ગુજરાતમાં વરસાદ પડે ત્યારે મગર શહેરમાં કેમ આવી જાય છે, મગર માણસો પર હુમલો ક્યારે કરે છે?

ધોધમાર વરસાદ બાદ તોફાને ચડતી વિશ્વામિત્રી નદી સિવાય મધ્ય ગુજરાત અને ખાસ કરીને વડોદરા ખાતે વધુ એક દૃશ્ય સામાન્ય બની જાય છે, એ છે માનવવસ્તીવાળા વિસ્તારો કે શહેરોની ગીચ જગ્યાઓમાં મળી આવતા મગર.

કંઈક આવાં જ દૃશ્ય તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ પણ જોવા મળ્યાં.

થોડા દિવસ પહેલાં વડોદરાના જાંબુવા ગામ પાસેના પુલ પર નવ ફૂટ લાંબો મગર દેખાઈ આવ્યો, તેમજ વિશ્વામિત્રી નદીની સપાટી વધ્યા બાદ શહેરના સર્વિસ રોડ પર પણ મગર ફરતો હોવાનો વીડિયો સામે આવ્યો.

જોકે, આ બધામાં સૌથી વધુ ધ્યાનાકર્ષક દૃશ્ય વડોદરા જિલ્લાના કોઠવાડા ગામ નજીક જોવા મળ્યું હતું. જેમાં નજીકની નદીમાં એકીસાથે અનેક મગર દેખાતા આસપાસના લોકો પુલ પર એકઠા થયા હતા.

એ દરમિયાન વહીવટી તંત્રે નદીકાંઠાથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી.

એ બાદ વડોદરાથી દૂર આણંદના સોજીત્રામાં એક વ્યક્તિને સવારે પોતાના બાથરૂમમાં મગર જોવા મળ્યો.

આમ, દર વર્ષે જ્યારે વધુ વરસાદ પડે ત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અને આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે.

તાજેતરની આ ઘટનાઓએ એક જૂનો સવાલ ફરી ઊભો કર્યો છે - શું ગુજરાતમાં માનવ અને મગર વચ્ચેનો સંઘર્ષ હવે વધી રહ્યો છે, કે પછી મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના કારણે મગરોની હાજરી આપણા ધ્યાનમાં પહેલાં કરતાં વધુ આવી રહી છે?

રાજ્યના વનવિભાગ પ્રમાણે, ગુજરાતમાં સૌથી વધુ મગરોની હાજરી વડોદરા જિલ્લામાં નોંધાઈ છે, ત્યાર બાદ ખેડા અને આણંદ જિલ્લાનો ક્રમ આવે છે.

મગરો મુખ્યત્વે તળાવો અને ખેતીની જમીન સાથે જોડાયેલાં જળાશયોમાં વસવાટ કરે છે.

રાજ્યના વનવિભાગ પ્રમાણે આ વિસ્તારોમાં રહેતા આશરે 70 ટકા લોકો વિવિધ રોજિંદાં કામો માટે સીધા જળાશયોના પાણીનો ઉપયોગ કરે છે, જેના કારણે માનવ-મગર સંપર્કની શક્યતા વધી જાય છે. તેમ છતાં, લગભગ 50 ટકા લોકો પોતાના વિસ્તારમાં મગરોની હાજરીને ગૌરવની બાબત માને છે.

વનવિભાગ પ્રમાણે માનવ-મગર સંઘર્ષની ઘટનાઓ સૌથી વધુ માર્ચના મધ્ય ભાગથી જુલાઈના અંત સુધીના સમયગાળામાં નોંધાય છે.

ગુજરાતમાં વર્ષોથી મગરોની વસ્તીમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા અંદાજ પ્રમાણે રાજ્યમાં આશરે 1,400થી વધુ મગરો છે, જેમાં સૌથી વધુ સંખ્યા મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. રાજ્યમાં મગરને 'વલ્નરેબલ' કૅટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર, વડોદરા રૅન્જ, ધનંજય સાધુ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "માત્ર વિશ્વામિત્રી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં આશરે 400ની આસપાસ મગર જોવા મળ્યા છે, જેની સંખ્યા સતત વધતી રહી છે. જેની પાછળ લોકોનો સહકાર અને સરકારના પ્રયાસો જવાબદાર છે."

કેટલાક નિષ્ણાતોનો મત છે કે આ વધતી જતી સંખ્યા સહિતનાં પરિબળોને લીધે માણસ અને મગર વચ્ચેના સંઘર્ષના કિસ્સા પણ વધે છે.

મગરોની સંખ્યા વધવા પાછળનાં સંભવિત કારણો શું છે?

જોકે, માત્ર વડોદરા જ નહીં, મગરની હાજરી આણંદ, ખેડા તેમજ મધ્ય ગુજરાતના બીજા ભાગોમાં પણ જોવા મળે છે. જેમ કે, ખેડાના વસો તાલુકાનાં 21 ગામોમાંથી મોટાં ભાગનાં ગામોમાં મગર હાજરી જોવા મળે છે. તેમાંથી અમુક ગામોમાં તો વર્ષોથી મગર સ્થાયી થયેલા છે, જ્યારે અમુક ગામોમાં મગરોની હાજરી પાછલાં અમુક વર્ષોથી જોવા મળે છે.

તારીખ 1 એપ્રિલ 2023થી માંડીને 6 એપ્રિલ 2026 સુધીમાં માત્ર વડોદરા ડિવિઝનમાં માણસ અને મગર વચ્ચેના સંઘર્ષના લગભગ 29 કેસો નોંધાયા છે. જોકે, આ વર્ષે હજી સુધી આવા પાંચ કેસો જે સામે આવ્યા છે.

સાધુ કહે છે કે, "મગરોની વધતી સંખ્યાનું એક કારણ એ પણ છે કે તે પોતે મોટા અને શક્તિશાળી હોવાને કારણે આવાં પુખ્ત પ્રાણીઓના કુદરતી શિકારીઓ બહુ ઓછા હોય છે. સામાન્ય રીતે મનુષ્ય અથવા અન્ય મગરો જ તેમના માટે જોખમરૂપ બને છે."

વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે મગરોના જીવનના શરૂઆતના તબક્કામાં શિકાર બનવાનો ભય સૌથી વધુ હોય છે અને નાના કદની મગર પ્રજાતિઓ મોટા કદની પ્રજાતિઓની સરખામણીએ વધુ જોખમમાં રહે છે.

વૈજ્ઞાનિકોના મતે મગરોની કેટલીક વિશેષતાઓ, જેમ કે, માળો બનાવવાની જગ્યા પસંદ કરવાની રીત, માદા દ્વારા ઈંડાં અને બચ્ચાંની સંભાળ રાખવી, બચ્ચાંનું જૂથમાં રહેવાનું વર્તન તેમજ તેમની છદ્માવરણ ધરાવતી ત્વચા, આ બધું શિકારીઓથી બચવા માટે સમય સાથે વિકસેલાં અનુકૂલનોનું પરિણામ છે.

જોકે, મગરનાં ઈંડાં અને બચ્ચાં અનેક પ્રકારનાં અપૃષ્ઠવંશી પ્રાણી, માછલી, દેડકા, અન્ય સરિસૃપો, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓનો શિકાર બને છે, પરંતુ વિશ્વામિત્રી નદીના પટમાં તેમજ બીજા વિસ્તારોમાં આ પ્રકારનો ખતરો ઓછો જોવા મળે છે.

ગુજરાતમાં માણસ અને મગર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે?

રાજ્યના વનવિભાગના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ નિત્યાનંદ શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચ મહિનાના ગાળામાં જ્યારે નદીઓ અને તળાવો સુકાઈ ગયાં હોય છે અને ચોમાસાના સમયમાં જ્યારે ખૂબ વરસાદ પડે અને નદીઓમાં પાણીની આવક વધી જાય, ત્યારે માનવ-મગર વચ્ચેના સંઘર્ષના કેસો જોવા મળે છે."

શ્રીવાસ્તવે ઘણાં વર્ષો સુધી મગર પર અભ્યાસ પણ કર્યો છે. તેઓ કહે છે કે, "પસાર થતા સમયની સાથે મગરની સંખ્યા વધે છે. સામાન્ય રીતે તે પાણીના કોઈ કાયમી સ્રોતમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે, પણ નદીમાં પાણીની આવક વધે ત્યારે તે તણાઈ જાય છે અથવા તો આસપાસની ઊંચાણવાળી જગ્યામાં જતા રહે છે. એટલે તેની હાજરી ખેતરો કે પછી અન્ય જળસ્રોતો પાસેનાં મકાનોમાં જોવા મળે છે."

તેઓ માને છે કે, એવાં ઘણાં ઉદાહરણ મળે છે જ્યારે માણસમાં મગર સાથે કેવી રીતે વર્તન કરવું તેની સમજનો અભાવ હોય અને સંઘર્ષ પેદા થયો હોય.

કેમ થાય છે સંઘર્ષ મગર અને માણસ વચ્ચે?

આ પ્રશ્નનો જવાબ આપતા મોટા ભાગના લોકો માને છે કે તેની પાછળનું કારણ એ છે કે મગર માણસને મારીને ખાઈ જવાનું વલણ ધરાવતા હોય છે. પરંતુ એ કારણ નથી.

વડોદરાના વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના કન્વીનર અરવિંદ પવાર જણાવે છે કે, "જો માણસ પર હુમલો થયો હોય, આવું મોટા ભાગના કિસ્સામાં માણસની કોઈ ભૂલને કારણે જ થાય છે. જેમ કે, માણસ નદી પાસે બેઠો હોય ત્યારે મગરને લાગે કે બકરી કે જંગલી ભૂંડ વગેરે પાણી પીવા આવ્યાં છે ત્યારે તે શિકાર કરે છે. અથવા તો માણસ તેની ખૂબ નજીક જતો રહે કે તેની છેડતી કરે, ત્યારે હુમલાના કિસ્સા બનતા હોય છે."

મોટા ભાગના કિસ્સામાં મગરને માનવ વસાહતમાંથી રેસ્ક્યૂ કરીને તેને આસપાસની કોઈ જળસ્રોતમાં છોડી દેવામાં આવે છે.

આવી જ રીતે ખેડા જિલ્લાના ફૉરેસ્ટ અધિકારી વિક્રમભાઈ વાળાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "જેમ સિંહ માટે કહેવાય છે, તેવી જ રીતે જો મગર સાથે પણ એક યોગ્ય વર્તન જાળવી રાખવામાં આવે, તેની ખૂબ નજીક ન જઈએ અથવા તો તેની છેડતી ન કરીએ, તો મગર માણસ પર હુમલો કરતો નથી."

શું મગર અને માણસ સાથે રહી શકે છે?

ખેડા અને આણંદનાં એવાં ઘણાં ગામ છે, જ્યાં મગર વિવિધ તળાવોમાં રહે છે અને ત્યાં જ માણસની અવરજવર હોવા છતાં આ ગામોમાં તેમની વચ્ચે સંઘર્ષની કોઈ ઘટના બની નથી બનતી.

વાળા કહે છે કે, "વસો તાલુકાનાં 21માંથી ઘણાં એવાં ગામ છે, જેમાં વર્ષોથી મગર અને માણસ સાથે રહે છે. ભેંસ પાણીમાં ગઈ હોય, છતાં તેના પર મગર દ્વારા હુમલો થતો નથી."

વાળા માને છે કે મગર અને માણસ વચ્ચે સૌહાર્દમય જીવન શક્ય છે. એક તરફ જ્યારે મગરોની સંખ્યા વધી રહી છે અને જળ સ્રોત ઘટી રહ્યા છે, ત્યારે માણસ જો થોડી સમજદારી વાપરે, મગરના રસ્તામાં ન આવે અને જો મગર દેખાય તો ડરી જવાની જગ્યાએ વનવિભાગની ટીમને બોલાવે, તો સંઘર્ષ થવાની શક્યતા ઘણી ઘટી જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન