ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં 15 વર્ષીય વિદ્યાર્થીનો હાથ ઊડી ગયો, પોલીસ કાર્યવાહી સામે સવાલો ઊઠ્યા- ન્યૂઝ અપડેટ

ફ્રાન્સ, બીબીસી ગુજરાતી, France, student protest, વિદ્યાર્થીઓનું પ્રદર્શન
ઇમેજ કૅપ્શન, સોમવારની સવારે ફ્રાન્સના ઉત્તર-પૂર્વીય શહેર લેન્સમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન એક વિદ્યાર્થીનો હાથ ઊડી ગયો હતો.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

બેન હેટન અનુસાર ફ્રાન્સમાં શાળાઓની ખરાબ સ્થિતિ અને સ્ટાફની અછત સામે ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો વચ્ચે 15 વર્ષીય એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારની સવારે ઉત્તર-પૂર્વીય શહેર લેન્સમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન વિદ્યાર્થીનો એક હાથ ઊડી ગયો હતો.

પાસ-દે-કેલેના અધિકારી ફ્રાંસ્વા-ઝેવિયર લોશે આ ઘટનાને "અત્યંત ગંભીર" ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીના જીવને જોખમ નથી.

તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સોમવારે દેશભરમાં વિદ્યાર્થી પ્રદર્શનોને કારણે આશરે 500 શાળાઓ આંશિક અથવા સંપૂર્ણ રીતે બંધ રહી હતી.

તાજેતરના દિવસોમાં અનેક સ્થળોએ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઈ હતી.

આ ઘટનાને લઈને ફ્રેન્ચ મીડિયામાં અલગ-અલગ દાવા સામે આવ્યા છે.

સમાચાર એજન્સી AFPએ પોલીસ યુનિયનના એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે રમખાણ-વિરોધી પોલીસે સ્ટિંગ-બોલ ગ્રેનેડ છોડ્યો હતો.

સૂત્રના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ તેને ઉઠાવી લીધો હતો અને તે તેના હાથમાં જ ફાટી ગયો હતો.

ઑપ્ટોજિનેટિક્સની શોધ માટે ત્રણ વૈજ્ઞાનિકોને 2026નું મેડિસિન ક્ષેત્રનો નોબલ પુરસ્કાર મળ્યો

મેડિસિન ક્ષેત્રનો 2026નો નોબલ પુરસ્કાર સંયુક્ત રીતે કાર્લ ડાઇસરોથ, પીટર હેગેમાન અને જ્યૉર્જ નેગેલને એનાયત કરવામાં આવ્યો છે.
ઇમેજ કૅપ્શન, મેડિસિન ક્ષેત્રનો 2026નો નોબલ પુરસ્કાર સંયુક્ત રીતે કાર્લ ડાઇસરોથ, પીટર હેગેમાન અને જ્યૉર્જ નેગેલને એનાયત કરવામાં આવ્યો છે.

ફિઝિયોલૉજી અથવા મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2026નો નોબલ પુરસ્કાર સંયુક્ત રીતે કાર્લ ડાઇસરોથ, પીટર હેગેમૅન અને જ્યૉર્જ નેગેલને એનાયત કરવામાં આવ્યો છે.

નોબલ સમિતિએ તેમને "લાઇટ-ગેટેડ આયન ચેનલો અને ઑપ્ટોજિનેટિક્સ સંબંધિત શોધો" માટે આ સન્માન આપવાની જાહેરાત કરી હતી.

આ વૈજ્ઞાનિકોની શોધોએ એ સમજવામાં મદદ કરી છે કે પ્રકાશ (લાઇટ)ની મદદથી કોષો, ખાસ કરીને નર્વ કોષો (ન્યુરોન્સ),ની પ્રવૃત્તિઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય.

આ તકનીકને ઑપ્ટોજિનેટિક્સ કહેવામાં આવે છે, જેણે મગજ અને તંત્રિકા તંત્ર (નર્વસ સિસ્ટમ)ના અભ્યાસ કરવાની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે.

નોબલ સમિતિએ જણાવ્યું હતું કે આ શોધોએ આધુનિક વિજ્ઞાનમાં મોટો બદલાવ લાવ્યો છે અને માનવ સ્વાસ્થ્ય સંબંધિત સંશોધન માટે નવા માર્ગો ખોલ્યા છે.

પાકિસ્તાનમાં ઇમરાન ખાનને છોડાવવા ઇસ્લામાબાદ તરફ કૂચ

ઇમરાન ખાનના સમર્થકોની કૂચ
ઇમેજ કૅપ્શન, ઇમરાન ખાનના સમર્થકોની કૂચ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને છોડાવવા માટે તેમના સમર્થકોએ રાજધાની ઇસ્લામાબાદ તરફ કૂચ શરૂ કરી છે.

બીબીસી ઉર્દૂ સેવા અનુસાર તેમાં હજારો લોકો જોડાયા છે.

ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના સમર્થકોની આગેવાની હેઠળની આ કૂચ રવિવારે ઇસ્લામાબાદથી લગભગ 275 કિલોમીટર દૂર ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવત શહેરમાં શરૂ થઈ હતી.

તહરીક-એ-ઇન્સાફના નેતૃત્વમાં આ પ્રદર્શનનો હેતુ ઇમરાન ખાનની મુક્તિ માટે સરકાર પર દબાણ લાવવાનો છે.

73 વર્ષીય ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી રહી છે. તેમના પરિવારનો દાવો છે કે જેલ પ્રશાસન તરફથી સમયસર સારવાર ન મળવાને કારણે તેમણે તેમની જમણી આંખની મોટા ભાગની દ્રષ્ટિ ગુમાવી દીધી છે.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન પર 100થી વધુ કેસ ચાલી રહ્યા છે. ગત વર્ષે તેમને ભ્રષ્ટાચારના કેસમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જોકે, ઇમરાન ખાને સતત આ કેસોને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવ્યા છે.

ઇસ્લામાબાદ તરફ કૂચનું મૂળ આયોજન ગત અઠવાડિયે કરવામાં આવ્યું હતું. જોકે, સરકાર અને ઇમરાન ખાનની પીટીઆઈ પાર્ટી વચ્ચે વાતચીતનો માર્ગ મોકળો કરવા માટે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું.

બંને પક્ષો વચ્ચેની વાતચીત કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નહીં અને મડાગાંઠ બાદ કૂચ ફરી શરૂ કરવામાં આવી.

કૉક્રોચ જનતા પાર્ટીએ અભિજિત દીપકે સહિતના નેતાઓની ધરપકડની આશંકા કરી- ન્યૂઝ અપડેટ

કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ
ઇમેજ કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સહ-સંયોજક સૌરવ દાસે જણાવ્યું છે કે સરકાર તેમની, અભિજિત દીપકે અને આશુતોષ રાંકા સહિત અન્ય પાર્ટીના નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે.

સૌરવ દાસે રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ આશંકા વ્યક્ત કરી હતી .

સૌરવ દાસે લખ્યું, "સરકાર મારી. અભિજિત, આશુતોષ, રત્ના અને કૉક્રોચ જનતા પાર્ટીના અન્ય નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે."

"જો સરકાર એવું વિચારી રહી છે કે આ પ્રકારની તાનાશાહી કાર્યવાહી કામ કરશે, તો એ ભૂલભરેલું છે. યુવા પેઢી જાગૃત થઈ ગઈ છે. અમે દરેકને અપીલ કરીએ છીએ કે તેઓ તેમના અધિકારો અને ભવિષ્ય માટે લડતા રહે, પછી ભલે અમે ત્યાં હોઈએ કે ન હોઈએ."

તેમણે લખ્યું, "અમે હંમેશાં જેલ કે તેનાથી પણ ખરાબ સજા ભોગવવા તૈયાર રહ્યા છીએ, પરંતુ આ એક મોટી ભૂલ હશે. યુવાનો આ સહન કરશે નહીં. વિરોધપ્રદર્શન ચાલુ રહેવું જોઈએ. ભારતના લોકોએ 10 ઑક્ટોબરથી સૌથી મોટું આંદોલન શરૂ કરવું જોઈએ."

આ પોસ્ટને ટાંકીને સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ લખ્યું, "અમિત શાહ કેટલા લોકોની ધરપકડ કરશે? આખો દેશ 10 ઑક્ટોબરે આવી રહ્યો છે."

અહીં ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે કૉક્રોચ જનતા પાર્ટીએ 10 ઑક્ટોબરે દિલ્હીના જંતરમંતર પર વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું છે. જોકે, દિલ્હી પોલીસે આ માટે પરવાનગી આપી નથી.

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પણ આવી જ આશંકા વ્યક્ત કરી છે અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, "કેન્દ્ર સરકાર કંઈક મોટું આયોજન કરી રહી છે."

તેમણે સોમવારે બપોરે 12 વાગ્યે તમામ AAP જિલ્લા પ્રમુખો, વિધાનસભા મતવિસ્તારના પ્રમુખો અને વોર્ડ પ્રભારીઓની બેઠક બોલાવી છે. તેમણે બપોરે ત્રણ વાગ્યે તમામ ધારાસભ્યો અને કાઉન્સિલરોની બેઠક પણ બોલાવી છે.

બ્રાઝિલમાં ચૂંટણી : જમણેરી નેતા ફ્લાવિયો બોલસિનારો પહેલા રાઉન્ડમાં જીત્યા

ફ્લાવિયો બોલસિનારો (જમણે) અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા
ઇમેજ કૅપ્શન, ફ્લાવિયો બોલસિનારો (જમણે) અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા

બ્રાઝિલની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં જમણેરી ઉમેદવાર ફ્લાવિયો બોલસિનારોએ વર્તમાન રાષ્ટ્રપતિ અને ડાબેરી નેતા લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને પાછળ છોડી દીધા છે.

જોકે, બોલસિનારોને 50 ટકાથી વધુ મત મળ્યા ન હતા, જેના કારણે રાષ્ટ્રપતિની ચૂંટણીનો નિર્ણય હવે બીજા રાઉન્ડમાં થશે.

ચૂંટણીના બીજા રાઉન્ડમાં ફ્લાવિયો બોલસિનારો અને લુલા દા સિલ્વા વચ્ચે સીધી સ્પર્ધા થશે. આ બંને ઉમેદવારો 25 ઑક્ટોબરના રોજ મતદાનમાં આમને-સામને થશે.

બ્રાઝિલના ચૂંટણી નિયમો અનુસાર, જો કોઈ ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં માન્ય મતોના 50 ટકાથી વધુ મત મેળવે નહીં, તો ટોચના બે ઉમેદવારો વચ્ચે બીજા રાઉન્ડની ચૂંટણી યોજવામાં આવે છે.

લગભગ 98.8 ટકા મતોની ગણતરી સાથે, ફ્લાવિયો બોલસિનારોને લગભગ 47.2 ટકા મત મળ્યા, જ્યારે લુલાને લગભગ 44.9 ટકા મત મળ્યા.

ફ્લાવિયો બોલસિનારો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલસિનારોના પુત્ર છે, જેમને છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ બળવાનો પ્રયાસ કરવા બદલ 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

પ્રથમ રાઉન્ડ પહેલાંથી જ ટક્કર ખૂબ જ નજીક માનવામાં આવી રહી હતી. ચૂંટણી પહેલાં જાહેર થયેલા કેટલાક મતદાનમાં લુલા આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ મતદાન પછી, ફ્લાવિયો બોલસિનારો પહેલા ક્રમે આવ્યા.

પહેલા રાઉન્ડમાં ઘણા અન્ય ઉમેદવારો પણ મેદાનમાં ઊતર્યા હતા, જેમાં જમણેરી પક્ષો સાથે જોડાયેલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ ઉમેદવારોના મતોની સંખ્યા અને બીજા રાઉન્ડમાં તેમના સમર્થકોનું વલણ ચૂંટણી સ્પર્ધામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

મતદાન પછી, લુલાએ કહ્યું કે દેશમાં લોકશાહી અને 'બર્બરતા' વચ્ચે પસંદગીનો સવાલ છે. આ દરમિયાન 45 વર્ષીય ફ્લાવિયો બોલસિનારોએ કહ્યું કે તેમનો ધ્યેય 'બ્રાઝિલના લોકોને મુક્ત કરવાનો' છે.

બંને ઉમેદવારો પાસે બીજા રાઉન્ડ પહેલાં લગભગ ત્રણ અઠવાડિયા છે. બ્રાઝિલના મતદારો 25 ઑક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીમાં દેશના આગામી રાષ્ટ્રપતિનો નિર્ણય લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન