અમેરિકામાં એવું શું થયું કે ગ્લૉબલ બજારોમાં કડાકો આવ્યો અને ભારતીય બજાર ઊંચકાઈ ગયું?

ઇમેજ સ્રોત, Dev Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ભારતીય શૅરબજારમાં અત્યારે વૈશ્વિક બજારો કરતાં એકદમ વિપરીત વલણ જોવા મળી રહ્યું છે.
30 શૅરોનો સેન્સેક્સ આજે 1718 પોઈન્ટ અથવા 2.17 ટકા વધ્યો હતો જ્યારે વૈશ્વિક બજારોમાં ભારે કડાકો જોવા મળ્યો છે.
સેન્સેક્સમાં સામેલ કેટલીક મોટી કંપનીઓના શૅરમાં તો ત્રણથી છ ટકા સુધી વધારો થયો હતો. સેન્સેક્સ આજે 81,000ની સપાટીને વટાવી ગયો હતો.
ભારતીય શૅરબજારનો હાલનો દેખાવ એટલા માટે પણ ખાસ છે કારણ કે આજે સળંગ સાતમા સત્રમાં બજાર વધ્યું છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈરાન યુદ્ધ થયું ત્યાર પછી ભારતીય શૅરબજારે પહેલી વખત સૌથી ઉંચી સપાટી નોંધાવી છે.
બીજી તરફ અમેરિકન અને યુરોપિયન શૅરમાર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાથે સંકળાયેલી કંપનીઓના શૅર તૂટ્યા છે.
કોવિડ વખતે પશ્ચિમી દેશોનાં બજારોમાં જે ગભરાટ હતો તેનું પુનરાવર્તન થતું હોય તેમ લાગે છે અને આના માટે અમેરિકન મિડ ટર્મ ચૂંટણીનાં પરિણામોને જવાબદાર ગણવામાં આવે છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં આંચકો લાગ્યો તેની સીધી અસર એઆઈ અને ટેક્નોલૉજી કંપનીઓના શૅર પર પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય શૅરબજારમાં આટલી તેજી કેમ?

ઇમેજ સ્રોત, Mandar Deodhar/ The India Today Group via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લાં ત્રણ વર્ષથી ભારતીય શૅરમાર્કેટનો દેખાવ નબળો રહ્યો છે, ત્યારે હવે તહેવારો દરમિયાન બજારમાં ચમક જોવા મળી રહી છે.
સ્ટોક માર્કેટના વિશ્લેષક નિખિલ શાહ કહે છે કે ગ્લોબલ માર્કેટમાં ભારે વેચવાલીના કારણે કડાકો આવ્યો છે અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલી કંપનીઓના શૅર ગગડ્યા છે, ત્યારે ભારતીય બજારમાં ખરીદી વધી છે.
તેઓ કહે છે કે અમેરિકામાં તાજેતરની મિડ ટર્મ ચૂંટણીનાં પરિણામોએ બજારનો ચોંકાવી દીધું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો લાગ્યો છે અને યુએસ કૉંગ્રેસનું નિયંત્રણ ડેમોક્રેટ્સના હાથમાં આવ્યું છે. તેના કારણે એવું માનવામાં આવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અમેરિકામાં નિયંત્રણો વધી શકે છે.
ચાલુ વર્ષમાં એઆઈ શૅરોની તેજીના કારણે અમેરિકન બજાર ભારે ઊંચકાયું હતું. માર્ચ 2020માં કોવિડ વખતે અમેરિકન બજારમાં અભૂતપૂર્વ કડાકો આવ્યો છે અને ત્યાર પછી હવે નાસ્ડેક ઇન્ડેક્સમાં છ ટકાનો ઘટાડો થયો છે.
નિખિલ શાહ એમ પણ માને છે કે અમેરિકન શૅરો વધારે પડતા વધી ગયા હોવાથી આવા કોઈ કરેક્શનની શક્યતા દેખાતી હતી.
તેઓ કહે છે કે ભારતમાં અત્યાર સુધી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા મોટા પ્રમાણમાં શૅર વેચવામાં આવ્યા હતા, પરંતુ હવે છ વર્ષ પછી એફઆઈઆઈની ખરીદી મજબૂત બની છે.
એકંદરે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં એફઆઈઆઈનું વેચાણ વધુ હતું પરંતુ હવે ઘણા વિદેશી રોકાણકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓના શૅર વેચીને તેની જગ્યાએ ભારતીય શૅર ખરીદી રહ્યા છે.
ગ્લોબલ માર્કેટમાં પ્રચંડ કડાકો

ઇમેજ સ્રોત, Alex WROBLEWSKI / AFP via Getty Images
છેલ્લાં કેટલાંક વર્ષથી અમેરિકામાં એઆઈ આધારિત કંપનીઓના શૅરો ઝડપથી વધી રહ્યા હતા, પરંતુ આજે તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ભય અમેરિકા ઉપરાંત યુરોપ અને એશિયાનાં બજારોમાં પણ જોવા મળ્યો છે.
અમેરિકન મિડટર્મ ચૂંટણી પછી અમેરિકા, યુરોપ અને એશિયામાં ટેક્નોલૉજી કંપનીઓના શૅરોમાંથી અબજો ડૉલર ખેંચી લેવામાં આવ્યા છે.
બીબીસીના ટેક્નોલૉજી અને એઆઈ એડિટર ઝો ક્લેનમેનના અહેવાલ મુજબ ટૅક્નોલૉજી કંપનીઓના રોકાણકારો અને એક્ઝિક્યુટિવ્સે એઆઈનું નેરેટિવ લાંબા સમયથી ચલાવ્યું હતું. પરંતુ આ અઠવાડિયે અમેરિકન ચૂંટણીનાં પરિણામોએ એક અલગ મૅસેજ આપ્યો છે.
બિઝનેસ રિપોર્ટર ફેરિયા મસૂદના અહેવાલ મુજબ ઘણા ઉદ્યોગો સાઇક્લિકલ હોય છે અને તે રીતે એઆઈમાં પણ એક સમયે આવો કડાકો આવવાનો જ હતો. છેલ્લા કેટલાક સમયથી રોકાણકારો એઆઈને લઈને ચિંતિત હતા. તેમણે જે જંગી રોકાણ કર્યું છે તેનું શું થશે તે અંગે ચિંતા છે.
અમેરિકામાં ડેટા સેન્ટરોનો જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો હતો તેની સામે નારાજગી હતી. ડેમૅક્રેટ પાર્ટીએ ચૂંટણીમાં વચન આપ્યું હતું કે તેઓ એઆઈને નિરંકુશ રીતે વધવા નહીં દે. ટેક્સાસમાં ચૂંટણી જીતનાર ડેમૉક્રેટ ઉમેદવાર જિના હિનોજોસાએ કહ્યું હતું કે તેઓ નવા ડેટા સેન્ટરનું બાંધકામ સાવ અટકાવી દેશે.
ભારતીય બજારમાં આશાવાદ વધશે
દિવાળી અગાઉ ભારતીય બજારમાં આશાવાદ વધ્યો છે કારણ કે ભારત એઆઈ આધારિત અર્થતંત્ર નથી. જોકે, હવે ભારત પણ ડેટા સેન્ટર અને ચિપ ઉત્પાદન ફેસિલિટી માટે જંગી રોકાણ કરવા જઈ રહ્યું છે.
છેલ્લા લગભગ એક સપ્તાહથી બજારમાં વધારો થયો છે ત્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સે આજે ફરીથી 25,000ની સપાટી પ્રાપ્ત કરી હતી. ગ્લોબલ ફંડ્સ દ્વારા ભારતમાં ખરીદી શરૂ થઈ છે અને ક્રૂડઑઇલના ભાવ પણ થોડા હળવા થયા છે.
સ્ટોક માર્કેટ વિશ્લેષક વિશાલ મહેતા મુજબ "હાલમાં ભારતીય બજાર વધી રહ્યું છે, પરંતુ ઑઇલના ભાવ હજુ પણ ચિંતાજનક છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ ઈરાન યુદ્ધ સમાપ્ત થવા અંગે કોઈ અણસાર નથી આપ્યા. તેના કારણે ઑઇલનો ભાવ હજુ પણ 100 ડૉલર પ્રતિ બૅરલ કરતાં વધારે છે. આ ઉપરાંત રૂપિયામાં પણ નબળાઈ જોવા મળી છે."
તેઓ માને છે કે "લાંબા સમય સુધી ભારતીય બજારમાં વેચવાલી જોવા મળ્યા પછી હવે થોડી રાહત છે. જોકે, સેન્સેક્સ અને નિફ્ટી તેમની ઓલ-ટાઇમ હાઇ સપાટીથી ઘણા નીચા છે. અત્યારે જે તેજી છે તે પણ મોટા ભાગે લાર્જ કેપ શૅરોને આભારી છે. હજુ આને વ્યાપક તેજી કહી ન શકાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























