You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વધુ પડતા પૉર્ન વીડિયો જોવાને કારણે પોતાનાં જનનાંગોની સર્જરી પણ કરાવી લીધી', કેવી રીતે કુટેવથી છુટકારો મેળવ્યો
- લેેખક, મેક્સ ઇવાન્સ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
નિકી બ્રાયન્ટમાં સેક્સ પ્રત્યે અણગમાની ભાવના પેદા થઈ ગઈ હતી. વધુ પડતા પૉર્ન વીડિયોઝ જોવાને કારણે આવું થયું હતું. સેક્સ અંગે બ્રાયન્ટ પોતાને અપૂરતાં માનવા લાગ્યાં અને તેમને લાગવા માંડ્યું કે જાણે તેમનું શરીર અભડાઈ ચૂક્યું છે.
આ જ કારણે બ્રિટિશ ચિલ્ડ્રન્સ ચૅરિટી પ્લાન અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકૉસેક્સુઅલ મેડિસિન જેવી સંસ્થાઓએ અગાઉ સરકારને શાળા સ્તરે જ પૉર્ન જોવાના ખતરા સમજાવવાની ભલામણ કરી હતી.
એ સમયે વેલ્શ સરકારે ખુલાસો કર્યો હતો કે તેઓ પૉર્નોગ્રાફી વિષયને નવા અભ્યાસક્રમમાં કેવી રીતે સામેલ કરવો એ વિશે ચર્ચા કરી રહ્યા છે.
કાર્ડિફ ખાતે જિમ મૅનેજર તરીકે નોકરી કરતાં નિકીએ કહ્યું, "સેક્સ એક જટિલ બાબત છે. તેમાં કંઈ પણ સિસ્ટમેટિક રીતે નથી થતું."
તેમણે કહ્યું, "પૉર્ન વીડિયોઝમાં બતાવાતું બધું નકલી હોય છે, તે એક પ્રક્રિયા પ્રમાણે થતું હોય તેવું લાગે છે. તે પુરુષોનું વર્ચસ્વ બતાવે છે. તેનો ખરા સેક્સ સાથે કોઈ સંબંધ નથી. તેથી મને એ ખોટો કૉન્સેપ્ટ લાગે છે."
નિકી કહે છે તેઓ મોટાં થઈ રહ્યાં હતાં ત્યારે કોઈએ તેમને સેક્સ અંગે સમજાવ્યું નહોતું. તેની પાછળનું મુખ્ય કારણ શરમ અને આ મુદ્દા સાથે સંકળાયેલ મૂંઝવણ છે.
તેમણે પહેલી વખત 11 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા સાઇટ પર પૉર્ન વીડિયો જોયો હતો. જેની તેમના પર ઊંડી અસર પડી હતી.
તેઓ યાદ કરતાં કહે છે, "તેમાં એક મહિલા હોય છે. જે અન્ય કોઈના વશમાં હોય એવું લાગે છે, તે મોટેથી અવાજ કાઢવા લાગે છે અને જોવામાં તે ખૂબ અપ્રિય લાગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિકી કહે છે, "મને એ બરોબર યાદ છે. હું આવાં દૃશ્યોની નકલ કરવાનો પ્રયાસ કરતી, કારણ કે મને લાગતું કે આવું કરવું યોગ્ય છે અને પુરુષોને એ ગમશે."
નિકીને સતત પૉર્ન જોવાને કારણે લાગવા માંડ્યું કે બીજા બધા કરતાં તેમનું શરીર અલગ છે, તેમનામાં કંઈક ખોટું છે. તેમણે અંતે તો પોતાનાં જનનાંગોની સર્જરી પણ કરાવી લીધી.
અંતે, તેમને આ બધું અપ્રિય લાગ્યું અને પૉર્નના આ વિચારોમાંથી મુક્તિ મેળવવાનો તેમણે નિશ્ચય કર્યો. આના માટે તેમણે યોગ, સેક્સુઅલ થૅરપી અને ધ્યાનની મદદ લીધી.
નિકીએ ખુલાસો કર્યો, "ખૂબ નાની ઉંમરે પૉર્ન વીડિયોઝ જોવાને કારણે મારી બૉડી ઇમેજ અને સેક્સ કેવું હોવું જોઈએ એ વિશેના વિચારો ખરાબ થઈ ગયા."
"જો મેં આ વાત નોંધી ન હોત, તો તે વધુ ખતરારૂપ પુરવાર થયું હોત."
પૉર્ન સાથે યુવાનીના ઉંબરે રહેલા કિશોરોના અનુભવ કેવા છે?
યુકે સરકારના નિર્દેશ બાદ બ્રિટિશ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને વર્ષ 2020માં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.
સરકારે આ સમિતિને બાળકો અને યુવાનીના ઉંબરે ઊભેલા કિશોરોમાં પૉર્ન વીડિયોની લત ન લાગે એ માટેનાં પગલાં સૂચવવા ભલામણ કરવા કહ્યું હતું.
સમિતિએ 11-17 વર્ષના 1100 બાળકો સાથે વાત કરી.
16 વર્ષથી વધુ વયના અને સેક્સુઅલી ઍક્ટિવ હોય એવા 18 ટકા લોકોએ કહ્યું કે તેમને પૉર્નોગ્રાફિક વીડિયોની નકલ કરવા કહેવામાં આવ્યું હતું અને તેમણે એવું કર્યું પણ હતું.
16 વર્ષથી વધુ વયના 30 ટકા લોકોએ કહ્યું કે પૉર્ન વીડિયોઝમાં બતાવવામાં આવે છે એ ખરું સેક્સ નથી. 37 ટકા એ કહ્યું કે તેઓ કંઈ કહી ન શકે.
11-17 વર્ષના વયજૂથમાં આવતા 29 ટકા લોકોએ કહ્યું કે પૉર્ન વીડિયોઝનાં પાત્રોને જોઈને તેમને તેમના પોતાના શરીર પ્રત્યે તિરસ્કાર અનુભવાયો.
'પૉર્નની લત એ મારા જીવનની કાળું પાસું છે'
ઓવેન (નામ બદલ્યું છે) ટીનેજર હતા ત્યારથી તેમને સેક્સ વીડિયોઝનું વ્યસન લાગી ગયું હતું. જોકે, હવે તેઓ તેના વિચારથી પણ સંકોચ અનુભવે છે.
તેમને કૉલેજકાળમાં પૉર્ન વીડિયોઝ જોવાની ટેવ પડી હતી. હવે તેમના મોટા ભાગના મિત્રો યુનિવર્સિટી પહોંચી ગયા છે. જોકે, તેઓ પોતે જૉબ લાગે તેની રાહ જોઈ રહ્યા છે.
તેઓ કહે છે, "તે સમય પસાર કરવાની પ્રવૃત્તિ તરીકે શરૂ થયું હતું અને બાદમાં એક ગંભીર ટેવમાં પરિવર્તિત થઈ ગયું."
ઓવેન કહે છે કે, "હું કોઈની સાથે રિલેશનશિપમાં નહોતો તેના કારણે હું વર્ષોથી અસલામત અનુભવતો હતો. આ વીડિયોઝ મને અમુક વાર હકીકતથી દૂર લઈ જતા. કંઈ ન અનુભવવું અને આત્મવિશ્વાસનો અભાવ મને ડિપ્રેશનમાં ધકેલી દેતો."
તેઓ સમજાવતાં કહે છે, "થોડાં વર્ષો પછી, મારી નોકરી લાગી. એ બાદ મારું જીવન ઘણું સુધર્યું, પરંતુ એ જૂના, ગંદા વિચારો ન ગયા."
"એ વીડિયોઝ ફરીથી જોવાની ઇચ્છા એ મારા જીવનનું એક કાળું પાસું હતું. તેણે મારી રિલેશનશિપ્સ પર અસર કરી અને મને વધુ ડિપ્રેશનમાં ધકેલી દીધો."
"હું તેની સંપૂર્ણ જવાબદારી લઉં છું. પરંતુ એક વખત આપણને વ્યસન લાગી જાય, તો આપણે એના વિશે કોઈની સાથે વાત નથી કરી શકતા, કારણ કે તેઓ તમને પૉર્નના વ્યસની તરીકે લૅબલ કરવા લાગે છે."
સેક્સ વીડિયોઝમાં જે દેખાય છે તે સત્ય નથી હોતું
બ્રિટનમાં સાઇકોસેક્સુઅલ ક્લિનિક ચલાવતા કેટલાક ડૉક્ટર્સે ખુલાસો કર્યો કે આ સમસ્યા સાથે તેમના ત્યાં આવતા 25 વર્ષ કરતાં ઓછી વયના યુવાનોની સંખ્યામાં તાજેતરમાં વૃદ્ધિ થઈ છે.
તેમણે કહ્યું કે વર્ષ 2015માં 31 લોકો સારવાર માટે આવ્યા હતા, જે સંખ્યા 2019માં વધીને 65 થઈ ગઈ અને વર્ષ 2020ના પ્રથમ ત્રણ માસમાં તે 35 સુધી નોંધાઈ હતી.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકોસેક્સુઅલ મેડિસિન ખાતે કામ કરતાં ડૉ. કેટ હોવેલ્સે કહ્યું, "ઘણા યુવાનો જાત-શિક્ષણ માટે આ સેક્સ વીડિયોઝનો આશરો લઈ રહ્યા છે."
કેટે કહ્યું, "આ પ્રકારના વીડિયોમાં બતાવાતો સેક્સ સામાન્ય રીતે અલગ અને નૉર્મલ સેક્સ કરતાં અતિશયોક્તિભર્યો હોય છે."
લોકોના વર્તન, સેક્સુઆલિટી, અને બૉડી ઇમેજ પર આવા વીડિયોની ઊંડી અસર પડે છે.
"આપણે યુવાનોને પૂછતા ગભરાવું ન જોઈએ. તેઓ કયા પ્રકારના સેક્સ વીડિયોઝ જુએ છે એ તરફ ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે. આ સાથે જ એ પણ મહત્ત્વનું છે કે આપણે જાણીએ કે તેઓ કેટલી હદ સુધી અને ક્યારે આ વીડિયોઝ જુએ છે."
કેટ કહે છે, "આ અંગે ઘણી જાગૃતિની જરૂર છે. સેક્સ ઍજ્યુકેશનમાં પૉર્નનો પણ સમાવેશ થવો જોઈએ."
"આ ઉપરાંત રોમૅન્ટિક રિલેશનશિપનું મહત્ત્વ અને તે મહિલા અને પુરુષોને જીવન માણવામાં કઈ રીતે મદદરૂપ થાય એ પણ જણાવવું જોઈએ."
પ્લાન ઇન્ટરનૅશનલ યુકેના રોસ કાલ્ડવેલે કહ્યું, "અભ્યાસક્રમમાં પૉર્નોગ્રાફી અંગે જાગૃતિ અને છોકરીઓને તેના કારણે પડતી મુશ્કેલીને સામેલ કરવાની વાત એક સારો નિર્ણય છે."
તેઓ ઉમેરે છે, "સલામત સેક્સ અંગે સમજ પૂરી પાડવી એ લાભદાયક છે. આ વિષય ભણાવતી વખતે શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણાવવાના આશયથી સલામતપણે સમજાવવું જોઈએ."
વેલ્સ સરકારના પ્રવક્તાએ કહ્યું, "નવા અભ્યાસક્રમ હેઠળ રિલેશનશિપ્સ અને સેક્સુઆલિટી ઍજ્યુકેશન (આરએસઇ) એ ફરજિયાત વિષય છે."
સરકારે કહ્યું કે આ અભ્યાસક્રમમાં બિનસ્વાસ્થ્યપ્રદ સેક્સુઅલ રિલેશનશિપ્સ, તેમને ટાળવાની રીતો અને પોતાની જાતને બચાવા કોને સંપર્ક કરવો એ પણ ભણાવાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન