You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીરના આકિબ નબી ડાર કોણ છે જેમને બુમરાહને બદલે ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન અપાયું?
જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર આકિબ નબી ટૂંક સમયમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની ઈજા પછી આકિબને શ્રીલંકાના બે ટેસ્ટ મૅચના પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઇંગ્લૅન્ડ સામે રમાયેલી વન-ડે શ્રેણીમાં બુમરાહને ડાબા ઘૂંટણની ઇજામાંથી બુમરાહ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. જેના કારણે તેમને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સેક્રેટરી દેવજિત સૈકિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આકિબ નબીને પહેલી વાર ભારતની સીનીયર ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે.
આકિબ નબીનું શાનદાર પ્રદર્શન
જમણા હાથના મીડિયમ ફાસ્ટ બૉલર આકિબ નબીએ ડૉમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે છેલ્લી બે રણજી ટ્રૉફી સિઝનમાં કુલ 104 વિકેટ લીધી છે.
2025-26 રણજી ટ્રૉફી સિઝનમાં તેમણે 60 વિકેટ લીધી હતી અને જમ્મુ-કાશ્મીરને પહેલીવાર રણજી ટ્રૉફીનો ખિતાબ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત તેઓ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઇન્ડિયા-એ ટીમનો પણ ભાગ હતા. જ્યાં તેમણે બે ફર્સ્ટ-ક્લાસ મૅચમાં છ વિકેટ લીધી હતી.
જો આકિબ નબી ટેસ્ટ ક્રિકેટમાં ડૅબ્યૂ કરશે તો તેઓ જમ્મુ-કાશ્મીરના પહેલા ટેસ્ટ ક્રિકેટર બનશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
29 વર્ષીય આકિબ નબીએ 2020માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણએ અત્યાર સુધીમાં 43 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 162 વિકેટ લીધી છે. તેમનું શ્રેષ્ઠ બૉલિંગ પ્રદર્શન 24 રનમાં સાત વિકેટ છે.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં, આકિબે સાત વખત ચાર વિકેટ, 16 વખત પાંચ વિકેટ અને ચાર વખત 10 વિકેટ લીધી છે. તેમણે બેટિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે.જેમાં તેમણે 999 રન બનાવ્યા છે.
IPLમાં કમાલ ન કરી શક્યા
ગત વર્ષે ડિસેમ્બરમાં આઇપીએલ હરાજીમાં, દિલ્હી કૅપિટલ્સે 8 કરોડ 40 લાખ રૂપિયા આપીને આકિબ નબીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
જોકે, તેની આઇપીએલ કારકિર્દી ખાસ પ્રભાવશાળી રહી નથી. તેમણે આ વર્ષે દિલ્હી કૅપિટલ્સ માટે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.
આ વર્ષે આઇપીએલ સિઝનમાં તેમણે પાંચ મૅચ રમી હતી. પરંતુ એક પણ વિકેટ તેઓ લઈ શક્યા નહોતા. જોકે, તેમની બૉલિંગ ખૂબ જ ઇકૉનોમિકલ હતી અને તેમણે વધારે રન આપ્યા ન હતા.
દૃઢ નિશ્ચયી આકિબ
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં જન્મેલા આકિબ નબી અતિશય દૃઢ નિશ્ચય ધરાવતા ક્રિકેટર છે.
તેમના પિતા સરકારી શાળામાં શિક્ષક હતા. તેથી પરિવાર પાસે એટલી બધી સુવિધાઓ નહોતી. વધુમાં ઘરથી નજીકનું ક્રિકેટ મેદાન શ્રીનગરમાં હતું, જે 54 કિલોમીટર દૂર છે.
જ્યારે એક સ્થાનિક અખબારે તેમને શરૂઆતની મુશ્કેલીઓ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, "જો તમારું લક્ષ્ય ભારત માટે રમવાનું હોય તો તમને આનાથી કોઈ મુશ્કેલી નહીં પડે. ભલે તમારી પાસે મર્યાદિત સંસાધનો હોય, તો પણ વાંધો નથી."
તેમણે કહ્યું હતું કે, "તમે બહાના ન બનાવી શકો. મારું લક્ષ્ય પણ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરવાનું છે."
પરવેઝ રસૂલ ભારત તરફથી રમનાર જમ્મુ-કાશ્મીરના પહેલા ખેલાડી હતા. ત્યારબાદ ઉમરાન મલિક પણ ભારત તરફથી રમી ચૂક્યા છે. પરંતુ તેઓ લિમિટેડ ઑવર્સના ક્રિકેટમાં રમ્યા છે, ટેસ્ટ મૅચમાં નહીં.
પરવેઝ રસૂલને રમતા જોયા પછી આકિબને પણ ક્રિકેટ રમવાની ઇચ્છા થઈ.
ટીમ ઈન્ડિયામાં આકિબ નબીની પસંદગી થઈ એ અંગે પરવેઝ રસૂલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "જે તમારા માટે બન્યું છે એ તમને શોધી જ કાઢશે. ગમે તેટલો અસ્વીકાર કે ઉપેક્ષા તમારું ભાગ્ય બદલી શકતી નથી."
"આકિબ નબી, ભારતીય ટેસ્ટ ટીમમાં તમારી પસંદગી બદલ ખૂબ ખૂબ અભિનંદન. અલ્લાહ તમને સતત સફળતા, સારું સ્વાસ્થ્ય અને ઘણી યાદગાર સફળતા આપે. હંમેશની જેમ અમને ગર્વ કરાવતા રહો."
ઉમરાન મલિકે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં આકિબ નબીને ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
આકિબ નબીએ રાજ્યની અંડર-19 ટીમ માટે ઘણી ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો, અને ઘણા સંઘર્ષ પછી તેમને ટીમમાં સ્થાન મળ્યું હતું.
આકિબે 2018 માં લિસ્ટ-A માં ડૅબ્યૂ કર્યું અને તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નહીં. ગત વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં તેમણે પોતાની ફાસ્ટ બૉલિંગની ધાક જમાવી.
તેણે 7.41ના ઇકૉનોમી રેટથી 15 વિકેટ લીધી. તેમણે રણજી ટ્રૉફીમાં નવ ઇનિંગ્સમાં 29 વિકેટ પણ લીધી હતી.
તેમણે દુલીપ ટ્રૉફીમાં વેસ્ટ ઝોન સામે નૉર્થ ઝોન તરફથી હેટ્રિક પણ લીધી હતી. તેમણે ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. આ પહેલાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવ અને સાઈરાજ સિંહે અનુક્રમે 1979 અને 2001 માં હેટ્રિક લીધી હતી.
આકિબની બોલિંગની આ કમાલને કારણે જમ્મુ-કાશ્મીર આ વર્ષે રણજી ટ્રૉફીમાં પહેલી વાર દિલ્હીને હરાવવામાં સફળ થયું હતું. તેમણે એ મૅચમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી.
સોશિયલ મીડિયા પર શુભકામનાઓનો વરસાદ
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ એ પછી આકિબ નબીને સૌ કોઈ શુભેચ્છાઓ આપી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી અને જમ્મુ-કાશ્મીરની ઉધમપુર લોકસભા બેઠકના સાંસદ જિતેન્દ્રસિંહે આકિબ નબીને અભિનંદન આપતાં તેમના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "રમત પ્રત્યેના તમારા સમર્પણ અને જુસ્સાએ તમને આ ગર્વની ક્ષણ અપાવી છે."
ગૌરવ ગુપ્તાએ ઍક્સ પર લખ્યું, "આખરે, કોઈને ઘરઆંગણાના ક્રિકેટમાં તેણે કરેલી મહેનતનું ફળ મળ્યું છે. આકિબ નબી, ભારતની ટીમમાં પ્રથમ વખત પસંદગી પામવા બદલ ખૂબ ખૂબ અભિનંદન."
નૅશનલ કૉન્ફરન્સના પ્રવક્તા ઇમરાન નબી ડારે પણ આકિબ નબીને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે લખ્યું , "બારામુલ્લા ઍક્સપ્રૅસ આકિબ નબી ડારને પહેલી વાર ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી થવા બદલ અભિનંદન. ટેસ્ટ ટીમમાં તેમની પસંદગી એ વાતની પુષ્ટિ કરે છે કે કાશ્મીરમાં ઘણી પ્રતિભા છે. આ તેમની મહેનત અને સતત સારા પ્રદર્શન માટે યોગ્ય ઇનામ છે."
"તેમની પ્રગતિ આખી નવી પેઢીને આવું સ્વપ્ન અનુસરવા માટે પ્રેરણા આપશે. આકિબને શાનદાર શરૂઆત અને લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શુભેચ્છા."
શ્રીલંકા સામે ભારતની પહેલી ટેસ્ટ મૅચ 15 ઑગસ્ટથી ગૉલમાં અને બીજી ટેસ્ટ મૅચ 23 ઑગસ્ટથી કોલંબોમાં રમાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન