'વતનમાં બંગલા જેવું ઘર છોડીને અહીં પતરામાં રહેવા આવવું પડ્યું', દુકાળે પરિવારોને કઈ રીતે નોખા પાડી દીધા

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
- લેેખક, અજિત ગઢવી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"દેવભૂમિ દ્વારકાના અમારા ગામમાં અમે 4 રૂમના મોટા બંગલા જેવા મકાનમાં રહેતા હતા, પણ આ વખતે જરાય વરસાદ ન પડ્યો તેના કારણે ઢોર-ઢાંખર સાચવવા અને ખેતી કરવી અશક્ય બની ગઈ. નાછૂટકે અમે પરિવારને લઈને સુરત નજીક માંડવી આવી ગયા. મોટી વયના બા-બાપુજી તો ગામડે જ છે. હવે આગળ શું થશે, તે નક્કી નથી."
આ શબ્દો છે અમૃતાબહેન કંડોરિયાના, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભયંકર દુષ્કાળના પગલે પોતાના પરિવાર સાથે સુરત નજીક માંડવી આવી ગયાં છે અને લગભગ 20 ભેંસો સાથે એક તબેલો રાખ્યો છે. તેઓ મૂળ ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના છે. તેમના દિયરનો પરિવાર પણ તેમની સાથે આવ્યો છે અને અહીં ભાડે રહેવા લાગ્યો છે.
સૌરાષ્ટ્રમાં આ વખતે બહુ ઓછો વરસાદ પડવાના કારણે ઘણા તાલુકાઓમાં પશુપાલનનો વ્યવસાય કરતા લોકોની સ્થિતિ ખરાબ છે.
તેમને પોતાના ઢોર-ઢાંખર વેચી નાખવાની અથવા પાણી અને ઘાસચારો મળી રહે તેવી જગ્યાએ પલાયન કરવાની ફરજ પડી છે. તે પૈકીના ઘણા લોકો સુરત, નવસારી, બારડોલી, માંડવી અને આણંદ તરફ આવ્યા છે તથા વાડા ભાડે રાખીને રહે છે.
ગુજરાતમાં ઓછા વરસાદના લીધે 4 જિલ્લામાં સરકારે દુષ્કાળની જાહેરાત કરી છે. આ 4 જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર છે.
અમૃતાબહેન કહે છે કે, "આ વર્ષે અમે વરસાદની ઘણી રાહ જોઈ. આમ તો પહેલેથી આગાહી હતી કે, આ વર્ષ નબળું રહેવાનું છે. પછી ધીમે-ધીમે પાણીની તંગી સર્જાવા લાગી, મોલ સૂકાવા લાગ્યો અને ઘણા લોકો ગામ છોડીને બીજે જવા લાગ્યા."
"જેમની પાસે ઓછી ભેંસો હતી, તેમણે થોડી ભેંસો વેચી નાખી અને દૂધ માટે 1-2 ભેંસ જ રાખી. પરંતુ અમારી પાસે વધારે ઢોર હતાં, તેથી કરવું પણ શું? અમારાં કેટલાંક સગાં પહેલેથી માંડવી તરફ રહેતાં હતાં, તેથી તેમણે અમને અહીં આવી જવા કહ્યું."
'વતન છોડવાનું કામ સહેલું નથી'

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
આ વર્ષના વરસાદના આંકડા પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 ટકા કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે. તેમાં કલ્યાણપુર તાલુકામાં સૌથી ઓછો 8 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે ખંભાળિયા, દ્વારકા અને ભાણવડ તાલુકામાં માંડ 15થી 24 ટકા સુધી વરસાદ નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેના કારણે આ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી ઘણા પશુપાલકો દક્ષિણ ગુજરાત તરફ આવ્યા છે. કંટોલિયા ગામના કેશુભાઈ કંડોરિયા કહે છે કે, "દુષ્કાળમાં હાલત કફોડી થશે એવો અણસાર આવી જતાં અમે 2 ટ્રકમાં ભેંસો ભરી અને થોડો માલ-સામાન લઈને માંડવી આવી ગયા. અહીં 6 લાખ રૂપિયામાં 1 તબેલો રાખ્યો, જેમાં 20 જેટલી ભેંસો છે."
તેઓ કહે છે કે, "દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં અત્યારે પીવાના પાણી, ઘરવપરાશના પાણી અને ઘાસચારાની ભારે તકલીફ પડી રહી છે. ઘાસચારો તો ગમે ત્યાંથી મોંઘા ભાવે લઈ આવીએ, પણ સૌથી મોટી સમસ્યા પાણીની હતી. અમારાથી શક્ય હતું ત્યાં સુધી કૂવામાંથી પાણી ખેંચ્યું, પછી તેમાં પણ પાણી ખૂટી ગયું."
અમૃતાબહેન કહે છે કે, "દિવાળીથી 2-4 દિવસ અગાઉ જ અમે અહીં આવી ગયાં છીએ. વતન છોડવાનું કામ સહેલું નથી, કારણ કે વતનની દિવાળી અલગ હોય છે અને અહીં તો બધું ફિક્કું લાગે. પોતાના ઘરે દિવાળી ઉજવીએ તો બધા ભેગા હોય, રંગોળી પૂરીએ, બેસતા વર્ષે એકબીજાનાં ઘરે જઈએ. અહીં એવું કંઈ ન થઈ શક્યું."
તેમણે જણાવ્યું કે, "વરસાદ ન પડવાના કારણે અમારા ગામમાં અમારે પાણીનો ભારે લોભ કરવો પડતો હતો. પછી નક્કી કર્યું કે, સુરત બાજુ જઈએ તો ઢોર નભી જાય અને ઘાસચારો મળી રહે. અમે તાત્કાલિક તબેલો ભાડે રાખ્યો. ઘર છોડીને આવ્યા ત્યારે બહુ ચિંતા હતી, કારણ કે સસરા બીમાર છે, છોકરાઓને પણ અહીં થોડા દિવસ ફાવતું નહોતું અને તેઓ બીમાર પડી જતા હતા."
પુત્રને દાદા પાસે છોડીને આવવું પડ્યું

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
આવો જ એક પરિવાર વજશીભાઈ દેથારિયાનો છે, જેઓ પત્ની અને 7મા ધોરણમાં ભણતી દીકરી સાથે ખંભાળિયા તાલુકાના એક ગામમાંથી હિજરત કરીને માંડવીના વાગમેરા ગામમાં આવ્યા છે. પરંતુ તેમના 9મા ધોરણમાં ભણતા પુત્રને દાદા પાસે વતનમાં છોડવો પડ્યો છે.
તેઓ કહે છે કે, "અહીં 36 હજાર રૂપિયામાં તેમણે ઘર અને 1 વાડો ભાડે રાખ્યો છે." તેમનો પુત્ર સાગર ખાનગી શાળામાં ભણતો હોવાથી તેને અહીં લાવવાનું શક્ય નહોતું. તેથી તેઓ પત્ની અને દીકરીને સાથે લઈ આવ્યા છે તથા પુત્રને ખંભાળિયા જ રહેવું પડ્યું છે. હાલમાં વૅકેશન હોવાથી સાગર પોતાનાં માતા-પિતા સાથે રહેવા આવ્યો છે.
વજશીભાઈએ પણ પોતાની ભેંસોને અહીં લાવવી પડી છે, કારણ કે ઘાસચારા અને પાણીની સગવડ વગર તેમના ગામમાં રહેવું મુશ્કેલ હતું.
તેઓ કહે છે કે, વાગમેરામાં આસપાસ ઘણા તબેલા છે અને તેમના વતનથી બીજા ઘણા લોકો આવી જ રીતે અહીં આવીને વસ્યા છે. કેટલાંક તો વર્ષોથી અહીં રહે છે અને પશુપાલન કરે છે. સવાર-સાંજ ભેંસો દોહીને સ્થાનિક ડેરીમાં દૂધ વેચે છે અને ઘાસચારો વેચાતો ખરીદવો પડે છે.
સ્થળાંતર કરવામાં કેટલો ખર્ચ થયો?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
કેશુભાઈ કંડોરિયાની સાથે તેમના નાના ભાઈનો પરિવાર પણ માંડવી આવ્યો છે અને તેમાં 3 બાળકો પણ સામેલ છે. તેઓ કહે છે કે, "પોતાનું ગામ છોડીને બીજે જઈએ એટલે બહુ ભારે ખર્ચ આવે છે. હાલમાં લગભગ 1,800થી 2,000 રૂપિયા ટનના ભાવે તેઓ ઘાસ ખરીદે છે."
તેઓ કહે છે કે, "આ વખતે અમે મગફળી અને કપાસનું વાવેતર કરેલું જે નિષ્ફળ ગયું છે. તેની સાથે બધો ખર્ચ પણ પાણીમાં ગયો. અહીં આવ્યા પછી 6 લાખમાં તબેલો રાખ્યો, ભેંસોને અહીં લાવવા માટે 2 ટ્રક ભાડે કરી જેમાં લગભગ 80 હજાર રૂપિયાનો ખર્ચ થયો. આ ઉપરાંત મકાનનું ભાડું, ઘરવપરાશના સામાનની ખરીદી વગેરેમાં લગભગ સાડા 7 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા."
તેઓ કહે છે કે, "ઘાસચારા માટે સરકાર તરફથી વ્યવસ્થિત સહાય નહોતી મળી. થોડો સમય 4-4 ઘાસની ગાંસડી મળી, પરંતુ તેમાં તો 4 ભેંસો માંડ ધરાય. ઘાસચારો લેવા માટે અમારે ફોન આવે ત્યાં સુધી રાહ જોવાની, પછી લાંબી લાઇનોમાં ઊભા રહીએ ત્યારે ઘાસ મળે."
અમૃતાબહેન કહે છે કે, "મારે 2 બાળકો છે જેમાંથી સૌથી મોટી દીકરી 10 વર્ષની છે. મારી દેરાણીને પણ સંતાનો છે. સવારના 5 વાગ્યાથી મહિલાઓનું કામ ચાલુ થઈ જાય છે, જેમાં ભેંસો દોહવી અને છાણ-વાસીદાં કરવાનું કામ આવે છે. તેમાં 9 વાગી જાય, પછી બાળકોને બાળમંદિર કે શાળાએ મોકલવા તૈયાર કરવા પડે. હમણાં તો વૅકેશન છે પણ બાળકો માટે અમારે અધવચ્ચેથી લિવિંગ સર્ટિફિકેટ લાવવું પડશે, જેથી અહીં ઍડમિશન અપાવી શકાય."
તેઓ કહે છે કે, "હજી આગામી વર્ષ કેવું રહે છે તેના પર નજર છે. જો સારો વરસાદ પડશે તો વતન પાછા જતાં રહેશું, નહિતર અહીં જ રહેવું પડશે. સૌથી મોટી સમસ્યા એ છે કે નવી જગ્યાએ બધી વસ્તુ નવેસરથી ખરીદવી પડે છે. ઘાસચારો, ખોળ, કપાસિયા બધું ખરીદવું પડે અને તબેલાનું ભાડું પણ આપવું પડે છે."

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
આ વખતે ઓછો વરસાદ પડતાં સૌરાષ્ટ્રમાં કફોડી સ્થિતિ છે અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુકાળગ્રસ્ત જાહેર કરવા પડ્યા છે.
આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ, આપ સહિતની રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો સરકારને દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યાં હતાં.
ગુજરાતમાં ઓછા વરસાદને પગલે આ પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે."
ગત મહિને આ જાહેરાત કરતી વખતે પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે.
ગુજરાત સરકારે કહ્યું હતું કે દુષ્કાળ જાહેર થવાથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર - આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.
સરકારે જાહેરાત કરી હતી કે પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.
દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી વીબી જીરામજી યોજના હેઠળ આપવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમે સંપૂર્ણ સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ."
આ ઉપરાંત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં જ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદા ડૅમ પાછળના ખર્ચનો 30 વર્ષ જૂનો વિવાદ ઉકેલાયો હોવાની જાહેરાત કરી હતી.
આ સાથે જ તેમણે દુષ્કાળથી પ્રભાવિત ગુજરાતને પાણી મળશે તથા તેના માટે ગુજરાત નાણા ચૂકવશે, તેવી જાહેરાત પણ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























