'કોક ત્રિભેટે થઈશું ભેળા, લ્યો હવે ફંટાય છે કેડી'; ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ રાજેન્દ્ર શુક્લનું અમદાવાદમાં નિધન

ઇમેજ સ્રોત, gujarati sahitya parishad
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ઘેનની પ્યાલી પાય છે કેડી,
ક્યાંક મને લઈ જાય છે કેડી.
આભમાં હું તો ઊડતો જાણે,
વાયરા ભેળી વાય છે કેડી.
ફૂલમાં એની ફૂટતી ફોરમ,
એકલી એકલી ગાય છે કેડી.
જાત્રા જે રહી જાય અધૂરી,
એ જ પછી થઈ જાય છે કેડી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શોધતાં આખી જિંદગી લાગે,
આંખમાં જો અટવાય છે કેડી.
કોક ત્રિભેટે થઈશું ભેળાં,
લ્યો હવે ફંટાય છે કેડી. (સૌજન્ય: કવિ રાજેન્દ્ર શુક્લ)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લનું 22 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં વહેલી સવારે નિધન થયું છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી હૃદયસંબંધિત તકલીફને કારણે અમદાવાદની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર જાજ્વલ્ય શુક્લે 'બીબીસી ગુજરાતી'ને પિતાના અવસાનની પુષ્ટિ કરી હતી.
1942માં જૂનાગઢમાં જન્મેલા રાજેન્દ્ર શુક્લએ ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને સંગીતના ઊંડા અભ્યાસને આધુનિક ગઝલોમાં ઉતારવાનો અજોડ પ્રયત્ન કર્યો હતો. તેઓ ગીતો તથા છાંદસ-અછાંદસ કાવ્યરચનાઓને ગઝલમાં ગૂંથી લેવા માટે 'ગઝલર્ષિ' તરીકે ઓળખાતા હતા.
'કોમલ ઋષભ', 'અંતર ગંધાર', 'સેંજલ' અને પાંચ ભાગમાં પ્રકાશિત 'ગઝલસંહિતા' જેવી રચનાઓ થકી વાચકોના હૃદયમાં સ્થાન બનાવનાર આ મહાન સર્જકના અવસાનથી ગુજરાતી સાહિત્યજગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
જુનાગઢના બાંટવામાં જન્મેલા રાજેન્દ્ર શુક્લનું જીવન
ગુજરાતી વિશ્વકોશ અનુસાર, કવિ રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઑક્ટોબર 1942ના રોજ જૂનાગઢના બાંટવા ખાતે થયો હતો.
તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન બાંટવામાં, જ્યારે ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું.
'રેખતા ગુજરાતી' અનુસાર, તેમણે અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી 1965માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે સ્નાતક તથા 1967માં અનુસ્નાતકની પદવી મેળવી હતી.
ત્યારબાદ તેઓ વિવિધ કૉલેજોમાં કેટલોક સમય સંસ્કૃતના અધ્યાપક રહ્યા હતા. 1982માં તેમણે દાહોદ કૉલેજમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને પૂર્ણપણે કાવ્યસર્જન તરફ વળ્યા હતા.
તેમને બે દીકરા છે અને તેમનાં પત્ની નયના જાની પણ ગુજરાતી કવયિત્રી છે.
તેમની સાહિત્યિક સફર

ઇમેજ સ્રોત, adhyakavi narsinh maheta sahitynidhi prakashan
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કવિ રાજેન્દ્ર શુક્લના 'કોમલ ઋષભ' (1970), 'અંતર ગંધાર' (1981) તથા 'સ્વવાચકની શોધમાં' (કાવ્યપુસ્તિકા) કાવ્યસંગ્રહો પ્રગટ થયા હતા. ત્યારબાદ લાંબા વિરામ પછી 2005માં 'ગઝલસંહિતા' (1થી 5) ગ્રંથ પાંચ ભાગમાં પ્રકાશિત થયો હતો.
વિપુલ સંખ્યામાં ગઝલો લખીને રાજેન્દ્ર શુક્લે ગુજરાતી ગઝલને ઊંચી કવિતાનો દરજ્જો અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ગીતો, છાંદસ તથા અછાંદસ કાવ્યોમાં પણ મહત્ત્વનું સર્જનકાર્ય કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના જણાવ્યા અનુસાર, તે માટે તેમને 1980-81નું 'ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક' પણ આપવામાં આવ્યું હતું.
"તેમણે છાંદસ–અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ તેમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ હોવા છતાં તેમનું માનસ અને કવિસંવિત્ ભારતીય છે."
'ગુજરાતી શબ્દકોશ' અનુસાર, તેઓ ઇતિહાસ, જ્યોતિષ અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ ધરાવતા હતા. આથી તેઓ પરંપરાને ધ્યાનમાં રાખીને પ્રશિષ્ટ રચનાઓ કરતા હતા, તો બીજી તરફ આધુનિક યુગની વિરતિ, નૈરાશ્ય, વિચ્છિન્નતા આદિનો અનુભવ કરીને તેની અભિવ્યક્તિ માટે કવિતામાં પ્રયોગશીલ વલણો પણ અપનાવતા હતા. કેટલાક વિવેચકો તેમની કાવ્યપરંપરા સાથે પોતાની રીતે સંવાદ સાધતી કવિની ગઝલોથી પ્રસન્ન થઈને તેમને 'ગઝલર્ષિ' પણ કહે છે.
તેમની ગઝલસમૃદ્ધિનો રસાત્મક કોશ એટલે 'ગઝલસંહિતા' (2005). ગુજરાતી કવિતામાં તે મહત્ત્વનું પ્રકાશન છે.
'રેખતા ગુજરાતી' અનુસાર, ગુજરાતી ભાષા વિશે રાજેન્દ્ર શુક્લનું કહેવું હતું કે, "ગુજરાતી ભાષા મારો શ્વાસોશ્વાસ છે. મારા માટે ગુજરાતીનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. આ ભાષા વિના વિચાર પણ શક્ય નથી. હું અત્યંત આશાવાદી છું એટલે કહું છું કે ભલે કોઈ ગમે તે કહે કે અંગ્રેજી કલ્ચર વચ્ચે ગુજરાતીનું શું થશે, તોપણ હું કહું છું કે ગુજરાતીનું ભવિષ્ય ઉજ્જવળ છે. જો કોઈએ તેને વધુ જીવંત રાખવા પ્રયાસો કરવા હોય તો હું કહીશ કે આપણી માતૃભાષાનો મહિમા કરો."
તેમણે ગઝલક્ષેત્રે આપેલા પ્રદાન માટે 2001માં INT તરફથી 'કલાપી ઍવૉર્ડ', 2005માં 'નરસિંહ મહેતા ઍવૉર્ડ', 2006માં 'રણજિતરામ સુવર્ણચંદ્રક' અને 2007માં 'નર્મદ સુવર્ણચંદ્રક' પ્રાપ્ત થયા હતા. ઉપરાંત, 'ગઝલસંહિતા' માટે 2007માં સાહિત્ય અકાદમી, નવી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















