ઇંગ્લૅન્ડ સામે ભારત વનડે સિરીઝ હાર્યું, રોહિતના 138 રન છતાં નિવૃત્તિ અંગે શું ચર્ચા થઈ રહી છે?

બીબીસી ગુજરાતી ભારતીય ક્રિકેટ વનડે બેટ્સમેન રોહિત શર્મા નિવૃત્તિ
ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા લૉર્ડ્સના મેદાનમાં ઊતર્યા તે સમયની તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

લૉર્ડ્સના મેદાન પર રવિવારે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ઇંગ્લૅન્ડે ભારતને 27 રનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી છે.

ઇંગ્લૅન્ડે પ્રથમ બેટિંગ લઈને ત્રણ વિકેટે 387 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જ્યારે ભારતની ટીમ 50 ઓવરમાં સાત વિકેટે 360 રન બનાવી શકી હતી.

આ મૅચમાં રોહિત શર્માએ 110 બૉલમાં શાનદાર 138 રન બનાવ્યા હતા, પરંતુ તેમની આ યાદગાર ઇનિંગ પણ ભારતને જીત અપાવી શકી ન હતી. કૅપ્ટન શુભમન ગિલે 77 અને વિરાટ કોહલીએ 74 રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડ તરફથી બેન ડક્કેટે 135 બૉલમાં 141 રન બનાવ્યા હતા.

બીબીસી ગુજરાતી ભારતીય ક્રિકેટ વનડે બેટ્સમેન રોહિત શર્મા નિવૃત્તિ
ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમના કૅપ્ટન શુભમન ગિલે કહ્યું કે રોહિતની નિવૃત્તિની વાતો માત્ર મીડિયામાં થઈ રહી છે

દરમિયાન રોહિત શર્મા હવે ક્યારે નિવૃત્તિ લેશે એ અંગે અટકળો થવા લાગી છે.

રોહિત શર્માની નિવૃત્તિ અને રોહિતની બેટિંગ વિશે કૅપ્ટન શુભમન ગિલને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, "તેમણે અમને કંઈ કહ્યું નથી. મને લાગે છે કે માત્ર મીડિયામાં બધું જ બહાર આવ્યું છે, પરંતુ ટીમમાં આવી કોઈ ચર્ચા થઈ નથી."

ગિલે કહ્યું છે કે, "રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વર્ષોથી દુનિયાના વિવિધ ભાગોમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. રોહિતભાઈએ જે રીતે બેટિંગ કરી અને 140 રન બનાવ્યા તેનાથી હું ખુશ છું. મને લાગે છે કે અંતે વિકેટ થોડી ધીમી પડી હતી. તેની પર રન બનાવવા સરળ ન હતા. તેમણે જે રીતે બેટિંગ કરી તે જોવાની ખૂબ મજા આવી."

બીબીસી ગુજરાતી ભારતીય ક્રિકેટ વનડે બેટ્સમેન રોહિત શર્મા નિવૃત્તિ
ઇમેજ કૅપ્શન, રવિશાસ્ત્રીના મતે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓની હજુ ભારતને જરૂર છે

લૉર્ડ્સની મૅચમાં કૉમેન્ટરી વખતે પણ રોહિત શર્મા અને તેમની નિવૃત્તિની ચર્ચા થઈ હતી.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉમેન્ટેટર માઇકલ આર્થરટને રવિ શાસ્ત્રીને પૂછ્યું કે કે "ભારતમાં એવા અહેવાલ છે કે લૉર્ડ્સની આ મૅચ રોહિત શર્માની છેલ્લી મૅચ હશે અને ટીમનું મૅનેજમૅન્ટ 2027ની વર્લ્ડકપ ટીમમાં તેમનો સમાવેશ નહીં કરે."

તેના જવાબમાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે, "રોહિત શર્માએ ભારતના સૌથી મહાન વ્હાઇટ બૉલ પ્લેયર છે. તેઓ હજુ 2027ના વર્લ્ડકપમાં રમવા માગે છે અને બીસીસીઆઇ તથા ટીમ જાણે છે કે આ સપનું તેમના માટે કેટલું મહત્ત્વનું છે."

રવિ શાસ્ત્રીએ કહ્યું કે "નિવૃત્તિની વાતો માત્ર અટકળો છે. તે માત્ર તેમની વિરુદ્ધ પેઇડ પીઆર છે. બીસીસીઆઇના અધિકારીઓએ પહેલેથી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. રોહિતમાં હજુ ક્રિકેટ બાકી છે અને ભારતને 2027ના વર્લ્ડકપ માટે રોહિત અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓની જરૂર છે."

લૉર્ડ્સ ખાતે સદી ફટકાર્યા અગાઉ રોહિત શર્મા માટે આ પ્રવાસ બહુ નિરાશાજનક રહ્યો હતો. તેમણે આ સદી અગાઉ માત્ર 37 રન બનાવ્યા હતા જેમાં બર્મિંગહામ ખાતે ફક્ત 11 રન અને કાર્ડિફની વનડેમાં 26 રન બનાવ્યા હતા. તેના કારણે 39 વર્ષીય રોહિત શર્મા હવે ભારતીય ટીમ માટે કેટલાં વર્ષ સુધી વનડે રમી શકશે તે અંગે સવાલો પેદા થયા હતા.

બીસીસીઆઇએ શું સ્પષ્ટતા કરી?

બીબીસી ગુજરાતી ભારતીય ક્રિકેટ વનડે બેટ્સમેન રોહિત શર્મા નિવૃત્તિ
ઇમેજ કૅપ્શન, બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સાઇકિયાએ રોહિતની નિવૃત્તિની અટકળોને નકારી કાઢી છે

દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પણ રવિવારની મૅચ એ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય વનડે હતી તેવી અટકળોને નકારી કાઢી છે. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી દેવજિત સાઇકિયાએ કહ્યું કે આવી કોઈ ચર્ચા થઈ નથી.

તેમણે એક મીડિયા નિવેદનમાં કહ્યું કે "રોહિત શર્માના ભવિષ્ય અંગે મીડિયામાં ઘણી અટકળો ચાલે છે. હું સ્પષ્ટ કહેવા માગું છું કે રોહિત લૉર્ડ્સમાં છેલ્લી વનડે રમશે એવી કોઈ વાતચીત થઈ નથી."

તેમણે કહ્યું કે "રોહિત એ ભારતીય વનડે ટીમના રેગ્યુલર સભ્ય છે અને તેઓ તેના માટે સક્ષમ છે ત્યાં સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. બીજા શબ્દોમાં કહીએ તો લૉર્ડ્સ ખાતેની વનડે એ તેમની છેલ્લી મૅચ નહીં હોય."

રોહિત શર્માના નબળા દેખાવના કારણે ચિંતા વધી

તાજેતરમાં રોહિતે વનડેમાં નબળો દેખાવ કર્યો તેના કારણે તેઓ હવે નિવૃત્તિના આરે છે તેવી વાતો થવા લાગી હતી. ગયા ગુરુવારે કાર્ડિફમાં રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની જ બીજી વનડેમાં રોહિત શર્માએ 47 બૉલમાં 26 રન કર્યા હતા. તેમાં 31 બૉલ ખાલી કાઢ્યા હતા.

તેના કારણે ભારતીય માધ્યમોમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, રવિવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચ કદાચ રોહિત શર્માની કારકિર્દીની આખરી મૅચ હોઈ શકે છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસે તે સમયે લખ્યું હતું કે બીસીસીઆઇની વરિષ્ઠ પસંદગી સમિતિએ શર્માને તેના આયોજનની જાણ કરી દીધી છે.

અખબારે લખ્યું હતું, "સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોચ ગૌતમ ગંભીર સાથે પસંદગી સમિતિએ ગયા અઠવાડિયે રોહિત શર્મા સાથે આ અંગે ચર્ચા કરી હતી. પસંદગીકારો યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને તક આપવા ઇચ્છે છે, જેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ સમિતિએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, 2027ના વર્લ્ડકપની તૈયારીમાં તેઓ રોહિત શર્મા માટે કોઈ ભૂમિકા જોઈ રહ્યા નથી."

આ ઉપરાંત અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ પણ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું, "અમને મળેલી માહિતી પ્રમાણે, પસંદગી સમિતિએ નક્કી કર્યું છે કે, હાલની ઇંગ્લૅન્ડ સિરીઝ પછી રોહિત શર્મા વનડે ટીમમાં ઓપનિંગ બૅટ્સમૅન માટેની પહેલી પસંદગી નહીં રહે. વર્તમાન પરિસ્થિતિને જોતાં રવિવારે લૉર્ડ્સ ખાતે રમાનારી ત્રીજી વનડે 39 વર્ષના ખેલાડીની ભારત માટેની છેલ્લી મૅચ હોઈ શકે છે."

રોહિત શર્માની કારકિર્દી

બીબીસી ગુજરાતી ભારતીય ક્રિકેટ વનડે બેટ્સમેન રોહિત શર્મા નિવૃત્તિ
ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે

રોહિત શર્મા વર્ષોથી ભારતીય ટીમ માટે સૌથી મહત્ત્વના બૅટ્સમૅન પૈકીના એક ગણાય છે. તેઓ અત્યાર સુધીમાં 67 ટેસ્ટ મૅચ, 288 વનડે, 159 ટી20 મૅચ અને 281 આઇપીએલની મૅચ રમ્યા છે.

તેમની ટેસ્ટ કારકિર્દીમાં 116 ઇનિંગમાં 4301 રન બનાવ્યા છે જ્યારે વનડેમાં કુલ 280 ઇનિંગમાં 11895 રન બનાવ્યા છે. ટી20માં પણ તેમણે 4231 રન બનાવ્યા છે.

ટેસ્ટમાં રોહિત શર્માનો સર્વોચ્ચ સ્કોર 212 રન છે જ્યારે વનડેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 264 રન છે.

રોહિત શર્માની વનડેમાં બેટિંગ એવરેજ લગભગ 49 રન છે જ્યારે ટેસ્ટમાં તેમણે 40.58 રનની સરેરાશથી રન બનાવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન