'સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરો છો, ખાડીનું પાણી કેમ અટકાવતા નથી', સુરતના પૂર પીડિતો કેમ ગુસ્સામાં છે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

સુરતમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોની ઊંઘ ઊડી જતી હોય છે. ખાસ કરીને સુરતમાંથી પસાર થતી મીઠી ખાડી (ક્રિક)ની નજીકની સોસાયટીઓમાં વરસાદનાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા છે.

મીઠી ખાડી નજીક રહેતા લોકો દર ચોમાસામાં તંત્રને આ વિશે રજુઆત કરે છે, પરંતુ આ લોકોનો આરોપ છે કે હજુ સુધી તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

આ વખતે પણ ચોમાસામાં ત્રણ વખત ખાડીઓ ઉભરાઈ અને લિંબાયત, પર્વત પાટીયા વગેરે વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેના કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું.

સાતમી જુલાઈના વરસાદ વખતે તો લિંબાયત વિસ્તારમાં ત્રણ-ચાર દિવસ સુધી વીજળીનો પુરવઠો પણ બંધ રહ્યો હતો.

હવે, આ વારંવારની સમસ્યાથી કંટાળેલા લોકોએ આંદોલન કરવાની ધમકી આપી છે. જ્યારે કે, સુરત મહાનગરપાલિકાએ ડ્રૉન મારફતે સર્વે કરાવીને આ સમસ્યાના ઉકેલની ખાતરી આપી છે.

શું છે આ ખાડી પૂરની સમસ્યા અને તેના ઉકેલ માટે નાગરિકોએ આંદોલનની ધમકી કેમ આપવી પડી?

'દર વખતે પાણી ભરાય છે, હવે અમે ત્રાસી ગયા'

આજે બુધવારે સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં માધવબાગ સોસાયટી નજીક રહેવાસીઓ એકઠા થયા હતા અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતા. આ આવેદનમાં તેમણે તેમની ખાડી પૂરની સમસ્યાને દૂર કરવાની માગ કરી હતી. સાથે તેમણે ધમકી પણ આપી કે જો સરકારી તંત્ર તેમની સમસ્યા દૂર નહીં કરે તો તેઓ આંદોલન કરશે.

અલ્કા પટેલ નામના એક રહેવાસીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "પૂરના કારણે અમારા ધંધા -રોજગારને નુકસાન થાય છે. અમે બાળકોને શાળાએ મોકલી શકતા નથી અને ભણતર બગડે છે."

તેમણે સરકારી તંત્ર પર કટાક્ષ કરતાં જણાવ્યું, "સરકાર સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરતી હોય તો પછી ખાડીનું પાણી કેમ અટકાવી શકતી નથી."

તેમણે વધુમાં કહ્યું, "અમને વળતર રૂપે છ હજાર રૂપિયા આપી દીધા. શું અમે ભિખારી છીએ? અમને વળતરની કોઈ જરૂર નથી. પરંતુ સરકાર અમારી વાત સાંભળે અને ખાડી પૂર અટકાવે."

લિંબાયતથી આવેલા નાસીરભાઈ નામના એક રહેવાસીએ કહ્યું કે, "અમે 20 વર્ષથી આ સમસ્યા સહન કરીએ છીએ. બે કલાક વરસાદ પડે તેમાં અમારાં ઘરોમાં પાણી ભરાય છે અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. લિંબાયતમાં પાંચ હજારથી વધુ લોકો આનાથી પીડિત છે. આ તકલીફનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે."

સુરત પોલીસે દબાણ કરી રેલી કાઢવા ન દીધી હોવાનો આરોપ

ગયા રવિવારે પર્વત પાટિયા વિસ્તારમાં માધવબાગ અને આસપાસની બીજી સોસાયટીઓમાં રહેતા લોકોની એક બેઠક મળી હતી અને મીઠી ખાડીના પૂરનો કાયમી નિકાલ આવે તે માટે એક જનઆંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ બેઠક બાદ આજે એટલે કે બુધવારે સવારે એક બાઇક રેલી કાઢીને કલેક્ટર તથા શહેરના મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો.

જોકે, રહેવાસીઓના કહેવા પ્રમાણે મંગળવારે રાતે જ પોલીસે કેટલાક લોકોને બોલાવ્યા હતા અને બાઇક રેલી ન કાઢવા માટે દબાણ કર્યું હતું. ત્યાર પછી બાઇક રેલી કાઢવાના બદલે આઠથી 10 લોકો કલેક્ટર કચેરી અને મ્યુનિસિપલ કૉર્પોરેશન પર જઈને આવેદન પત્ર આપશે એવો નિર્ણય લેવાયો હતો.

અલ્કા પટેલે કહ્યું કે "અમે એક વ્યવસ્થિત રેલી કાઢવાની યોજના બનાવી હતી અને આજે રેલી કાઢવાના હતા. પરંતુ ગઈકાલે રાતે પોલીસે કેટલાક લોકોને બોલાવ્યા અને બાઇક રેલી રદ કરવા માટે દબાણ કર્યું. પરંતુ અમે હાર માનવાના નથી. આ મામલે લડત ચાલુ રહેશે."

જોકે, સુરત પોલીસે આ આરોપો ફગાવી દીધા છે.

બીબીસી ગુજરાતીએ આ વિશે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી સાથે વાત કરી ત્યારે તેમણે બાઇક રેલી રદ કરવા માટે રહેવાસીઓ પર પોલીસે કોઈ દબાણ કર્યું હોવાનો ઇન્કાર કર્યો હતો. આ સાથે તેમણે રેલીનો કાર્યક્રમ કેવા સંજોગોમાં રદ થયો તેના વિશે પણ કોઈ માહિતી હોવાનો પણ ઇન્કાર કર્યો હતો.

સુરતમાં કેમ આવે છે ખાડી પૂર?

સુરતમાં સાતમી જુલાઈએ ચાલુ સિઝનમાં પહેલી વખત ખાડીપૂર આવ્યું હતું જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાંચ-છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં.

સુરત કૉંગ્રેસના પ્રમુખ અને સિવિલ એન્જિનિયર વિપુલ ઉધનાવાળાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સુરતમાં ગેરકાયદે બાંધકામોને કારણે પૂરની સમસ્યા ઊભી થાય છે. અહીં આડેધડ થયેલા બાંધકામોના લીધે સ્ટોર્મ વૉટર સિસ્ટમ સાથે ગટરલાઇન જોડી દેવાઈ છે, જેના કારણે વરસાદના પાણી સાથે ગટરનું પાણી ભળી જાય છે."

તેમણે એવું પણ જણાવ્યું કે, "ઔદ્યોગિક એકમોમાં ગેરકાયદે ડ્રેનેજ સિસ્ટમ હોવાને કારણે પ્રદૂષિત પાણી બૅક મારીને બહાર આવે છે. ઉપરાંત સુરતની આસપાસની ખાડી પાસે થયેલાં ગેરકાયદે બાંધકામોના કારણે વરસાદી પાણીના નિકાલના કુદરતી સ્ત્રોત બંધ થઈ ગયા છે. જેના કારણે પૂર આવે છે."

તે સમયે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન રાજન પટેલે બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, "અમે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રી-મોન્સૂનની કામગીરી કરી હતી. પણ અચાનક એકસાથે 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને ખાડી વિસ્તારમાં ઉપરવાસમાંથી પાણી આવ્યું એટલે મોટું પૂર સર્જાઈ ગયું."

"અમે ભૂતકાળમાં ખાડી વિસ્તારના વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે રાજ્ય સરકારે 2017માં જે તાપી શુદ્ધિકરણ યોજના અને ખાડી નિવારણ યોજના માટે બજેટ ફાળવ્યું હતું એના ઉપર કામ કર્યું છે, તેથી વધારે તબાહી નથી થઈ," રાજન પટેલે બીબીસી ગુજરાતીને અગાઉ જણાવ્યું હતું.

સુરત કલેક્ટર તેજસ પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તે વખતે કહ્યું કે, "સુરત, વલસાડ અને નવસારીમાં કેટલીક જગ્યાઓ પર 12થી 16 ઇંચ વરસાદ પડ્યો છે. અમે લોકોનું સ્થળાંતર કરાવ્યું છે, અત્યારે અમારી પ્રથમ જવાબદારી અસરગ્રસ્તોની મદદ અને જનજીવન પુનઃ સ્થાપિત કરવાની છે. ભવિષ્યમાં આવું પૂર ન આવે એના માટે ખાડી પ્રોજેક્ટ સહિતની યોજનાઓ છે જેનો ઝડપથી અમલ કરવામાં આવશે, જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે."

ખાડી પૂર ટાળવા કૉર્પોરેશનની કેવી યોજના છે?

તાજેતરમાં ત્રણ અઠવાડિયાંના ગાળામાં સુરતમાં ત્રણ વખત ખાડીઓ ઉભરાઈ હતી અને આસપાસના લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. તેના પગલે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને ખાડીઓનો ટૅકનિકલ સરવે કરવાનો અને જરૂર પડે તો પાણીના પ્રવાહમાં આડે આવતાં બાંધકામો દૂર કરવાનો નિર્ણય લીધો છે.

ગયા સોમવારે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એક રિવ્યૂ બેઠક મળી હતી. તે મુજબ સૌથી પહેલાં એક ડ્રૉન સર્વે કરીને ખાડીઓ અને આસપાસના વિસ્તારોની પ્રાથમિક વિગત મેળવવામાં આવશે. આ કામ એક કન્સલ્ટન્સીને સોંપવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકાની એક સોશિયલ મીડિયા પોસ્ટ પ્રમાણે શહેરની 188 કિમી લંબાઈની વિવિધ ખાડીઓના LiDAR, DGPS અને ડ્રૉન સર્વે તેમજ હાઇડ્રોલૉજીકલ મૉડેલિંગ આધારિત ડિટેઇલ પ્રોજેક્ટ પર કામગીરી પ્રગતિમાં છે. અત્યાર સુધીમાં 35 કિ.મી. વિસ્તારમાં DGPS અને ડ્રૉન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જ્યારે 23 કિમીના સર્વે ડેટાનું પ્રોસેસિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.

સુરતીઓને હાલના પૂરે બે દાયકા પહેલાં આવેલા ભયાનક પૂરની યાદ અપાવી દીધી હતી. બે દાયકા પહેલાં આવેલા પૂરે પણ સુરતમાં કરોડોનું નુકસાન કર્યું હતું. ત્યારબાદ સરકારે ખાડી વિસ્તારના પાણીથી સુરતમાં પૂર ન આવે તે અર્થે તાપી શુદ્ધિકરણ અને વલાક ખાડી તેમજ મીઠી ખાડીના પાણીને બીજી તરફ વાળવાનો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.

અગાઉ આ વિશે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે, "ખાડીના કારણે સર્જાતી પૂરની સમસ્યાને અમે ગંભીરતાથી જોઈએ છીએ. ભૂતકાળમાં આવી ઘટના બની હતી તો ફરી એનું પુનરાવર્તન કેમ થયું એની તાત્કાલિક ધોરણે તપાસ કરી એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈની ગંભીર બેદરકારી દેખાશે તો એની સામે ફોજદારી ગુના હેઠળ એફઆઈઆર કરી કાનૂની પગલાં લેવામાં આવશે."

"ખાડીની સમસ્યાના કાયમી નિકાલ માટે મુખ્ય મંત્રીએ વધુ 500 કરોડની જોગવાઈ કરી છે. એટલે હવે સુરતમાં પૂરની સમસ્યાને નિવારી શકાશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન