You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાર્વિન ટેસ્ટમાં બાંગ્લાદેશની ઑસ્ટ્રેલિયા સામે જીતથી ભારતને કેટલો મોટો ઝાટકો
ઑસ્ટ્રેલિયાના ડાર્વિનમાં રમાયેલી પહેલી ટેસ્ટમૅચમાં બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરતા ઑસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવી દીધું છે.
બીજી ઇનિંગમાં 57 રનના લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર એક વિકેટ ખોઈને તેણે આ જીત મેળવી. બાંગ્લાદેશે પહેલી વખત ઑસ્ટ્રેલિયાને તેના ઘરમાં પરાજીત કર્યું છે.
ડાર્વિનમાં મળેલી હાર બાદ હવે ઑસ્ટ્રેલિયા પાસે બાંગ્લાદેશ સામે સિરીઝ બચાવવાનો મોટો પડકાર છે. જ્યારે કે બાંગ્લાદેશની નજર વધુ એક ઊલટફેર પર રહેશે.
બંને ટીમ વચ્ચે બીજી ટેસ્ટમૅચ 22 ઑગસ્ટના રોજ મૅકેના ગ્રેટ બૅરિયર રીફ એરિનામાં રમાશે. પહેલી ટેસ્ટની જીત બાદ ન માત્ર બાંગ્લાદેશને સિરીઝમાં લીડ મળી છે પરંતુ તેને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ(WTC) ફાઇનલની રેસમાં પણ ફાયદો થયો છે.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયા સામે ડાર્વિન ટેસ્ટમૅચમાં 9 વિકેટથી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 23 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ રમવા પહોંચેલી બાંગ્લાદેશી ટીમે પૅટ કમિન્સની ઑસ્ટ્રેલિયન ટીમને હરાવી દીધી. પહેલી વખત છે કે બાંગ્લાદેશે ઑસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં કોઈ ટેસ્ટમૅચમાં હરાવ્યું હોય.
ડાર્વિનના મરારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી આ ટેસ્ટમૅચ માત્ર ચાર જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ.
બાંગ્લાદેશની જીતનો પાયો પહેલી ઇનિંગમાં જ નંખાઈ ગયો હતો, જ્યારે તેના બૉલરોએ ઑસ્ટ્રેલિયાને માત્ર 198 રનમાં ઑલઆઉટ કરી નાખ્યા.
ઝડપી બૉલર હસન મહમૂદે ઑસ્ટ્રેલિયાની સામે પહેલી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી, ત્યાર પછી તંજીદ હસન તમીમે બેટિંગમાં કમાલ કરી દેખાડી અને શાનદાર સદી ફટકારી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં 426 રન બનાવીને ઑસ્ટ્રેલિયા સામે 228 રનની વિશાળ લીડ મેળવી લીધી. આ જ લીડ આગળ તેને જીત માટે નિર્ણાયક સાબિત થઈ.
ઑસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં હારથી બચવા માટે ઝઝૂમી રહ્યું હતું, પરંતુ તેની સામે મેહદી હસન મિરાજની ફિરકીએ તેમની બેટિંગ લાઇનની કમર તોડી નાખી. તેની સામે મહત્ત્વના બૅટ્સમૅનો ટકી ન શક્યા. મિરાજે પાંચ વિકેટ લીધી અને બાંગ્લાદેશને જીત માટે નાનો લક્ષ્યાંક મળ્યો.
બીજી ઇનિંગમાં 57 રનના લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર એક વિકેટ ગુમાવીને બાંગ્લાદેશે ઑસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચી દીધો. હસન મહમૂદે આ મૅચમાં કુલ 9 વિકેટ લીધી હતી અને તેણે બાંગ્લાદેશની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા.
57 રનનો પીછો કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમ તરફથી શદમાન ઇસ્લામે 25 અને મોમિનુલ હકે 30 રન બનાવ્યા હતા. તાજિદ હસન તમીમ કોઈ પણ ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
ઑસ્ટ્રેલિયા હજુ ટૉપ પર, ટીમ ઇન્ડિયા ક્યાં?
આ ઐતિહાસિક જીતનો ફાયદો બાંગ્લાદેશને જરૂર થયો છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2025-27ના પૉઇન્ટ ટેબલમાં તેના અંકની ટકાવારી 58.33થી વધીને 66.67 થઈ ગઈ છે. પાંચ મુકાબલામાં તેની ત્રીજી જીત બાદ બાંગ્લાદેશ હવે ચોથા સ્થાને છે.
ઑસ્ટ્રેલિયાને હારથી નુકસાન તો થયું છે. તેના અંક 87.50થી ઘટીને 77.77 થઈ ગયા છે. જોકે, તે હજુ ટૉપ પર જ છે. બીજી તરફ બીજા સ્થાને ડિફેન્ડિંગ ચૅમ્પિયન દક્ષિણ આફ્રિકાના અંકની ટકાવારી 75.00 છે. એટલે કે બંને વચ્ચે અંકોનો તફાવત નજીવો છે.
ન્યૂઝીલૅન્ડ છ મુકાબલા બાદ 72.22 અંકો (ટકાવારી) સાથે ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશ બાદ ભારત 48.15 અંક (ટકાવારી) સાથે પાંચમા અને શ્રીલંકા 41.67 અંક સાથે છઠ્ઠા નંબરે છે. ત્યાર પછી ઇંગ્લૅન્ડ 24.36 અંક સાથે સાતમા, પાકિસ્તાન 22.22 અંક સાથે આઠમા અને વેસ્ટ ઇન્ડીઝ 20.83 અંક સાથે નવમા ક્રમાંકે છે.
હાલ ભારત શ્રીલંકાના ગૉલમાં સિરીઝની પહેલી ટેસ્ટમૅચ રમી રહ્યું છે. જો ભારત આ ટેસ્ટમૅચ જીતી જાય છે તો પણ તે પાંચમા સ્થાને જ રહેશે. પરંતુ તેના અંક (ટકાવારીમાં) વધીને 53.33 થઈ જશે. પરંતુ જો શ્રીલંકા આ મૅચ જીતી જાય છે તો તે ભારતને પછાડીને પાંચમા ક્રમાંકે પહોંચી જશે અને ભારતના અંક 43.33 પર આવી જશે.
જો ગૉલનો આ મુકાબલો ડ્રૉ પર સમાપ્ત થાય છે, તો શ્રીલંકાના અંક ઘટીને 40.00 અને ભારતના અંક ઘટીને 46.66 થઈ જશે. આ સ્થિતિમાં બંનેની હાલની રૅન્કિંગમાં કોઈ ફરક નહીં પડે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન