વાહન પર હવે જાતિના પ્રદર્શન પર પ્રતિબંધ, ગુજરાત સરકારે નવો કયો નિયમ જાહેર કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ ઉમેરાઈ છે, જેમાં જાતિ દર્શાવતાં શબ્દો, સંકેતો, ચિહ્નો અને લખાણના પ્રદર્શન પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે 'ગુજરાત મોટર વાહન (3જો સુધારો) નિયમો, 2026' જાહેર કર્યા છે.
ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિહ્નો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે આ મહત્ત્વનું પગલું ભર્યું છે.
હવે ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર કે બસ અથવા ટ્રક સહિત તમામ ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.
આ માટે ગુજરાત સરકારે 'ગુજરાત મોટર વાહન નિયમો, 1989'માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરી છે.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર, આ મામલે આગામી દિવસોમાં પરિવહન કમિશનર ગુજરાત મોટર વાહન નિયમોમાં આ નવા સુધારાને લાગુ કરવા માટે રાજ્યના પ્રાદેશિક પરિવહન અધિકારીઓ (આરટીઓ) તેમજ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને જાણ કરશે.
વાહનો પર કેવું લખાણ પ્રદર્શિત નહીં કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્ય સરકારના 'બંદરો અને વાહન વ્યવહાર વિભાગે' ગત 17 નવેમ્બર, 2026ના રોજ 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' જાહેર કર્યા છે.
આ સુધારા હેઠળ નિયમ 125ના પેટાનિયમ (1)માં 'No advertising device, figure' શબ્દોની જગ્યાએ 'No advertising device, caste signage, figure' શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાહેરાતનાં ચિહ્નો અને આકૃતિઓ અંગેની જોગવાઈમાં હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઉપરાંત નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈ પણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈ પણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.
આથી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવાની અને જાતિ દર્શાવતાં સંકેતો કે લખાણ મૂકવાની બાબતને નિયમન હેઠળ આવરી લેવામાં આવી છે. આથી વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં, તે અંગે નિયમન વધુ સ્પષ્ટ બનશે.
જોકે, રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમથી જરૂરી અપવાદોને મંજૂરી આપી શકશે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે આ સુધારાના મુસદ્દા નિયમો અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકો પાસેથી 30 દિવસમાં વાંધા કે સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં.
નિર્ધારિત સમયગાળામાં સરકારને કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં હવે અંતિમ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ગુજરાતના પરિવહન કમિશનર અનુસાર, "ભારત સરકારે જાતિગત સંકેતો અંગે માર્ગદર્શિકા અને નિયમોને સૂચિત કરવા માટે એક સલાહકારી પત્ર જાહેર કર્યો હતો. તેથી ગુજરાતનાં બંદરો અને પરિવહન વિભાગે હવે તે જાહેર કર્યું છે."
અખબાર અનુસાર, "ગુજરાતના પરિવહન કમિશનર આગામી દિવસોમાં, તમામ આરટીઆઓ અને પોલીસ અધિકારક્ષેત્રોને તેનો અમલ કરવા માટે જાણ કરશે."
કાયદામાં શું જોગવાઈ છે?
ગુજરાતના 'મોટર વ્હીકલ નિયમો'માં રજૂ કરાયેલી આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા ખાસ આદેશથી મુક્તિ આપવામાં આવી હોય તે સિવાય, કોઈપણ ખાનગી વાહન પર કોઈપણ પ્રકારના "જાતિસૂચક સાઇનબોર્ડ" લગાવવું ગેરકાયદેસર બને છે.
16 સપ્ટેમ્બર, 2025ના રોજ અલ્હાબાદ હાઇકૉર્ટે પણ આ મામલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.
કૉર્ટે અવલોકન કર્યું હતું કે, વાહનો પર લગાવવામાં આવતા જાતિ દર્શાવતાં સંકેતો, નામો કે સૂત્રો સામાજિક વર્ણવ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે અને બંધારણના સમાનતા તથા બંધુત્વના સિદ્ધાંતો વિરુદ્ધ છે. કોર્ટ દ્વારા 'મોટર વાહન અધિનિયમ'ની જોગવાઈઓ હેઠળ જાતિસૂચક સંકેતો ધરાવતાં વાહનો સામે ચલાન કાપવા અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ ઉત્તર પ્રદેશે પોતાના નિયમોમાં આવો જ સમાન સુધારો રજૂ કર્યો હતો.
હવે ગુજરાત સરકારનાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગે પણ મોટર વ્હીકલ નિયમોમાં સુધારા કર્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















