You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
17 વર્ષ પછી ઘરમાં રોશની, જાણો આ પરિવારના 'અંધારામાંથી અજવાળા' સુધીના સંઘર્ષની કહાણી
- લેેખક, સિરાજ
- પદ, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
થિરુપારન્કુન્દ્રમ મતવિસ્તારની પનૈયુર પંચાયતના તિરુવલ્લુવર વિસ્તારમાં નંદિની વેલમુરુગન રહે છે. બીબીસી તામિલને તેમણે જણાવ્યું હતું કે પોતાના ઘર માટે વીજળીનું જોડાણ મેળવવા માટે સરકારી અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં, તેમની માંગણી હજુ સુધી પૂરી થઈ નહોતી.
આ પરિસ્થિતિમાં, બીબીસી તામિલે બુધવારે (12 ઑગસ્ટ) આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યા પછી ગુરુવારે (13 ઑગસ્ટ) તેમના ઘરને વીજળીનું જોડાણ આપવામાં આવ્યું છે.
મદુરાઈ જિલ્લા વહીવટીતંત્રે અગાઉ બીબીસી તામિલને જણાવ્યું હતું કે, "આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં લાવવામાં આવશે અને નંદિનીના ઘરને વીજળીનું જોડાણ આપવા માટે કાર્યવાહી કરવામાં આવશે," અને આજે વીજળીનું નવું જોડાણ આપવામાં આવ્યું હતું.
અગાઉ, વીજળી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નંદિનીના ઘરની ઉપરથી નીચા વૉલ્ટેજની વીજળીની લાઇન પસાર થાય છે, તેથી તેને બદલવા માટે તેમણે યોગદાન યોજના હેઠળ અરજી કરીને જરૂરી રકમ ચૂકવવી પડશે.
આ સ્થિતિમાં, નંદિનીએ કહ્યું હતું કે, "તેઓ 40,000થી 1 લાખ રૂપિયા સુધીની રકમ માંગી રહ્યા છે, અને હું દૈનિક મજૂરી કરીને કામ કરતી હોવાથી મોટી રકમ ચૂકવી શકું એમ નથી."
વીજળી મેળવવા માટે આ પરિવારે શા માટે કર્યો સંઘર્ષ?
તિરુવલ્લુવર વિસ્તારમાં રહેતાં નંદિની વેલમુરુગનને બે બાળકો છે, બાલાજી અને પ્રભાવતી. બાલાજી ધોરણ 10માં અને પ્રભાવતી ધોરણ 9માં કીલાડી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. નંદિનીએ કહ્યું હતું કે પોતાના પતિ વેલમુરુગન તબિયતને કારણે કામ પર જઈ શકતા નથી અને ઘરે જ રહે છે.
નંદિનીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમુદાયના 40થી વધુ પરિવારો રહે છે, પણ માત્ર તેમના ઘરમાં જ વીજળી આપવામાં આવી નથી. પરિણામે, તેમનાં બાળકો વીજળી વિના શેરીની લાઇટના પ્રકાશ હેઠળ શેરીમાં બેસીને અભ્યાસ કરે છે.
"અમે શેરીમાં જ ખાઈએ છીએ અને સૂઈએ છીએ. અમારા ઘરમાં મોબાઇલ ફોન સિવાય વીજળીનાં કોઈ ઉપકરણો નથી. મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે અમે થોડે દૂર રહેતાં સંબંધીઓનાં ઘરે જઈએ છીએ અને કટોકટીની સ્થિતિમાં પાડોશીઓના ઘરે ચાર્જ કરીએ છીએ. વીજળી વિના રોજિંદું જીવન ખૂબ જ કઠિન છે," તેમણે કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ રીતે, નંદિનીના પુત્ર બાલાજીએ કહ્યું હતું કે વરસાદની ઋતુ દરમિયાન પોતાને અને પોતાની બહેનને અભ્યાસ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે.
બાલાજીએ એમ પણ જણાવ્યું કે બે મહિના પહેલાં થિરુપારન્કુન્દ્રમ મતવિસ્તારના ધારાસભ્ય અને તામિલનાડુના ઊર્જામંત્રી સીટીઆર નિર્મલકુમાર મતવિસ્તારના લોકોનો આભાર માનવા આવ્યા, ત્યારે તેમને તેણે એક અરજી સુપરત કરી હતી.
"મંત્રીએ મારી સામે જ નજીકના વીજળી વિભાગના અધિકારીઓને ફોન કરીને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. પરંતુ, આજ સુધી અમારા ઘરને વીજળીનું જોડાણ મળ્યું નથી," બાલાજીએ કહ્યું હતું.
"અમે અમારા પાડોશીઓની મદદથી મુખ્ય મંત્રીના વિશેષ સેલમાં ફરિયાદ નોંધાવી હતી," નંદિનીએ જણાવ્યું હતું.
પનૈયુરના સહાયક વીજ ઇજનેર બાલમુરુગને જણાવ્યું હતું કે નંદિનીએ મુખ્ય મંત્રીના વિશેષ સેલમાં ફરિયાદ નોંધાવ્યા બાદ, વીજળી બોર્ડના અધિકારીઓએ 18 જૂને તેમના ઘરના વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ અંગે તેમણે મોકલેલા સ્પષ્ટીકરણ પત્રમાં જણાવ્યું હતું, "વેલમુરુગનના ઘરની ઉપરથી નીચા વૉલ્ટેજની વીજળીની લાઇન પસાર થાય છે. આ વીજળીની લાઇન બદલવા માટે તમારે યોગદાન યોજના હેઠળ ઑનલાઇન અરજી કરવી પડશે. જરૂરી આકારણી ફી ચૂકવશો તો વીજળીની લાઇન બદલવામાં આવશે."
સ્થાનિક ટ્રાન્સફૉર્મરમાંથી ઘર અને અન્ય વીજ વપરાશકારો સુધી વીજળી પહોંચાડતી લાઇનોને નીચા વૉલ્ટેજની વીજળીની લાઇનો કહેવામાં આવે છે. સામાન્ય રીતે, આ લાઇનો શેરીઓમાં થાંભલાઓ પર જોવા મળે છે અને તેમાંથી દરેક ઘરને અલગથી વીજળી આપવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે થ્રી ફેઝના તાર અને એક ન્યુટ્રલ તાર હોય છે.
તામિલનાડુ વીજળી બોર્ડના નિયમો અનુસાર, નીચા વૉલ્ટેજની વીજળીની લાઇન કોઈ ઇમારતની ઉપરથી પસાર થતી હોય, ત્યારે વીજળીની લાઇનની નીચે 2.5 મીટરનું ઊભું અંતર હોવું જોઈએ. વીજળીની લાઇન કોઈ ઇમારતની નજીકથી પસાર થતી હોય, ત્યારે 1.2 મીટરનું આડું અંતર હોવું જોઈએ. આનાથી ઓછું અંતર હોય, તો એ ઇમારતને વીજળીનું નવું જોડાણ આપી શકાતું નથી. વીજળીની લાઇન, વીજળીના થાંભલા અથવા વીજળીનાં સાધનોને અન્ય સ્થળે ખસેડવાનો સમગ્ર ખર્ચ ગ્રાહક અથવા અરજદારે ઉઠાવવાનો રહે છે. આ માટેની સંપૂર્ણ અંદાજિત રકમ ગ્રાહકે અગાઉથી ચૂકવવાની રહે. સંપૂર્ણ રકમ ચૂકવ્યા બાદ જ આ કામ શરૂ કરવામાં આવે છે.
"તેઓ 40,000થી એક લાખ રૂપિયા સુધીની આકારણી ફી માંગી રહ્યા છે. દૈનિક મજૂરી કરનાર મારા જેવી વ્યક્તિ આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવી શકે?" એમ નંદિનીએ સવાલ કર્યો હતો.
બીબીસી તામિલે આ અંગે મદુરાઈ જિલ્લા વહીવટીતંત્ર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું હતું.
"આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં લાવવામાં આવશે અને તેમને વીજળીનું કનેક્શન આપવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે," મદુરાઈ જિલ્લા પ્રેસ અને જનસંપર્ક કચેરીએ સ્પષ્ટતા કરી હતી.
આ દરમિયાન, તામિલનાડુ વીજળી બોર્ડે આજે જણાવ્યું હતું કે નંદિનીએ તેમના ઘરની ઉપરથી પસાર થતી નીચા વૉલ્ટેજની વીજળીની લાઇનને બદલવા માટે ગ્રાહક યોગદાન યોજના હેઠળ અરજી કરી હતી. બોર્ડે જણાવ્યું હતું કે વીજળીની લાઇનને બોર્ડ દ્વારા નિર્ધારિત ઊંચાઈ સુધી લઈ જવા માટે તૈયાર કરવામાં આવેલા અંદાજ મુજબની રકમ નંદિનીએ ચૂકવી હતી. ત્યાર પછી બોર્ડના નિયમો અનુસાર વીજળીનો નવો થાંભલો ઊભો કરવામાં આવ્યો અને તાત્કાલિક કામગીરી હાથ ધરીને વીજળીની લાઇનની ઊંચાઈ વધારવામાં આવી.
તામિલનાડુ વીજળી બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "નંદિનીએ નવા વીજળી કનેક્શન માટે ઑનલાઇન અરજી કર્યા બાદ અને યોગ્ય ફી ચૂકવ્યા પછી 13.08.2026ના રોજ તેમના ઘરને નવું વીજળીનું કનેક્શન આપવામાં આવ્યું."
આ અંગે બીબીસી તામિલ સાથે વાત કરતાં નંદિનીએ કહ્યું, " મને વિશ્વાસ નથી બેસતો કે 17 વર્ષ પછી અમારા ઘરમાં વીજળી આવી છે. એમ લાગે છે કે એક જ દિવસમાં અમારું જીવન બદલાઈ ગયું છે."
"મારો દીકરો અને દીકરી કહે છે કે હવે તેઓ પોતાના મિત્રોને ઘેર લાવશે. હવેથી અમે રાત્રે ઘરની અંદર જ સૂઈશું અને જમીશું," તેમણે કહ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન