પીએમ મોદીની અપીલ બાદ શું લોકોએ સોનું ખરીદવાનું બંધ કરી દીધું, શું કહે છે નિષ્ણાતો?

બીબીસી ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોનું ચાંદી વિદેશી હુંડિયામણ કોમોડિટી માર્કેટ શેરબજાર માર્કેટ સોનાચાંદી બજાર ઘરેણાં આભૂષણ ગુજરાત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ સોના ચાંદીના ભાવ
ઇમેજ કૅપ્શન, તહેવારો સાથે જ લગ્નની સિઝનમાં પણ ભારતમાં ઘરેણાંની ખરીદીમાં વધારો થતો હોય છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન શનિવારે જણાવ્યું હતું કે, તેમની અપીલ પછી લોકોએ સોનાની ખરીદી ઓછી કરી દીધી હતી. દેશવાસીઓએ તેમની વાત માનતાં તેમને મોટો ફાયદો થયો હતો.

PM મોદીએ કહ્યું હતું કે, "મેં એક વર્ષ પહેલાં કહ્યું હતું કે હું દેશવાસીઓને વિનંતી કરું છું કે એક વર્ષ માટે જો જરૂર ન હોય તો કૃપા કરીને સોનું ન ખરીદો, ગોલ્ડ ન ખરીદો."

તેમણે આગળ ઉમેર્યું હતું કે, "મને ખુશી છે કે જેમ લાલ બહાદુર શાસ્ત્રીએ દેશવાસીઓને એક વખત ભોજન છોડી દેવાનું કહ્યું હતું, ત્યારે દેશના લોકોએ તેમની વાત માની હતી. દેશવાસીઓએ મારી વાત માની અને ગોલ્ડના ભાવ તૂટી ગયા. આજે દેશના લોકો કહી રહ્યા છે કે મોદીજી, મેં તમારી વાત માની, મારા પૈસા બચી ગયા."

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં આ વર્ષે એટલે કે 2026ની શરૂઆતમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 1.8 લાખ સુધી પહોંચી ગઈ હતી, જે હાલ ઘટીને રૂ. 1.25 લાખ સુધી આવી ગઈ છે.

આમ જોવામાં આવે તો સોનાની કિંમતોમાં આ મોટો ઘટાડો છે. પરંતુ શું ભારતમાં લોકોએ PM મોદીની અપીલ પછી ખરેખર સોનું ખરીદવાનું બંધ કરી દીધું હતું? અને શું સોનાના ભાવ ઘટવા પાછળ તેની ઓછી ખરીદી પણ એક કારણ છે?

પીએમ મોદીએ ગોલ્ડ ખરીદવા અંગે શું કહ્યું હતું?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોનું ચાંદી વિદેશી હુંડિયામણ કોમોડિટી માર્કેટ શેરબજાર માર્કેટ સોનાચાંદી બજાર ઘરેણાં આભૂષણ ગુજરાત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ સોના ચાંદીના ભાવ
ઇમેજ કૅપ્શન, તહેવારો દરમિયાન સોનાનાં ઘરેણાંની ખૂબ ખરીદી થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવા અંગે જે અપીલ કરી હતી, તે હકીકતમાં એક વર્ષ પહેલાંનું નિવેદન નહોતું. તેમણે 10 મે 2026ના રોજ તેલંગાણાના પ્રવાસ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

સિકંદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં PM મોદીએ લોકોને વિદેશી મુદ્રા બચાવવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "સોનાની ખરીદીનું એક બીજું પાસું પણ છે, જેમાં ઘણી વિદેશી મુદ્રાનો ખર્ચ થાય છે. એક સમય એવો હતો જ્યારે સંકટ આવતું ત્યારે લોકો દેશહિતમાં સોનું દાનમાં આપી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે નક્કી કરવું પડશે કે આખું વર્ષ ઘરમાં કોઈ કાર્યક્રમ હોય તો પણ આપણે સોનાના દાગીના નહીં ખરીદીએ."

તેમણે ઉમેર્યું હતું કે, "સોનું નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણો દેશપ્રેમ આપણને પડકાર આપી રહ્યો છે અને આપણે તેને સ્વીકારીને વિદેશી મુદ્રા બચાવવી પડશે."

સોનાની કિંમતમાં ઘટાડો

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોનું ચાંદી વિદેશી હુંડિયામણ કોમોડિટી માર્કેટ શેરબજાર માર્કેટ સોનાચાંદી બજાર ઘરેણાં આભૂષણ ગુજરાત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ સોના ચાંદીના ભાવ
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદીએ લગભગ છ માસ અગાઉ લોકોને સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. (ફાઇલ તસવીર)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા'ના પૂર્વ પ્રમુખ અને આર્થિક બાબતોના નિષ્ણાત વેદ જૈને 'બીબીસી ન્યૂઝ હિંદી'ને જણાવ્યું હતું કે "સોનું પણ એક પ્રકારની કરન્સી છે. લોકો પોતાના રોકાણનું ભવિષ્ય જોઈને તેમાં નાણાં રોકે છે."

તેમણે આગળ ઉમેર્યું હતું, "અમેરિકામાં વ્યાજદર ઘટે છે ત્યારે લોકો સોનામાં રોકાણ કરે છે, કારણ કે તેમને લાગે છે કે તેમાંથી સારું વળતર મળશે. તેની સાથે જ સોનાનો ભાવ એક તબક્કે તેની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો, તેથી હવે સોનાનો ભાવ ઘટ્યો છે. હાલમાં લોકોને લાગી રહ્યું છે કે અમેરિકામાં વ્યાજદર વધશે, તો લોકો ડૉલરમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે."

તેમના જણાવ્યા મુજબ, "સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટ્યો છે. અમેરિકામાં તે અંદાજે 5,500 ડૉલર પ્રતિ ઔંસ (અંદાજે 31 ગ્રામ)થી ઘટીને હાલમાં લગભગ 3,500 ડૉલર પ્રતિ ઔંસ સુધી આવી ગયો છે."

વેદ જૈનનું માનવું છે કે, મધ્યપૂર્વની પરિસ્થિતિને કારણે તેલના ભાવ પર જે અસર પડી હતી, તે ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. તે યુદ્ધને કારણે ભારતીય રૂપિયો દબાણ હેઠળ હતો, જે દબાણ હવે ઓછું થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેના કારણે ડૉલરની સરખામણીએ રૂપિયાના મૂલ્યમાં થોડો સુધારો થયો છે અને તેની અસર પણ સોનાના ભાવ પર પડી છે.

દિલ્હીસ્થિત થિંક-ટૅન્ક 'ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ' (GTRI)ના પ્રમુખ અજય શ્રીવાસ્તવ કહે છે, "ગોલ્ડના ભાવ સ્પેક્યુલેશન (સટ્ટાખોરી)ના કારણે વધ્યા હતા. ડિસેમ્બર 2024માં તે લગભગ 2,500 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ હતો, જે જાન્યુઆરી 2026માં 5,500 ડૉલર પ્રતિ ઔંસને પાર કરી ગયો હતો."

તેમના જણાવ્યા મુજબ, "તેની પાછળ ડૉલર નબળો પડવાની આશંકા, મધ્યપૂર્વમાં તણાવ વધવાની સંભાવના અને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વગેરે જેવાં ઘણાં કારણો હતાં. તે સમયે ઈરાન યુદ્ધ શરૂ થયું નહોતું. પરંતુ ચીન અને જાપાનના આર્થિક નિર્ણયોએ ડૉલર પર અસર કરી, જેના કારણે રોકાણકારો અમેરિકન ડૉલરથી દૂર ખસીને સોનામાં રોકાણ કરવા લાગ્યા હતા."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોનું ચાંદી વિદેશી હુંડિયામણ કોમોડિટી માર્કેટ શેરબજાર માર્કેટ સોનાચાંદી બજાર ઘરેણાં આભૂષણ ગુજરાત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ સોના ચાંદીના ભાવ

અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "તે સમય દરમિયાન ભારતીય રિઝર્વ બૅન્ક સહિત વિશ્વભરની કેન્દ્રીય બૅન્કોએ સોનામાં રોકાણ કર્યું હતું."

તેમના જણાવ્યા મુજબ, "હવે ફરીથી સોનાનો ભાવ ઘટવા પાછળ સ્પેક્યુલેશન (સટ્ટાખોરી) પણ એક કારણ છે. રોકાણકારોને લાગી રહ્યું છે કે અમેરિકામાં વ્યાજદર વધી શકે છે, તેથી તેઓ પોતાનું સોનું, જેમાં તેઓ ઘણો નફો કમાઈ ચૂક્યા છે, તે વેચીને અમેરિકન ટ્રેઝરીમાં રોકાણ કરવા માગશે."

અજય શ્રીવાસ્તવ આગળ કહે છે કે, "તાજેતરનાં અઠવાડિયાંમાં AI (એઆઈ) સ્ટૉક્સના ભાવમાં ઘટાડો થવાને કારણે પણ લોકો તેમાંથી બહાર નીકળવા માટે પોતાનું સોનું વેચી રહ્યા છે અને તે પછી ઈરાન-યુદ્ધ અથવા મધ્યપૂર્વને લઈને રહેલી આશંકાઓ પણ ઓછી થઈ છે."

ભારતમાં સોનાના ભાવમાં વધારો થવા પાછળનું એક મોટું કારણ મે 2026માં સરકાર દ્વારા લાદવામાં આવેલો 15 ટકાનો ટેરિફ પણ હતો. તેના કારણે ભારતમાં સોનાના ભાવમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ડિસેમ્બર 2024થી જાન્યુઆરી 2026 વચ્ચે સોનાના ભાવમાં 111 ટકાનો વધારો થયો હતો, જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટવા અને ટૅરિફને કારણે ભારતમાં આ વધારો 132 ટકા રહ્યો હતો.

શું ભારતમાં લોકો ઓછું સોનું ખરીદી રહ્યા છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોનું ચાંદી વિદેશી હુંડિયામણ કોમોડિટી માર્કેટ શેરબજાર માર્કેટ સોનાચાંદી બજાર ઘરેણાં આભૂષણ ગુજરાત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ સોના ચાંદીના ભાવ
ઇમેજ કૅપ્શન, ભારતમાં સોનાને માત્ર રોકાણની દૃષ્ટિએ જ નહીં, પરંતુ લોકોમાં સૌંદર્ય માટે પણ તેનું આકર્ષણ જોવા મળે છે.

પીએમ મોદીએ શનિવારે દાવો કર્યો હતો કે, તેમની અપીલ પછી લોકોએ સોનાની ખરીદી ઓછી કરી હતી.

જોકે, થોડા દિવસ પહેલાં ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, આખું યુરોપ ત્રણ મહિના દરમિયાન જેટલું સોનું-ચાંદી ખરીદે છે, એટલું ધનતેરસના દિવસે ભારતમાં લોકોએ એક જ દિવસમાં ખરીદી લીધું હતું.

અજય શ્રીવાસ્તવ જણાવે છે કે "ભારતમાં સોનાની માગમાં ઘટાડો થયો, કારણ કે વધતા ભાવને લીધે દાગીના ખરીદવાનું લોકો માટે ઓછું પરવડે તેવું રહ્યું. દાગીના, સોનાના બાર અને સિક્કાઓની કુલ માગ વર્ષ 2022માં 774 ટન, 2023માં 761 ટન અને 2024માં 803 ટન રહી હતી. જોકે, 2025માં તેમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો અને તે ઘટીને 711 ટન રહી ગઈ."

એટલે કે વડા પ્રધાન મોદીની અપીલ પહેલાં જ વધતી કિંમતોને કારણે લોકોએ તેની ખરીદી ઓછી કરી દીધી હતી અથવા તેમના માટે મોંઘું સોનું ખરીદવું સંભવ રહ્યું નહોતું.

અજય શ્રીવાસ્તવ કહે છે કે "વર્ષ 2025માં દાગીનાની માગમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2026માં પણ માગમાં ઘટાડો ચાલુ રહ્યો. પ્રથમ નવ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર 2026 સુધીમાં દાગીનાની માગમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો."

એટલે કે ગયા વર્ષની સરખામણીએ આ ઘટાડો ઓછો રહ્યો. જોકે, તેમાં તહેવારો દરમિયાન થયેલી ખરીદીના આંકડાનો સમાવેશ થતો નથી. સ્વાભાવિક રીતે તેનાથી દાગીનાની ખરીદીના આંકડામાં વધારો જ થશે, કારણ કે ભારતમાં ધનતેરસ અને દિવાળી દરમિયાન લોકો સોનું-ચાંદી મોટી માત્રામાં ખરીદે છે.

તેની સાથે જ ભારતમાં આવનારાં અઠવાડિયાંમાં લગ્નપ્રસંગો દરમિયાન પણ દાગીનાની ખરીદી વધવાની શક્યતા છે, જ્યારે વર્ષ 2024ના ડિસેમ્બર મહિનાની સરખામણીએ હજુ પણ સોનાના ભાવ અંદાજે 34 ટકા વધુ છે.

વેદ જૈન કહે છે કે "ભારતમાં લોકોએ સોનું ખરીદવાનું ઓછું કર્યું નથી. સોના પ્રત્યે લોકોનો લગાવ આજે પણ એટલો જ છે." તેમના જણાવ્યા મુજબ, સોનાના ભાવ ઘટે તો તેની ખરીદીનું પ્રમાણ વધશે. જ્યારે સોનાનો દર ઊંચો હોય ત્યારે પણ લોકો સોનું ખરીદે છે, પરંતુ તેની માત્રા (વજન) ઓછી હોય છે.

લોકો શું કહે છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોનું ચાંદી વિદેશી હુંડિયામણ કોમોડિટી માર્કેટ શેરબજાર માર્કેટ સોનાચાંદી બજાર ઘરેણાં આભૂષણ ગુજરાત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ સોના ચાંદીના ભાવ

કૉંગ્રેસ નેતા ભૂપેન્દ્ર ગુપ્તાએ પીએમ મોદીના દાવા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, "આ દેશમાં શ્રેય લેવામાં તેઓ સૌથી આગળ રહે છે. આ બજારની હલચલ છે, બજારની રીત છે. તમે તો સોનું ન ખરીદવાની અપીલ એટલા માટે કરી હતી કે તમારા પાસે ડૉલર બચ્યા નહોતા."

કૉંગ્રેસ નેતા અને યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રીનિવાસ બીવીએ ઍક્સ પર લખ્યું, "મોદીજી, સોનાના ભાવ વૈશ્વિક હોય છે, કોઈ દેશના આધારે નક્કી થતા નથી, તો શું તમારી અપીલ બાદ સમગ્ર વિશ્વે સોનું ખરીદવાનું બંધ કરી દીધું હતું...?"

જૅકી યાદવ નામના એક યુઝરે લખ્યું, "સોનું ન ખરીદનારા લોકો આજે ઉજવણી કરી રહ્યા છે અને કેટલાક લોકો તો મોદીજીનો આભાર પણ માની રહ્યા છે. અરે ભાઈ, ગોલ્ડમાં રોકાણ લાંબા ગાળા માટે હોય છે. આજે ભાવ ઘટ્યા છે તો ભવિષ્યમાં તે વધશે પણ અને શક્ય છે કે હાલ કરતાં પણ ઘણો વધુ વધી જાય."

જ્યારે જ્યોત્સના યાદવ નામનાં એક યુઝરે લખ્યું, "મોદીજી, તમે એ પણ કહ્યું હતું કે ડૉલર અને રૂપિયાને સમાન કરી દઈશ, તેનું શું થયું?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન