ડ્રાઇવરલેસ ટેસ્લાની સવારી અને અજિત ડોભાલનો એજન્ટ હોવાનો દાવો, નકલી IASની માયાજાળ કઈ રીતે ખુલ્લી પડી?

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગત 8 ઑગસ્ટના રોજ જ્યારે બિહારની ખગડિયા પોલીસે મનીષકુમાર ઉર્ફે મનીષકુમાર ગુપ્તાની ધરપકડ કરી તો પોલીસ તેને પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન ન લાવી શકી.

પોલીસે તેને તેની જ મોંઘીદાટ ટેસ્લા કારની ફ્રન્ટ સીટ પર બેસાડીને જ લાવવો પડ્યો. તેનું કારણ એ હતું કે આ ટેસ્લા એફએસડી (ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ) હતી.

સ્થળ પર હાજર સ્થાનિક પત્રકાર રણવીરકુમારે જણાવ્યું, "મનીષે પોલીસને જણાવ્યું કે જ્યાં સુધી એક કારમાં આગળ નહીં બેસે, કાર નહીં ચાલે. જે બાદ મનીષકુમાર ગુપ્તા અને તેનો ડ્રાઇવર કારમાં આગળ અને ઇન્સ્પેક્ટર પાછળ બેઠા. હવે જ્યારે આ ગાડી પોલીસ સ્ટેશનમાં છે તો લોકો ગાડીને જોવા આવી રહ્યા છે."

પૂરથી પ્રભાવિત રહેતા ખગડિયા જિલ્લામાં મનીષ ગુપ્તાની આઇએએસ હોવાનો દાવો કરવાના આરોપમાં પોલીસે ગત 8 ઑગસ્ટના રોજ મોડી સાંજે ધરપકડ કરી હતી.

ગત દસ વર્ષથી ખગડિયાના ગોગરી પોપીસ સ્ટેશનથી માત્ર એક કિમીના અંતરે રહેતા મનીષ ગુપ્તા વિસ્તારમાં પોતાની જાતને આઇએએસ ગણાવીને રોફ મારતો હતો.

એ પોતાની જાતને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના અંડરકવર એજન્ટ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના અધિકારી તરીકે રજૂ કરતો.

ખગડિયા એસપી ભાનુપ્રતાપસિંહને મનીષ ગુપ્તાના આ દાવા 'પ્રાથમિક દૃષ્ટિએ નકલી' જણાઈ આવ્યા છે.

મનીષ ગુપ્તા કોણ છે?

બિહારના ખગડિયા જિલ્લાના ગોગરી બજારમાં એક પાંચ માળનો આલેશાન બંગલો છે, જે વિશે સ્થાનિકોનું કહેવું છે, "ગોગરી મુખ્ય બજારમાં કોઈનું ઘર આટલું આલેશાન નથી."

આ ઘરમાં જ 49 વર્ષનો મનીષકુમાર એકલો રહેતો. 8 ઑગસ્ટની બપોરે લગભગ બે વાગ્યે ગોગરી પોલીસ સ્ટેશનના કર્મી ગુપ્ત માહિતી મળ્યા બાદ મનીષકુ્મારના ઘરે પહોંચ્યા હતા.

ગોગરીના સ્ટેશન ઇન્ચાર્જ અરવિંદકુમાર દ્વારા દાખલ કરાયેલી એક એફઆઇઆર પ્રમાણે, "ઘરની સામે એક વ્યક્તિ ચશ્માં લગાવીને અને હાફ પેન્ટ પહેરીને ચાલી રહ્યો હતો. નામ પૂછતાં તેણે પોતાનું નામ મનીષકુમાર ગુપ્તા જણાવ્યું અને કહ્યું કે એ આઇએએસ છે."

"તેણે મોબાઇલમાં પોતાનો ઓળખ પત્ર બતાવ્યો, જેમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન લખ્યું હતું અને ઓળખપત્ર નંબર 0577102 ચીફ સિક્યૉરિટી ઑફિસર છપાયેલું હતું."

"આગળ પૂછપરછ કરતાં તેણે પોતાની જાતને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો અંડર કવર એજન્ટ ગણાવ્યો, જે વાત પ્રથ દૃષ્ટિએ ખોટી હોવાનું જણાઈ આવ્યું છે."

એફઆઇઆર પ્રમાણે મનીષકુમારના ઘરની સામે કાળા રંગની ટેસ્લા કાર અને સફેદ રંગની સફારી કાર ઊભી હતી, જેના પર 'ભારત સરકાર'નું બૉર્ડ લાગેલું હતું.

એફઆઇઆર પ્રમાણે, આ બે ગાડીઓ અંગે પૂછતાં મનીષકુમારે સ્વીકાર્યું કે આ બંને કાર તેની છે.

મામલો શંકાસ્પદ લાગતા પોલીસે મનીષ ગુપ્તાની ધરપકડ કરી લીધી અને તેના ઘરની તલાશી લેવામાં આવી.

29 બ્રાન્ડનો વિદેશી દારૂ અને બારસીંગાનાં શિંગડાં સુધ્ધાં મળી આવ્યાં

ગોગરીના એસડીપીઓ ચંદનકુમાર બીબીસીને જણાવે છે કે, "મનીષ ગુપ્તાના ચાર ભાઈ છે. તેમનાં માતાપિતાનું નિધન થઈ ચૂક્યું છે અને મનીષ ગુપ્તાને બાદ કરતાં બધા ખગડિયાથી બહાર રહે છે."

"તેનો એક ભાઈ કદાચ ઇંગ્લૅન્ડ ખાતે રહે છે, જ્યારે બાકીના બે ભાઈમાંથી એક દિલ્હીમાં કામ કરે છે અને આ ઘરમાં મનીષ ગુપ્તા એક કેરટેકર સાથે રહેતો હતો."

પોલીસને મનીષકુમારના ઘરની તલાશી લેવામાં ઘણા કલાકોનો સમય લાગી ગયો.

પોલીસે મનીષના ઘરમાંથી 31 લીટર વિદેશ દારુ પણ મળી આવ્યો છે.

ખગડિયા પોલીસે 29 બ્રાન્ડના દારૂનાં નામ પોતાની પ્રેસ રિલીઝમાં પણ લખ્યાં છે. વિદેશી દારૂ સિવાય લગભગ 10 લીટર બિયર અને 30 લિટર સોડા વૉટર પણ મળી આવ્યાં છે.

મનીષ પાસે કુલ 20 ક્રેડિટ કાર્ડ, આઠ ડેબિટ કાર્ડ, ચાર ચેકબુક સિવાય એપ્પલ કંપનીના બે લૅપટૉપ અને એપ્પલ કંપનીના પાંચ મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે.

જે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ચેક બુક મનીષના ઘરેથી મળી આવ્યાં છે, એ પૈકી મોટાં ભાગનાં મનીષકુમારના નામે જ છે, પરંતુ કેટલાંક પર અન્ય વ્યક્તિનાં નામ પણ છે, જેમ કે, આરએન કુમાર, મુકેશકુમાર ગુપ્તા, અજિતકુમાર.

આ સિવાય મનીષના ઘરેથી બારસીંગાનાં બે શિંગડાં પણ મળી આવ્યાં છે.

જોરદાર અંગ્રેજી, બૉડી લૅન્ગ્વેજ અને એકલા રહેવું

આખરે મનીષકુમારે આટલી સરળતાથી આ છેતરપિંડી કેવી રીતે આચરી?

આ સવાલ અંગે સ્થાનિક પત્રકાર રણવીરકુમાર કહે છે કે તેના પિતા પરમેશ્વરપ્રસાદ ગુપ્તા સ્થાનિક કેડીએસ કૉલેજમાં ભણાવતા હતા. તેમણે પહેલાં પણ કેટલીક મિલકત બનાવી હતી.

મનીષના ઘરે આવેલો મસમોટો બગીચો, એક જમાનામાં ખેતર હતું. લગભગ છ વર્ષ પહેલાં મનીષે ખેતરને ગાર્ડનમાં પલટાવી દીધું અને આલેશાન ઘર બનાવડાવાનું શરૂ કર્યું.

તેમણે આગળ કહ્યું, "ઘરની બહાર બે ચોકીદાર હંમેશાં સિક્યૉરિટી ગાર્ડની માફક બેસતા અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશતા રોકતા. મનીષ એકલો રહેતો હતો અને એ કોઈને મળતોય નહોતો. તેના પાડોશી કહે છે કે તે દસમા ધોરણની પરીક્ષામાં ખગડિયામાં પ્રથમ ક્રમે આવ્યો હતો, પરંતુ આ વાતની પુષ્ટિ નથી થઈ શકી."

મનીષનાં લગ્ન નથી થયાં.

એસડીપીઓ ચંદનકુમાર જણાવે છે કે, "મનીષે થોડાં વર્ષ સુધી યુપીએસસીની તૈયારી કરી હતી અને જબરદસ્ત અંગ્રેજી પણ બોલતો હતો, તેથી કોઈનેય શંકા ન ગઈ કે એ આઇએએસ નથી."

એસપી ભાનુપ્રતાપસિંહ પણ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે, "મનીષ પાછલાં આઠ-દસ વર્ષોથી આઇએએસ હોવાનો દાવો કરી રહ્યો હતો, પરંતુ એ કાયદાની પહોંચથી બચેલો રહ્યો."

તેણે કહ્યું, "તેણે પોતાની બૉડી લૅન્ગ્વેજ એ પ્રકારે ડેવલપ કરી હતી કે એ કોઈ અધિકારી જેવો જ લાગતો હતો."

પોલીસ રિમાન્ડનો ઇંતેજાર

9 ઑગસ્ટના રોજ દાખલ કરાયેલી એક એફઆઇઆરમાં બીએનએસની કલમ 204, 205, 212, 213, 318 (2), 319 (2), 336 (3), 340 (2) અંતર્ગત કેસ દાખલ છે.

સાથે જ જમ્મુ અને કાશ્મીર વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1978ની કલમ 51 પણ લગાવાઈ છે.

આ ઉપરાતં ઘરેથી મળી આવેલા દારૂ અંગે અલગ એફઆઇઆર દાખલ કરાઈ છે.

બીએનએસની જે કલમો અંતર્ગત આ કેસ દાખલ કરાયો છે એ મુખ્યત્વે લોકસેવકનું રૂપ ધારણ કરવા, કોઈ પ્રતીકનો કપટપૂર્ણ ઇરાદા સાથે ઉપયોગ કરવા અને છેતરપિંડી સાથે સંકળાયેલી છે.

મનીષકુમાર હાલ મંડલ કારા ખગડિયામાં બંધ છે.

ગોગરીના એસડીપીઓ ચંદનકુમારે બીબીસીને જણાવ્યું કે, "આ મામલામાં આર્થિક અપરાધ એકમ (ઇઓયુ)ની એક ટીમ રાઉન્ડ મારી ચૂકી છે. અમને હજુ સુધી મનીષ ગુપ્તાના રિમાન્ડ નથી મળ્યા. અમને આશા છે કે સોમવાર સુધી રિમાન્ડ મળી જશે."

બીબીસીએ એસપી ભાનુપ્રતાપસિંહનો ફોન મારફતે સંપર્ક કર્યો, પરંતુ વાત ન થઈ શકી. તેમણે વૉટ્સઍપ મૅસેજનો પણ જવાબ ન આપ્યો.

વિદેશમાં પણ હઈ શકે છે સંપત્તિ

પોલીસ પ્રમાણે, "મનીષકુમાર બિહારના જુદા જુદા જિલ્લામાં છેતરપિંડી કરતો. પોલીસ મનીષકુમારની સંપત્તિનું મૂલ્યાંકન કરી રહી છે."

જોકે, ઘણાં મીડિયા સંસ્થાનોના અહેવાલ અનુસાર મનીષકુમાર પાસે 100 કરોડ રૂપિયાની સંપત્તિ છે, પરંતુ આ વાતની પુષ્ટિ નથી કરી શકાઈ.

ખગડિયા એસપી ભાનુપ્રતાપસિંહે મનીષકુમારની ધરપકડ બાદ કહેલું, "સામાન્યપણે ટેસ્લા જેવી ગાડી નથી મળતી. અમે આ કેસમાં ઘણી એજન્સીઓ જેમ કે, ઇઓયુ (આર્થિક અપરાધ એકમ)ની પણ મદદ લઈ રહ્યા છીએ."

તેમણે આગળ જણાવ્યું કે મનીષ ગુપ્તાની સંપત્તિનું મૂલ્યાંકન થઈ રહ્યું છે અને એની પણ તપાસ થઈ રહી છે કે તેણે આ સંપત્તિ કેવી રીતે બનાવી છે.

"આ મામલામાં ફાઇનાન્સિયલ ફ્રૉડની સાથોસાથ લોકોને ડરાવાયા-ધમકાવાયા પણ છે."

સાથે જ તેમણે કહ્યું, "અમને માહિતી મળી છે કે મનીષની બિહારની સાથોસાથ વિદેશોમાં પણ સંપત્તિ છે. જેની તપાસ કરાઈ રહી છે. આ મામલામાં હજુ વધુ ધરપકડ થઈ શકે છે. આ મામલાની તપાસ ઊંચા સ્તરે કરાઈ રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન