જ્ઞાનેશકુમાર સામે 20 વર્ષ જૂના કેસમાં કેરળ સરકારે તપાસના આદેશ આપ્યા એ શું છે?

જ્ઞાનેશકુમાર કેરળ સરકારમાં અનેક પદો પર રહ્યા છે (ફાઇલ તસવીર)
ઇમેજ કૅપ્શન, જ્ઞાનેશકુમાર કેરળ સરકારમાં અનેક પદો પર રહ્યા છે (ફાઇલ તસવીર)
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે તપાસનો આદેશ આપ્યો છે. વિજિલન્સ ઍન્ડ ઍન્ટી કરપ્શન બ્યૂરો (વીએસીબી) આ 20 વર્ષ જૂના કેસની તપાસ કરશે.

આ કેસ 2006માં કેરળ સ્ટેટ ટ્રાન્સપૉર્ટ પ્રોજેક્ટ (કેએસટીપી) રોડ બાંધકામ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો અને તેની સાથે સંકળાયેલા મલેશિયન કૉન્ટ્રાક્ટરના મૃત્યુ સાથે સંબંધિત છે.

એ સમયે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજ્યમાં પીડબ્લ્યુડી સચિવ તરીકે કાર્યરત્ હતા.

જ્ઞાનેશકુમાર સામે આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત અનેક નિર્ણયોને કારણે તેમના વિરુદ્ધ વિરોધપ્રદર્શનો અને તેમના રાજીનામાની માગણીઓ થઈ રહી છે.

જોકે જ્ઞાનેશકુમારે હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. એમનો પક્ષ આવતા જ અમે તેને સામેલ કરીશું.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તો તમે ભારત સરકારની 'જીવન આસ્થા' હેલ્પલાઇન ૧૮૦૦૨૩૩૩૩૩૦ પરથી મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

20 વર્ષ જૂનો કેસ શું છે?

કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલા
ઇમેજ કૅપ્શન, કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલા

કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "ગઈ કાલે કૉંગ્રેસના કાર્યકર્તા મલયંકીઝુ વેણુગોપાલે મને જ્ઞાનેશકુમાર દ્વારા કેરળમાં પીડબ્લ્યુડી સચિવ તરીકે કરવામાં આવેલી અનિયમિતતા અને ભ્રષ્ટ પ્રવૃત્તિઓ અંગે એક અરજી આપી હતી."

તેમણે કહ્યું કે, "એ પ્રેઝન્ટેશનમાં કેટલાક ગંભીર મુદ્દાઓ ઊભા થયા હતા. આ દરમિયાન મલેશિયન પ્રોજેક્ટ એન્જિનિયર લીએ આત્મહત્યા કરી હતી. સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે પીડબ્લ્યુડી સચિવ જ્ઞાનેશકુમારનો ઉલ્લેખ છે."

રમેશ ચેન્નીથલાએ કહ્યું, "આથી સરકાર આ મુદ્દે શાંતિથી બેસી શકે નહીં. હું મૂકપ્રેક્ષક બની ન શકું. મેં આ અરજી વિજિલન્સ ડાયરેક્ટરને મોકલી છે જેથી વિગતોની તપાસ કરી શકાય અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાનૂની કાર્યવાહી કરી શકાય."

તેમણે વધુમાં કહ્યું, "આ કોઈ રાજકીય બદલો નથી. એ વાત સાચી છે કે અમારા નેતા રાહુલ ગાંધી ભાજપના કુશાસન સામે લડી રહ્યા છે. જ્ઞાનેશકુમાર ફક્ત વડા પ્રધાન મોદી અને અમિત શાહનું એક સાધન છે, પરંતુ આ કેસ અલગ છે. એક મંત્રી તરીકે, કેસની વિગતોની તપાસ કરવાની મારી ફરજ છે."

'તેમની સામે ઘણી ફરિયાદો હતી'

કેરળ સરકારના મંત્રી કે. મુરલીધરન
ઇમેજ કૅપ્શન, કેરળ સરકારના મંત્રી કે. મુરલીધરન
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અંગે કેરળ સરકારના મંત્રી કે મુરલીધરને કહ્યું, "જ્યારે તેઓ કેરળ રાજ્યના સચિવ હતા, ત્યારે તેમની સામે ઘણી ફરિયાદો હતી. આ વખતે કેટલાક મહત્ત્વપૂર્ણ લોકોએ વધુ ફરિયાદો કરી છે. તેથી જ સરકારે આ બાબતની નોંધ લીધી છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ તેમની સામે ઘણી ફરિયાદો કરી હતી."

અહીં ઉલ્લેખનીય છે કે એક બાજુ ચૂંટણીપંચની એસઆઇઆર પ્રક્રિયા અંગે સતત અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. બીજી તરફ, તાજેતરમાં અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસના સમાચાર પછી, તેમની વિરુદ્ધ વિરોધપ્રદર્શન શરૂ થયાં છે અને તેમના રાજીનામાની માગ કરાઈ રહી છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના રિપોર્ટ અનુસાર બે ચૂંટણી કમિશનરો વિવેક જોશી અને સુખબીરસિંહ સંધુએ છેલ્લા 10 મહિનામાં 14 વખત અસંમતિ વ્યક્ત કરી હતી. છતાં જ્ઞાનેશકુમારના નેતૃત્વ હેઠળ ભારતના ચૂંટણીપંચે એસઆઇઆર પ્રક્રિયા ચાલુ રાખી.

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધીનો છે. તેમના કાર્યકાળ દરમિયાન હજુ લગભગ 20 વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.

2027માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ પણ તેમના કાર્યકાળ દરમિયાન યોજાશે. આ પછી 2029ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ પણ તેમના કાર્યકાળ દરમિયાન થશે.

જ્ઞાનેશકુમાર કેરળમાં અનેક હોદ્દા પર હતા

જ્ઞાનેશકુમારનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી છે
ઇમેજ કૅપ્શન, જ્ઞાનેશકુમારનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી છે

ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, જ્ઞાનેશકુમાર ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઇએએસ)ના 1988 બેચના કેરળ કેડરના અધિકારી છે.

આઇઆઇટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યા પછી તેમણે આઇસીએફએઆઇમાંથી બિઝનેસ ફાઇનાન્સ અને એચઆઇઆઇડી, હાર્વર્ડ યુનિવર્સિટી, યુએસએમાંથી પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો.

તેમણે કેરળ સરકારમાં અડૂરના નાયબ કલેક્ટર, કેરળ રાજ્ય એસસી/એસટી વિકાસ નિગમના મૅનેજિંગ ડાયરેક્ટર, કોચીન કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કેરળ રાજ્ય સહકારી બૅન્કના એમડી, એર્નાકુલમના જિલ્લા કલેક્ટર, ગોશ્રી આઇલૅન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટીના સચિવ, તિરુવનંતપુરમ ઍરપૉર્ટ ડેવલપમેન્ટ સોસાયટીના એમડી અને નવી દિલ્હીના કેરળ હાઉસ રેસિડેન્ટ કમિશનર તરીકે પણ સેવા આપી છે.

ચૂંટણીપંચ અનુસાર, કેરળ સરકારના સચિવ તરીકે તેમણે નાણાકીય સંસાધનો, ફાસ્ટ ટ્રેક પ્રોજેક્ટ્સ, જાહેર બાંધકામ વિભાગ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો જેવા વિવિધ વિભાગોમાં કામ કર્યું છે.

જ્ઞાનેશકુમારે ભારત સરકારમાં સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અધિક સચિવ, સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ અને સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ સેવા આપી છે.

31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્તિ બાદ તેમને 15 માર્ચ, 2024ના રોજ ચૂંટણીપંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જ્ઞાનેશકુમારે 19 ફેબ્રુઆરી, 2025ના રોજ ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન