નેપાળમાં પૂર: કાદવમાં ફસાયેલાં 97 વર્ષનાં મહિલા કોણ છે? પરિવારે શું જણાવ્યું- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Prakash MATHEMA / AFP via Getty Images
નેપાળમાં પૂર પછી કાટમાળમાંથી બચાવવામાં આવેલાં 97 વર્ષનાં ગુના માયા બોહરાની તસવીરો સોશિયલ મીડિયા અને મીડિયા કવરેજમાં ચર્ચામાં છે.
તસવીરોમાં તેઓ માટીથી સંપૂર્ણપણે ઢંકાયેલી હાલતમાં એક ખોદકામ મશીનના સ્કૂપમાં બેઠેલાં જોવાં મળે છે.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ગુના માયા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
તેમના પ્રપૌત્ર દીપક બોહરાએ બીબીસી નેપાળીને જણાવ્યું, "જ્યારે તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યાં અને ખોદકામ મશીનના સ્કૂપમાં બેસાડવામાં આવ્યાં, ત્યારે તેમને ચહેરા પર સ્મિત હતું. તેમને જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ યોદ્ધા યુદ્ધ જીતીને પાછો ફર્યો હોય."
તેમને કેર હોમના કાટમાળમાંથી બહાર કાઢવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો.
દીપક પોતાનાં વૃદ્ધ દાદીને બચાવવા માટે કાઠમંડુથી ત્યાં પહોંચ્યા હતા.
રિલાયન્સે સુભાષ ચંદ્રાના આરોપોને 'પાયાવિહોણા' ગણાવ્યા, મીડિયા સંગઠનો સામેના આરોપોને નકાર્યા

ઇમેજ સ્રોત, Getty Images
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રૂપે શુક્રવારે મીડિયા ઉદ્યોગપતિ અને એસ્સેલ ગ્રૂપના ચૅરમૅન સુભાષ ચંદ્રા દ્વારા રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલા મીડિયા હાઉસ સામે લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.
રિલાયન્સ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ સુભાષ ચંદ્રાની "પાયાવિહોણી ટિપ્પણીઓ"થી નિરાશ થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલાં મીડિયા સંગઠનો સામે કરવામાં આવેલા આરોપો અને પ્રહારોને તે સંપૂર્ણપણે નકારી કાઢે છે."
રિલાયન્સ ગ્રૂપે કહ્યું કે તેના મીડિયા બ્રાન્ડ્સનો ઉપયોગ ક્યારેય કોઈના પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો નથી અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે નહીં.
રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રૂપ સુભાષ ચંદ્રાને એક ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક તરીકે ખૂબ માન આપે છે અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે.
વાસ્તવમાં, સુભાષ ચંદ્રાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને ગ્રૂપની મીડિયા કંપનીઓ પર તેમના દેવા અને તાજેતરની એનસીએલટી કાર્યવાહી વિશે ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો છે.
નેપાળમાં પૂર : મૃતકોની સંખ્યા વધીને 626 થઈ, 2000 લોકો હજુ ગુમ

ઇમેજ સ્રોત, Ezra Acayan/Getty Images
બુધવારના નેપાળમાં આવેલા પૂરમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 626 થઈ ગઈ છે. નેપાળ પોલીસે આ આંકડાની પુષ્ટિ કરી છે.
આની પહેલાં મૃતકોનો આંકડો 579 હતો.
ત્યારે ચીનના સરકારી મીડિયા અનુસાર, તિબેટમાં મૃતકોની આધિકારિક સંખ્યા વધીને સાત થઈ ગઈ છે અને 554 લોકો હજુ પણ ગુમ છે.
નેપાળમાં પૂર બાદ આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓ અને કેટલાક દેશોની સરકારોએ રાહત અને બચાવ કાર્ય તેજ કર્યું છે.
પૂર બાદ નેપાળમાં લગભગ 2,000 લોકો હજુ પણ ગુમ છે.
યુરોપિયન સંઘ, કૅનાડા અને અમેરિકા સહિત કેટલાક દેશોએ નેપાળને રાહત સામગ્રી અથવા આર્થિક મદદ આપવાની ઘોષણા કરી છે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા અનુસાર, 10 હજારથી વધારે પરિવારોને ખાવા-પીવાની વસ્તુઓ અને સ્વચ્છ પાણીની જરૂર છે.
નેપાળ પૂર: સેટેલાઇટ ઇમેજથી સામે આવી વિનાશની ભયાનક તસવીરો

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS
નેપાળ-તિબેટ સરહદ પર પૂર અને ભૂસ્ખલનને કારણે થયેલા ભારે વિનાશનો અંદાજ સૅટેલાઇટ તસવીરો પરથી લગાવી શકાય છે.
પૂર પહેલાં અને પછીની તસવીરોમાં ઘણાં શહેરો અને ગામડાંમાં વિનાશનું ચિત્ર જોઈ શકાય છે.
ગયા મહિનાની સૅટેલાઇટ તસવીરોમાં નેપાળના તિમૂરે વિસ્તારમાં નદી કિનારે રંગબેરંગી ઇમારતો દેખાતી હતી. પરંતુ હવે ફક્ત કેટલીક ઇમારતો જ બચી છે. આ વિસ્તાર કાદવ, પાણી અને ખડકોથી ઢંકાઈ ગયો છે.

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS
ત્રિશુલી નદી પર આવેલ રસુવાગઢી હાઇડ્રોપાવર પ્લાન્ટ થોડા સમય પહેલાં એક સમૃદ્ધ ઔદ્યોગિક સ્થળ હતું. હવે ઉપરથી જોતાં તેનું નામ નિશાન નથી દેખાતું.

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS
મોહન ભાગવતના કાર્યક્રમ સામેના વિરોધ વચ્ચે ઝોહરાન મમદાનીની આ તસવીરો

ઇમેજ સ્રોત, NYCMayor
ન્યૂ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ શુક્રવારે રક્ષાબંધનની ઉજવણી કરી, તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી શેર કરી હતી.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર રાખડી બંધાવવાની તસવીરો પણ શેર કરી હતી.
ઝોહરાન મમદાનીએ લખ્યું, "રાખડીનો એક નાનો દોરો દરેક પરિસ્થિતિમાં રક્ષણ, મદદ અને સાથે ઊભા રહેવાના મજબૂત વચનનું પ્રતીક છે."
ઝોહરાન મમદાનીએ કહ્યું કે તેમણે આ ખાસ પ્રસંગે ઇન્ડિયા હોમનાં વૃદ્ધો સાથે ક્ષણો વિતાવી હતી.
વાસ્તવમાં, ઝોહરાન મમદાનીએ મંગળવારે કહ્યું હતું કે તેઓ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનાર પ્રસ્તાવિત કાર્યક્રમને સમર્થન આપતા નથી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે.
તેમના આ નિવેદન બાદ ભાજપના કેટલાક નેતાઓએ તેમને હિન્દુ વિરોધી કહ્યા હતા.
હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અમેરિકામાં છે અને તેઓ આજે એટલે કે શનિવારે ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















