લગાવવાનું બિલ પાસ કર્યું છે. મોદી અમેરિકાની સામે સંપૂર્ણ રીતે આત્મસમર્પણ કરી ચૂક્યા છે."
"અમેરિકા જેટલું કહે છે, મોદી એજન્ટની જેમ એટલું જ કરે છે. UPI પર ચાર્જ લગાવવાનો મુદ્દો હોય, પાકિસ્તાન સાથે સીઝફાયર કરવાનો મુદ્દો હોય અથવા ટેરિફ મુદ્દે ચૂપ્પી સાધવાની બાબત હોય."
કૉંગ્રેસે આગળ લખ્યું, "મોદી દરેક રીતે અમેરિકાને ખુશ કરવામાં લાગ્યા છે. અમેરિકા પાસે મોદી સાથે જોડાયેલું એવું કોઈ રહસ્ય છે, જેના કારણે મોદી સંપૂર્ણ રીતે સમાધાન કરી ચૂક્યા છે."
જોકે, આ બિલ પસાર થયા બાદ ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, "ભારત પોતાના 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
પીએમ મોદીના જન્મદિવસે એમપીમાં પ્રગટાશે 25 લાખ દીવા, રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલો

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે દીવા પ્રગટાવવાના કાર્યક્રમને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું છે.
વાસ્તવમાં, મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારે પીએમ મોદીના 76મા જન્મદિવસે લાખો દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના મુજબ, "ઉજ્જૈનના કલેક્ટર રોશનકુમારસિંહે જણાવ્યું કે 17 સપ્ટેમ્બરે સાંજે સાત વાગ્યે મહાકાળ કૉરિડોર (ઉજ્જૈન) ખાતે શિપ્રા નદીના કિનારે 25 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. તેના માટે 30,000 કાર્યકર્તાઓને તહેનાત કરવામાં આવશે."
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, "આજે વિશ્વના સૌથી પ્રસિદ્ધ નેતા, આપણા વડા પ્રધાન મોદીનો જન્મદિવસ છે. અમે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે આ દિવસની ઉજવણી કરીશું. તેમના સારા શાસનના પ્રતિક તરીકે 'સેવા સંકલ્પ મહા અભિયાન' શરૂ કરવામાં આવી રહ્યું છે."
બીજી તરફ, રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં સરકાર પર નિશાન સાધ્યું છે.
તેમણે લખ્યું, "બાલાઘાટ (મધ્ય પ્રદેશ)માં 30થી વધુ આદિવાસી બાળકોના રોગ, કુપોષણ અને મૂળભૂત આરોગ્ય સુવિધાઓના અભાવ વચ્ચે મૃત્યુ થઈ ચૂક્યાં છે. અસંવેદનશીલતાની હદ એ છે કે નિર્દોષ બાળકોનાં મોત થતાં રહ્યાં, પરંતુ કાર્યવાહી ધીમી રહી, સરકાર સુતી રહી."
"મુખ્યમંત્રીજી, દીવા પ્રગટાવવાથી અને ઉત્સવ ઉજવવાથી ફુરસદ મળી હોય તો રાજ્યની વાસ્તવિક સ્થિતિ પણ જુઓ. બીમારીઓ, પોષણ અને સ્વચ્છ પાણીની અછત તથા ખોરવાયેલી આરોગ્ય વ્યવસ્થા નાનાં બાળકોના જીવ લઈ રહી છે. ભેળસેળવાળી દવાઓ અને ઝેરી ગેરકાયદેસર દારૂ સેંકડો પરિવારોને બરબાદ કરી રહ્યા છે. હું ઇન્દોર આવી રહ્યો છું."
તેમણે આરોપ લગાવ્યો, "સામે આવી રહેલી ભયાનક ઘટનાઓ દર્શાવે છે કે મધ્ય પ્રદેશની શિક્ષણ વ્યવસ્થા આજે સમગ્ર દેશમાં સૌથી વધુ બરબાદ થઈ ગઈ છે."
રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશ સરકાર પર 'ભારતની સૌથી ભ્રષ્ટ અને સૌથી કુશાસિત સરકાર' હોવાનો આરોપ લગાવ્યો.
ભારત પર 100 ટકા ટેરિફની જોગવાઈ સાથેનું બિલ અમેરિકામાં પસાર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન પ્રતિનિધિ સભાએ રશિયા પર પ્રતિબંધ લગાવતા એક બિલને 262 વિરુદ્ધ 159 મતથી પસાર કરી દીધું છે.
આ બિલ ટ્રમ્પ સરકારને રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા સૌથી મોટા પાંચ દેશો પર 100 ટકા સુધી ટેરિફ લગાવવાનો અધિકાર આપે છે.
તેમાં ભારત પણ સામેલ છે. સત્તાવાર રીતે આ બિલને 'લિન્ડસે ગ્રાહમ સેંક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2006' નામે ઓળખવામાં આવે છે.
તેના હેઠળ ભારત ઉપરાંત ચીન,સ્લોવેકિયા, હંગેરી અને અઝરબૈઝાન જેવા દેશો પણ નિશાન બની શકે છે. આ બિલ પહેલેથી સેનેટમાં બહુમતથી પસાર થઈ ગયો છે. હવે તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સહી માટે મોકલવામાં આવશે.
જોકે, રશિયા પર પ્રતિબંધ લગાવતો આ ખરડો રાષ્ટ્રપતિને રશિયા પાસેથી તેલ અને ગૅસ ખરીદતા દેશો પર ટેરિફ લગાવવાની ફરજ નથી પાડતો. તેમા અમેરિકાના યુરોપિયન સહયોગીઓને મહત્ત્વની છૂટ આપતી જોગવાઈ પણ છે. તેનો આધાર એ છે કે કેટલાક દેશોએ રશિયા પાસેથી ઍનર્જીની ખરીદી ઘટાડવાના પ્રયાસ કર્યા છે.
ભારતીય નૌકાદળની કાર્યવાહી સામે પાકિસ્તાને કેમ વિરોધ નોંધાવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે તેના 'સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનમાં ભારતીય નેવીની કાર્યવાહી ઉશ્કેરણીજનક' છે. પાકિસ્તાને તેના પર આકરો વિરોધ નોંધાવ્યો છે.
આ મામલે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદસ્થિત ભારતીય હાઇકમિશનના પ્રભારી રાજદૂતને બોલાવ્યા હતા અને મંગળવારે ભારતીય નેવીના યુદ્ધજહાજ સાથે ટકરાવ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાની નેવી પોતાનો દ્વિવાર્ષિક સીપાર્ક-26 અભ્યાસ કરતી હતી, ત્યારે ભારતીય જહાજે પાકિસ્તાની નેવીના જહાજની એકદમ નજીક આવીને આક્રમક રીતે યુદ્ધ અભ્યાસ કર્યો હતો.
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ત્યાર પછી બંને જહાજો વચ્ચે ટક્કર થઈ હતી.
આ ઘટના આંતરરાષ્ટ્રીય કાયદા અને યુદ્ધ અભ્યાસ તથા સૈનિકોની અવરજવરની પૂર્વ માહિતી આપવાના 1991ના દ્વિપક્ષીય સમજૂતીનું ગંભીર ઉલ્લંઘન કરે છે. તેનાથી ક્ષેત્રમાં તણાવ વધવાનો ખતરો પેદા થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























