ઈરાને આર્જેન્ટિનાનાં નૌકાદળ અને વાયુસેનાને 'આંતકવાદી સંગઠન' ઘોષિત કર્યાં – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Image
ઈરાને આર્જેન્ટિનાની નૌસેના અને વાયુસેનાને 'આતંકવાદી સંગઠન' જાહેર કરી દીધી છે.
આ પહેલાં, આર્જેન્ટિનાએ આ વર્ષે જૂનમાં ઈરાનની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)ને આતંકવાદી સંગઠન જાહેર કરી હતી. તેના જવાબમાં ઈરાને આ નિર્ણય લીધો છે.
ઈરાનના વિદેશ મંત્રીલાયે 10 નવેમ્બરના રોજ આ જાહેરાત કરી. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પગલું 2019માં પસાર કરાયેલા 'પારસ્પરિક કાર્યવાહી'ના કાયદા હેઠળ લેવાયું છે.
નિવેદન અનુસાર, આ નિર્ણય પારસ્પરિકતાના સિદ્ધાંતના આધારે લેવાયો છે. ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું, "આ નિર્ણયથી આવનારાં તમામ પરિણામોની જવાબદારી આર્જેન્ટિનાની સરકારની રહેશે."
આર્જેન્ટિના લાંબા સમય સુધી 1994માં બ્યૂનસ આયર્સસ્થિત એએમઆઇએ યહૂદી સામુદાયિક કેન્દ્ર પર થયેલા બૉમ્બ ધડાકા માટે ઈરાન અને લેબનનના હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવતું આવ્યું છે. આ હુમલામાં 85 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
જોકે, ઈરાને હંમેશાં આ હુમલામાં કોઈ પણ પ્રકારે પોતાનો હાથ ન હોવાની વાત કરી છે.
ઇંગ્લૅન્ડ : શાળાઓમાં સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાની તૈયારી

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડમાં સપ્ટેમ્બર 2027થી અમલમાં આવનારી કડક સરકારી માર્ગદર્શિકા હેઠળ બાળકો શાળામાં સમગ્ર દિવસ દરમિયાન પોતાની પાસે મોબાઇલ ફોન રાખી શકશે નહીં.
હાલમાં કેટલીક શાળાઓમાં બાળકોને પોતાની બૅગમાં ફોન રાખવાની મંજૂરી મળે છે, પરંતુ શરત એટલી છે કે ફોન દેખાવો ન જોઈએ અને તેનો કોઈ અવાજ પણ સંભળાવવો ન જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂન મહિનામાં અમલમાં આવેલી માર્ગદર્શિકા અનુસાર શાળાઓ અને તેમનું સંચાલન કરતી ટ્રસ્ટ સંસ્થાઓ પર શાળાને સમગ્ર દિવસ દરમિયાન ફોનમુક્ત રાખવાની કાનૂની જવાબદારી મૂકવામાં આવી છે.
શિક્ષણ મંત્રી લૂસી પૉવેલે જણાવ્યું હતું કે, માતાપિતા અને બાળકો માટે સરકારનો સંદેશ સ્પષ્ટ છે: "શાળાઓ અભ્યાસ અને મિત્રતા માટે છે, ફોન પર સ્ક્રૉલ કરવા માટે નહીં."
સરકારના જણાવ્યા મુજબ ફોન સુધીની સરળ પહોંચ બાળકોનું ધ્યાન અભ્યાસમાંથી ભટકાવી શકે છે અને તેમને એકબીજાંથી દૂર કરી શકે છે.
આ નિયમોનો અમલ કઈ રીતે કરવો તે નક્કી કરવાની સત્તા શાળાઓ પાસે જ રહેશે. કેટલીક શાળાઓ ફોન રાખવા માટે તાળાબંધ પાઉચ અથવા સુરક્ષિત લૉકરોનો ઉપયોગ કરી રહી છે. જ્યારે અન્ય ઘણી શાળાઓ દિવસની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ પાસેથી ફોન જમા કરાવી લે છે અથવા શાળામાં ફોન લાવવા પર જ પ્રતિબંધ મૂકે છે.
શિક્ષણ સંબંધિત નિર્ણયો બ્રિટનના અલગ અલગ ભાગોની સરકારો દ્વારા લેવામાં આવે છે, તેથી ફોન સંબંધિત નિયમો પણ અલગ છે. સ્કૉટલૅન્ડે આ મુદ્દે નવો કાયદો લાવવાની વાત કરી છે, જ્યારે વૅલ્સ અને ઉત્તર આયર્લૅન્ડમાં પણ આ મુદ્દે લોકોના અભિપ્રાયો માગવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત, અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગુંદ વિસ્તારમાં આવેલા એસએસજી રોડ પર સુમ્બલ બાલ નજીક પ્રવાસીઓથી ભરેલા એક ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત નડ્યો હતો. સમાચાર સંસ્થા એેએનઆઈ પ્રમાણે, આ દુર્ઘટનામાં 18 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
જમ્મુ-કાશ્મીર અને ગુજરાતના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરે આપેલી માહિતી પ્રમાણે, દુર્ઘટના બનતાં જ સ્થાનિકો અને તંત્ર દ્વારા તમામ 18 ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ગુંદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક તબીબી તપાસ અને સારવાર બાદ 8 ગંભીર દર્દીઓને વધુ વિશિષ્ટ સારવાર અર્થે શ્રીનગરની 'સ્કિમ્સ સૌરા' (SKIMS Soura) હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 10 ઈજાગ્રસ્તો હાલ ગુંદ પીએચસી ખાતે તબીબી દેખરેખ હેઠળ છે.
શ્રીનગર રીફર કરવામાં આવેલા 8 ગંભીર દર્દીઓમાં ગુજરાતના 5 અને પશ્ચિમ બંગાળના 3 પ્રવાસીઓ સામેલ છે.
ગુજરાતના ઈજાગ્રસ્તો: શારદા રાની (58 વર્ષ, અમદાવાદ), રમેશ (52 વર્ષ, અમદાવાદ), શોભના પટેલ (50 વર્ષ, અમદાવાદ), રાજેશકુમાર (અમદાવાદ) અને જયેશ (42 વર્ષ, સુરત).
પશ્ચિમ બંગાળના ઈજાગ્રસ્તો: સ્વપ્નાદ્યુતિ ઘોષ (24 વર્ષ, મુર્શિદાબાદ), માલા ઘોષ (48 વર્ષ, મુર્શિદાબાદ) અને સુરાજિત ઘોષ (61 વર્ષ).
સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
કથિત ચીની જાસૂસ સાથેના સંબંધોના મામલે એનવીડિયાના સીઈઓ સામે કંપનીએ લીધું આ પગલું

ઇમેજ સ્રોત, AFP
ચિપ નિર્માતા કંપની એનવીડિયાએ પોતાના સીઈઓ જેન્સન હુઆંગ અને એક કથિત ચીની જાસૂસ વચ્ચેના પ્રેમસંબંધોની તપાસ માટે ન્યૂ યૉર્કના એક કાનૂની ફર્મની નિમણૂક કરી હતી.
એનવીડિયાના સીઈઓ હુઆંગે પ્રેમસંબંધ હોવાની વાત સ્વીકારી હતી. કથિત જાસૂસનું નામ ઍલિસ હુઆંગ હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. જોકે, ચીને આ આરોપોને નકારી કાઢ્યા હતા.
એનવીડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે 'વૉચટેલ, લિપ્ટન, રોઝન ઍન્ડ કાટ્ઝ' નામના કાનૂની ફર્મને જવાબદારી સોંપવામાં આવી હતી. વકીલ જૂન કિમ આ તપાસનું નેતૃત્વ કરશે. 'એફબીઆઈ' પણ આ મામલે અલગથી તપાસ કરી રહી છે.
કંપનીના બૉર્ડે રવિવારે જણાવ્યું હતું કે તેમની પાસે એવું માનવા માટે કોઈ કારણ નથી કે કંપનીની ગુપ્ત માહિતી અથવા રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પ્રકારનું સમાધાન થયું હોય.
ઍલિસ હુઆંગ, જેઓ હુઆંગ લે તરીકે પણ ઓળખાય છે, તેઓ સિંગાપોરની કંપની મેગાસ્પીડમાં અધિકારી તરીકે કાર્યરત હતાં. મેગાસ્પીડ એનવીડિયાની ગ્રાહક કંપની રહી હતી. ઍલિસ અને જેન્સન હુઆંગ વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે, તેમની જેન્સન હુઆંગ સાથે વાતચીત થઈ હતી. ટ્રમ્પના જણાવ્યા મુજબ, હુઆંગે તેમને કહ્યું હતું કે તેમને "ખબર જ ન હતી કે તે જાસૂસ હતી."
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ હુઆંગની આ વાત પર વિશ્વાસ કરે છે.
'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ વર્ષની શરૂઆતમાં વરિષ્ઠ અધિકારીઓને એક નોંધ મોકલી હતી, જેમાં જેન્સન હુઆંગના એક ચીની જાસૂસ સાથેના નજીકના સંબંધો અંગે ચેતવણી આપવામાં આવી હતી.
શુક્રવારથી કંપનીના શૅરબજાર મૂલ્યમાં અંદાજે 500 અબજ ડૉલરનો ઘટાડો નોંધાયો હતો અને કંપનીના શૅરની કિંમત વર્ષના સૌથી નીચા સ્તરની નજીક પહોંચી ગઈ હતી.
અમેરિકાનો દાવો : બ્રિટનના ઍરબેસ પર હુમલાના ષડયંત્ર પાછળ ઈરાન સમર્થિત શંકાસ્પદોનો હાથ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાનો દાવો : બ્રિટનના ઍરબેસ પર હુમલાની સાજિશ પાછળ ઈરાન સમર્થિત શંકાસ્પદોનો હાથ – ન્યૂઝ અપડેટ
બ્રિટનના આરએએફ (RAF) ફેયરફૉર્ડ ઍરબેસ નજીક સપ્ટેમ્બરમાં ત્રણ શંકાસ્પદ વૅન જોવા મળ્યાં બાદ સુરક્ષા ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
અમેરિકાના ન્યાય વિભાગે ઈરાનના સમર્થન સાથે જોડાયેલી ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આરોપોની જાહેરાત કરી છે. વિભાગનો આરોપ છે કે આ લોકો અમેરિકા અને યુરોપમાં અનેક ષડયંત્રોમાં સામેલ હતા.
આમાં બ્રિટનના આરએએફ ફેયરફૉર્ડ ઍરબેસ પર થયેલી કથિત ઉગ્રવાદી હુમલાની સાજિશ પણ સામેલ છે. આ ઍરબેસ પર અમેરિકન સૈનિકો તહેનાત હતા.
ઈરાને ફેયરફૉર્ડ ઘટનામાં કોઈપણ પ્રકારની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, મંગળવારે જાહેર કરાયેલા આરોપપત્રમાં ઈરાનના નાગરિક મોહસિન મોહાજેરી, ઈરાકના નાગરિક મોહમ્મદ અલી અલ-હસની અને ઈરાન-ઈરાકની બેવડી નાગરિકતા ધરાવતા મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદીનાં નામ સામેલ છે.
આમાંથી એક વ્યક્તિ પર ન્યૂ યૉર્કની જેલમાંથી બ્રિટનમાં પોતાના સંપર્કો સાથે વાતચીત કરવાનો આરોપ છે. તે અગાઉથી નોંધાયેલા કેસોમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યો છે. બાકીની બે વ્યક્તિઓ પર ઈરાનમાંથી આવી પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ છે.
ફેયરફૉર્ડ ઍરબેસ નજીક ત્રણ શંકાસ્પદ વૅન જોવા મળ્યાં બાદ 27 સપ્ટેમ્બરના રોજ મોટું સુરક્ષા ઍલર્ટ જાહેર કરાયું હતું. વૅનમાંથી વિસ્ફોટકો મળ્યા ન હતા, પરંતુ પેટ્રોલ મળી આવ્યું હતું. આ કેસમાં બ્રિટનમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકાના ન્યાય વિભાગનો આરોપ છે કે અલ-હસનીએ ઑગસ્ટ મહિનામાં બ્રિટનમાં પોતાના સાથીદારોને ઍરબેસની દેખરેખ રાખવા અને ષડયંત્રોની તૈયારી કરવા માટે નાણાં આપ્યા હતા.
વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર દરમિયાન વૅન અને ઈંધણનાં ડ્રમ એકત્રિત કરવામાં આવ્યાં હતાં. વૅનને એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે તે ઈંધણ પહોંચાડતી અથવા સ્વિમિંગ પૂલનું સાધન પુરું પાડતી વાહનો જેવી લાગે.
આરોપ મુજબ, 26 સપ્ટેમ્બરે અલ-હસનીએ ત્રણ વૅનને ઍરબેસ તરફ લઈ જવાના નિર્દેશ આપ્યા હતા અને રસ્તામાં ડ્રાઇવરો સાથે સંપર્કમાં રહ્યો હતો. આમાંથી ઓછામાં ઓછી બે વૅનને સુરક્ષા ચૅકપોસ્ટ પર આગળ જવા દેવામાં આવી નહોતી.
27 સપ્ટેમ્બરની વહેલી સવારે એક સ્થાનિક ખેડૂતે શંકાસ્પદ વૅન જોઈને પોલીસને જાણ કરી હતી.
ઇઝરાયલમાં આરબ પક્ષોના સમર્થનથી સરકાર રચવા અંગે નેતન્યાહૂએ ફરી આપી ચેતવણી

ઇમેજ સ્રોત, Kobi Wolf/Bloomberg via Getty Images
ઇઝરાયલમાં આરબ પક્ષોના સમર્થનથી સરકાર બનાવવાના પ્રયત્નો અંગે બેન્જામિન નેતન્યાહૂએ ફરી એક વાર ચેતવણી આપી હતી.
તેમણે 'ઍક્સ' પર લખ્યું હતું, "રા'મ અને જૉઇન્ટ લિસ્ટના 'આતંકવાદ સમર્થકો' સાથે મળીને કોઈ ખતરનાક સરકાર રચવી જોઈએ નહીં!"
આ પહેલાં ઇઝરાયલમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા દરમિયાન 26મી નેસેટ (સંસદ)માં મહત્ત્વના હોદ્દાઓ માટે ઉમેદવારોનાં નામો પર સહમતિ થઈ હતી.
સરકાર રચવાનું આમંત્રણ મળેલા ગાડી આઇઝનકોટે 'ઍક્સ' પર માહિતી આપી હતી કે, તેમણે નેફ્તાલી બેનેટ, યાએર ગોલાન, એવિગડોર લિબરમૅન અને યાએર લાપિડ સાથે આ નામો અંગે સહમતિ સાધી છે.
સમજૂતી મુજબ, પૂર્વ મંત્રી મતાન કહાનાને નેસેટના સ્પીકર પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમજ રૉય ફોકમૅનને હાઉસ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા બાબતે પણ સહમતિ થઈ હતી.
ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે ગાડી આઇઝનકોટને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું.
તેમને આગામી ચાર અઠવાડિયાંની અંદર સરકાર રચવાનો અવસર આપવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























