You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક ઍટમ બૉમ્બ, એક પ્લેન ને એક શહેર ખતમ : અણુબૉમ્બ બનાવનારે 30 વર્ષ બાદ શું જણાવ્યું?
- લેેખક, ફિયોના મૅકડોનાલ્ડ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
જાપાનના નાગાસાકી શહેર પર 9 ઑગસ્ટ 1945ના રોજ પ્લુટોનિયમ બૉમ્બ ફેંકવામાં આવ્યો અને એ સાથે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ ઘટનાનાં 30 વર્ષ પછી બીબીસીને આપેલી એક મુલાકાતમાં, બૉમ્બને તૈયાર કરવામાં મદદ કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી ફિલિપ મોરિસને ખુલાસો કર્યો કે આ વિસ્ફોટને કેમ રોકી શકાયો નહોતો — અને આવા વધુ બૉમ્બમારાનાં શાં આયોજન હતાં.
"એ માનવજાત પ્રત્યેની દરકાર ન હોવાનું પરિણામ નહોતું — ઊલટું, માનવજાતની દરકારમાંથી જ એ થયું હતું. કદાચ એ જ અમારી ભૂલ હતી."
નાગાસાકી પર, 9 ઑગસ્ટ 1945ના થયેલા અણુબૉમ્બ હુમલામાં ભાગ લીધાના ત્રીસ વર્ષ પછી, અમેરિકન ભૌતિકશાસ્ત્રી ફિલિપ મોરિસને બીબીસી સાથેની મુલાકાતમાં આ સમગ્ર ઘટનાક્રમ અંગે નિખાલસતાથી વાત કરી. અણુવિસ્ફોટ પહેલાંના દિવસો અને સપ્તાહોમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા હતા, એ તેમણે વિગતવાર જણાવ્યું.
મેનહટન પ્રોજેક્ટમાં મોરિસને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પહેલવહેલાં અણુશસ્ત્ર વિકસાવવા માટેનો મિત્રરાષ્ટ્રોનો આ અતિશય ગુપ્ત કાર્યક્રમ હતો. મોરિસન લોસ એલામોસની પ્રયોગશાળામાં કામ કરતા હતા. આ પ્રયોગશાળાનું સંચાલન તેમના ભૂતપૂર્વ શિક્ષક જે. રૉબર્ટ ઓપનહાઇમર કરતા હતા.
પ્રથમ અણુબૉમ્બના, 16 જુલાઈ 1945ના રોજ થયેલા ટ્રિનિટી પરીક્ષણ વખતે મોરિસન ત્યાં ઉપસ્થિત હતા. તેઓ પ્લુટોનિયમનો મુખ્ય ભાગ પોતાના ખોળામાં લઈને ન્યૂ મેક્સિકો સુધી કારમાં ગયા હતા. ત્યાર પછી તેઓ સાઇપાનની દક્ષિણે આવેલા ટિનિયન નામના નાના ટાપુ પર ગયા. અહીં તેમણે નાગાસાકી પર ફેંકવામાં આવેલા 'ફૅટ મૅન' નામના પ્લુટોનિયમ બૉમ્બને તૈયાર કરવામાં મદદ કરી. હિરોશિમા પર 9 ઑગસ્ટના રોજ બોમ્બ ફેંકાયાના માત્ર ત્રણ દિવસ પછી, તેને બી-29 વિમાનમાં ચઢાવવાની કામગીરીની તેમણે દેખરેખ રાખી હતી.
ટિનિયન ટાપુ પર જ અમેરિકન દળોએ મોરિસનના શબ્દોમાં કહીએ તો, "વિશ્વનું સૌથી મોટું હવાઈમથક" બનાવ્યું હતું. સેનેટની સમિતિ સમક્ષ ડિસેમ્બર 1945માં તેમણે આપેલી પોતાની જુબાનીમાં કહ્યું હતું: "પરવાળાના એક વિશાળ ખડકને અડધો સમતળ કરીને ખરબચડા મેદાનને પૂરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો અને છ રનવે બનાવવામાં આવ્યા… દરેક લગભગ બે માઈલ લાંબો હતો."
વિનાશનું વ્યાપક પ્રમાણ
પોતાની જુબાનીમાં મોરિસને જાપાનનાં શહેરો પર આગ લગાડનારા બૉમ્બ વડે કરવામાં આવતા હુમલાની તૈયારીઓનો વ્યાપ પણ વર્ણવ્યો હતો.
તેમણે કહ્યું હતું: "દરરોજ બંદર પર હજારો ટન વિમાની ઈંધણ ભરેલી ટેન્કરો આવીને ઊભી રહેતી... વિશાળ રનવે પરથી મહાકાય વિમાનો દોડતાં… દર 15 સેકન્ડે એક બી-29 વિમાન હવામાં ઊડતું. આ સિલસિલો દોઢ કલાક સુધી ચાલતો રહેતો… હજાર બી-29 વિમાનો વારંવાર હુમલા કરતાં અને એક જ હવાઈ હુમલામાં શહેરના અનેક ચોરસ માઈલ વિસ્તારને બાળીને ખાક કરી દેતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ તેમણે કહ્યું, "અણુબૉમ્બની વાત જ જુદી હતી."
"આગ લગાડનારા બૉમ્બથી ભરેલાં જહાજોની લાંબી કતાર નહોતી. દારૂગોળો સંભાળતા માણસોની મોટી ટુકડી કે બૉમ્બના વિશાળ ભંડારોને બદલે ત્યાં લોસ એલામોસના લગભગ 25 લોકો હતા. કોરુગેટેડ સ્ટીલની બનેલી કેટલીક ક્વોન્સેટ શેડને પરીક્ષણ-પ્રયોગશાળાઓમાં તબદીલ કરવામાં આવ્યા હતાં અને એક ઇમારતને સુરક્ષિત કરી દેવામાં આવી હતી. હુમલો કરવા માટેનું વિમાન મધરાત પછી ઊડ્યું. આખું હવાઈમથક સૂમસામ હતું… એક જ વિમાન રનવે પર ઘૂઘવાટા કરતું દોડ્યું, હવામાં ઊડ્યું અને દુશ્મનનાં શહેરો તરફ રવાના થયું."
"આગ લગાડનારાં બૉમ્બથી ભરેલાં જહાજોના કાફલા નહોતા. બૉમ્બ અને દારૂગોળો સંભાળનારા માણસો કે એના ભંડારોને બદલે ત્યાં લોસ એલામોસના લગભગ 25 લોકો હતા. પરીક્ષણ માટેની પ્રયોગશાળાઓમાં ફેરવાયેલી લહેરિયાં સ્ટીલની બનેલી કેટલીક ક્વોન્સેટ ઝૂંપડીઓ હતી અને એક કિલ્લેબંધી કરાયેલી ઇમારત હતી. હુમલા માટેનું વિમાન મધરાત પછી ઊડ્યું. આખું હવાઈમથક સૂમસામ હતું… પછી એક જ વિમાન રનવે પર ગર્જના કરતું આગળ વધ્યું, ઊડ્યું અને દુશ્મનનાં શહેરો તરફ રવાના થયું."
અંદાજો જુદા જુદા છે. જો કે, એમ મનાય છે કે બૉમ્બ ફાટતાં જ નાગાસાકીમાં લગભગ 40,000 લોકો માર્યા ગયા હતા. ત્યાર પછીનાં પાંચ વર્ષમાં બૉમ્બમારાની અસરથી સીધી રીતે 1,00,000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં. હિરોશિમામાં ઓછામાં ઓછા 80,000 લોકો તરત જ માર્યા ગયા હતા. ગંભીર દાઝવા, ઈજાઓ અને તીવ્ર કિરણોત્સર્ગને કારણે થયેલી બીમારીથી ત્યાંનો કુલ મૃત્યુઆંક વધીને આશરે 1,40,000 થયો હતો.
પછી મોરિસને સત્તાવાર વૈજ્ઞાનિક નુકસાન-આકલન ટીમના સભ્ય તરીકે જાપાનનાં બંને શહેરોમાં થયેલા વિનાશનો અભ્યાસ કર્યો હતો. હિરોશિમાની એક ઘટના તેમને ખાસ યાદ રહી ગઈ હતી. "એક જાપાની અધિકારી કાટમાળ વચ્ચે ઊભા રહીને અમને કહેતા હતા: 'આ બધું એક જ બૉમ્બથી થયું છે; આ અસહ્ય છે.' એક જ વિમાન અને એક જ બૉમ્બે શહેરના અનેક ચોરસ માઈલ વિસ્તારને તબાહ કરી નાખ્યો હતો. 1,000 વિમાનોના હુમલાની સરખામણીએ આ વિનાશ સંપૂર્ણ હતો. તેમાંથી બચી જવાની કે પ્રતિકાર કરવાની શક્યતા પણ એટલી જ ઓછી હતી."
છતાં, મોરિસન ઇચ્છતા હતા કે અણુબૉમ્બનો યુદ્ધમાં ઉપયોગ કરવાની નોબત ન આવે. લોસ એલામોસના કેટલાક યુવાન ભૌતિકશાસ્ત્રીઓના જૂથની આગેવાની કરતાં તેમણે જાપાનમાં બૉમ્બનો ઉપયોગ કરતાં પહેલાં તેનું જાહેર નિદર્શન કરવાની હિમાયત કરી હતી.
બીબીસીના મેલ્વિન બ્રૅગ સાથેની વાતચીતમાં 1975માં મોરિસને કહ્યું હતું કે પોતે "આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળને રણમાં આમંત્રિત કરવા" માગતા હતા. ટિનિયન ટાપુ પર "ફૅટ મૅન" બૉમ્બ તૈયાર કરાવવાની દેખરેખ રાખતા મોરિસનની ઉંમર ત્યારે 30 વર્ષની હતી. તેમણે ઉમેર્યું, "પણ યુદ્ધની પરિસ્થિતિમાં એવી આશા રાખવી દિવાસ્વપ્ન સમાન હતું."
'અટકાવી ન શકાય એવી ગતિ'
નાઝીઓની હાર નિશ્ચિત બની રહી હતી ત્યારે પણ, મોરિસનને લાગતું હતું કે અણુબૉમ્બ બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી ગતિ પકડી ચૂકી હતી, જેને હવે અટકાવવી મુશ્કેલ હતી. તેમણે કહ્યું, "યુદ્ધ હજી ચાલી રહ્યું હતું. પેસિફિકમાં અમે એક ભીષણ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હતા… એટલે તેને અટકાવવું અશક્ય હતું."
મોરિસન માનતા હતા કે આ પરિસ્થિતિને બદલી શકે એવી એક માત્ર વ્યક્તિ અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટ હતા. એપ્રિલ, 1945માં તેમનું અવસાન થયું હતું.
"મને લાગે છે કે અમેરિકન નીતિમાં મોટો ફેરફાર લાવવાની એક માત્ર તક રૂઝવેલ્ટ જીવતા રહ્યા હોત તો હતી… બૉમ્બ બનાવવાનું ચાલી રહ્યું હતું ત્યારે જ તેમનું મૃત્યુ થયું. બૉમ્બ ખરેખર કામ કરશે કે નહીં તેની અમને ખાતરી થઈ નહોતી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ નક્કી થયું નહોતું," મોરિસને કહ્યું.
"મને લાગે છે કે, આ ભયાનક ગતિને અટકાવી શકે એટલી પ્રતિષ્ઠા અને સરકારમાં પૂરતું વજન ધરાવનાર એક માત્ર વ્યક્તિ તેઓ જ હતા," તેમણે કહ્યું.
હેરી એસ. ટ્રુમૅન પ્રમુખ બન્યા ત્યારે તેમને આ પ્રોજેક્ટ વિશે કશી જાણકારી સુધ્ધાં નહોતી. પ્રમુખપદના શપથ લીધાના થોડા કલાકોમાં જ તેમને તેની જાણ થઈ. ત્રણ મહિનાથી થોડા વધુ સમય પછી તેઓ અણુબૉમ્બ ફેંકવાનો આદેશ આપવાના હતા.
"નિર્ણય તેમણે લીધો એ ખરું, પણ મને લાગે છે કે એમ કહેવું યોગ્ય રહેશે કે આખરે એ નિર્ણય જ તેમને પોતાની તરફ દોરી લાવ્યો," મોરિસને કહ્યું. "આટલાં વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયાને બદલીને તેને અટકાવવાનું પગલું તેમના માટે ખરેખર ઘણી હિંમતનું કામ હોત… પણ રૂઝવેલ્ટના મૃત્યુ સાથે એ તક લગભગ પૂરી થઈ ગઈ હતી."
મોરિસનના મતે, એક પછી એક બે અણુબોમ્બ ફેંકવાનો નિર્ણય પણ આવી જ, અટકાવી ન શકાય એવી ગતિનું પરિણામ હતો. "પહેલાં એક અને પછી બીજો બૉમ્બ એમ અલગ-અલગ રીતે વિચારવામાં નહોતા આવ્યા. કમાન્ડરોને જે આદેશ આપવામાં આવ્યો હતો તે હતો: 'પહેલો બૉમ્બ ફેંકો અને ત્યાર પછી બને એટલો જલ્દી બીજો બૉમ્બ પણ ફેંકો.'
તેમણે કહ્યું, "વૉશિંગ્ટનમાં બેઠેલા કોઈ મજબૂત નેતાએ પહેલો બૉમ્બ ફેંકાયા પછી તેની ભયાનક અસર જોઈને કહેવું પડત, 'હવે બીજા બૉમ્બ માટે થોડી રાહ જોઈએ.' એ માટે ઉચ્ચ સ્તરે નિર્ણય લેવાની દૃષ્ટિ જોઈએ. વ્યવસ્થાની એકબીજા સાથે જોડાયેલી જટિલ કડીઓ સુધી પહોંચીને યોગ્ય જનરલોને યોગ્ય આદેશ પહોંચાડવાની ક્ષમતા પણ જોઈએ."
આમ બે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા — અને એ પછી વધુ બોમ્બ ફેંકવાની પણ યોજના હતી, મોરિસને જણાવ્યું. તેમણે બ્રૅગને કહેલું, "મૂળ નિર્ણય એવો હતો કે જરૂર પડે તો એક વર્ષ સુધી આ બોમ્બ ફેંકતા રહેવું… મને એ માટેની યોજના તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. મારી પાસે યોજના હતી, સમગ્ર વ્યવસ્થા અને સમયપત્રક તૈયાર હતું, મારું સ્થાન સંભાળે એવો એક માણસ પણ નક્કી હતો અને મારી આવનજાવન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી."
પણ બોમ્બમારા પછીનું ભયાનક દૃશ્ય જોયા પછી મોરિસન અને લોસ એલામોસના બીજા વિજ્ઞાનીઓ આ કામ કેટલો સમય ચાલુ રાખી શક્યા હોત, એ ચોક્કસપણે કહી શકાય એમ નથી. તેમણે બ્રૅગને કહ્યું, "ટૂંકા ગાળાની અસરોથી લઈને… લાંબા ગાળાની ભયાનક અસરો સુધીની બધી બાબતોની અમને બૌદ્ધિક રીતે સારી એવી જાણ હતી. પણ એ જાણકારી અમે કેવળ પુસ્તક વાંચીને અને આંકડા જોઈને મેળવી હતી. આંકડા… અને જીવંત વાસ્તવિકતા, મૃત્યુ પામતી વાસ્તવિકતા, પોતાની સગી આંખે નિહાળવા વચ્ચે બહુ મોટો ફરક છે — આપણા સૌ માટે, સમગ્ર વિશ્વ માટે. એટલે મને લાગે છે કે અમે એ બધું જાણતા તો હતા, પણ એનો અનુભવ નહોતો કર્યો."
હિરોશિમા પર બોમ્બ ફેંકવામાં આવ્યો એ રાત્રે પેસિફિકના ટાપુ પરના લશ્કરી થાણે લોકોની પ્રતિક્રિયા પણ તેમને યાદ હતી. "એ રાત્રે મોટી ઉજવણી થઈ હતી, પણ મોટા ભાગના વિજ્ઞાનીઓ તેમાં જોડાયા નહોતા. હવાઈદળના લોકો અને સૈનિકોએ શરાબ પીધો. તેમને લાગતું હતું કે યુદ્ધ હવે ખતમ થવા આવ્યું છે. લાગતું હતું એ એક મોટા વિજય જેવું છે." જો કે, મોરિસનને યાદ હતું કે વિજ્ઞાનીઓના ચહેરા ઊતરેલા હતા અને તેઓ વિચારતા હતા… દુનિયાના અંત વિશે."
પણ અણુબોમ્બ ફેંકવાના દિવસો પહેલાં મોરિસનને મેનહટન પ્રોજેક્ટમાંથી ખસી જવા જેવું લાગ્યું નહોતું. "આનો સખત અને મક્કમ વિરોધ કરવા છતાં, હું આનાથી જુદું શું કરી શક્યો હોત એ મને સમજાતું નથી. મેં કદી અટકવાનું વિચાર્યું જ નહોતું."
નાઝીઓની હાર પહેલાં અણુબોમ્બ તૈયાર થઈ ગયો હોત, તો મિત્રરાષ્ટ્રોએ બર્લિન પર અણુબોમ્બ ફેંક્યો હોત કે કેમ. આમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું, "ઓહ, ચોક્કસ. પળવારમાં…" મોરિસને કહ્યું, "અમને સૌથી મોટો ભય જર્મનોનો હતો અને તેઓ અમારા દુશ્મન હતા."
યુદ્ધ પછી મોરિસન મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં પ્રોફેસર બન્યા અને અણુશસ્ત્રોના પ્રસાર સામે ઝુંબેશ ચલાવવા લાગ્યા. તેઓ "ત્રીજો બોમ્બ નહીં" આંદોલનની અગ્ર હરોળમાં હતા. સેનેટ સમક્ષ 1945માં આપેલી પોતાની જુબાનીમાં તેમણે કહ્યું હતું, "પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મોટા ભાગના વિજ્ઞાનીઓની જેમ, હું પણ સંપૂર્ણપણે માનું છું કે બીજું કોઈ યુદ્ધ થવા દેવું જોઈએ નહીં — આમ કહેવાની પણ જરૂર નથી."
અને મોરિસન માનતા હતા કે મિત્રરાષ્ટ્રોએ એક કામ ખાસ કરવું જોઈતું હતું. તેમણે કહ્યું, "હું દૃઢપણે માનું છું કે યોગ્ય ચેતવણી આપવી જોઈતી હતી. પાછું વળીને જોતાં, યોગ્ય અને પૂરતી ચેતવણી ન આપવા માટેનું કોઈ યોગ્ય કારણ દેખાતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન