'મલાલાનું પુસ્તક નહીં વાંચવા દઈએ', અમદાવાદમાં પુસ્તકો વાંચીને 'વિરોધપ્રદર્શન' કરનારા પર 'બજરંગદળે' કેમ હુમલો કર્યો?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL/BBC/UGC
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ગુરુવારે સાંજે અમદાવાદમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પ્રાધ્યાપકો અને કાર્યકરોના એક જૂથ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. એક શાળાએ પોતાની 'બુક ક્લબ'માંથી મલાલા યુસુફઝાઈ અને એન. ફ્રૅન્કનાં પુસ્તકો દૂર કરવાનો નિર્ણય લીધો હતો. તેના વિરોધમાં તેઓ 'શાંતિપૂર્ણ' રીતે એ પુસ્તકોનું વાંચન કરી રહ્યા હતા.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઈઓ)ની કચેરી નજીક આવેલા એક નાનકડા બગીચામાં આશરે 50 લોકો ભેગા થયા હતા. તેઓ 'આઈ એમ મલાલા', એન. ફ્રૅન્કનું જીવનચરિત્ર તેમજ જ્યૉર્જ ઑરવેલ, ભગતસિંહ, બી. આર. આંબેડકર, જવાહરલાલ નહેરુ અને અરુંધતી રૉય જેવાં લેખકોની કૃતિઓ વાંચી રહ્યા હતા.
અમદાવાદના 'યુથ ઍન્ડ સ્ટુડન્ટ્સ કલેક્ટિવ' દ્વારા આ પ્રકારે પુસ્તકો વાંચીને વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદની એક શાળાએ 'આઈ એમ મલાલા' અને એન. ફ્રૅન્કનાં પુસ્તકને પોતાના વાંચન કાર્યક્રમમાંથી કાઢી નાખ્યાં હતાં. આ બંને પુસ્તકોને વૈકલ્પિક વાંચન માટે રાખવામાં આવ્યાં હતાં. કેટલાક વાલીઓએ વાંધો ઉઠાવ્યા પછી શાળાએ આ નિર્ણય લીધો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારીએ અગાઉ શાળાને એવાં પુસ્તકોનો સમાવેશ ન કરવાની સૂચના આપી હતી, જે વાલીઓની 'ધાર્મિક લાગણી'ઓને અસર કરી શકે અથવા તેમને 'ઠેસ' પહોંચાડી શકે.
આ નિર્ણયની વિદ્યાર્થીઓ અને નાગરિક સમાજનાં જૂથોએ ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે આ નિર્ણયથી વિવિધ પ્રકારનાં સાહિત્ય અને વિચારો સુધી પહોંચવાની વિદ્યાર્થીઓની તક મર્યાદિત થઈ શકે છે.

ઇમેજ સ્રોત, UGC
'યુથ ઍન્ડ સ્ટુડન્ટ્સ કલેક્ટિવ'એ જણાવ્યું હતું કે તેમનું વાંચનસત્ર આ નિર્ણય સામે શાંતિપૂર્ણ અને મૌન વિરોધના હેતુથી યોજવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 6.30 વાગ્યે 'બજરંગ દળ' સાથે કથિત રીતે સંકળાયેલું એક જૂથ બગીચામાં આવી પહોંચ્યું હતું અને એ પછી બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી.
પુસ્તકો વાંચીને વિરોધ કરી રહેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે જૂથના કેટલાક સભ્યોના હાથમાં લાકડીઓ હતી, તેમણે ભગવા રંગના ખેસ પહેર્યા હતા અને વાંચન કરી રહેલા લોકોને મારપીટ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આયોજકોમાંનાં એક સ્વાતિ ગોસ્વામીએ બીબીસીને જણાવ્યું હતું કે આ જૂથે કહ્યું હતું કે તેઓ વિરોધમાં જોડાયેલા લોકોને 'આઈ એમ મલાલા' વાંચવા નહીં દે.
"તેમણે મારો હાથ જોરથી પકડીને ખેંચ્યો અને મારા વાળ ખેંચ્યા," તેમણે કહ્યું.
આયોજકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અન્ય એક સહભાગી મૈત્રી છાઈની પીઠ પર અનેક વાર થપાટો મારવામાં આવી હતી.
આ ઘટનાનું પોતાના ફોન પર રેકૉર્ડિંગ કરી રહેલાં સહભાગી આદ્યા છત્રોલાને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તે વીડિયો ઉતારવાનું બંધ નહીં કરે તો તેને "ગુમ કરી દેવામાં આવશે".
આયોજકોએ જણાવ્યું હતું કે આ ધમકીનો વીડિયો રેકૉર્ડ થઈ ગયો હતો. પછી વિરોધ કરી રહેલા લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ગયા હતા અને પોલીસને ફરિયાદ નોંધવા વિનંતી કરી હતી.
વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર ગીતા ચૌધરીએ બીબીસીને જણાવ્યું હતું કે મારપીટ થઈ હોવાનો દાવો કરનારા તમામ સહભાગીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે ત્યાર પછી 20 લોકો સામે રમખાણનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાંથી છની ઓળખ થઈ ગઈ છે અને ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
ચૌધરીએ ઉમેર્યું હતું કે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
'આ પુસ્તકો સત્તાના માળખા સામેના સંઘર્ષની કહાણીઓ કહે છે'

ઇમેજ સ્રોત, PAVAN PAISWAL
બંને જૂથો વચ્ચે વિવાદ ઊભો થયો એ પહેલાં બીબીસીએ બગીચામાં બેઠેલા અને પુસ્તકો વાંચી રહેલા કેટલાક વિરોધમાં જોડાયેલા લોકો સાથે વાત કરી હતી.
સહભાગીઓ પૈકીનાં એક મૈત્રીએ કહ્યું કે નાનપણથી જ પોતે મલાલા યુસુફઝાઈ વિશે, તેની હિંમત વિશે અને છોકરીઓના શિક્ષણ માટે લડવાના તેના સંકલ્પ વિશે વાંચતાં આવ્યાં છે.
"મેં એન ફ્રૅન્ક વિશે પણ વાંચ્યું છે. હું શાળામાં હતી ત્યારે તેમનું પુસ્તક અમારી બુક ક્લબમાં સામેલ હતું," તેમણે બીબીસીને જણાવ્યું.
"હું નથી ઇચ્છતી કે આવનારી પેઢીઓ માટે આવા ઉત્તમ સાહિત્યને અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવે." તેમણે જણાવ્યું કે વિરોધ દરમિયાન વાંચવામાં આવતાં આ પુસ્તકો માત્ર તેમના લેખકોની વ્યક્તિગત કહાણીઓ પૂરતાં મર્યાદિત નથી.
તેમણે કહ્યું, "આ તમામ લેખકો આપણને સત્તાનાં માળખાં સામેના સંઘર્ષની કહાણીઓ કહે છે અને વિદ્યાર્થીઓએ આ પુસ્તકો અવશ્ય વાંચવાં જોઈએ."
અન્ય એક સહભાગી ખ્યાતિએ કહ્યું કે તેમને લેખિકા અરુંધતી રૉયની કૃતિઓ વાંચવાનો શોખ છે અને હાલમાં તેઓ 'આઝાદી' વાંચી રહ્યાં છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના વાંચન પર નિયંત્રણ મૂકવાથી તેમની વિચારવાની સ્વતંત્રતા છીનવાઈ શકે છે.
"આપણી સ્વતંત્રતા સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. આપણને અને આપણાં બાળકોને પણ એવાં પુસ્તકો વાંચવા દેવામાં આવતાં નથી, જે આપણું મન ખુલ્લું કરી શકે. સ્વતંત્રતા માટે આ ખતરારૂપ છે. આવું ન થવું જોઈએ," તેમણે બીબીસીને જણાવ્યું.
વાંચન કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા અમદાવાદ યુનિવર્સિટીના પ્રાધ્યાપક સાવને કહ્યું કે વિશ્વભરમાં વ્યાપકપણે વખાણાયેલી સાહિત્યિક કૃતિઓની ટીકા કરવામાં આવે અને વિદ્યાર્થીઓને તે વાંચતા અટકાવવામાં આવે એ કમનસીબી છે.
"અમે કહેવા માગીએ છીએ કે આવી બાબતો સહન ન કરવી જોઈએ. આવી દરેક ઘટના સામે લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ." તેમણે કહ્યું.
પુસ્તકો પાછાં શાથી ખેંચવામાં આવ્યાં?

ઇમેજ સ્રોત, PAVAN PAISWAL
અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીઓ માટેના વાંચન કાર્યક્રમમાં 'આઈ એમ મલાલા' અને એન ફ્રૅન્કનાં પુસ્તકો સામેલ કરવામાં આવ્યાં હતાં. ત્યાંથી આ વિવાદ શરૂ થયો.
કેટલાક વાલીઓએ આ પુસ્તકો બાબતે શાળાના સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી. ત્યાર પછી આ મુદ્દો જિલ્લા શિક્ષણ વિભાગ સમક્ષ લઈ જવામાં આવ્યો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વિભાગને ધાર્મિક લાગણીઓને લગતી ફરિયાદ મળી હતી.
તેમણે કહ્યું, "આ અંગે અમે શાળાને જણાવ્યું હતું કે કોઈ પણ બાળકની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે એવી કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. આવી કોઈ પ્રવૃત્તિ થઈ હોય તો તેને બંધ કરી દેવી જોઈએ."
આ નિર્ણયની વિદ્યાર્થીઓ અને નાગરિક સમાજનાં જૂથોએ ટીકા કરી હતી.
તેમનું કહેવું હતું કે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારનું સાહિત્ય અને વિચારો વાંચવાની તક મળવી જોઈએ. ત્યાર પછી 'યુથ ઍન્ડ સ્ટુડન્ટ્સ કલેક્ટિવ', અમદાવાદે વસ્ત્રાપુરમાં 'વાંચન દ્વારા શાંતિપૂર્ણ વિરોધ' કરવાની ઘોષણા કરી હતી.
તેણે કહ્યું હતું કે આ રીતે તે શાળાના નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવવા માગે છે.
આશરે 50 વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પ્રાધ્યાપકો અને કાર્યકરો બગીચામાં ભેગા થયા હતા.
તેમણે 'આઈ એમ મલાલા', એન. ફ્રૅન્કનું પુસ્તક અને જ્યૉર્જ ઑરવેલ, ભગતસિંહ, બી. આર. આંબેડકર તેમજ જવાહરલાલ નહેરુ સહિતના લેખકોની કૃતિઓ વાંચી હતી.
વિરોધમાં જોડાયેલા લોકોએ કહ્યું હતું કે આ વાંચન દ્વારા શાંતિપૂર્ણ વિરોધ હતો, કોઈ રાજકીય કાર્યક્રમ નહીં.
આ વાંચન સત્ર દરમિયાન જ કેટલાક લોકો સાથે કથિત રીતે બોલાચાલી થઈ હતી. વિરોધમાં જોડાયેલા લોકોએ આ લોકોને 'બજરંગ દળના સભ્યો' તરીકે ઓળખાવ્યા હતા.

ઇમેજ સ્રોત, UGC
બજરંગ દળના નેતા જ્વલિત મહેતાએ પછી આ ઘટના અંગેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે છોકરીઓના શિક્ષણ માટે લડનારી યુવતી તરીકે તેમને મલાલા સામે કોઈ વાંધો નથી. જોકે, તેમણે આક્ષેપ કર્યો હતો કે કાશ્મીરના મુદ્દે મલાલાએ ભારત વિશે પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી અને પોતે નથી ઇચ્છતા કે દેશમાં તેમનું પુસ્તક વાંચવામાં આવે.
તેમણે કહ્યું હતું કે સંગઠનના સભ્યો વિરોધ કરી રહેલા લોકોને વાંચન સત્ર બંધ કરવા કહેવા બગીચામાં ગયા હતા.
આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી હતી.
બગીચામાં બનેલી ઘટનાની વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શૅર કરી હતી.
વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી, કાર્યકર ગોહર રઝા અને એક રાષ્ટ્રીય ન્યૂઝ ચૅનલનાં કન્સલ્ટિંગ ઍડિટર ગાર્ગી રાવત સહિત અનેક લોકોએ આ ઘટનાને લગતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફરી પોસ્ટ કરી હતી.

ઇમેજ સ્રોત, PAVAN PAISWAL
આ ઘટનાને પગલે અભિવ્યક્તિની સ્વતંત્રતા, વિવિધ સાહિત્ય વાંચવાની તક અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર જેવા મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.
માનવાધિકાર કાર્યકર ફાધર સૅડ્રિક પ્રકાશે શાંતિપૂર્ણ વાંચનસત્રમાં ભાગ લેનારા લોકો પર થયેલા "ભયાનક અને નિર્દય હુમલા"ની ટીકા કરી હતી.
તેમણે આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે પોલીસ વધુ કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે "આ વાંચનસત્રનો હેતુ માત્ર મલાલા અને એન. ફ્રૅન્કને વાંચવાનો નહોતો. સત્તા પર સવાલ ઉઠાવનારા અને લોકોને મુક્તપણે વિચારવા પ્રેરનારા અન્ય લેખકોને વાંચવાનો પણ તેનો હેતુ હતો. તેમણે કહ્યું હતું કે હિંસાના ડરથી યુવાનો અને નાગરિક સમાજ ચૂપ નહીં રહે અને તેઓ જમણેરી જૂથોના આવા વિરોધ સામે પોતાનો અવાજ ઉઠાવતા રહેશે."
અર્થશાસ્ત્રી અને પ્રાધ્યાપક હેમંત શાહે પણ આ ઘટનાની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "લાગે છે કે આ જ સાચું ગુજરાત મૉડલ છે—જ્યાં કોઈ સંવાદ નથી, પરંતુ સંવાદ વિનાનો વિકાસ છે."
વિદ્યાર્થીઓ મલાલા અને એન. ફ્રૅન્કનાં પુસ્તકો વાંચી રહ્યા હતા. આ બાબતે વાલીઓએ ડીઈઓને ફરિયાદ કરી એ બાબતે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ધર્મના નામે લોકોની વિચારવાની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવું શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક બાબત છે. જોકે, વિરોધમાં જોડાયેલા લોકો માટે ગુરુવારે બનેલી આ ઘટના માત્ર બે પુસ્તકો પૂરતી સીમિત નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















