You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૉયફ્રેન્ડ ભાડે મળશે: સાથે કૉફી પીવાના 499 ને ફિલ્મ જોવાના 1,250 રૂપિયા, વાઇરલ જાહેરાતોની હકીકત શું છે
- લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
"તમને બૉયફ્રેન્ડની જરૂર છે? અમે એક ભાડે આપીશું. ભાડાની રકમ કામ અને સમયગાળા પર આધારિત છે," આવી કેટલીક જાહેરાતો હવે સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે .
હૈદરાબાદ પોલીસનું કહેવું છે કે આ જાહેરાતોનો હેતુ છોકરીઓને છેતરવાનો છે.
હૈદરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે ચેતવણી આપતાં કહ્યું, "આ યુવતીઓને નિશાન બનાવવા માટે સાઇબર ગુનેગારોએ શોધી કાઢેલી એક નવી ડેટિંગ ટ્રૅપ છે."
"શું તમે એકલતાથી પીડાઈ રહ્યા છો? શું તમે ઇચ્છો છો કે કોઈ સુંદર છોકરો તમારી સાથે કૉફી પીવે કે ફિલ્મ જોવા જાય? તે પણ 50 ટકા ઑફર સાથે."
તેમણે કહ્યું, સોશિયલ મીડિયા પર દેખાતી આવી જાહેરાતોનાં રંગીન પોસ્ટર્સની પાછળ સાઇબર ફ્રૉડ છુપાયેલો છે.
જોકે, હૈદરાબાદસ્થિત મનોવિજ્ઞાની અનિતા આરેએ બીબીસીને જણાવ્યું હતું કે કેટલાક લોકો કિશોરાવસ્થાના આકર્ષણનો દુરુપયોગ કરીને છેતરપિંડીના પ્રયાસ કરી રહ્યા છે.
આવી જાહેરાતોમાં ખરેખર શું હતું?
સજ્જનારે કહ્યું કે તેમના નિરીક્ષણમાં સામે આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર આવી જાહેરાતો વધુ ને વધુ પ્રમાણમાં સામે આવી રહી છે.
સજ્જનારે આવી કેટલીક જાહેરાતોની ડિટેલ્સ પોતાના ઍક્સ ઍકાઉન્ટ પર શૅર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1. સમય
2. દર
પોલીસે કહ્યું કે આવી જાહેરાતોમાં દરેક કામ માટે ભાવનો ઉલ્લેખ કરાયો હતો.
હૈદરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે કહ્યું કે જાહેરાતમાં લખાઈ રહ્યું છે કે સાથે કૉફી પીવા અને ચૅટ માટે દર કલાકના 499 રૂ., મૂવી માટે 1,249 રૂ., શૉપિંગ સાથીદાર માટે 1,499 રૂ. અને કોઈ પ્રસંગ કે લગ્નમાં સાથીદાર તરીકે આવવા માટે 1,999 રૂ. ચાર્જ તરીકે વસૂલાશે.
તેમણે કહ્યું, "આ સિવાય, આ લોકોએ રેટ કાર્ડ પણ જાહેર કર્યો છે, જેમાં 4,499 રૂ.નો ખર્ચ કરીને દસ કલાકનો આખા દિવસનો પૅકેજ બુક કરી શકાય છે."
બૉયફ્રેન્ડની સેવા પૂરી પાડતી વખતે, આવી ઍડ્સ નાખનારા લોકો ડાયરેક્ટ મૅસેજ માટેની માગણી કરે છે અને છોકરીની વિગતો ગુપ્ત રાખવાનું કહે છે.
સજ્જનારે કહ્યું કે તેમની તપાસમાં સામે આવ્યું છે કે આ ઍડ્સમાં બતાવાયેલા છોકરાઓ ખરેખર અસ્તિત્વમાં નથી, આ ફોટો એઆઇ વડે તૈયાર કરાયેલા હોય તેવું લાગે છે.
તેમણે સમજાવતાં કહ્યું, "છોકરીની વિગતો મોકલ્યા બાદ, તેમને વાતોની જાળમાં ફસાવાય છે. આવી રીતે છેતરનારા વૉલેટ ટ્રાન્સફર અને ક્યૂઆર કોડ્સ વડે બુકિંગ કન્ફર્મેશન, સિક્યૉરિટી ડિપોઝિટ અને ઍડ્વાન્સના નામે પૈસા પડાવી લે છે. એ બાદ તેઓ ઍકાઉન્ટ બ્લૉક કરી દે છે અને ગાયબ થઈ જાય છે."
ભાડા પર બૉયફ્રેન્ડ મામલે સાવચેતી જરૂરી
આજકાલ પોલીસ અને સરકાર ભલે લોકોને સાઇબર ક્રાઇમ મામલે ગમે તેટલા સમજાવે, પરંતુ છાશવારે કંઈક ને કંઈક નવું આવતું જ રહે છે.
કૉલ સેન્ટર્સ, ટ્રેડિંગ, ડિજિટલ અરેસ્ટ, ડેટિંગ ઍપ્સ વગેરે બધા સાઇબર ક્રાઇમના જ પ્રકારો છે.
હૈદરાબાદ પોલીસે હવે આવા જ નવા એક સાઇબર ક્રાઇમ 'રેન્ટ બૉયફ્રેન્ડ'ની ઓળખ કરી છે.
પોલીસે કહ્યું અત્યાર સુધી, આ મામલે કોઈ પીડિત કે કોઈ યુવતી પણ તેમની પાસે આ અંગેની ફરિયાદ સાથે આગળ આવી નથી.
દરમિયાન, હૈદરાબાદના પોલીસ કમિશનર સજ્જનારે બીબીસીને જણાવ્યું, જો આપણે નવા પ્રકારના ગુના સામે સાવચેત ન રહીએ તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધી જવાનો ભય છે.
સજ્જનારે કહ્યું, "જ્યારે પોલીસ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર નજર રાખી રહી હતી, ત્યારે અમને આ પ્રકારની છેતરપિંડી ચાલી રહી હોવાની જાણ થઈ. એવું લાગે છે કે હજુ આ આની શરૂઆત માત્ર જ છે. આ કોણ ચલાવી રહ્યું છે? અમે તેની તપાસ કરી રહ્યા છીએ. લાગે છે કે આ છેતરપિંડી બીજાં રાજ્યોમાંથી કરાઈ રહી છે."
હૈદરાબાદ સાઇબર ક્રાઇમ વિભાગ હાલ આવી છેતરપિંડીની જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરાઈ છે.
જો તમને ઑનલાઇન ઍડ્સ અને તેમના દાવા પર વિશ્વાસ બેઠો હોય તો તમારે જઈને તેમને પ્રત્યક્ષપણે મળવું જોઈએ, કદાચ તમને પ્રેમ અને સંબંધ વિકસાવવાની વાત કરીને છેતરવામાં પણ આવી શકે છે.
સજ્જનારે ચેતવતાં કહ્યું, "ફોન નંબર અને પર્સનલ ફોટોઝનો પોર્નોગ્રાફી અને બ્લૅકમેલિંગ માટે ઉપયોગ થવાનું જોખમ પણ છે."
તેમણે સલાહ આપતાં કહ્યું કે જો કોઈ આવા સાઇબર ક્રાઇમના પીડિત હોય કે આવી કોઈ શંકાસ્પદ પોસ્ટ તેમના સામે આવે તો તેમણે તરત સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 અને cybercrime.gov.in પૉર્ટલ પર ફરિયાદ દાખલ કરવી જોઈએ.
દર વર્ષે સાઇબર ક્રાઇમમાં વધારો
ભારતમાં દર વર્ષે સાઇબર ક્રાઇમમાં વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2024ના નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરોના અહેવાલ પ્રમાણે, વર્ષ 2022માં આખા દેશમાં કુલ 65,893 સાઇબર ક્રાઇમ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2023માં તેની સંખ્યા 86,420 હતી.
અહેવાલો પ્રમાણે, વર્ષ 2024માં સાઇબર ક્રાઇમની કુલ સંખ્યા 1,01,928 સુધી પહોંચી ગઈ હતી.
જે પૈકી, 18,615 કેસ મહિલાઓ સાથે સંબંધિત હતા.
કુલ 601 સાઇબર બ્લૅકમેઇલિંગના કેસ નોંધાયા હતા, જે પૈકી 370 મહિલાઓ વિરુદ્ધના અપરાધ અંગેના હતા.
પુખ્ત થવા જઈ રહ્યાં છોકરા-છોકરીઓનાં માતાપિતાએ શું ધ્યાન રાખવું
કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ અનિતા આરે સલાહ આપતાં કહે છે કે માતાપિતાનો પુખ્ત થતાં જઈ રહેલાં બાળકોને સલાહ આપવાનું અને તેમની સાથે વાતચીતનું વલણ બદલવાની જરૂર છે.
તેઓ કહે છે, "પુખ્ત વયની નિકટ પહોંચવાની હોય ત્યારે છોકરીઓ છોકરાઓ તરફ આકર્ષાય તેની સંભાવના વધુ છે. તેઓ આવી ઍડ્સમાં રસ ધરાવે તેની પણ સંભાવના વધુ છે. કારણ કે તેઓ વિચારે છે કે તેમની આસપાસની અન્ય છોકરીઓના પણ બૉયફ્રેન્ડ છે."
અનિતા કહે છે, "ઘરે, બાળકોને નૅગેટિવ વસ્તુઓ કહેતા પહેલાં આવી વસ્તુઓના હકારાત્મક પાસાં પણ કહેવાં જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન