બહેરીન પર ઈરાનના હુમલામાં બે લોકો ઘાયલ, સાઉદી અરેબિયા, યુએઈ અને કતારે નિંદા કરી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Stringer/Anadolu via Getty Images
બહેરીનના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે શનિવારે થયેલા ઈરાનના હુમલામાં બે લોકો ઘાયલ થયા છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઘાયલોમાં એક બહેરીનનો નાગરિક છે, જ્યારે બીજો પાકિસ્તાની નાગરિક છે.
બહેરીને દાવો કર્યો છે કે, ઈરાને શનિવારે તેના એક ઔદ્યોગિક સ્થળ પર હુમલો કર્યો હતો.
બીજી તરફ, ઈરાનની રિવૉલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું છે કે તેણે બહેરીનમાં આવેલાં અમેરિકન સૈન્ય ઠેકાણાં પર મિસાઇલ અને ડ્રૉન વડે હુમલો કર્યો હતો.
બહેરીનમાં અમેરિકી નૌસેનાનો પાંચમો કાફલો તહેનાત છે.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે બહેરીન પર થયેલા ઈરાનના હુમલાની નિંદા કરી છે.
સાઉદી વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું, "સાઉદી અરેબિયા, બહેરીનની સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે લેવામાં આવતાં તમામ પગલાંમાં તેની સાથે સંપૂર્ણ એકતા દર્શાવે છે."
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના વિદેશ મંત્રાલયે પણ જણાવ્યું કે તાજેતરના હુમલાઓ બહેરીનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કતારે પણ અલગ નિવેદન જાહેર કરીને બહેરીનના એક ઔદ્યોગિક સ્થળ પર ઈરાન દ્વારા કરાયેલા હુમલાની નિંદા કરી છે.
નેપાળના વડા પ્રધાન બાલેન શાહ ભારત પહોંચ્યા, કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે કર્યું સ્વાગત

ઇમેજ સ્રોત, ANI
નેપાળના વડા પ્રધાન બાલેન શાહ રવિવારે બે દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. તેઓ 22 અને 23 નવેમ્બર દરમિયાન ભારતમાં રહેશે.
દિલ્હી ઍરપૉર્ટ પર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવેલા બાલેન શાહનો માર્ચ 2026માં પદ સંભાળ્યા બાદ આ પ્રથમ ભારત પ્રવાસ છે. વડા પ્રધાન બન્યા પછી આ તેમની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા પણ છે.
આ પ્રવાસ દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે.
ભારતીય વિદેશ મંત્રાલયે આ પ્રવાસ અંગે જણાવ્યું હતું કે, "આ યાત્રા બંને દેશો વચ્ચે નિયમિત રીતે થતી ઉચ્ચસ્તરીય મુલાકાતોની પરંપરાને આગળ વધારે છે. તે ભારતની 'નેબરહૂડ ફર્સ્ટ' નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને આપવામાં આવતા મહત્ત્વને પણ દર્શાવે છે."
ગુજરાત: માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત, મૃતકો સૈનિકોના પરિવારના

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતના કચ્છ જિલ્લામાં એક ટ્રક અને કાર અથડાતાં સેનાના જવાનોના પરિવારના સાત સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કચ્છ પશ્ચિમ પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. પરિવાર કચ્છના રણની મુલાકાત લઈને ભુજ પરત ફરી રહ્યો હતો.
પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પીએમ મોદીનું નિવેદન પણ જાહેર કર્યું.
પીએમ મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
રાજનાથ સિંહે એક્સ પર લખ્યું, "ગુજરાતના કચ્છમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ઘણા લોકોનાં મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે."
રાહુલ પછી ઋષભ પંતે પણ સદી ફટકારી, ભારતે મેળવી ન્યુઝીલૅન્ડ પર મોટી લીડ

ઇમેજ સ્રોત, Kerry Marshall/Getty Images
ભારતે ન્યુઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 650 થી વધુ રન બનાવ્યા છે અને ભારતની લીડ 280થી વધુ થઈ ગઈ છે.
ટેસ્ટ મૅચના ચોથા દિવસે ભારત માટે ઋષભ પંતે સદી ફટકારી છે અને 153 બૉલમાં 128 રન બનાવ્યા છે. ઋષભે તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા.
આ પહેલાં કે.એલ. રાહુલે પણ સદી ફટકારી હતી, જ્યારે કૅપ્ટન શુભમન ગિલ 98 રન બનાવીને આઉટ થયા હતા.
હાલમાં, ભારત તરફથી ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદર ક્રીઝ પર હાજર છે.
ન્યુઝીલૅન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 368 રન બનાવ્યા હતા, જેમાં હેનરી નિકોલ્સે સૌથી વધુ 175 રન બનાવ્યા હતા, જ્યારે ગ્લેન ફિલિપ્સે 118 રન બનાવ્યા હતા.
ટ્રમ્પે કહ્યું, ઈરાનમાં શાસન-પરિવર્તનમાં રસ નથી

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધી રહ્યો છે. ઈરાને બહેરીનમાં અમેરિકન બેઝ પર હુમલાનો દાવો કર્યો છે અને એક અમેરિકન ફાઇટર જેટને તોડી પાડ્યું હોવાના અહેવાલ છે.
દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાન સાથે ફક્ત 'ટકાઉ અને લાંબા ગાળાનો' કરાર ઇચ્છે છે.
"મને ક્યારેય સત્તાપરિવર્તનમાં બહુ રસ રહ્યો નથી," ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝ સાથેના ફોન પર આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યું. "કેટલાક લોકો સત્તાપરિવર્તન વિશે વાત કરે છે, પરંતુ તમારે તેનો મતલબ શું છે તે પણ સમજાવવું પડશે."
તેમણે કહ્યું, "મેં અત્યાર સુધીમાં બે સરકારોનો અંત લાવ્યો છે. ગ્રુપ વન અને ગ્રુપ ટુ. હવે અમે ગ્રુપ થ્રી સાથે કામ પાર પાડી રહ્યા છીએ. તો તમે તેને અંતિમ સત્તાપરિવર્તન પણ કહી શકો છો."
"ત્રીજા જૂથનું વલણ બહુ અલગ નથી. કદાચ તેઓ વધુ સમજદાર છે, પરંતુ તેમની સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે. મારો મતલબ છે કે, અમે જ્યારે એક સોદો કરીએ છીએ અને બીજા દિવસે તેઓ તેને તોડી નાખે છે," ટ્રમ્પે કહ્યું.
તેમણે કહ્યું કે તેઓ ઈરાન સાથે એવો કરાર કરવા માંગે છે જે લાંબા સમય સુધી કારગર રહે.
ટ્રમ્પના મતે, "જેથી જો ચાર, 15 કે 20 વર્ષ પછી કોઈ અયોગ્ય રાષ્ટ્રપતિ સત્તામાં આવે, તો પણ ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવી શકે નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















