પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ 'હિંદુઓ' વિશે એવું શું કહ્યું કે જેના પર થઈ રહી છે ચર્ચા

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ 'અખંડ ભારત'ની કલ્પના અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે "ભારતના લોકો અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે", જ્યારે પાકિસ્તાનના મુસ્લિમો સહનશીલતામાં વિશ્વાસ રાખે છે.

તેમણે પાકિસ્તાનમાં રહેતા હિંદુ સમુદાય અંગે પણ દાવો કર્યો કે ત્યાં આશરે 4 ટકા હિંદુ વસ્તી છે અને તેમને અન્ય લોકોની જેમ જ સ્વતંત્રતા પ્રાપ્ત છે.

તેમની આ ટિપ્પણીને લઈને ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે ઝરદારી પર લાગેલા 'મિસ્ટર 10 પર્સેન્ટ'ના આરોપનો ઉલ્લેખ કરતા કટાક્ષ કર્યો છે.

બીજી તરફ, અનેક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે.

ત્યારે જોઈએ કે સોશિયલ મીડિયા પર આ મામલે કેવી ચર્ચા થઈ રહી છે.

ઝરદારીના નિવેદન પર જાવેદ અખ્તરે શું કહ્યું?

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે 14 ઑગસ્ટે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે અખંડ ભારત અને પાકિસ્તાનમાં હિંદુ વસ્તી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

ઝરદારીએ કહ્યું, "ભારતીયોનો દૃષ્ટિકોણ અલગ છે. તેમની પોતાની વિચારસરણી અને પોતાનો એજન્ડા છે. ભારત અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે. પરંતુ અમે મુસ્લિમ છીએ. તેઓ જેવા નથી. પરંતુ અમે એવા મુસ્લિમ છીએ જે સહન કરીએ છીએ."

તેમણે વધુમાં કહ્યું, "પાકિસ્તાનમાં 4 ટકા હિંદુ વસ્તી છે. તેઓ અહીં એટલા જ સ્વતંત્ર છે જેટલા અન્ય ક્યાંય હોય. તેઓ ભારત કરતાં અમારી સાથે રહેવાનું વધુ પસંદ કરશે."

ઝરદારીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ કરી.

જાવેદ અખ્તરે લખ્યું, "મિસ્ટર ઝરદારી, પાકિસ્તાનના એવા વ્યક્તિ, જેઓ બેનઝીર ભુટ્ટો સાથે લગ્ન બાદ ચર્ચામાં આવ્યા હતા, કહે છે કે તેમનો દેશ પોતાની 3-4 ટકા હિંદુ વસ્તીને સહન કરે છે. મિસ્ટર ઝરદારી, મને લાગે છે કે તમે એ તમામ લોકો પ્રત્યે અસંવેદનશીલ છો જે '10 પર્સેન્ટ' કરતાં ઓછી સંખ્યામાં છે."

જાવેદ અખ્તરે '10 પર્સેન્ટ'નો ઉલ્લેખ શા માટે કર્યો?

જાવેદ અખ્તરની પોસ્ટમાં '10 પર્સેન્ટ'નો ઉલ્લેખ આસિફ અલી ઝરદારીના જૂના રાજકીય સમયગાળા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

બેનઝીર ભુટ્ટોના અવસાન પહેલાં ઝરદારીની જાહેર છબિ ઘણી વિવાદાસ્પદ રહી હતી. ફેબ્રુઆરી 2008ની પાકિસ્તાનની રાષ્ટ્રીય ચૂંટણી દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ (પીપીપી) પણ તેમને જાહેર મંચ પર ઓછા જોવા મળે તેવો પ્રયાસ કર્યો હતો.

તે સમયગાળા દરમિયાન ઝરદારીને પક્ષ માટે 'રાજકીય બોજ' તરીકે જોવામાં આવતા હતા. તેઓ ભ્રષ્ટાચારના આરોપોમાં કેટલાક સમય સુધી જેલમાં પણ રહ્યા હતા.

તેમના પર કથિત કમિશન અને લાંચ લેવાના આરોપો લાગ્યા હતા. આ જ કારણસર તેમના વિરોધીઓ તેમને 'મિસ્ટર 10 પર્સેન્ટ' કહીને સંબોધતા હતા.

1990માં પણ ઝરદારી એક અન્ય વિવાદમાં સપડાયા હતા. તેમના પર એક વેપારીના પગમાં રિમોટ દ્વારા સંચાલિત બૉમ્બ બાંધી તેને બૅન્ક મોકલવાનો આરોપ લાગ્યો હતો.

આરોપ મુજબ, તે વેપારીને પોતાના બૅન્ક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

જોકે, ઝરદારી સામેના આ આરોપો ક્યારેય સાબિત થયા નહોતા. તે સમયે પીપીપીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનની શક્તિશાળી ગુપ્તચર વ્યવસ્થા ઝરદારીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી હતી, જેથી બેનઝીર ભુટ્ટોની રાજકીય છબિ પર અસર પડે.

પાકિસ્તાનમાં હિંદુ વસ્તી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિના દાવા બાદ ભારતના કેટલાક લોકોએ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં હિંદુ વસ્તી સતત ઘટી રહી છે.

CNN-News18નાં ઍક્ઝિક્યુટિવ ઍડિટર નબીલા જમાલે ઝરદારીનો વીડિયો શૅર કરતાં ઍક્સ પર લખ્યું, "પાકિસ્તાનની પોતાની જનગણનાના આંકડા અલગ જ તસવીર રજૂ કરે છે. 1947માં તેની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો આશરે 14.6 ટકા હતો, જે 2023ની જનગણના મુજબ ઘટીને 2.17 ટકા રહ્યો છે."

પાકિસ્તાની સરકારના આંકડા મુજબ, ત્યાં અંદાજે 55 લાખ હિંદુઓ રહે છે. જ્યારે પાકિસ્તાન હિંદુ પંચાયત અને હિંદુ કાઉન્સિલ મુજબ આ સંખ્યા આશરે 80 લાખ છે. સૌથી વધુ હિંદુ વસ્તી સિંધ પ્રાંતમાં વસે છે.

પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર વુસતુલ્લાહ ખાનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના 90 ટકા હિંદુઓ સિંધના 10 જિલ્લાઓમાં રહે છે. પંજાબમાં અંદાજે અઢી લાખ, બલૂચિસ્તાનમાં 60 હજાર અને ખૈબર પખ્તૂનખ્વામાં લગભગ 6 હજાર હિંદુની વસ્તી હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ, માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનૅશનલએ પાકિસ્તાનના ઈશનિંદા (બ્લાસ્ફેમી) કાયદાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સંસ્થાનું કહેવું છે કે આ કાયદા સ્પષ્ટ રીતે ઘડાયેલા નથી અને પોલીસ તથા અદાલતો તેને મનસ્વી રીતે લાગુ કરે છે. જેના કારણે ધાર્મિક અલ્પસંખ્યકોને પરેશાનીનો સામનો કરવો પડે છે અને તેમની સામે ભેદભાવ થાય છે.

તાજેતરનાં વર્ષોમાં પાકિસ્તાનથી ભારત આવેલા કેટલાક હિંદુઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને સામાજિક અને ધાર્મિક ભેદભાવનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને સિંધ પ્રાંતમાં હિંદુ યુવતીઓને નિશાન બનાવવાની સમસ્યા ગંભીર હોવાનું જણાવાયું હતું.

શહબાઝ શરીફ, 'પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે'

સિંધુ જળ સંધિ પર ભારત દ્વારા એકતરફી રોક અંગે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું કે પાકિસ્તાનનાં પાણીનો એક-એક ટીપું તેમના દેશ માટે "રેડ લાઇન" છે અને જો ભારત આ બાબતને અવગણશે, તો તેને સીધો જવાબ આપવામાં આવશે.

શહબાઝ શરીફે આ નિવેદન ઇસ્લામાબાદમાં 'વિજય સ્મારક'ના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન આપ્યું હતું.

તેમણે કહ્યું, "અમે યુદ્ધ નથી ઇચ્છતા, અમે શાંતિ ઇચ્છીએ છીએ. પરંતુ શાંતિની ઇચ્છાને નબળાઈ તરીકે સમજવાની ભૂલ ન કરવી જોઈએ."

ભારત સરકારે એપ્રિલ 2025માં પહલગામ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવતાં સિંધુ જળ સંધિને એકતરફી રીતે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

શરીફે પોતાના ભાષણમાં અમેરિકા-ઇરાન વચ્ચેના તણાવ તેમજ સાઉદી અરેબિયા અને તુર્કી સાથે થયેલા કરારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાન દુનિયાને તમામ પ્રકારના સંઘર્ષોથી મુક્ત જોવા માગે છે અને નવા સંઘર્ષો ન સર્જાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે. તેમના મુજબ, આ જ કારણસર પાકિસ્તાને અમેરિકા અને ઇરાન વચ્ચે જવાબદાર મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન