You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : રાત્રે વાહન લઈને જંગલી પ્રાણીઓ જોવા જઈ શકાશે, ડીસામાં બનનારું પ્રાણીસંગ્રહાલય કેમ ખાસ હશે?
ગુજરાતમાં જૂનાગઢનું સક્કરબાગ, અમદાવાદનું કાંકરિયા, વડોદરાનું આજવા, નર્મદા બંધ નજીકનું સરદાર પટેલ પ્રાણીસંગ્રહાલય, સુરતમાં આવેલું સરથાણા નેચર પાર્ક, ગીરના જંગલમાં સાસણ નજીક આવેલ દેવળીયા સફારી પાર્ક અને ગીરના પૂર્વ ભાગમાં અમરેલીના ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક વગેરે મોટાં પ્રાણીસંગ્રહાલયો છે.
જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીક રિલાયન્સ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલું 'વનતારા' પણ રાની પશુ, પક્ષીઓ અને અન્ય જીવોને બંધન અવસ્થામાં સાચવવા માટેનું મોટું કેન્દ્ર છે.
પરંતુ આ યાદીમાં હવે 'ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી' અને ઝૂઓલૉજિકલ પાર્ક, ડીસા એક નવું નામ ઉમેરાશે. 12 ઑગસ્ટના રોજ ગુજરાત સરકારે જાહેરાત કરી કે સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર નજીક આવેલ જુના ડીસા ગામ પાસે એક પ્રાણીસંગ્રહાલય અને સફારી પાર્ક બનાવવાની મંજૂરી આપી દીધી છે. ત્યાં ડેઝર્ટ-થીમ એટલે કે રણના વિષયવસ્તુ આધારિત એવું પ્રાણીસંગ્રહાલય બનાવવામાં આવશે, જેમાં મુલાકાતીઓ રાતના સમયે વાહનમાં બેસીને પશુ-પક્ષીઓ જોવા માટે જઈ શકશે.
ડીસાનું પ્રાણીસંગ્રહાલય અને સફારી પાર્ક કેમ ખાસ હશે?
ગુજરાત સરકારે 12 ઑગસ્ટના રોજ એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું કે ડીસામાં રણના વિષયવસ્તુ પર આધારિત બનનાર નાઇટ સફારી પાર્ક, એશિયા ખંડનો આ પ્રકારનો પ્રથમ સફારી પાર્ક હશે.
આ સફારી પાર્ક ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી પાર્ક હશે. 'ડ્રાઇવ-થ્રુ'નો અર્થ થાય કોઈ વિસ્તારમાંથી વાહન લઈને પસાર થવું. એશિયા ખંડમાં ડ્રાઇવ-થ્રુ પ્રકારનાં પ્રાણીસંગ્રહાલયો તો છે પરંતુ રણના વિષયવસ્તુ પર આધારિત નાઇટ સફારી એટલે કે રાત્રી દરમિયાન મુલાકાત લઇ શકાય તેવો એકેય પાર્ક નથી.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને ટાંકીને સરકારે અખબારી યાદીમાં જણાવ્યું, "પ્રસ્તાવિત ડીસા 'ડેઝર્ટ ઝૂઓલૉજિકલ પાર્ક અને નાઇટ સફારી' જૂના ડીસા ખાતે આશરે 103 હૅક્ટર વિસ્તારમાં બનશે. આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીની માર્ગદર્શિકા મુજબ તૈયાર થાય છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ 542.14 કરોડ છે. આ મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને હવે સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી તરફથી મંજૂરી મળી ગઈ છે."
જુના ડીસા ગુજરાતના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના મતવિસ્તારમાં આવેલું ગામ છે.
સરકારની અખબારી યાદીમાં પ્રવીણ માળીએ જણાવ્યું, "ડીસા ખાતે બની રહેલું આ ઝૂ એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ હશે. વિશ્વનું આ પ્રકારનું ત્રીજુ ડેઝર્ટ-થીમ ઝૂ હશે અને વિશ્વું ચોથું નાઇટ સફારી ઝૂ બનશે... આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ તેની વિશ્વકક્ષાની નાઇટ સફારી હશે, જ્યાં મુલાકાતીઓ સૂર્યાસ્ત પછી ખાસ ડિઝાઇન કરાયેલા ઍન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને જોઈ શકશે. આ પ્રોજેક્ટમાં એક અલગ 'ડે ઝૂ' (દિવસનું પ્રાણીસંગ્રહાલય) અને નાઇટ સફારી માટેનાં પાંચ સમર્પિત ઍન્ક્લોઝર હશે. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતની ટૂરિઝમ સર્કિટ માટે મહત્ત્વનું સ્થાન બની રહેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખબારી યાદી અનુસાર ડીસામાં બનાસ નદીના કાંઠે સરકારી પડતર જમીનમાં બનનારા આ પ્રાણીસંગ્રહાલયમાં અન્ય પ્રાણીસંગ્રહાલયોની માફક લોકો દિવસે મુલાકાત લઇ વન્યજીવો નિહાળી શકશે. તે ઉપરાંત, પ્રવાસીઓ રણના વન્યજીવનની ઝાંખી કરાવતા ડ્રાઇવ-થ્રુ સફારી પાર્કની રાત્રે પણ મુલાકાત લઇ શકશે.
ડીસાનું પ્રાણીસંગ્રહાલય અને સફારી પાર્ક કેટલાં મોટાં હશે?
રાજ્ય સરકારની યાદી અનુસાર ડીસાના પ્રાણી સંગ્રહાલય અને નાઇટ સફારી પાર્ક આશરે એક વર્ગ કિલોમીટર વિસ્તાર (100 હૅક્ટર=1 વર્ગ કિલોમીટર)માં પથરાયેલું હશે. તેમાં મુલાકાતીઓને જોવા અને અભ્યાસ કરવા માટે 2,700 જેટલા પ્રાણી, પક્ષી અને અન્ય વન્યજીવો રાખવામાં આવશે.
અખબારી યાદીમાં પ્રવીણ માળીએ જણાવ્યું, "આ પ્રાણીસંગ્રહાલયને એક આધુનિક સંરક્ષણ સુવિધા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 83 પ્રજાતિઓનાં આશરે 2,700 દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓને રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ મુલાકાતીઓને વન્યજીવોના અનોખા અનુભવોની સાથે સાથે સંરક્ષણ, પ્રજનન, વન્યજીવ રૅસ્ક્યૂ, પુનર્વસન, પર્યાવરણીય શિક્ષણ અને કુદરતના વૈજ્ઞાનિક અર્થઘટન માટેના કેન્દ્ર તરીકે પણ કામ કરશે."
ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક(વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન ડૉ. જયપાલસિંહને ટાંકીને સરકારે અખબારી યાદીમાં જણાવ્યું, "આ પ્રાણીસંગ્રહાલયમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘુડખર, એશિયાટીક સિંહ અને દીપડા જેવાં પ્રાણીઓને રાખવામાં આવશે. પ્રાણીસંગ્રહાલયમાં અલગ અલગ પ્રજાતિનાં પ્રાણીઓ માટે અલગ-અલગ ઍન્ક્લોઝર, પક્ષીઘર, સરિસૃપ ઘર, બટરફ્લાય પાર્ક, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સોવેનિયર શૉપ, ગોલ્ફ કાર્ટ સેવા અને મુલાકાતીઓ માટેની અન્ય સુવિધાઓ પણ હશે."
સફારી પાર્ક ક્યારે બનશે? ત્યાં ક્યા ક્યા દેશનાં પ્રાણીઓ હશે?
બીબીસી ન્યુઝ ગુજરાતી સાથે વાત કરતાં બનાસકાંઠા વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક પોપટ ગાર્ડીએ કહ્યું કે પ્રસ્તાવિત પ્રાણીસંગ્રહાલય અને સફારી પાર્ક માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં 30 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
તેમણે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું, "આ પ્રોજેક્ટ પર બે વરસથી કામ ચાલી રહ્યું હતું. હવે આ પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીની મંજૂરી મળી જતા કામ આગળ ધપશે. આખા પ્રોજેક્ટને બે ચરણમાં બનાવવામાં આવશે. અમારા પ્રયાસ રહેશે કે પ્રથમ તબક્કાને દોઢેક વરસમાં પૂર્ણ કરી દેવામાં આવે."
આ પ્રાણીસંગ્રહાલયમાં ભારતીય રણનાં પ્રાણીઓ જેવા કે, શાહુડી, સસલું, શેળો, ડેઝર્ટ હૅર, ભારતીય ધુડખર, રીંછ, કૅરેકલ, ભારતીય વરું, શિયાળ, ઝરખ, ભારતીય રણ લોમડી જેવાં પ્રાણીઓ રાખવામાં આવશે.
આ ઉપરાંત, પ્રોજેક્ટનાં અન્ય મુખ્ય આકર્ષણોમાં રૅપ્ટાઇલ સફારી, રેઇન ફૉરેસ્ટ બાયોમ અને ઍક્વેરિયમનો પણ સમાવેશ થાય છે.
અખબારી યાદી અનુસાર ડીસામાં બનનારાં પ્રાણીસંગ્રહાલય અને નાઇટ સફારી પાર્કમાં આફ્રિકા ખંડના રણનાં પ્રાણીઓ મુખ્ય આકર્ષણ રહેશે.
યાદીમાં સરકારે જણાવ્યું કે, આફ્રિકન રણનાં પ્રાણીઓમાં મુખ્ય આકર્ષણ રહેશે. જેમાં ઍંગોલન જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, સિમિતાર ઑરિક્સ, આફ્રિકન કુડુ સ્પ્રિંગબૉક, અદ્રા ગેઝેલ, બ્લૅક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, મીરકાટ, આફ્રિકન ચિત્તો, આફ્રિકન સિંહ, ફેનેક ફૉક્સ, બેટ-ઇયર્ડ ફૉક્સ અને શાહમૃગનો સમાવેશ થાય છે.
આ સિવાય, ઑસ્ટ્રેલિયન રણનાં પ્રાણીઓ જેવા કે કાંગારૂ, એમુ અને વોલાબી પણ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગુજરાતમાં પ્રથમ નિશાચર પ્રાણીસંગ્રહાલય ક્યારે બન્યું હતું?
સિંહ, દીપડા, શિયાળ, ઝરખ વગેરે જેવાં પ્રાણીઓ; ઘણી પ્રજાતિના સાપ; ઘુવડ, શિબરી જેવાં પક્ષીઓ તથા વાગોળ, ચામાચીડિયા વગેરે જેવાં ઊડી શકતાં સ્તનધારી પ્રાણીઓ નિશાચર છે. આ બધાં રાત્રે વધારે સક્રિય રહે છે.
ડીસામાં બનનારાં પ્રાણીસંગ્રહાલય અને નાઇટ સફારી પાર્ક મોટાં હશે. પરંતુ ગુજરાતમાં નિશાચર પ્રાણીઓનું તે પ્રથમ પ્રાણી સંગ્રહાલય નહીં હોય.
આ પહેલાં અમદાવાદના કાંકરિયા તળાવની પાળે બનેલા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયને આ બહુમાન મળી ચૂક્યું છે.
"વર્ષ 2017 ટૉય ટ્રેનના વર્કશૉપ નજીક નિશાચર પ્રાણીઓ માટેના એક અલગ વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું," કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર ડૉ. આર.કે. સાહુએ બીબીસીને જણાવ્યું હતું.
પરંતુ કાંકરિયા ઝૂ તરીકે વધારે જાણીતા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયનાં નિશાચર પ્રાણીઓનો વિભાગ પણ ખાસ છે.
ડૉ. સાહુએ કહ્યું, "અમે આ વિભાગમાં વિશિષ્ટ પ્રકારનું બાંધકામ કરી નિશાચર જીવો માટે રહેઠાણ બનાવ્યાં છે અને તેમાં દિવસના સમયે રાત જેવું વાતાવરણ ઊભું કર્યું છે. તેથી, તેમાં રહેતાં નિશાચર પ્રાણીઓ દિવસના સમયે રાત હોય તેમ સમજી સક્રિય રહે છે. પછી રાત્રીના સમયે અમે દિવસ જેવું વાતાવરણ ઊભું કરી દઈએ છીએ. તેથી, ખરેખર રાતના સમયે પ્રાણીઓ નિષ્ક્રિય થઇ જાય છે."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન