દિલ્હી ગૅંગરેપ: મહિલા સુરક્ષા મુદ્દે દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ કર્યું વિરોધ પ્રદર્શન - ન્યૂઝ અપડેટ

દિલ્હીમાં સોમવારે વિદ્યાર્થિનીઓએ મિરાન્ડા હાઉસથી દિલ્હી યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટી સુધી 'હમ આઝાદ હૈં સૉલિડારીટી  માર્ચ'માં ભાગ લીધો હતો.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

દિલ્હીમાં સોમવારે વિદ્યાર્થિનીઓએ મિરાન્ડા હાઉસથી દિલ્હી યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટી સુધી 'હમ આઝાદ હૈં સૉલિડારીટી માર્ચ'માં ભાગ લીધો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, વરસાદમાં દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ કાલકાજી ગૅંગરેપ બાદ મહિલાઓની સુરક્ષાને લઈને નૉર્થ કૅમ્પસમાં મિરાન્ડા હાઉસ કૉલેજ સુધી વિરોધ કૂચ કાઢી.

પોલીસને મળેલી માહિતી મુજબ, સોમવારે સાંજે 17 વર્ષની સગીર છોકરી તેના 17 વર્ષના મિત્ર સાથે કાલકાજી મંદિરમાં દર્શન કરવા આવી હતી.

જૉઇન્ટ સીપી દક્ષિણ રેન્જ વિજય કુમારે જણાવ્યું હતું કે , "છોકરો અને છોકરી પહેલા મંદિર ગયા અને પછી આસ્થા કુંજ પાર્ક ગયા. ત્રણ લોકો તેમની પાસે આવ્યા અને પોતાને પોલીસ તરીકે ઓળખાવ્યા."

"તેઓ પોલીસ અને વકીલોની ભાષામાં બોલ્યા અને કહ્યું કે તું સગીર છે, તું કંઈક ખોટું કરી રહ્યો છે અને તારી સામે કેસ નોંધાઈ શકે છે. આ પછી તેઓએ છોકરાને પકડી લીધો અને એક પછી એક છોકરી પર બળાત્કાર ગુજાર્યો."

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

જ્ઞાનેશ કુમાર વિપક્ષી પક્ષો સાથે સાથે CJPના નિશાને પણ છે
ઇમેજ કૅપ્શન, જ્ઞાનેશકુમાર વિપક્ષી પક્ષો સાથે સાથે CJPના નિશાને પણ છે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીની મંજૂરી વિના ચૂંટણીપંચના નામે નિર્ણય લઈ રહ્યા છે.

લાઇવ લૉના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.

બાર ઍન્ડ બૅન્ચના જણાવ્યા અનુસાર, રાકેશ કુમાર સિંહની અરજીમાં 'ક્વો વૉરન્ટો' રિટ જારી કરવાની માંગ કરવામાં આવી છે. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનરને પૂછવામાં આવ્યું છે કે તેઓ કયા અધિકાર હેઠળ આવા નિર્ણયો લેતા હતા અને હજુ પણ લઈ રહ્યા છે, જાણે કે બંધારણના અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણીપંચને મળેલા સામૂહિક નિર્ણય લેવાના અધિકારનો ઉપયોગ તેઓ એકલા જ કરવા માટે અધિકૃત હોય.

ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ, સુપ્રીમ કોર્ટ અથવા હાઇ કોર્ટમાં પાંચ પ્રકારની રિટ દાખલ કરી શકાય છે. તેમાં 'ક્વો વૉરન્ટો' પણ સામેલ છે.

આ રિટ મુખ્યત્વે ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ અધિકાર વિના કોઈ જાહેર પદ પર કબજો જમાવી લે.

ભારતમાં ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર હોય છે.

હાલમાં જ્ઞાનેશકુમાર મુખ્ય ચૂંટણી કમિશનર છે, જ્યારે સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી અન્ય બે ચૂંટણી કમિશનર છે.

જો ત્રણેય વચ્ચે કોઈ મુદ્દે સહમતિ ન બને, તો નિર્ણય બહુમતીના આધારે લેવો પડે છે.

પરંતુ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસની તાજેતરની રિપોર્ટ્સ મુજબ, જ્ઞાનેશકુમારે બે ચૂંટણી કમિશનરની અસહમતિ હોવા છતાં અનેક નિર્ણયો લીધા હતા.

ગુજરાત : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાંની માંગ સાથે કૉંગ્રેસે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યાં

ગુજરાત કૉંગ્રેસના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારના રાજીનામાંની માંગ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આજે કૉંગ્રેસે ગુજરાતમાં ઠેર ઠેર જિલ્લાઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેશના લોકોના મતના અધિકાર અને લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર રચ્યાના આરોપ મૂકીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે જ્ઞાનેશકુમાર સરકારની કઠપૂતળી બનીને કામ કરે છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ખેડા જિલ્લામાં જ્ઞાનેશકુમારને પદ પરથી દૂર કરી જેલમાં મોકલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

આ ઉપરાંત પંચમહાલ જિલ્લા કૉંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ, નર્મદા, ભુજ, રાજકોટ, જામનગર કૉંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.

તુષાર ચૌધરીની આગેવાનીમાં તાપીમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક ઇન્વેસ્ટિગેટિવ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણીપંચના બે સભ્યોએ છેલ્લા કેટલાક મહિના દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સાથે અનેક મુદ્દે અસંમતિ વ્યક્ત કરી છે.

આ અહેવાલ બાદ રાજકીય હોબાળો શરૂ થયો છે અને વિપક્ષના નેતાઓએ સરકાર અને ચૂંટણીપંચની કાર્યશૈલી પર પ્રશ્નો ઊભા કર્યા છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બે ચૂંટણી કમિશનરોએ ચૂંટણીપંચની કાર્યવાહી સામે "દસ મહિનામાં 14 વાંધા" નોંધાવ્યા છે.

અહેવાલ મુજબ, "આ વાંધા ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ પોતાની જાતને અંધારામાં રાખવાથી માંડીને નવા મતદારો ઉમેરવા અને દૂર કરવા તેમજ "અનધિકૃત, ગેરકાયદેસર" કાર્યવાહી અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે."

ઉજ્જૈન : શાહી મસ્જિદના એક ભાગને હઠાવવાનો વિરોધ, પોલીસે ટિયરગૅસ છોડ્યો

રવિવાર રાતથી જ મોટી સંખ્યામાં લોકો મસ્જિદના એક ભાગને દૂર કરવાના વિરોધમાં એકઠા થયા હતા.
ઇમેજ કૅપ્શન, રવિવાર રાતથી જ મોટી સંખ્યામાં લોકો મસ્જિદના એક ભાગને દૂર કરવાના વિરોધમાં એકઠા થયા હતા

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શાહી મસ્જિદના એક ભાગને તોડી પાડવા દરમિયાન આજે છતરી ચોક વિસ્તારમાં તણાવ વધી ગયો હતો.

હકીકતમાં આ કાર્યવાહી સિંહસ્થ કુંભ 2028ને ધ્યાનમાં રાખીને ચાલી રહેલા માર્ગોને પહોળા કરવાના પ્રોજેક્ટ હેઠળ કરાઈ રહી હતી.

રવિવાર રાતથી જ મોટી સંખ્યામાં લોકો મસ્જિદના એક ભાગને દૂર કરવાના વિરોધમાં એકઠા થયા હતા.

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આંસુગૅસના શેલનો ઉપયોગ કર્યો છે.

શાહી મસ્જિદ સમિતિ અને મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે રસ્તો પહોળો કરવા માટે ધાર્મિક સ્થળને દૂર કરવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા શોધવી જોઈએ.

મસ્જિદ સમિતિએ આ કાર્યવાહી સામે મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી સોમવારે થવાની છે.

વહીવટીતંત્રનું કહેવું છે કે સિંહસ્થ કુંભ 2028ને ધ્યાનમાં રાખીને રસ્તો પહોળો કરવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સપ્ટેમ્બરમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટની સિંગલ બેન્ચે પણ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા માર્ગ પહોળો કરવા માટે મસ્જિદના અસરગ્રસ્ત ભાગને દૂર કરવાની કાર્યવાહીને પડકારતી અરજીઓ ફગાવી દીધી હતી.

હાલમાં, વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને વિસ્તારમાં ભારે પોલીસ દળ પણ તહેનાત કરવામાં આવ્યું છે.

"મને શરમ આવે છે..."- એનડીએના સાથી ચિરાગ પાસવાને પોતાની જ સરકાર પર ઉઠાવ્યા સવાલો

ચિરાગ પાસવાને એક મુલાકાતમાં કહ્યું છે કે આજે બિહારમાં કોઈ સુરક્ષિત નથી. આ આપણી સરકારની ચિંતાનો વિષય છે
ઇમેજ કૅપ્શન, ચિરાગ પાસવાને એક મુલાકાતમાં કહ્યું છે કે આજે બિહારમાં કોઈ સુરક્ષિત નથી. આ આપણી સરકારની ચિંતાનો વિષય છે

એનડીએના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાની જ સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે.

ચિરાગ પાસવાને એક મુલાકાતમાં કહ્યું છે કે, "આજે બિહારમાં કોઈ સુરક્ષિત નથી. આ આપણી સરકારની ચિંતાનો વિષય છે. પરંતુ એક સાથી અને સરકારનો ભાગ હોવાને કારણે હું આ પ્રશ્નથી ભાગી શકતો નથી. મને પોતે શરમ આવે છે કે હું એવી સરકાર સાથે છું, જ્યાં આવી ઘટનાઓ બની રહી છે. આ ચિંતાનો વિષય છે, આપણે તેને હળવાશથી લઈ શકીએ નહીં."

"મને ગુસ્સો આવવો એ સ્વાભાવિક છે. એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. દીકરીઓ ડરી ગઈ છે. આજે દરેક છોકરી સાંજે બહાર નીકળતાં પહેલાં સો વાર વિચારે છે. આવી સ્થિતિમાં જો સરકાર સુરક્ષા નહીં આપે, તો હું તે સ્વીકારીશ નહીં."

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે , "બિહારમાં પ્રશાસન નકામું થઈ ગયું છે, બિહારના લોકોને સુરક્ષિત રાખવું એ તેમના હાથની વાત રહી નથી. મને પોતે શરમ આવે છે કે હું આવી સરકારને ટેકો આપી રહ્યો છું."

જોકે, ઘણા સમાચાર માધ્યમોએ ચિરાગ પાસવાનની આ વાત રજૂ કરતી પોસ્ટ્સ હઠાવી દીધી છે.

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નાં પ્રવક્તા પ્રિયંકા ભારતીએ ચિરાગ પાસવાન પર નિશાન સાધ્યું હતું. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું , "ચિરાગજી, તમે સત્તાનો આનંદ કેવી રીતે માણી શકો છો અને સાથે ફરિયાદ પણ કેવી રીતે કરી શકો છો? આવું કેવી રીતે ચાલશે?"

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બિહારના જમુઈ અને સમસ્તીપુરથી મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના ઘણા વીડિયો સામે આવ્યા હતા. જેના પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

દેશભરમાં બૅન્કોની હડતાળ સ્થગિત, માગ માટે બનશે હાઈ લેવલ કમિટી

28થી 30 સપ્ટેમ્બર દરમિયાન થનારી ત્રણ દિવસીય દેશવ્યાપી બૅન્ક હડતાળ મુલતવી રાખવામાં આવી છે
ઇમેજ કૅપ્શન, 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન થનારી ત્રણ દિવસીય દેશવ્યાપી બૅન્ક હડતાળ મુલતવી રાખવામાં આવી છે

28થી 30 સપ્ટેમ્બર દરમિયાન થનારી ત્રણ દિવસીય દેશવ્યાપી બૅન્ક હડતાળ મુલતવી રાખવામાં આવી છે.

રવિવારે મોડી રાત્રે ઇન્ડિયન બૅન્ક્સ ઍસોસિયેશન (આઇબીએ) અને યુનાઇટેડ ફૉરમ ઑફ બૅન્ક યુનિયન્સ (યુએફબીયુ) વચ્ચે યોજાયેલી બેઠકમાં આ સર્વસંમતિ સધાઈ હતી.

યુએફબીયુએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "આઇબીએએ બૅન્ક યુનિયનોની માગણીઓ પર વિચાર કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવા સહમતિ આપી છે, જેના પગલે યુનિયનોએ હાલ પૂરતું હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે."

નિવેદન અનુસાર, સ્કેલ 4 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે પર્ફૉર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનામાં ફેરફારો અંગે આઇબીએ સાથે ચર્ચા શરૂ થવાની અપેક્ષા છે. આ પછી, યુનિયનો અને સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને દૂર કરવા માટે સરકાર સમક્ષ સુધારા પ્રસ્તાવિત કરવામાં આવશે.

આ નિર્ણયથી સામાન્ય લોકો અને વ્યવસાયોને નોંધપાત્ર રાહત મળી છે.

આજથી સોમવારથી દેશભરની તમામ જાહેર અને ખાનગી બૅન્કો સામાન્ય રીતે કાર્યરત્ રહેશે અને ચેક ક્લિયરન્સ અને રોકડ વ્યવહારો સહિતની તમામ શાખા સેવાઓ ઉપલબ્ધ રહેશે.

નોંધનીય છે કે બૅન્ક કર્મચારીઓની મુખ્ય માગ પાંચ દિવસના કામકાજ (દર શનિવાર-રવિવારે રજા) અને પર્ફૉર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ)ના નિયમોમાં સુધારો કરવાની છે, જેના પર હવે નવી રચાયેલી સમિતિ દ્વારા વિચારણા કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન