તરણેતરનો મેળો : લાડુ ખાવાની સ્પર્ધા સહિત અનેક આકર્ષણો જુઓ તસવીરોમાં

તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગરના તરણેતરમાં દર વર્ષે યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગરના તરણેતરમાં દર વર્ષે યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો છે. પોતાની ભાતીગળ સંસ્કૃતિના કારણે આ મેળો વિશ્વવિખ્યાત છે.

તરણેતર મેળાની સાથે યોજાતી અનોખી લાડુ સ્પર્ધાએ આ વખતે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તરણેતરની ગ્રામીણ ઑલિમ્પિક્સમાં યોજાયેલી આ સ્પર્ધામાં 25થી 75 વર્ષની વયના કુલ 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગરના તરણેતરમાં દર વર્ષે યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો છે
ઇમેજ કૅપ્શન, તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગરના તરણેતરમાં દર વર્ષે યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો છે

આ મેળામાં દર વર્ષે અનેક લોકો ભાગ લે છે, લોકો દૂર દૂરથી મેળાને માણવા માટે આવે છે.

બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ
ઇમેજ કૅપ્શન, તરણેતર મેળાની લાડુ સ્પર્ધામાં વિજેતા બનનારે 30 મિનિટમાં 28 લાડુ ખાધા હતા

30 મિનિટમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાની આ સ્પર્ધામાં શરૂઆતની 15 મિનિટમાં મોટા ભાગના સ્પર્ધકો સરેરાશ 15 લાડુ ખાઈને બહાર થઈ ગયા હતા.

જોકે, અંતિમ તબક્કામાં પાંચ સ્પર્ધકો વચ્ચે પ્રથમ સ્થાન માટે ભારે રસાકસી જોવા મળી હતી.

લાડુ સ્પર્ધામાં વીંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 28 લાડુ ખાઈ સતત બીજા વર્ષે વિજેતા બન્યા હતા. વિજેતા બળવંતભાઈને 2000 રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો.

બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ
ઇમેજ કૅપ્શન, વીંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી લાડુ સ્પર્ધા જીતી ગયા
બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ

લાડુ સ્પર્ધા નિહાળવા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી અને તરણેતર ગ્રામપંચાયતના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ
ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્રમાં લોકમેળાનું એક ખાસ સામાજિક મહત્ત્વ હોય છે, જ્યાં લોકો પોતાના પરિવાર સાથે જાય છે

રંગબેરંગી પોષાકો સાથે લોકનૃત્ય, લોકગીતોની સાથે તરણેતરના મેળાની ઉજવણી થાય છે. દેશ-વિદેશથી આ મેળો નિહાળવા લોકો તરણેતર આવે છે.

બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ
ઇમેજ કૅપ્શન, સમય વીતવાની સાથે તરણેતરમાં અલગ-અલગ પ્રકારની રાઇડ્સ અને બીજાં આકર્ષણો ઉમેરાયાં છે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાન ખાતે આ મેળો યોજાય છે. લોકમેળાના કેન્દ્રમાં ત્રણ નેત્રવાળા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, જેમના નામ પરથી આ વિસ્તાર અને મેળાનાં નામ ઊતરી આવ્યાં છે.

જાણકારોના કહેવા મુજબ છેલ્લાં લગભગ 200-250 વર્ષથી મેળો યોજાતો હોવાનું મનાય છે, પરંતુ તેના વિશે ચોક્કસ તારીખ કે માહિતી નથી મળતી.

બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ
ઇમેજ કૅપ્શન, આ મેળામાં અલગ-અલગ સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને સામેલ થાય છે. અહીં લેવાતાં ટિટોડો, હૂડો, ત્રણ તાળીરાસ, દાંડિયારાસ, મટકીરાસ, મટકી સાથે હીંચ પણ મેળાનાં આકર્ષણો છે

સ્થાનિકોમાં ભાદરવા સુદ પાંચમના દિવસે અહીંના કુંડમાં સ્નાન કરવાની તથા પૂર્વજો માટે વિધિ કરવાની માન્યતા રહેલી છે.

ચોટીલાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિ અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજથી છઠ દરમિયાન આ મેળો યોજાય છે.

બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ
ઇમેજ કૅપ્શન, રમકડાં, ફજેત ફાળકો, મોતનો કૂવો, ચકડોળ, કટલરીની હાટડીઓ, લાકડીઓ, પરંપરાગત વસ્ત્રો, ચા-પાણી, ખાણી-પીણીના સ્ટૉલ વગેરે જેવાં નિયમિત આકર્ષણો તરણેતરના મેળામાં પણ જોવા મળે છે

તરણેતરના મેળામાં અલગ-અલગ સમાજનાં યુવક-યુવતીઓ તેમના સમાજનો પરંપરાગત પહેરવેશ પહેરીને સામેલ થાય છે.

તરણેતરના મેળામાં સામેલ થવા માટે યુવકો સોળ સળિયાવાળી છત્રીને આભલાં, બટનિયાં, ભરત, ટિક્કી, રૂમાલ, લટકણિયાંથી શણગારે છે. છત્રીની ટોચ ઉપર પોપટ, ગાય, વૃક્ષ, મોર, હાથી, ઘોડા વગેરે જેવાં આકર્ષણો પણ ઉમેરે છે.

બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ
ઇમેજ કૅપ્શન, તરણેતરના મેળાનું એક દૃશ્ય
બીબીસી ગુજરાતી તરણેતર મેળો લાડુ સ્પર્ધા વિજેતા ભાતીગળ સંસ્કૃતિ
ઇમેજ કૅપ્શન, તરણેતરના મેળામાં પાવા અને વાંસળીનું વેચાણ કરતા એક યુવાન

આ મેળામાં વેશભૂષા, છત્રી સજાવટ, પરંપરાગત ભરતગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ સાથે ગાયન, વાંસળી, પાવો, જોડિયા પાવા, રાવણહથ્થા સાથે ગાયન, ભવાઈ, બહુરૂપી, લાકડી ફેરવવી, હૂડો, લોકનૃત્ય, મોરલી, શરણાઈ અને ઢોલ જેવી અલગ-અલગ 24 પ્રકારની પારંપરિક સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન