કીડી-મકોડામાંથી શીખવા જેવી પાંચ મહત્ત્વની બાબતો, જે તમને બનાવશે વધારે સમજદાર

    • લેેખક, સોફિયા ક્વાગ્લિયા
    • પદ, બીબીસી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

આપણે મનુષ્યો વિચાર કરવાની આપણી ક્ષમતા બદલ ઉત્ક્રાંતિના પિરામિડમાં સ્વયંને ટોચ પર મૂકતાં હોઈએ છીએ. પણ આટલું બધું વિચારવા છતાં કેટલીક વખત આપણે બહુ આગળ વધી શકતા નથી. આપણે ભૂલોથી પર નથી અને ઘણી વખત ખોટા નિર્ણયો લેતા હોઈએ છીએ.

બીજી તરફ જંતુઓનું મગજ ખસખસના દાણા જેવડું હોવા છતાં જ્યારે નિર્ણય લેવાની વાત આવે, ત્યારે કદાચ તેમની પાસે આશ્ચર્યજનક શાણપણ હોય છે. જંતુઓનાં ઘણાં સમસ્યાઓ ઉકેલવાનાં કૌશલ્યોએ વાસ્તવિક માનવ ઉદ્યોગોમાં કાર્યક્ષમ નિર્ણય લેવા માટેનાં અલગોરિધમ્સને પ્રેરણા પૂરી પાડી છે.

ડહાપણભર્યા નિર્ણયો કરવા વિશે જીવજંતુઓ પાસેથી શીખવા જેવી પાંચ બાબતો અહીં જણાવવામાં આવી છે.

ઑપ્ટિમાઇઝિંગ ઍન્ટ્સ

કોઈ કામ કરવા માટે શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવો એ સરળ કામ નથી - ખાસ કરીને એવા વિશ્વમાં જ્યાં ઘણાં વિકલ્પો અને ઉત્તેજનાઓ મોજૂદ હોય. આને ચોઇસ ઓવરલોડ (વિકલ્પોની વિપુલતા) કહે છે.

કીડીઓ પણ જ્યારે ખોરાક શોધવાના નવા સ્થળ અંગે જૂથમાં નિર્ણય લેતી હોય, ત્યારે આવી જ મૂંઝવણનો સામનો કરતી હોય છે. પણ તેમણે વિવિધ પ્રજાતિઓમાં જોવા મળતી એક સરસ યુક્તિ વિકસાવી છે.

પહેલાં, કેટલીક કીડીઓ તેમના રહેઠાણમાંથી બહાર નીકળીને ભરપેટ ખોરાક મેળવવા માટે સૌથી નજીકની અને શ્રેષ્ઠ જગ્યા શોધવાનો પ્રયત્ન કરે છે. સાહસિક કીડીઓ તમામ વિકલ્પો ખુલ્લા રાખીને જુદા-જુદા માર્ગો ખોળીને અનિશ્ચિત રીતે નીકળી પડે છે. જતી વખતે અને પરત ફરતી વખતે તેઓ બીજી કીડીઓ પછીથી તેમને અનુસરી શકે, એ માટે જમીન પર ફેરોમોનની આછી ગંધ (ટ્રેઇલ) છોડતી જાય છે. આ ફેરોમોન સમય જતાં ઊડી જાય છે અને કીડીઓ સુગંધની સૌથી તીવ્ર ટ્રેઇલ (છાપ)ને અનુસરે, એવી શક્યતા વધુ રહે છે.

જે કીડીઓ ખોરાકની સૌથી કાર્યક્ષમ જગ્યા શોધી લે છે, તે ખોરાક લઈને ઝડપથી પાછી ફરે છે અને ફેરોમોન બિલકુલ ઉડી જાય, એ પહેલાં પોતાના રસ્તા પર ફરી ફેરોમોન છોડે છે. વળી, તેઓ ખોરાક માટે બહાર જઈ રહેલી બીજી કીડીઓને પણ ઝડપથી સંદેશ આપે છે. તેનો અર્થ એ કે, સમય વીતવા સાથે, વધુને વધુ કીડીઓ તે રસ્તે વધુ અવર-જવર કરવા માંડે છે, આથી ત્યાં ફેરોમોનનું પ્રમાણ વધે છે અને તે ટ્રેઇલ (માર્ગ) પર વધુ તીવ્ર સુગંધ આવે છે.

આથી, પ્રમાણમાં ટૂંકા માર્ગો સમય જતાં વધુ મજબૂત થતા જાય છે, જ્યારે અન્ય રસ્તા ભૂંસાતા જાય છે. અંતમાં, કોઈ એક કીડીને વ્યક્તિગત રીતે માહિતી ન હોવા છતાં કીડીઓની આખી વસાહત (કૉલોની) સામૂહિક રીતે સૌથી ટૂંકો અને કાર્યક્ષમ રસ્તો શોધી લે છે.

"મુખ્ય બોધપાઠ... એ છે કે, કેન્દ્રીકૃત નિયંત્રણ વિના પણ કાર્યક્ષમ સામૂહિક નિર્ણય શક્તિ ઊભરી શકે છે," એમ બૅલ્જિયમની યુનિવર્સિટી લિબ્રે દ બ્રસેલ્સની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ લૅબના કો-ડિરેક્ટર માર્કો ડોરિગો જણાવે છે. "કીડીઓ મર્યાદિત ક્ષમતાઓ અને માત્ર સ્થાનિક માહિતી જ ધરાવતા સરળ જીવો છે, છતાં તે સંકલનની જટિલ સમસ્યાઓ સામૂહિક રીતે ઉકેલવા માટે સક્ષમ છે."

આ વ્યવસ્થા ઍન્ટ કૉલોની ઑપ્ટિમાઇઝેશન મેથડ તરીકે ઓળખાય છે અને વાસ્તવમાં વિશ્વભરમાં માનવ શિડ્યૂલિંગ, ટેલિકમ્યુનિકેશન્સ, પરિવહન તથા લૉજિટિક્સમાં સુધારો લાવવા માટે એક અલ્ગોરિધમમાં રજૂ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, નિષ્ણાતોએ રેલવે પ્લાનિંગ માટે ઍન્ટ ઑપ્ટિમાઇઝેશન અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો છે તથા ડોરિગોએ AntNET (ઍન્ટનેટ) વિકસાવ્યું છે, જે કમ્યુનિકેશન નેટવર્ક્સની અંદર કાર્યક્ષમ રીતે માહિતીનો પ્રસાર કરવાની સિસ્ટમ છે.

લોકશાહીની હિમાયતી મધમાખીઓ

રહેઠાણ માટે નવી જગ્યા શોધવાની આવે, ત્યારે મધમાખીઓ કીડીઓની ઑપ્ટિમાઇઝ્ડ ફોરેજિંગ (ખોરાકની શોધ)ને મળતી આવતી પદ્ધતિનો ઉપયોગ કરે છે.

કેટલીક શોધક મધમાખીઓ ઊડીને અનિશ્ચિત રીતે વિકલ્પો શોધે છે. પણ પોતાની પાછળ ફેરોમોન્સના નિશાન છોડવાને બદલે, તે સીધી જ તેમના મધપૂડા (નેસ્ટ)માં પરત ફરે છે અને સીધા જ પોતાની પ્રાથમિકતાઓ જણાવે છે. તે તેમના માળાના સાથીઓ માટે વેગલ ડાન્સ કરે છે, લયબદ્ધ રીતે શરીરનું હલન-ચલન કરીને જણાવે છે કે, નવું સ્થાન યોગ્ય છે કે નહીં: એ કેટલું સલામત છે, કેટલું નજીક આવેલું છે, કેટલું વિશાળ છે, કેટલા યોગ્ય સ્થળે આવેલું છે. નવી જગ્યા જેટલી વધુ સારી હશે, મધમાખીઓનું નૃત્ય તેટલું જ લાંબું અને ઉત્સાહપૂર્ણ હશે.

વેગલ ડાન્સથી ચોક્કસ લોકેશનનું પણ વર્ણન કરવામાં આવે છે - કેટલે દૂર જવાનું છે અને સાથી મધમાખીઓએ કઈ દિશામાં ઊડવાનું છે - અને પછી નવી જગ્યાની શોધની પુષ્ટિ કરવા માટે મધમાખીઓનું બીજું જૂથ રવાના થાય છે. તે જૂથ જ્યારે પરત ફરે, ત્યારે તેઓ નૃત્ય કરીને પોતાનો અભિપ્રાય જણાવે છે, કાં તો તેમના અગાઉના સાથીઓનું સમર્થન કરે છે અથવા તો નવા વિકલ્પો રજૂ કરે છે.

સમય જતાં એક પસંદગીનું સ્થળ કુદરતી રીતે ઊભરી આવે છેઃ ડઝનબંધ મધમાખીઓ તે જ સ્થળ માટે સકારાત્મક નૃત્ય સાથે તેમના અભિયાનમાંથી પરત ફરે છે. માનવ લોકશાહીની જેમ, તેઓ એક કોરમ (બહુમતી) સુધી પહોંચે છે અને પછી તે પ્રમાણે આગળ વધે છે.

તટસ્થ (ન્યૂટ્રલ) તીડ

એક જૂથ જ્યારે બે વિકલ્પો વચ્ચે વહેંચાયેલું હોય, ત્યારે લોકોના વિચારો બદલવા મુશ્કેલ કાર્ય છે. આવી ચર્ચા તરત જ કાળા કે સફેદ એવા બે આત્યંતિક છેડાઓમાં ફેરવાઈ શકે છે, જેના લીધે દરેક વ્યક્તિ પોતાના વિચારો પર વધુ અડગ થઈ જાય છે.

સદ્ભાગ્યે, તીડ પર તાજેતરમાં જ કરવામાં આવેલો એક અભ્યાસ આ સામાન્ય સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે.

આગેકૂચ કરતાં તીડ એ એવાં નાનાં તીડ હોય છે, જે હજુ ઊડતાં ન શીખ્યાં હોવાથી ચાલે છે. બ્રિટનની યુનિવર્ટી ઑફ બાથ ખાતે મેથેમેટિકલ બાયૉલૉજીના પ્રોફેસર ક્રિસ્ટિયન (કિટ) યેટ્સે તેમના પ્રયોગમાં તીડનાં જૂથોને વર્તુળાકારે રાખ્યાં. તેમના આ પ્રયોગનો આશય એ અવલોકન કરવાનો હતો કે, તીડ કઈ દિશામાં જવું, તેનો સામૂહિક નિર્ણય કેવી રીતે લે છે. યેટ્સે નોંધ્યું કે, તીડ અમુક ક્ષણ રોકાયાં પછી નિયમિતપણે તેમની દિશા બદલી નાખે છે.

અભ્યાસમાં માલૂમ પડ્યું કે, તે અટકવાની તે ક્ષણ સમયે જ વધુને વધુ તીડ ચાલવાનું બંધ કરીને તટસ્થ (ન્યૂટ્રલ) બની જાય છે - જે સ્થિતિ સમગ્ર ટોળાંને એકમતમાંથી બહાર નીકળીને બીજી દિશા તરફ વળવામાં મદદ કરે છે.

આ પ્રયોગમાં યેટ્સે સમાન કાર્ય સાથે 19 વ્યક્તિઓની પણ કસોટી કરી હતીઃ તેમણે એક રમત રમાડી હતી, જેમાં સહભાગીઓ ઍક્સ અને વાય વચ્ચે પસંદગી કરી શકતાં હતાં અથવા તો અલિપ્ત રહી શકતાં હતાં. યેટ્સ જણાવે છે કે, તેમને જોવા મળ્યું કે, તીડની માફક જ્યારે સહભાગીઓ પાસે (અલિપ્ત રહેવાનો વિકલ્પ હાજર ન હોય, તેની તુલનામાં) અલિપ્ત રહેવાનો વિકલ્પ મોજૂદ હોય, તેવા સમયે જૂથને સર્વસંમતિ - ફક્ત ઍક્સ અથવા માત્ર વાય સુધી વધુ ઝડપથી અને વધુ સ્પષ્ટતા સાથે પહોંચવામાં મદદ મળી હતી.

યેટ્સ સમજાવે છે કે, તેનું કારણ એ છે કે, એક વિશાળ અને અત્યંત સક્રિય જૂથની અંદર ઘણા નાના, સ્વતંત્ર પ્રભાવો સરેરાશ બની જાય છે, જેથી મુખ્ય દિશાને બદલવી મુશ્કેલ બને છે. પણ જો ઘણી વ્યક્તિઓ તટસ્થ બની જાય, તો ભલે અમુક ક્ષણો માટે જ, પણ નિર્ણય લેનારનું જૂથ નાનું બની જાય છે.

યેટ્સ આગળ કહે છે, "ઓછા સક્રિય મતો મોજૂદ હોવાને કારણે એક નાનો અમથો ઇશારો પણ (જેમકે, બીજી દિશા તરફ જતું એક નાનું સ્થાનિક જૂથ, માહિતીનો જરા અમથો અંશ કે પછી બે-ત્રણ લોકોનું પોતાનું વલણ બદલવું) જૂથની દિશા પર બહુ મોટી અસર ઉપજાવે છે."

છેવટે, તીડ આપણને શીખવે છે કે, તટસ્થપણું કે નિષ્પક્ષતા સર્વસંમતિ સુધી પહોંચવા માટે અને પુનઃ મૂલ્યાંકન કરવા માટે દરેક વ્યક્તિને આવશ્યક વિરામ આપી શકે છે, એમ યેટ્સ જણાવે છે. આપણને શું બોધપાઠ મળે છે? જો તમે વર્તમાન સ્થિતિને બદલવા માગતા હો, તો અનિર્ણાયક લોકો વિશે ચિંતા ન કરો - બલ્કે, વધુને વધુ લોકોને તેવા (અનિર્ણાયક) થવા માટે ઉત્તેજન આપો.

પર્સનાલિટીવાળા વંદા

ચર્ચામાં જ્યારે ઘણાં દૃઢ વ્યક્તિત્વો હોય, તેવા સમયે જૂથ માટે કોઈ તારણ પર પહોંચવું મુશ્કેલ બને છે. "મેઇન કૅરેક્ટર ઍનર્જી" (મુખ્ય પાત્ર જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ) ધરાવનારા ઘણા લોકો સમગ્ર જૂથ પર હાવી થઈને ચર્ચાને પોતાની દિશામાં વાળી શકે છે.

પણ વંદાઓ પરનો એક અભ્યાસ સૂચવે છે કે, જૂથમાં હાજર મજબૂત વ્યક્તિગત વ્યક્તિત્વો હકીકતમાં નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે.

કેટલાક વંદા નિડર હોય છે, જ્યારે અન્ય વંદા બીકણ હોય છે. આથી, જાપાનની ટૉક્યો મૅટ્રોપોલિટન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર આઇઝેક પ્લાનાસ-સિત્જાએ વંદા કેવી રીતે એકત્રિત થાય છે, તેનું કમ્પ્યુટર સિમ્યુલેશન ચલાવ્યું - ઉદાહરણ તરીકે, વંદા ફ્રિજ પાછળના ચોક્કસ અંધારિયા ખૂણામાં કેવી રીતે સંતાય છે. વ્યક્તિત્વમાં કોઈ તફાવત ન હોય, અમુક તફાવતો હોય અને છેલ્લે, વ્યક્તિત્વમાં ઘણા બધા તફાવતો હોય તેને આવરી લેવા માટે તેમણે આ સિસ્ટમમાં ફેરફાર કર્યો.

તેમાં માલૂમ પડ્યું કે, જે મૉડલોમાં દરેક વંદો એકસમાન વ્યવહાર કરતો હતો, તે મૉડલ્સ વાસ્તવિક જીવનમાં વંદાના નિર્ણય લેવાની રીતની નજીક સુદ્ધાં પહોંચી શક્યાં નહીં. બીજી તરફ, વ્યક્તિત્વમાં અઢળક ભિન્નતા ધરાવનારાં જૂથોએ સામૂહિક નિર્ણયો વધુ ઝડપથી લીધાં હતાં - કારણ કે, તેમની વચ્ચે વધુ સામાજિક વાતચીત થતી હતી.

પ્લાનાસ-સિત્જા કહે છે, "મને આ જોઈને ઘણું આશ્ચર્ય થયું. મને કોઈક ટ્રૅન્ડ જોવા મળશે, એવી અપેક્ષા હતી, પણ આટલી સ્પષ્ટ અને પુનરાવર્તિત પૅટર્નની બિલકુલ અપેક્ષા ન હતી."

તેનો અર્થ એ કે, માત્ર નિડર કે સાહસિક વંદાઓના જૂથ માટે એકત્રિત થવું અને સાનુકૂળ આશ્રયસ્થાન પસંદ કરવું વધુ મુશ્કેલ બનશે, કારણ કે, તેઓ વધુ પડતું ફરતા હોય છે, એમ તેઓ કહે છે. જ્યારે, શરમાળ સભ્યો ધરાવતાં વંદાનાં જૂથો ઝડપથી સ્થાયી થઈ શકે છે, પણ તેઓ નબળું આશ્રયસ્થાન પસંદ કરે, એવું જોખમ રહે છે.

પ્લાનાસ-સિત્જા કહે છે, "તે સહકારના પ્રમાણ અને વર્તનની વૈવિધ્યતાનું સંતુલન જ હોય છે, જે આખરે સામૂહિક બુદ્ધિમત્તાનું સંચાલન કરતું હોય છે." "જો આ નાનાં પ્રાણીઓમાં પણ વ્યક્તિત્વ આટલું મહત્ત્વ ધરાવતું હોય, તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે, સામાજિક જટિલતાનાં ઉમેરારૂપ સ્તરો સાથેના સમાજોમાં જીવી રહેલાં પ્રાણીઓ પર તેની શું અસર પડી શકે છે."

વિચારશીલ માખી

અમુક વખત આપણે તાર્કિક લાગે, એવા નિર્ણયો લેવા માટે આપણી આંતરસૂઝને દબાવી દેતાં હોઈએ છીએ. તો વળી કેટલીક વખત આપણે આપણી ભૂલોમાંથી શીખ્યા વિના કોઈ બાબત પ્રત્યેની આપણી ઊંડી માન્યતાઓને જ અનુસરીએ છીએ.

એવું જાણવા મળ્યું છે કે, ફ્રૂટ ફ્લાઇઝ આપણને આપણા નિર્ણયોમાં વધુ સ્વ-જાગૃત બનવા વિશે શીખવી શકે છે.

સંશોધન દર્શાવે છે કે, ફ્રૂટ ફ્લાઇઝ તેના દરેક પગલાંને તૈયાર કરવા માટે બાહ્ય તથા આંતરિક માહિતીને કેવી રીતે એકીકૃત કરવી, તેને લઈને અત્યંત સંવેદનશીલ હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે બે ગંધ વચ્ચે પસંદગી કરવાની હોય, ત્યારે ગંધ જેટલી વધુ સમાનતા ધરાવતી હોય, માખીઓ તેટલો જ વધુ ખચકાટ અનુભવે છે, જાણે કે તે ફાયદા અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહી હોય.

જ્યારે સ્વાદિષ્ટ પણ પૌષ્ટિક ન હોય, તેવા અથવા તો સ્વાદે કડવા પણ પૌષ્ટિક શર્કરાયુક્ત પદાર્થ સામે પડ્યા હોય, ત્યારે માખીઓ તે પસંદગીના ચોખ્ખા મૂલ્યની ગણતરી કરી શકે છે અને પોષણ માટે અપ્રિય સ્વાદ ધરાવતા ખોરાકને પણ સહન કરી લે છે.

વળી, જો કોઈ મોટા પુરસ્કાર સાથે જોખમ પણ જોડાયેલું હોય, તો તેના બદલે તેઓ નાના પણ સલામત પુરસ્કારને પસંદ કરે, એવી શક્યતા વધુ રહે છે. જ્યારે તેમને સકારાત્મક ગંધ અને પુરસ્કાર અથવા તો નકારાત્મક ગંધ અને પુરસ્કાર સાથે તાલીમ આપવામાં આવે છે, ત્યારે તંદુરસ્ત માખીઓ ઘણી વખત અસ્પષ્ટ ગંધ તરફ જઈને તેમાંથી શું મળે છે, એ જોવા માટે તૈયાર હોય છે, જ્યારે તણાવગ્રસ્ત માખીઓ આવું જોખમ ન ખેડવાનું વધુ પસંદ કરે છે.

માખીઓની માફક, કેટલીક વખત આપણી આંતરિક સ્થિતિ પણ આપણા નિર્ણયોને ધૂંધળા કરી દે છે. પણ સાથે જ તે આપણને એ પણ યાદ દેવડાવે છે કે, આપણા પોતાના તથા અન્યો વિશેના દૃષ્ટિકોણના નાના ટુકડાઓના કૅલિડોસ્કોપથી બનેલાં આ આંતરસૂઝ અને શીખેલા અનુભવો કેટલીક વખત આપણને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ નીવડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન