'મરણપથારીએ પડેલા પિતાનું સપનું સાકાર કરવા તરતી કારમાં ઍટલાન્ટિક પાર કર્યો', દરિયામાં ચાર મહિના કેવી રીતે પસાર કર્યા?

    • લેેખક, વિબેકે વેનેમા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

17 ઓગસ્ટ 1999ના રોજ બાર્બાડોસથી 1200 કિલોમીટર દૂર એટલાન્ટિક મહાસાગરમાંથી પસાર થઈ રહેલા એક તેલવાહક જહાજને એક વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું. ફોક્સવેગન પાસાટ અને ફોર્ડ ટોનસ નામની બે નાનકડી કાર દરિયામાં તરી રહી હતી અને તેની ઉપર ઇટાલીના બે યુવાનો બેઠા હતા.

23 વર્ષના માર્કો અમોરેટી અને 21 વર્ષના માર્કો ડે કેન્ડિયા નામના આ બંને મિત્રો લગભગ ચાર મહિના પહેલાં કેનેરી ટાપુઓના લા પાલ્માથી પોતાની સફરે નીકળ્યા હતા.

અમોરેટી કહે છે, "જહાજના કેપ્ટન જાણવા માગતા હતા કે અમે કયા પ્રકારના વાહનમાં મુસાફરી કરી રહ્યા છીએ. અમને સમજાયું નહીં કે તેમને શું જવાબ આપવો. શું તેઓ અમારી કારની નંબરપ્લેટ જાણવા માગતા હતા?"

જહાજના ચાલકદળે તેમને થોડું પાણી અને ફળ આપ્યાં. તે લઈને પછી બંને મિત્રો ખુશીથી પોતાની સફરે આગળ વધ્યા.

પિતાનું સપનું અને સાહસી સફરની શરૂઆત

કારમાં એટલાન્ટિક મહાસાગર પાર કરવાનું માર્કો અમોરેટીના પિતા જ્યૉર્જિયોનું વર્ષો જૂનું સપનું હતું.

સાહસિક પ્રવાસી અને ફોટો-જર્નાલિસ્ટ જ્યોર્જિયો અમોરેટીની અવનવી અને અકલ્પનીય સાહસયાત્રાઓ વિશે વિશ્વભરનાં સામયિકોમાં લખાતું હતું. જેમ કે, કાર સાથે બાંધેલા પેરાશૂટથી સહારા રણ પાર કરવું. બાળપણમાં માર્કોને તેના પિતા કોઈ મહાનાયક જેવા લાગતા હતા.

પણ હવે જ્યૉર્જિયો મૃત્યુની નજીક હતા અને તેમનું અંતિમ સપનું સાકાર કરવાની માર્કો પાસે આ છેલ્લી તક હતી.

ઇટાલીમાં જ્યૉર્જિયો પ્રચલિત માન્યતાઓથી સાવ જુદા વિચારોને કારણે અવારનવાર સમાચારોમાં રહેતા.

તેમણે પોતાનાં છ સંતાનોને શાળાએ મોકલવાને બદલે ઘરે જ શિક્ષણ આપ્યું હતું.

એટલું જ નહીં, તેમણે સત્તાવાર રીતે 'ગૃહ-પતિ' તરીકે નોંધણી કરાવવા માટે પણ લડત ચલાવી હતી.

એ સમયે આ બંને વિચારો તદ્દન નવા હતા. તેમનું એવું પણ કહેવું હતું કે ઘરે રહીને સંતાનોની સંભાળ રાખતી માતાઓને સરકારે મહેનતાણું આપવું જોઈએ.

પોતાનાં અવનવાં અને તરંગી સાહસોને કારણે અખબારો અને સામયિકોમાં મળતી પ્રસિદ્ધિનો ઉપયોગ જ્યૉર્જિયો સામાજિક મુદ્દાઓ પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે કરતા.

ઘરે રહીને બાળકોની સંભાળ રાખતી માતાઓને મહેનતાણું મળવું જોઈએ, એ માગણીના પ્રચાર માટે તેમણે તરતી કારમાં ઍટલાન્ટિક મહાસાગર પાર કરવાની યોજના બનાવી હતી.

જૂની ખરીદેલી કારને દરિયામાં ચાલી શકે એવી બનાવવા માટે તેમણે વર્ષો સુધી મહેનત કરી.

માર્કો અમોરેટી બાળપણથી જ પોતાના પિતાને ઘરના બગીચામાં એ કારનો નમૂનો તૈયાર કરતા જોતા મોટા થયા હતા.

માર્કો કહે છે, "એ કાર કોઈ કાલ્પનિક કથાના પાત્ર જેવી લાગતી હતી. એ અમારું સપનું હતી."

1978માં જ્યૉર્જિયોએ કેનેરી ટાપુઓ પરથી આ 'દરિયાઈ કાર'ને પાણીમાં ઉતારવાનો પહેલો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓએ તેમને અટકાવી દીધા.

ત્યાર બાદ 1988માં તેમણે ફ્રાન્સની કેનાલ ડુ મિડીમાં આ કાર હંકારી હતી.

તેમનું આખરી લક્ષ્ય તો ઍટલાન્ટિક મહાસાગર પાર કરવાનું જ હતું, પરંતુ એ માટે જરૂરી પૈસા એકઠાં કરી શક્યા નહીં.

પછી નવેમ્બર 1998માં જ્યૉર્જિયોને કૅન્સર હોવાનું નિદાન થયું અને ડૉક્ટરોએ જણાવ્યું કે હવે તેમની પાસે જીવવા માટે માત્ર થોડાક જ મહિના બાકી છે.

આ વાતે તેમના પુત્રો માર્કો, મૌરો અને ફાબિયોને પિતાનું અંતિમ સપનું સાકાર કરવાની પ્રેરણા આપી.

તેમણે તરત જ જૂની ખરીદેલી બે કારને તૈયાર કરવાનું શરૂ કર્યું. કારમાં ધાતુના તળિયાં, સઢના થાંભલા અને સૌરઊર્જાથી ચાલતો સેટેલાઇટ ફોન લગાવવામાં આવ્યાં.

માર્કો અમોરેટી કહે છે, "કારમાં અમે જે ફેરફાર કર્યા એ માર્ગપરિવહનના નિયમો મુજબ કાયદેસર છે કે નહીં, એની અમને ખાતરી નહોતી. એટલે અમે શક્ય એટલા ફેરફારો છુપાવી રાખ્યા."

તેઓ કાર હંકારીને કેનેરી ટાપુઓ સુધી લઈ ગયા.

ત્યાં તેમને એક નિર્જન સ્થળ મળ્યું, જ્યાં તેમણે કારમાં છેલ્લાં જરૂરી ફેરફાર કર્યા. કાર પાણીમાં તરી શકે એ માટે તેમાં ફૂલીને વિસ્તરતા પોલિયુરિથેન ફોમ ભરવામાં આવ્યા.

સાથે ખોરાક, પાણી અને એક નાનકડી હોડી પણ રાખવામાં આવી. આ હોડીની છત પર સૂવા માટે તંબુ સાથે બાંધી દીધી.

જ્યૉર્જિયોને આશા હતી કે તેઓ પણ પુત્રો સાથે એટલાન્ટિક મહાસાગર પાર કરવાની આ સફરમાં જોડાશે.

પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેમણે પોતાની જગ્યા પરિવારના એક મિત્ર માર્કો ડે કેન્ડિયાને આપી. ડે કેન્ડિયાએ સફર માટે કાર તૈયાર કરવામાં પણ તેમની મદદ કરી હતી.

જ્યૉર્જિયોએ તેને કહ્યું, "તું યુવાન છે. હવે મારો આ પ્રોજેક્ટ તું સંભાળી લે. આને મારી તરફથી તને મળેલી ભેટ સમજજે."

અંતે દરિયામાં કારને કેવી રીતે ઉતારવામાં આવી

4 મે 1999ના રોજ રાતના અંધકારમાં ચારેય સાહસિકોએ લા પાલ્માના છેક દક્ષિણ છેડે આવેલા ફારો ડે ફુએનકાલિએન્ટેથી કારને દરિયામાં ઉતારી.

આંતરરાષ્ટ્રીય જળસીમા સુધી પહોંચવા માટે તેમણે નાનાં આઉટબોર્ડ એન્જિનનો ઉપયોગ કર્યો.

એન્જિનનું ઈંધણ ખૂટી ગયા પછી તેઓ પવન અને દરિયાઈ પ્રવાહ કારને આગળ લઈ જાય એની રાહ જોવા લાગ્યા.

દરિયામાં પહેલી રાતે આશા અને ઉત્સાહથી ભરેલા ચારેય જણે ચંદ્રને આથમતો જોયો. પરંતુ કાર દરિયાઈ પ્રવાહ પકડી શકી નહીં.

11 દિવસ સુધી તેઓ ગોળ ગોળ ચક્કર કાપતા દરિયામાં ભટકતા રહ્યા.

દરિયાઈ સફરને કારણે અસ્વસ્થ થઈ ગયેલા અને થાકીને લોથપોથ થઈ ગયેલા ફાબિયો અને મૌરોને આખરે હેલિકૉપ્ટરથી બચાવી લેવામાં આવ્યા.

બંને માર્કો પોતપોતાની કારમાં આગળ વધ્યા. પવનનો સહારો લેવા માટે તેમણે સઢ ચડાવ્યા અને પછી તેમની સફર આગળ વધવા લાગી.

દરિયામાં પહેલો મહિનો તેમના માટે ઘણો કઠિન રહ્યો.

તેમણે આકરા તડકા, ખારા પાણી, કારની સતત હલનચલન અને ક્યારેય ન અટકતા ઘોંઘાટ સાથે ટેવાવું પડ્યું. બંને કારને એકબીજા સાથે જોડતાં દોરડાં વારંવાર તૂટી જતાં અને તેમને ફરી બાંધવાં પડતાં.

ડે કેન્ડિયા કહે છે, "બીજા મહિના સુધીમાં દરિયો અમને એવો હરીફ લાગતો બંધ થઈ ગયો હતો, જેની સામે અમારે સતત લડવું પડે."

"અમે જાણે એક જુદી જ દુનિયામાં પ્રવેશી ગયા અને પાણીથી બનેલા એ વિશ્વનો હિસ્સો બની ગયા. અમે એ ભૂરા વિશ્વમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ ગયા હતા."

તેઓ પોતાના દિવસો કારનું સમારકામ, માછીમારી, રસોઈ, સંગીત સાંભળવામાં અને પોતાની રોજનીશીમાં સફરના અનુભવો લખવામાં વિતાવતા.

જ્યૉર્જિયોએ જણાવેલી જીવન ટકાવી રાખવાની વિવિધ રીતોનો પણ તેઓ પ્રયોગ કરતા.

વિટામિન 'સી'નો સ્રોત ગણાતા પ્લવકો પકડવા માટે તેમણે મહિલાઓનાં લાંબાં મોજાંનો ઉપયોગ કરીને માછીમારી પણ કરી હતી.

એક સાંજે અમોરેટી તરતાં તરતાં પોતાની કાર તરફ પાછા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ડે કેન્ડિયાએ એક વિશાળ શાર્ક તેમની તરફ આવતી જોઈ. એ દિવસથી બંનેએ નક્કી કર્યું કે જ્યારે એક જણ પાણીમાં તરતો હોય ત્યારે બીજો સતત ચોકી રાખશે.

બંને જણ દરરોજ પોતાના પરિવાર સાથે વાત કરવા ઘરે ફોન કરતા. પરિવારજનો તેમની સફરની ખબર પત્રકારો સુધી પહોંચાડતા. એક પત્રકારે તેમને 'ઑટોનૉટી' નામ આપ્યું. આ નામનો અર્થ કારમાં બેસીને નવી સીમાઓ શોધતા અવકાશયાત્રીઓ એવો થતો હતો.

પરંતુ 25 મેના રોજ તેમનો સૅટેલાઇટ ફોન બંધ પડી ગયો.

દરિયામાં રહેલા બંને યુવાનોને એનાથી જાણે મુક્તિ મળી હોય એવું લાગ્યું.

અમોરેટી કહે છે, "દરરોજ ઘરે ફોન કરવો લગભગ એક અડચણ જેવું લાગતું હતું. જાણે ટેકનૉલૉજીના આગમન પહેલાં લોકો જે રીતે સાહસનો સાચો અનુભવ કરતા હતા, એ રીતે મને આ સાહસ માણવા મળતું નહોતું."

બીજી તરફ ઇટાલીમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમના મિત્રો અને પરિવારજનોને લાગ્યું કે બંનેનાં મૃત્યુ થઈ ગયાં છે.

માર્કો અમોરેટીની માતા સેરેનેલા વિયાનેલો ખૂબ ચિંતિત હતાં, પરંતુ જ્યૉર્જિયોએ ગુસ્સે થઈને તેમને શંકા કરવાનું બંધ કરવા કહ્યું.

તેમણે બીમારીની પથારી પરથી બૂમ પાડતાં કહ્યું, "તું પણ બીજા બધા જેવી જ છે. મને ખબર છે કે આ કારના ટુકડેટુકડા કરી નાખવામાં આવે તો પણ એ પાણી પર તરતી રહેશે!"

સેરેનેલા કહે છે, "જ્યૉર્જિયો સાથે રહેવું હોય તો કાં તો તમારે તેમની ટેન્ક પર ચડી જવું પડે અથવા એ ટેન્કની નીચે કચડાઈ જવું પડે. એટલે મારે વિશ્વાસ રાખવો જ પડ્યો. કંઈ પણ બની શકે છે એ વાત મેં સ્વીકારી લીધી હતી."

દરિયાથી ઘર સુધીનો સંપર્ક કેવી રીતે થતો હતો?

સેરેનેલાની મુશ્કેલીઓ વધી ગઈ. કેટલાક પત્રકારોને શંકા ગઈ કે આ બધું માત્ર એક છેતરપિંડી છે.

તો કેટલાકે કોઈ પણ પ્રકારની મદદ વિના યુવાનોને દરિયામાં મોકલવા બદલ પરિવારની ટીકા કરી.

સૅટેલાઇટ ફોન બંધ થયાના ત્રણ દિવસ પછી જ્યૉર્જિયોનું અવસાન થયું.

સેરેનેલા કહે છે, "એ એક વિચિત્ર સંયોગ હતો. જાણે જ્યૉર્જિયોના મૃત્યુ સાથે જ તેમની સંપર્ક જાળવી રાખવાની જરૂરિયાત પણ જાણે પૂરી થઈ ગઈ."

બીજી તરફ દરિયામાં અમોરેટી અને ડે કેન્ડિયાને જાણવા મળ્યું કે ફોનની સૌરઊર્જાથી ચાલતી બૅટરીમાં પાણી ભરાઈ ગયું હતું. સૌરપેનલ લઈને એક કારથી બીજી કાર સુધી તરીને તેઓ ફોનને બીજી કારની બૅટરી સાથે જોડવામાં સફળ થયા, પરંતુ એને ફરી ચાલુ કરવામાં કેટલાંક અઠવાડિયાં લાગી ગયાં.

એ દરમિયાન તેમણે બૂમો પાડીને અને સંકેત આપતી જ્વાળાઓનો ઉપયોગ કરીને ત્યાંથી પસાર થતાં જહાજોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

આખરે છ અઠવાડિયાં સુધી કોઈ સંપર્ક ન રહ્યા પછી તેઓ ઘરે ફોન કરવામાં સફળ થયા.

સેરેનેલાએ ફોન ઉપાડ્યો અને દીકરાનો અવાજ સાંભળ્યો ત્યારે તેમના આનંદનો પાર નહોતો. પરંતુ માર્કોને પિતાના અવસાનના સમાચાર આપ્યા નહીં.

તેમને ડર હતો કે આ સમાચારથી માર્કોને એટલો મોટો આઘાત લાગશે કે તે આગળની સફર ચાલુ નહીં રાખી શકે. માર્કોને કંઈક અઘટિત બન્યાની શંકા તો ગઈ, પરંતુ તેણે વધુ પૂછપરછ કરી નહીં.

40 દિવસની સફર લંબાઈ ગઈ, આખરે સપનું સાકાર થયું

ઑગસ્ટ સુધીમાં તેઓ કેરેબિયન દરિયાકાંઠાની નજીક પહોંચી ગયા હતા, પણ એક ઉષ્ણકટિબંધીય વાવાઝોડું તેમની તરફ આગળ વધી રહ્યું હતું.

તેમણે વાવાઝોડાની મોસમ શરૂ થાય એ પહેલાં જ ત્યાં પહોંચી જવાની યોજના બનાવી હતી, પરંતુ સફરનો સમય ગણવામાં તેમની મોટી ભૂલ થઈ હતી. જે પ્રવાસ 40 દિવસમાં પૂરો થઈ જશે એવું તેમણે ધાર્યું હતું, એમાં ચાર મહિના લાગી ગયા.

નજીકના માર્ટિનિક ટાપુના તટરક્ષક દળે તેમને આ સફર અધવચ્ચે છોડી દેવા કહ્યું, પરંતુ 'ઑટોનૉટી'એ ના પાડી દીધી.

અમોરેટી કહે છે, "અમને લાગતું હતું કે હવે અમે દરિયાના અનુભવી ખલાસીઓ બની ગયા છીએ. એટલે અમે બચાવદળની મદદ લેવાનો ઇનકાર કરી દીધો."

વાવાઝોડું ત્રાટક્યું ત્યારે તેમના પર મુશળધાર વરસાદ વરસ્યો અને પ્રચંડ પવન બધું જ ઉડાવી ગયો. તેમ છતાં, ભારે નુકસાન પામેલી કારો પાણી પર તરતી રહી.

અમોરેટી કહે છે, "ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં કેટલાં શક્તિશાળી હોઈ શકે છે એ વિશે આજે વિચારું છું ત્યારે ખરેખર એવું લાગે છે કે અમારા પર ઈશ્વરની કૃપા હતી."

સફર પૂરી થવાને થોડો જ સમય બાકી હતો ત્યારે સેરેનેલાએ પોતાના દીકરાને જ્યૉર્જિયોના અવસાનના સમાચાર આપ્યા.

ડે કેન્ડિયા કહે છે કે એ દિવસે દરિયો અચાનક વિચિત્ર રીતે શાંત થઈ ગયો હતો. "જે દરિયો એક ક્ષણ માટે સ્થિર રહી શકતો નહોતો, તેણે એ દિવસે શાંત રહેવાનું પસંદ કર્યું. અમને લાગ્યું કે હવે અમારી સામે બે જ વિકલ્પ છે, હાર માની લેવી અથવા આગળ વધવું."

ડે કેન્ડિયાએ પોતાની રોજનીશીમાં લખ્યું હતું, "મારા મિત્ર, તારે મજબૂત રહેવું પડશે. ઉદાસીના કળણમાં ડૂબી ન જતો. આ ઊંડાણો ઘેરા અને ઠંડા અને શાંત છે."

"તું અહીં ઉપર જ રહેજે. આપણે સાથે મળીને એક સપનું જીવી રહ્યા છીએ."

થોડા સમય પછી તેમને ક્ષિતિજ પર જમીન દેખાઈ, એ માર્ટિનિક હતું.

ડે કેન્ડિયા કહે છે, "ત્યાંનો ચમકતો લીલો રંગ, લગભગ ફ્લોરોસેન્ટ લીલો રંગ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એ લીલોતરી ત્યાં જીવન હોવાનો સંકેત આપી રહી હતી."

ત્યાર પછીનો આખો દિવસ અને રાત અત્યંત ધીમી ગતિએ કિનારા તરફ આગળ વધવામાંં પસાર થયાં. તેઓ ચિંતાતુર હતા અને ઊંઘી પણ શકતા નહોતા.

અમોરેટી કહે છે, "કદાચ એનું કારણ એ હતું કે હવે બધું પૂરું થવામાં હતું. આટલી બધી મુશ્કેલીઓ વેઠ્યા પછી અને આટલો લાંબો સમય અડગ રહ્યા પછી આખરે અમારું સપનું સાકાર થયું હતું."

'દરિયામાં અમારી પાસે કશું નહોતું' પણ શાંતિ હતી

31 ઑગસ્ટ 1999ના રોજ દરિયામાં 119 દિવસ વિતાવ્યા પછી તેઓ માર્ટિનિકના પૂર્વ કિનારે આવેલા ટાર્ટેન પહોંચ્યા.

ત્યાં કુતૂહલથી ઊમટેલી ભીડ, પત્રકારો અને સ્થાનિક મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું.

ઇટાલીથી વિમાનમાં આવેલા માર્કો અમોરેટીના ભાઈઓ પણ તેમને આવકારવા ત્યાં હાજર હતા.

ડે કેન્ડિયા કહે છે, "ફરીથી માણસોને જોવા એ અમારા માટે ખરેખર આઘાતજનક અનુભવ હતો."

દરિયામાં વીતેલા મહિનાઓએ તેમનો દેખાવ સાવ બદલી નાખ્યો હતો.

તેઓ ઉમેરે છે, "અમારી દાઢી ખૂબ લાંબી થઈ ગઈ હતી, તડકાને કારણે શરીરનો રંગ ઘેરો થઈ ગયો હતો અને અમારા પગ સાવ સોટા જેવા પાતળા થઈ ગયા હતા. અમે થોડાક પરગ્રહવાસીઓ જેવા દેખાતા હતા."

થોડાં અઠવાડિયાં કેરેબિયન આતિથ્ય અને મીડિયા ઇન્ટરવ્યૂ પછી, અમોરેટી અને ડી કેન્ડિયા માર્ટિનિકમાં કાર છોડીને ઇટાલી પાછા ફર્યા.

તેમને આશા હતી કે તેઓ ફરી પાછા આવીને એ કારમાં ન્યૂયૉર્ક સુધીની દરિયાઈ સફર કરશે, પરંતુ એવું ક્યારેય બની શક્યું નહીં.

ફરી સામાન્ય જીવન સાથે ટેવાવું તેમના માટે સહેલું નહોતું. ડે કેન્ડિયા લાંબા સમય સુધી દરિયામાં સાવ એકલા હોવાની એ અનુભૂતિ ફરી મેળવવાનો પ્રયાસ કરતા રહ્યા.

તેઓ કહે છે, "ત્યાં દરિયામાં અમારી પાસે કશું જ નહોતું, છતાં અમે ખુશ હતા. અમે ખૂબ ઊંડી શાંતિ અને ચેતનાની ગહન અવસ્થાનો અનુભવ કર્યો હતો. તેથી હું ધ્યાન કરતાં શીખ્યો. એ શાંતિ સુધી ફરી પહોંચવાનો માર્ગ શોધવા માટે મારાથી બનતું બધું જ કર્યું."

માર્કો અમોરેટીએ ઍટલાન્ટિક પાર કરવાની આ સફર દરમિયાન લખેલી રોજનીશીઓ પુસ્તકરૂપે પ્રકાશિત કરી છે. તેમને આશા છે કે એક દિવસ કોઈ આ સાહસકથા પરથી ફિલ્મ બનાવશે.

તેમનાં માતા સેરેનેલાને આ 'ઑટોનૉટી' પર ગર્વ છે. તેઓ કહે છે, "મને હંમેશાં લાગતું હતું કે આ બંને છોકરા ખૂબ વિશિષ્ટ છે અને તેમનું જતન કરવું જોઈએ. તેઓ જાણે કોઈ જુદી જ દુનિયા માટે સર્જાયા છે."

માર્કો અમોરેટી, તેમનાં માતા સેરેનેલા વિયાનેલો અને માર્કો ડે કેન્ડિયાએ બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમ 'આઉટલુક'માં જો ફિડજેન સાથે વાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન