મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં બે મહિલાઓની હત્યા, ત્રણ દિવસમાં છ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં બે મહિલાઓની હત્યા, ત્રણ દિવસમાં છ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સંદિગ્ધ ઉગ્રવાદીઓના હુમલામાં 60 વર્ષની ચોંગા સિટલ્હોનું મોત થયું.
    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

મણિપુરના તામેંગલાંગ જિલ્લાના એક ગામમાં સંદિગ્ધ ઉગ્રવાદીઓએ બે મહિલાઓની ગોળી મારીને હત્યા કરી દીધી.

આ ઘટના મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે બની હતી. મણિપુર પોલીસના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું, "તામેંગલાંગના સરહદી લેઇસંગફાઈ ગામમાં આજે કેટલાક અજાણ્યા હથિયારબંદ હુમલાખોરોએ ગોળીબાર કર્યો, જેમાં બે મહિલાઓનાં મોત થયાં છે. પોલીસે વિસ્તારમાં હુમલાખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે."

આ હુમલામાં મારાયેલી મહિલાઓની ઓળખ 60 વર્ષની ચોંગા સિટલ્હો અને 30 વર્ષની કિમ્બોઈ સિંગસન તરીકે કરવામાં આવી છે.

કુકી જનજાતિનાં મુખ્ય સંગઠનોનો આરોપ છે કે સંદિગ્ધ ઉગ્રવાદીઓએ ચોંગા સિટલ્હોને તે સમયે ગોળી મારી હતી જ્યારે તેઓ પોતાના ખેતરમાં લાકડાં ભેગાં કરી રહ્યાં હતાં, જ્યારે કિમ્બોઈને ઉગ્રવાદીઓએ ખેતરમાંથી ઘરે પરત ફરતી વખતે ગોળી મારી હતી.

મણિપુરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લાઓમાં થયેલી હિંસામાં કુલ છ લોકોની હત્યા કરવામાં આવી છે.

ગયા ફેબ્રુઆરી મહિનાથી કુકી જનજાતિ અને તાંગખુલ નાગાઓ વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. માત્ર છ મહિનામાં બંને સમુદાયોના 30થી વધુ લોકો માર્યા ગયા છે.

મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં બે મહિલાઓની હત્યા, ત્રણ દિવસમાં છ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, 30 વર્ષનાં કિમ્બોઈ સિંગસનની સંદિગ્ધ ઉગ્રવાદીઓએ હત્યા કરી છે.

હિંસાની તાજેતરની ઘટનાઓમાં મહિલાઓને નિશાન બનાવવામાં આવી છે. તામેંગલાંગમાં આ બે મહિલાઓની હત્યાને લઈને કુકી જનજાતિનાં ઘણાં મુખ્ય સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે.

કુકી ઇનપી મણિપુરે નિર્દોષ ગ્રામ્ય મહિલાઓ પર કોઈપણ ઉશ્કેરણી વિના કરાયેલા હુમલા અને તેમની હત્યાની કડક નિંદા કરી છે.

કુકી ઇનપીએ એક લેખિત નિવેદન બહાર પાડીને કહ્યું, "છેલ્લા ત્રણ દિવસમાં કુકી સમુદાયના છ નિર્દોષ ગ્રામજનોની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આજે લેઇસંગફાઈ ગામની આ બે મહિલાઓની તેમનાં જ ખેતરોમાં ગોળી મારીને મારી નાખવામાં આવી. કેન્દ્ર અને રાજ્ય સરકારો ક્યાં છે? કુકી-ઝો નાગરિકો પર વારંવાર થતા હુમલાઓ છતાં અધિકારીઓ કેટલા સમય સુધી મૌન રહેશે?"

આ હુમલાને લઈને કુકી ઇનપીએ નાગા ઉગ્રવાદી સંગઠન એનએસસીએન-આઈએમ અને ઝેડયુએફ (કામસન) જૂથ પર આરોપ લગાવ્યા છે.

જોકે, અત્યાર સુધી ન તો કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને ન તો નાગા ઉગ્રવાદી સંગઠનોએ આ આરોપોનો કોઈ જવાબ આપ્યો છે.

ગ્રાહમ સ્ટેન્સની હત્યાના દોષિત દારાસિંહને રાહત નહીં, સજા ઘટાડવાની અપીલ ફગાવી

2003માં CBI અદાલતે દારાસિંહને ગ્રાહમ સ્ટેન્સની હત્યા માટે ફાંસીની સજા ફટકારી હતી અને અન્ય 12 આરોપીઓને આજીવન કેદની સજા આપી હતી. (આ તસવીર 2003ની છે)
ઇમેજ કૅપ્શન, 2003માં CBI અદાલતે દારાસિંહને ગ્રાહમ સ્ટેન્સની હત્યા માટે ફાંસીની સજા ફટકારી હતી અને અન્ય 12 આરોપીઓને આજીવન કેદની સજા આપી હતી. (આ તસવીર 2003ની છે)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઓડિશા સરકારના રાજ્ય સજા પુનર્વિચાર બોર્ડ (સ્ટેટ સેન્ટન્સ રિવ્યૂ બોર્ડ)એ ઑસ્ટ્રેલિયન ખ્રિસ્તી મિશનરી ગ્રાહમ સ્ટેન્સ અને તેમના બે સગીર પુત્રોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દારાસિંહની સજા ઘટાડવાની અપીલ ફગાવી દીધી છે.

દારાસિંહની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી ગુરુવારે થશે. 31 ઑગસ્ટે યોજાયેલી બેઠકમાં બોર્ડે દારાની અપીલ ફગાવતા કહ્યું હતું કે હાલ તેમને મુક્ત કરવામાં આવશે તો સાંપ્રદાયિક ઉશ્કેરાટ ફેલાવાનું જોખમ છે.

આ સંદર્ભમાં બોર્ડે કેઓંઝર જેલના અધિકારીઓ દ્વારા 28 ઑગસ્ટે મોકલવામાં આવેલા અહેવાલનો ઉલ્લેખ કર્યો, જેમાં જણાવાયું હતું કે 15 ઑગસ્ટે "દારા સેના"ના 200થી 250 સભ્યોએ કેઓંઝર જેલ સામે દારાની મુક્તિની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન કેટલાક ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક નારા લગાવવામાં આવ્યા હતા.

જોકે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કેઓંઝર જેલના અધિકારીઓએ પોતાના અહેવાલમાં કોઈ ચોક્કસ ભલામણ કરી નથી. પરંતુ "દારા સેના"ના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બોર્ડે જણાવ્યું કે "હાલ અમે દારાને સજા પૂર્ણ થાય તે પહેલાં મુક્ત કરવાના પક્ષમાં નથી."

બોર્ડે આ જ કારણ દર્શાવીને દારાની સમય પહેલાં મુક્તિની અપીલ 2016, 2019, 2020, 2022 અને 2023માં પણ ફગાવી દીધી હતી.

શું છે ગ્રાહમ સ્ટેન્સ હત્યાકાંડ?

22 જાન્યુઆરી, 1999ના રોજ દારા અને તેમના સાથીદારોએ કેઓંઝર જિલ્લાના મનોહરપુરમાં એક જીપને આગ લગાવી હતી, જેમાં ગ્રાહમ સ્ટેન્સ અને તેમના બે પુત્રો ફિલિપ અને ટિમોથી સૂતા હતા. ઘટનાસ્થળે જ ત્રણેનાં મોત થયાં હતાં.

2003માં CBI અદાલતે દારાને આ નિર્દય હત્યા માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી અને અન્ય 12 આરોપીઓને આજીવન કેદની સજા આપી હતી.

2005માં ઓડિશા હાઇકોર્ટે દારાની ફાંસીની સજાને જનમટીપમાં બદલી દીધી હતી અને અન્ય 11 આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે મુક્ત કરી દીધા હતા.

આ કેસમાં દારા સાથે આજીવન કેદની સજા ભોગવી રહેલા તેમના સહઆરોપી મહેન્દ્ર હેમ્બ્રમને સમય પહેલાં વર્ષ 2025માં મુક્ત કરવામાં આવ્યા હતા.

રાજપાલ યાદવને ચેક બાઉન્સ મામલે બે અઠવાડિયાંની મુદત, અદાલતે શું કહ્યું?

રાજપાલ યાદવને ચેક બાઉન્સ મામલે બે અઠવાડિયાંની મુદત, અદાલતે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, રાજપાલ યાદવને ચેક બાઉન્સ મામલે બે અઠવાડિયાંની મુદત મળી છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે અભિનેતા રાજપાલ યાદવને એક ખાનગી કંપનીનું બાકી દેવું ચૂકવવા માટે ઠોસ પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે તેમને આ માટે છેલ્લી વખત બે અઠવાડિયાંનો સમય આપ્યો છે.

અદાલતે તેમને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ પણ આપ્યો છે.

જોકે, અદાલતે જણાવ્યું કે તેને યાદવ પર વિશ્વાસ નથી. અદાલતે દિલ્હી હાઇકોર્ટમાં તેમના અગાઉના વર્તનનો ઉલ્લેખ કર્યો, જ્યાં તેમને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળના જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કહ્યું, "તેમના ભૂતકાળના વર્તનને જોતા, પૃથ્વી પર કોઈપણ વ્યક્તિ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરી શકે?"

સમાચાર એજન્સી પીટીઆઈ અને કાનૂની સમાચાર તથા વિશ્લેષણની વેબસાઇટ લાઇવ-લૉના જણાવ્યા અનુસાર, અદાલત રાજપાલ યાદવની તે અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે 8 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે વધુ સમય માંગ્યો હતો.

તે આદેશમાં તેમને આ શરતે આત્મસમર્પણમાંથી છૂટ આપવામાં આવી હતી કે તેઓ 24 કલાકની અંદર રકમ જમા કરાવશે.

ફરિયાદી મુજબ, 2013માં રાજપાલ યાદવે 2010માં એક ફિલ્મ માટે લીધેલા 5 કરોડ રૂપિયાની લોનના સમાધાનરૂપે 1.05 કરોડ રૂપિયાના સાત ચેક આપ્યા હતા. કંપનીનો આરોપ છે કે આ તમામ ચેક બાઉન્સ થઈ ગયા હતા.

ફરિયાદી મુજબ, 2012માં બંને પક્ષો વચ્ચે થયેલા સમજૂતી કરારમાં રાજપાલ યાદવ, તેમની પત્ની અને તેમની કંપનીએ વ્યાજ સહિત લગભગ ₹11 કરોડ ચૂકવવા સંમતિ આપી હતી.

અદાલત રાજપાલ યાદવની તે અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે 8 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે વધુ સમય માંગ્યો હતો.

તે આદેશમાં તેમને આ શરતે આત્મસમર્પણમાંથી છૂટ આપવામાં આવી હતી કે તેઓ 24 કલાકની અંદર રકમ જમા કરાવશે.

સાઉદી અરેબિયાએ કહ્યું, 'હૂતી બળવાખોરોના હુમલાનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે'

સાઉદી અરેબિયાએ કહ્યું: 'હૂતી બળવાખોરોના હુમલાનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે' – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સાઉદી સમર્થિત યમનની સેના હૂતીઓને આગળ વધતા રોકવાનો પ્રયાસ કરી રહી છે. (ફાઇલ ફોટો)

સાઉદી અરેબિયાએ જણાવ્યું છે કે તે હૂતી બળવાખોરોના હુમલાઓનો "નિર્ણાયક" જવાબ આપશે.

સાઉદી અરેબિયામાં હૂતી બળવાખોરો દ્વારા બૅલિસ્ટિક મિસાઇલો અને ડ્રૉન વડે કરવામાં આવેલા તાજેતરના હુમલાઓમાં 13 લોકો ઘાયલ થયા છે.

બીબીસીની ફારસી સેવા અનુસાર, ઇરાન સમર્થિત હૂતી બળવાખોરોએ નૌકાદળની નાકાબંધીની જાહેરાત કર્યા પછી લાલ સમુદ્રમાં સાઉદી જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

ગયા અઠવાડિયે તેમણે લાલ સમુદ્રના પૂર્વીય કિનારા અને બાબ અલ-મંદેબ જળમાર્ગ પર નિયંત્રણ મેળવી લીધું હતું.

હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર લગભગ બંધ થઈ જવાને કારણે બાબ અલ-મંદેબ જળમાર્ગ હવે વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.

આ દરમિયાન એવી જાહેરાત કરવામાં આવી છે કે ફ્રાન્સની વિનંતી પર ન્યૂ યૉર્કમાં બાબ અલ-મંદેબ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક તાત્કાલિક બેઠક યોજવામાં આવશે.

રેપના કારણે થયેલી ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે મજબૂર કરવું મહિલાના ગૌરવ વિરુદ્ધ : દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે રેપના કારણે થયેલી ગર્ભાવસ્થા ચાલુ રાખવાના મામલે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
ઇમેજ કૅપ્શન, દિલ્હી હાઇકોર્ટે રેપના કારણે થયેલી ગર્ભાવસ્થા ચાલુ રાખવાના મામલે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે કે રેપ સર્વાઇવરને ગુનાના પરિણામે નિર્માણ પામેલા ગર્ભને ચાલુ રાખવા માટે મજબૂર કરવું અને તેની ઇચ્છા વિરુદ્ધ તેના પર માતૃત્વની જવાબદારી લાદવી, ગૌરવ સાથે જીવવાના તેના અધિકારનું ગંભીર ઉલ્લંઘન ગણાશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અને કાનૂની સમાચાર તથા વિશ્લેષણ વેબસાઇટ લાઇવ-લૉના જણાવ્યા અનુસાર, અદાલતે આ ટિપ્પણી 15 વર્ષની એક રેપ સર્વાઇવર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂરી આપતાં કરી હતી.

રેપ સર્વાઇવરે 30 અઠવાડિયાંથી વધુ સમયની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી માંગી હતી.

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) ઍક્ટની કલમ 3 હેઠળ, કેટલીક વિશિષ્ટ શ્રેણીનાં મહિલાઓ માટે કાનૂની શરતોના આધારે 20 અઠવાડિયાંથી વધુ અને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી છે.

બીબીસીના રિપોર્ટની અસર: બાળકોની સુરક્ષાથી સંબંધિત કેસોની માહિતી હવે મેટા સીધી ભારતીય સાયબર ક્રાઇમ પોર્ટલને આપશે

મેટા હજુ સુધી આવી સામગ્રીની માહિતી માત્ર અમેરિકાની નૅશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સપ્લૉઇટેડ ચિલ્ડ્રન (એનસીએમસી)ને આપતું હતું (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, મેટા હજુ સુધી આવી સામગ્રીની માહિતી માત્ર અમેરિકાની નૅશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સપ્લૉઇટેડ ચિલ્ડ્રન (એનસીએમસી)ને આપતું હતું (ફાઇલ ફોટો)

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ મેટાએ બાળકોની સુરક્ષા સાથે જોડાયેલી માહિતી ભારતીય સાયબર ક્રાઇમ પોર્ટલને આપવા પર સહમતી વ્યક્ત કરી છે.

મેટાએ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાને જણાવ્યું કે કંપની બાળકોની સુરક્ષા સાથે જોડાયેલા મામલાની માહિતી સીધી ભારતના સાયબર ક્રાઇમ પૉર્ટલને આપશે.

આ પોર્ટલનું સંચાલન ગૃહમંત્રાલય હેઠળ આવનારું ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર કરે છે.

મેટા અત્યાર સુધી આવી સામગ્રીની માહિતી માત્ર અમેરિકાના નૅશન સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સપ્લૉઇટેડ ચિલ્ડ્રન (એનસીએમસી)ને આપતું હતું. ત્યાર બાદ એનસીએમસી સંબંધિત દેશો અને ત્યાંની એજન્સીઓને આ માહિતી આપે છે,પછી સ્થાનિક એજન્સીઓ કાર્યવાહી કરે છે.

બીબીસી આઈએ પોતાની તપાસમાં જાણ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ ભારતમાં બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી જાહેરાતોને પ્રસારિત કરતું હતું. આવું કરીને કંપનીએ કમાણી પણ કરી છે. આ જાહેરાત યૂઝર્સને મૅસેજિંગ ઍપ ટેલિગ્રામ સુધી લઈ જાય છે, જ્યાં આ લોકો બાળકોના જાતીય શોષણના વીડિયો ખરીદી શકે છે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે (એનસીપીસીઆર) પણ બીબીસી આઈના રિપોર્ટનું સ્વત: સંજ્ઞાન લેતાં મેટા પ્લૅટફૉર્મ્સને નોટિસ ફટકારી હતી. ત્યાર બાદ કંપનીના ઇન્ડિયા હેડને સમન્સ પણ મોકલ્યા હતા.

સમાચાર સંસ્થા પીટીઆઈએ સૂત્રોને ટાંકતા કહ્યું કે જે પ્લૅટફૉર્મ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં નિષ્ફળ રહેશે, તેમની વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરશે.

એજન્સીએ જણાવ્યું કે સરકાર અન્ય ઑનલાઇન પ્લૅટફૉર્મ્સની સાથે પણ સતત સંપર્કમાં છે, જેથી તેઓ બાળકો સાથે જોડાયેલા આપત્તિજનક અને હાનિકારક કન્ટેન્ટને સક્રિય રીતે ઓળખીને તેને હટાવવાનાં આવશ્યક પગલાં લે.

UPI પેમેન્ટ પર ચાર્જને લઈને કૉંગ્રેસનો દાવો- સરકાર 25થી 50 રૂપિયા વધારાના લેશે

કૉંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર 2,000 રૂપિયાથી વધુના દરેક યુપીઆઈ પેમેન્ટ પર 0.5 ટકા ચાર્જ લેવાની યોજના બનાવી રહી છે (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર 2,000 રૂપિયાથી વધુના દરેક યુપીઆઈ પેમેન્ટ પર 0.5 ટકા ચાર્જ લેવાની યોજના બનાવી રહી છે (ફાઇલ ફોટો)

કૉંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર જનતા પાસેથી યુપીઆઈ પેમેન્ટ મારફતે વસૂલીની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે.

કૉંગ્રેસ પાર્ટીએ સરકાર પર બે હજાર રૂપિયાથી વધુના યુપીઆઈ પેેમેન્ટ પર 0.5 ટકા ચાર્જ વસૂલીની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે.

14 સપ્ટેમ્બર 2026 મારફતે સરકારી નોટિફિકેશન અનુસાર, બે હજાર રૂપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે.

કૉંગ્રેસ કહે છે કે જો આ વ્યવસ્થા લાગુ થઈ જશે તો પાંચ હજાર રૂપિયાના યુપીઆઈ પેમેન્ટ પર 25 રૂપિયાનો અતિરિક્ત ચાર્જ આપવાનો રહેશે.

કૉંગ્રેસે ઍક્સ પર લખ્યું કે, "નરેન્દ્ર મોદી જનતા પાસેથી વસૂલીનો નવો પ્લાન લાવ્યા છે. હવે 2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ પેેમેન્ટ પર સરકાર વસૂલી કરશે. પ્લાન છે કે 2,000 રૂપિયાથી ઉપરના દરેક યુપીઆઈ પેમેન્ટ પર 0.5 ટકા ચાર્જ વસૂલવામાં આવશે.જો 10,000 રૂપિયાની ખરીદી કરી તો 50 રૂપિયા વસૂલવામાં આવશે."

પાર્ટીનો દાવો છે કે, "પહેલાં યુપીઆઈ પેમેન્ટ સંપૂર્ણ રીતે ફ્રી હતું, પરંતુ મોદી સરકાર આ જોઈ ન શકી અને અહીં પણ વસૂલીનો ખેલ શરૂ કરી દીધો. મોદીનો ફંડા સ્પષ્ટ છે-જેટલું શક્ય હોય જનતાને લૂંટી લો અને પોતાના મિત્રોની તિજોરી ભરો. આ સરકાર જનતાની સરકાર નથી, આ અમુક ઉદ્યોગપતિઓની સરકાર છે અને નરેન્દ્ર મોદી તેમના એજન્ટ છે."

એશિયા કપ : ભારતીય મહિલા બૉલર ક્રાંતિ ગૌડને મૅચ ફીના 10 ટકાનો દંડ થયો

બીબીસી ગુજરાતી એશિયા કપ ભારતીય મહિલા ટીમ ક્રાંતિ ગૌડ પેનલ્ટી આઈસીસી
ઇમેજ કૅપ્શન, હરીફ ટીમના ખેલાડીને પેવેલિયન તરફ જવાનો ઇશારો કરવા બદલ ક્રાંતિને દંડ કરાયો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે આઈસીસીએ સોમવારે ભારતીય મહિલા ટીમનાં બૉલર ક્રાંતિ ગૌડને તેમની મૅચ ફીના 10 ટકા જેટલી પેનલ્ટી કરી છે.

ક્રાંતિ ગૌડે શ્રીલંકાના ઑપનર ઇમેશા દુલાનીને આઉટ કર્યા પછી તેમને પેવેલિયન તરફ જવા માટે સંકેત કર્યો હતો.

ટી20 એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે આચારસંહિતાનો ભંગ કરવા બદલ આ પેનલ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત એક ડિમેરિટ પૉઇન્ટ અપાયો છે.

શ્રીલંકા સામેની મૅચમાં ભારતે 72 રને વિજય મેળવ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ ટ્રૉફી આઠમી વખત જીતી છે. આ મૅચમાં ક્રાંતિ ગૌડે આચારસંહિતાની કલમ 2.5નો ભંગ કર્યો હતો.

આઈસીસીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે ગૌડે આઇસીસીની આચારસંહિતાના આર્ટિકલ 2.5નો ભંગ કર્યો હતો જે "આંતરરાષ્ટ્રીય મૅચમાં બૅટસમૅન આઉટ થાય ત્યારે એવી ભાષા, ઍક્શન અથવા હાવભાવનો ઉપયોગ કરવામાં આવે જે અપમાનજનક હોય અથવા આક્રમક પ્રતિક્રિયા ભડકાવી શકે તેમ હોય, તેને સંલગ્ન છે."

ગૌડે પોતાની ભૂલ માની છે અને રેફરી સુપ્રિયા દાસ દ્વારા અપાયેલી સજા સ્વીકારી છે. લેવલ-1 ઉલ્લંઘન માટે ઓછામાં ઓછી સજા સત્તાવાર ટીકા હોય છે, જ્યારે વધુમાં વધુ સજા તરીકે મૅચ ફીના 50 ટકા જેટલો દંડ અથવા એક કે બે ડિમેરિટ પૉઇન્ટ હોય છે.

2000 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર કોઈ બૅન્ક ચાર્જ નહીં લાગેઃ સરકારની સ્પષ્ટતા

બીબીસી ગુજરાતી યુપીઆઈ પેમેન્ટ 2000 રૂપિયા બૅન્ક ચાર્જ

સરકારે જાહેરાત કરી છે કે 2000 રૂપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ પર બૅન્કો કોઈ ચાર્જ વસૂલી નહીં શકે.

સરકારી ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે RuPay સંચાલિત ડેબિટ કાર્ડ્સથી કરવામાં આવતા 2000 રૂપિયા સુધીના પેમેન્ટ્સ પર પણ કોઈ ચાર્જ નહીં લાગે.

નોટિફિકેશનમાં જણાવ્યું છે કે કોઈ બૅન્ક કે સિસ્ટમ પ્રોવાઈડર આ પદ્ધતિથી પેમેન્ટ કરનાર કે સ્વીકારનાર પર સીધો કે આડકતરી રીતે ચાર્જ લગાવી નહીં શકે.

તાજેતરમાં એવી ચર્ચા ચાલતી હતી કે પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટ, 2007માં સુધારા થયા પછી યુપીઆઈ યુઝર્સ પર ચાર્જ લાદવામાં આવશે.

ગયા મહિને સરકારે સ્પષ્ટતા કરી હતી કે યુપીઆઈથી પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લગાવાય, પરંતુ ભવિષ્યમાં ચોક્કસ રકમથી મોટા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગી શકે છે.

મોહસિન નકવી પાસેથી ટ્રૉફી ન સ્વીકારવા મામલે બીસીસીઆઈએ શું કહ્યું

બીબીસી ગુજરાતી એશિયા કપ બીસીસીઆઈ ટ્રૉફી પાકિસ્તાન મોહસિન નકવી
ઇમેજ કૅપ્શન, એશિયા કપની ફાઇનલ જીત્યા પછી ભારતીય ટીમે પાકિસ્તાની પદાધિકારી પાસેથી ટ્રૉફી નથી સ્વીકારી.

મહિલા એશિયા કપ જીત્યા પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રૉફી લેવાનો ઈનકાર કર્યો હતો.

આ મામલે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે ટ્રૉફી નકવી પાસેથી ન લેવાનો નિર્ણય ટીમ અને અધિકારીઓ વચ્ચે અંદરોઅંદર ચર્ચા પછી સામૂહિક રીતે લેવાયો હતો.

રાજીવ શુક્લાએ સોમવારે જણાવ્યું કે "ટ્રૉફીને લઈને અમે અંદરોઅંદર વાત કરી અને નિર્ણય લીધો કે અમે તેમની પાસેથી ટ્રૉફી નહીં લઈએ. તેમાં કોઈ ઝઘડો કે ટકરાવ નથી થયો."

તેમણે કહ્યું કે "સૈકિયા જી (દેવજિત સૈકિયા)એ જે કહ્યું તે બિલકુલ યોગ્ય છે. તમે કોઈ મૅચમાં હોવ, તો ત્યાં બધા લોકો હાજર હોય છે. બધા દેશોના લોકો એકબીજાને મળે છે. તેથી મને નથી લાગતું કે તેની આટલી બધી આલોચના થવી જોઈએ."

પાકિસ્તાનના 'ધ ડૉન'માં છપાયેલા અહેવાલ મુજબ પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ કહ્યું કે ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કરવો એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે.

જિયો ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેનાથી ભારતની "કૂટનીતિક અને સૈન્ય હાર ભૂંસાઈ નહીં જાય".

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન