અમેરિકામાં ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષની જેલ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
અમેરિકાની એક ફેડરલ કોર્ટે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને અમેરિકામાં શીખ નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ 235 મહિના, એટલે કે 19 વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે.
નિખિલ ગુપ્તાએ ફેબ્રુઆરીમાં 'કોન્ટ્રાક્ટ કિલિંગ' (સોપારી આપીને હત્યા કરાવવી), હત્યાનું કાવતરું અને મની લૉન્ડરિંગના કાવતરાના આરોપો સ્વીકાર્યા હતા. શુક્રવારે ફેડરલ કોર્ટના ન્યાયાધીશે જણાવ્યું હતું કે, તેમની સજા પૂર્ણ થયા બાદ તેમને અમેરિકામાંથી દેશનિકાલ કરી (ભારત) પાછા મોકલી શકાય છે.
'યુએસ ઍટર્ની ફૉર ધ સાઉધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂયોર્ક' દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "સાઉધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂયોર્કના યુએસ ઍટર્ની જેમી મૅકડોનાલ્ડે જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને તેના કાયદા અમલીકરણ ભાગીદારો અમેરિકાની ધરતી પર અથવા અમેરિકન નાગરિકો સામે હિંસા આચરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે અને તેમને જવાબદાર ઠેરવશે."
અમેરિકન ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારના એક અધિકારીએ ગુપ્તાને ખાલિસ્તાન ચળવળના અગ્રણી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવાનો નિર્દેશ આપ્યો હતો. પન્નુ શીખો માટે અલગ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે. જોકે, ભારતે આ કેસમાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ભારત સરકારે પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે, જે આરોપને પન્નુ નકારે છે.
અમેરિકન નાગરિકત્વ ધરાવતા પન્નુ અમેરિકા સ્થિત શીખ અલગાવવાદી સંગઠન 'શીખ્સ ફૉર જસ્ટિસ' (SFJ) ના પ્રવક્તા છે, જેના પર વર્ષ 2019 થી ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પન્નુએ અગાઉ 'બીબીસી'ને જણાવ્યું હતું કે, "નિખિલ ગુપ્તા દ્વારા ગુનાની કબૂલાત એ બાબતની ન્યાયિક પુષ્ટિ કરે છે કે ભારતની મોદી સરકારે અમેરિકન ભૂમિ પર સોપારી આપીને હત્યા કરાવવા માટે એક સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું."
ભારતે હંમેશ ખાલિસ્તાન ચળવળનો વિરોધ કર્યો છે અને દેશના મુખ્ય રાજકીય પક્ષો પણ આ માંગની વિરુદ્ધ છે. ભારતમાં શીખ એક ધાર્મિક લઘુમતી સમુદાય છે, જે દેશની કુલ વસ્તીના લગભગ બે ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આમ છતાં, કેટલાક જૂથો લાંબા સમયથી શીખો માટે અલગ દેશની માંગ કરી રહ્યા છે.
ન્યુઝીલૅન્ડ સામે સદી ફટકારીને કેએલ રાહુલે બનાવ્યો આ નવો રેકોર્ડ

ઇમેજ સ્રોત, Hagen Hopkins/Getty Images
ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ મૅચની પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 290થી વધુ રન બનાવી મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારત તરફથી ઓપનર કેએલ રાહુલે શાનદાર સદી પૂર્ણ કરી છે, જ્યારે દેવદત્ત પડિક્કલ 80 રનની આકર્ષક ઇનિંગ રમીને આઉટ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીસીસીઆઈ (BCCI) ના જણાવ્યા અનુસાર, કેએલ રાહુલ 'સેના' (SENA) દેશો—એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા—ચારેય દેશોમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય ઓપનર બની ગયા છે.
આ અગાઉ ગઈકાલે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ 85 રન બનાવીને આઉટ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલૅન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 368 રન બનાવ્યા હતા, જેમાં હેનરી નિકોલ્સે સૌથી વધુ 175 રન અને ગ્લેન ફિલિપ્સે 118 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
પોલૅન્ડમાં રશિયન મિસાઇલ પડી, યુક્રેનના સાથી દેશોનો સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો હતો: ટસ્ક

ઇમેજ સ્રોત, various sources / AFP via Getty Images
પોલૅન્ડે જણાવ્યું હતું કે શુક્રવારે તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી ત્રણ વસ્તુઓમાં રશિયન ક્રુઝ મિસાઇલનો પણ સમાવેશ થતો હતો.
પોલૅન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે પશ્ચિમી દેશોની સેનાઓ આ વિસ્તારમાં લશ્કરી અભ્યાસ કરી રહી હતી. તેમણે કહ્યું કે આ કોઈ સામાન્ય દુર્ઘટના નથી લાગતી.
આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી અને કોઈ નુકસાન પણ થયું નથી.
જોકે, પોલૅન્ડે તેને રશિયા દ્વારા કરાયેલી "ઉશ્કેરણીજનક કામગીરી" ગણાવી છે. યુક્રેન પર રશિયાના મોટા હવાઈ હુમલાઓ પૈકીના એક દરમિયાન બનેલી આ ઘટના અંગે રશિયાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
સ્થાનિક રહેવાસી નતાલી શ્પોનરે જણાવ્યું કે તે પોતાના બાળકોને શાળા માટે તૈયાર કરી રહી હતી ત્યારે તેણે સીટી જેવો અવાજ સાંભળ્યો અને ત્યારબાદ કોઈ વસ્તુ ટકરાવાનો ધીમો અવાજ સંભળાયો હતો. એક ખેતરમાં લાગેલા કેમેરામાં મિસાઇલ પડવાનો વીડિયો કેદ થયો છે. અધિકારીઓએ પાછળથી જણાવ્યું કે સ્થાનિક રહેવાસીઓ માટે હવે કોઈ ખતરો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























