You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામમાં દાયકાઓનું સૌથી ભયાનક પૂર, સેંકડો ગામોમાં પાણી ફરી વળ્યાં, કેટલાયનાં મોત
આસામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. છેલ્લાં લગભગ ચાર અઠવાડિયાંથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી તો રાજ્યના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ છે.
છેલ્લા એક મહિનામાં રાજ્યમાં કુલ 68 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 58 મોત તો છેલ્લા અઠવાડિયામાં જ થયાં છે. કુલ 40 લોકો લાપતા છે.
સરકારી આંકડા પ્રમાણે, છ લાખથી વધુ લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. હજારો લોકોને સ્થળાંતરિત થવું પડ્યું છે અને અનેક લોકોને રિલીફ કૅમ્પમાં રહેવા મજબૂર થવું પડ્યું છે.
પૂર આવવું એ જોકે આસામના લોકોનાં જીવનનો એક ભાગ રહ્યો છે.
ભારતના નૅશનલ ફ્લડ કમિશન દ્વારા આસામના 40 ટકા વિસ્તારને પૂર માટે જોખમી જાહેર કરવામાં આવેલો છે. બ્રહ્મપુત્ર નદીના વિશાળ પટને કારણે આસામમાં સ્થિતિ વધુ ગંભીર બની જતી હોય છે.
આસામ અને નાગાલૅન્ડના અનેત વિસ્તારોમાં મધ્ય જુલાઈથી સતત અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ વર્ષે આ વિનાશક પૂર આવ્યું છે.
આસામના મંત્રી પિયૂષ હઝારિકાના જણાવ્યા અનુસાર આ પૂર છેલ્લા છ દાયકામાં આવેલું સૌથી ભયાનક પૂર છે.
આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે નાગાલૅન્ડ અને આસામમાં અનુક્રમે નિયત વરસાદ કરતાં 435 ટકા અને 490 ટકા વધારે વરસાદ આ સમયગાળામાં પડ્યો છે. જેના કારણે નદીની સપાટીમાં અચાનક ભયાનક વધારો નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓ પૂરથી અતિશય પ્રભાવિત છે. સિવસાગર, ચરાઇદેવ અને જોરહાટમાં પૂરને કારણે પરિસ્થિતિ અતિશય ખરાબ થઈ છે. અનેક ગામડાંનો સંપર્ક કપાઈ ગયો છે અને રૅસ્ક્યૂ ટીમો પણ પહોંચી શકી નથી.
આસામમાં લગભગ દર વર્ષે પૂર આવે છે, પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે ઉત્તર આસામમાં જંગલો કપાવા તથા જળવાયુ પરિવર્તનને કારણે થઈ રહેલા ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ 27 જુલાઈના રોજ રાત્રે આઠ વાગ્યે આપેલા આંકડા અનુસાર કુલ 631 ગામડાં હજુ પણ પાણીમાં ગરકાવ છે. ચરાઈદેવ જિલ્લો સૌથી પ્રભાવિત છે જેમાં 1.88 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સિવસાગર જિલ્લામાં 1.44 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે.
ખેતીને ભયંકર નુકસાન થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, 37139 હૅક્ટર ખેતીવિસ્તાર પાણીમાં ગરકાવ છે. ઢોરઢાંખરને પણ ભારે નુકસાન થયું છે. 2.56 લાખ પ્રાણીઓ તેનાથી પ્રભાવિત થયાં છે અને 26000 પ્રાણીઓ તણાઈ ગયાં છે.
આસામ રાજ્ય સરકારે 184 રિલીફ કૅમ્પ અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સની સ્થાપના કરી છે. 28 હજારથી વધારે લોકો તેમાં શરણ લઈ રહ્યા છે. એસડીઆરએફ, એનડીઆરએફની અનેક ટીમો રાહત અને બચાવકાર્ય કરી રહી છે.
સિવસાગર અને જોરહાટ જિલ્લાઓમાં પૂરના પાણીને કારણે ભારે નુકસાન થયું છે. 171 ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયાં છે તો 4667થી વધારે ઘરોમાં વત્તેઓછે અંશે નુકસાન થયું છે. અનેક શાળાઓ પણ પાણીમાં ગરકાવ છે.
ધીમે ધીમે અનેક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે. 28 જુલાઈની સ્થિતિ અનુસાર હવે પૂર પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટીને છ થઈ ગઈ છે. તાજેતરના અહેવાલ પ્રમાણે સિવસાગક, ગોલાઘાટ, ચરાઈદેવ, જોરહાટ, નાગાંવ અને કામરૂપમાં જિલ્લાઓમાં હજુ પણ પૂરનો પ્રભાવ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન