You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું ગર્ભવતી છું' આ વાત મારા ફિટનેસ ટ્રૅકરને મારાથી પહેલાં કેવી રીતે ખબર પડી
- લેેખક, અશિતા નાગેશ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
રવિકા પોતાના પતિ સાથે રજાઓ માણવાં ગયાં અને પોતાનો જન્મદિવસ ઉજવતાં હતાં. તેવામાં તેમના ફિટનેસ ટ્રૅકરે તેમને એક અસામાન્ય ઍલર્ટ મોકલ્યું.
તેમની ઑરા રિંગે સિગ્નલ આપ્યાં કે તેમનો હેલ્થ સ્કોર સારો નથી. તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા, શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધુ હતું અને હાર્ટ લેટ વેરિયેબિલિટી (HRV) ઘટી ગયો હતો.
જોકે, રવિકાને પોતાની તબિયત બગડી હોય એવું લાગતું ન હતું. એક અઠવાડિયા પછી પણ તેમના તબિયતને લગતા પેરામીટર્સમાં કોઈ સુધારો ન થયો.
ત્યારે ઇંગ્લૅન્ડના વેસ્ટ મિડલૅન્ડ્સનાં 34 વર્ષીય સૉલિસિટર રવિકાએ ઇન્ટરનેટ પર શોધખોળ કરી.
તેમને મહિલાઓનો એક એવો ઑનલાઇન સમુદાય મળ્યો, જ્યાં ઘણી મહિલાઓએ જણાવ્યું કે તેમને પણ હેલ્થ ટ્રૅકર્સે એકઠા કરેલા ડેટાના આધારે પ્રેગ્નન્સીના શરૂઆતના સંકેત મળ્યા હતા.
એક અઠવાડિયા પછી રવિકાનો પ્રેગ્નન્સી ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો.
ટ્રૅકરથી પ્રેગ્નન્સીની જાણ થઈ ત્યારે શું થયું?
થોડા સમય પછી રવિકાને પેટમાં દુખાવો થયો.
આ દરમિયાન તેમના ફોન પર એક નોટિફિકેશન આવ્યું, જેમાં જણાવાયું કે તેમનું શરીર ઘણા દબાણ અથવા તણાવમાં છે. ત્યાર પછી તેઓ ડૉક્ટર પાસે ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટરે તેમને 10 દિવસ પછી ફરી એ વાતની તપાસ માટે બોલાવ્યા કે તેમની ગર્ભાવસ્થામાં કોઈ સમસ્યા તો નથી ને.
તેઓ કહે છે કે આટલી રાહ જોવી તેમના માટે બહુ પીડાદાયક હતી. આ દરમિયાન તેઓ વારંવાર ફિટનેસ ટ્રૅકર પર આંકડા જોતાં હતાં.
તેમણે જણાવ્યું કે તેઓ લગભગ દર રાતે એ જોવા ઊઠી જતાં કે તેમની ઍપમાં તબિયતને લગતા આંકડા સામાન્ય થયા કે નહીં.
તેમના શરીરનું તાપમાન ક્યાંક વધી તો નથી ગયું ને.
રવિકા કહે છે, "હું માત્ર એટલી અપેક્ષા રાખતી હતી કે મારી પ્રેગ્નન્સી સુરક્ષિત અને સામાન્ય હોય." તેમના કહેવા મુજબ ફિટનેસ ટ્રૅકરના આંકડા ધીમે ધીમે તેમના માટે એક જનૂન બની ગયા હતા. તેમને એવું લાગતું હતું કે આ ખરેખર 'જિંદગી અને મોત'નો સવાલ છે.
ઘણી મહિલાઓ માટે સમયસર પિરિયડ ન આવે તે ગર્ભાવસ્થાનો પહેલો સંકેત હોય છે. સામાન્ય રીતે તે સમયે પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરવામાં આવે છે.
કેટલાક ટેસ્ટ એવા પણ હોય છે જે વહેલાસર ગર્ભાવસ્થાની જાણ કરવાનો દાવો કરે છે. પરંતુ મોટા ભાગના ટેસ્ટ શરીરમાં હોર્મોનના બદલાવને ત્યાં સુધી નથી ઓળખી શકતા, જ્યાં સુધી માસિકની નિશ્ચિત તારીખ વીતી ન જાય.
જોકે, રવિકા એવી મહિલાઓમાં છે જે ઑનલાઇન જણાવે છે કે તેમને પહેલેથી સંકેત મળી ગયા હતા. આ સંકેત તેમને ફિટનેસ ટ્રૅકરના હેલ્થ ડેટા પરથી મળ્યા હતા.
બ્રિટનમાં ફિટનેસ ટ્રૅકર્સ બહુ લોકપ્રિય બન્યા છે, જેમાં સ્માર્ટ રિંગ, સ્માર્ટ વૉચ અને છાતી પર પહેરવાનાં ટ્રૅકર્સ સામેલ છે.
યુગવના એક સંશોધન મુજબ જાન્યુઆરી 2026માં બ્રિટનના 36 ટકા પુખ્ત વયના લોકો પાસે ફિટનેસ ટ્રૅકર હતા અને તેઓ તેનો ઉપયોગ કરતા હતા. જુલાઈ 2019ની તુલનામાં આ પ્રમાણ લગભગ બમણું છે.
સ્માર્ટ રિંગના બજારમાં ઑરા કંપની સૌથી વધુ વેચાણ ધરાવે છે, જે ફિનલૅન્ડ અને અમેરિકાની કંપની છે.
ભારતની અલ્ટ્રાહ્યુમન અને હૉંગકૉંગની રિંગકૉન જેવી કંપનીઓ પણ તેમાં સામેલ છે.
ગર્ભપાતના સંકેતોની કેવી રીતે ખબર પડી
આ કારણે જ શરીરનું તાપમાન માપતા ફિટનેસ ટ્રૅકર્સ એવી મહિલાઓમાં બહુ લોકપ્રિય બની રહ્યા છે જેઓ માતા બનવા માંગે છે.
એક સામાન્ય પિરિયડ દરમિયાન મહિલાના શરીરનું તાપમાન માસિક ધર્મ શરૂ થાય તેનાથી એકદમ અગાઉ સુધી થોડું વધી જાય છે. ત્યાર પછી તાપમાનમાં ઝડપી ઘટાડો થાય છે.
પરંતુ પ્રેગ્નન્સીની શરૂઆતની અવસ્થામાં શરીરનું તાપમાન સામાન્ય રીતે ઊંચું રહે છે. કોઈ ફિટનેસ ટ્રૅકર શરીરનું તાપમાન માપે, તો તે આ પ્રારંભિક સંકેતોને રજિસ્ટર કરી શકે છે.
પોતાના આરોગ્યને લગતા આંગડા પર નજર રાખવાની સાથે સાથે રવિકા રેડિટ પર તેને લગતી પોસ્ટ વાંચવા લાગ્યાં.
રેડિટ પર હેલ્થ ટ્રૅકર વિશે પોસ્ટ કરતી મહિલાઓનું કહેવું હતું કે તેમની ઑરા રિંગે માત્ર ગર્ભાવસ્થા જ નહીં, પરંતુ ગર્ભપાતના સંકેત પણ પહેલેથી આપ્યા હતા.
તેમનો દાવો હતો કે રિંગના નોટિફિકેશન દ્વારા તેમને આ માહિતી મળી હતી.
32 વર્ષીય સોફિયા પણ એવાં મહિલા છે જેમનો બે વખત ગર્ભપાત થયો હતો.
બંને વખતે તેમને ઑરા રિંગના હેલ્થ ડેટા પરથી આના સંકેત મળ્યા હતા. ત્યાર પછી તેઓ ત્રીજી વખત ગર્ભવતી બન્યાં અને હવે તેમને પાંચ મહિનાનો દીકરો છે.
સોફિયા જણાવે છે કે ગયા વર્ષની શરૂઆતમાં તેઓ પહેલી વખત ગર્ભવતી થયાં, ત્યારે તેઓ દર સવારે પોતાનું ઍપ જોતાં હતાં.
તેમણે કહ્યું કે, "જ્યારે હું તાપમાનની લાઇનને સતત ઉપર જતા જોતી, ત્યારે સારું લાગતું હતું. પરંતુ એક સવારે મેં ઍપમાં જોયું કે મારું તાપમાન ઘટતું જાય છે. ત્યારે મને લાગ્યું કે કંઈક ગરબડ છે."
તેમણે કહ્યું કે, "જ્યારે મારે ગર્ભપાત થયો, ત્યારે હું માનસિક રીતે અમુક હદે તૈયાર હતી, કારણ કે મેં આંકડામાં તેના સંકેત જોઈ લીધા હતા."
લગભગ ત્રણ મહિના પછી ફરી એ સ્થિતિ પેદા થઈ. ત્યાર પછી સોફિયા અને તેમના પતિએ કેટલાક સમય માટે ગર્ભધારણની કોશિશ અટકાવી દેવાનો નિર્ણય લીધો.
પરંતુ તે દરમિયાન તેમની રિંગે 'મામૂલી શારીરિક તણાવ'ના સંકેતવાળું એક નોટિફિકેશન મોકલ્યું. તેમણે જોયું કે તેમના શરીરનું તાપમાન ફરીથી વધી ગયું છે. ત્યાર પછી તેમણે પ્રેગ્નન્સી ટૅસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ નીકળ્યો.
આ ગર્ભાવસ્થા સ્વસ્થ હતી, પરંતુ શરૂઆતના દિવસોમાં સોફિયા બહુ ચિંતિત રહ્યાં. તેઓ વારંવાર પોતાની તબિયતને લગતા આંકડા ચેક કરતાં હતાં.
તેમણે કહ્યું, "હું વિચારતી હતી કે, 'હે ઈશ્વર શું ફરીથી તે જ થવાનું છે?' મને યાદ છે કે હું સવારે ચાર કે પાંચ વાગ્યે ઊઠતી અને તરત ઍપ ખોલીને જોતી કે ક્યાંક મારું તાપમાન ઘટી તો નથી ગયું ને."
તેમણે કહ્યું કે, "હું એ આંકડાને લઈને એટલી વધારે સજાગ હતી કે જ્યારે ગર્ભાવસ્થાના આઠ મહિના પૂરા થયા, ત્યારે મેં પોતાની રિંગ ઉતારી નાખી. ત્યાર પછી પ્રેગ્નન્સીના અંતિમ સમય સુધી તે ન પહેરી."
હેલ્થ ડેટાને વારંવાર જોવાથી વધતો તણાવ
લંડનની યુનિવર્સિટી કૉલેજ હૉસ્પિટલના પ્રજનના ચિકિત્સાના સલાહકાર ડૉ. સ્ટુઅર્ટ લેવરી કહે છે કે, "લોકો આ ટેકનિકનો ઉપયોગ કરીને પોતાના શરીરને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરે છે."
"તેઓ ગર્ભધારણની યોજના ધરાવતા હોય, તો તેઓ દરેક સંભવિત સંકેતને શક્ય એટલી ઝડપથી ઓળખવા માંગે છે, કારણ કે તેનાથી તેમના જીવન પર ઊંડી અસર પડે છે."
જોકે, તેઓ ચેતવણી આપતા કહે છે કે "શક્ય છે કે આપણે અત્યારે જરૂરી તૈયારી વગર આગળ વધી રહ્યા હોઈએ."
તેઓ કહે છે, "આ ઉપકરણોની વિશ્વસનીયતા સમજવા માટે આપણને ઘણા વધારે ડેટા અને સંશોધનની જરૂર છે. નહીંતર લોકોમાં બહુ ઝડપથી ચિંતા વધી શકે છે."
ડૉ. લેવરીનું કહેવું છે કે "મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં વધુ લોકો ટેકનિક, ઍપ્સ, પહેરી શકાય તેવા સ્માર્ટ ગેજેટ્સની મદદથી આવા સંકેતોને ઓળખવા પ્રયાસ કરશે."
"પરંતુ તેના ઉપયોગની સાથે ચેતવણી પણ આપવી જોઈએ કે તેની ચોકસાઈ પર સંપૂર્ણ ભરોસો કરી શકાતો નથી."
ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં રિંગના આંકડા વારંવાર જોવાથી મહિલાઓમાં વધતી ચિંતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઑરાના મહિલા આરોગ્ય સંબંધિત ક્લિનિકલ ડાયરેક્ટર ડૉ. ક્રિસ કરીએ બીબીસી ન્યૂઝ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "બાયોમેટ્રિક ટ્રૅકિંગ હોય કે ન હોય, ગર્ભાવસ્થા ઘણી મહિલાઓ માટે અનિશ્ચિતતા ભર્યો સમય હોય છે."
"ખાસ કરીને પહેલી વખત ગર્ભવતી બનતી મહિલાઓને ખબર નથી હોતી કે કઈ બાબત સામાન્ય છે અને કઈ ચીજ સામાન્ય નથી."
તેમણે કહ્યું, "કોઈ મહિલાને આ બધું બહુ તણાવપૂર્ણ લાગે, તો કંપની તેમને આ ઍપમાંથી થોડો સમય વિરામ લેવા સલાહ આપે છે. આ દરમિયાન ઑરા રિંગ ડેટા એકત્ર કરવાનું અને જરૂરી માહિતી મેળવવાનું ચાલુ રાખે છે."
તેમણે એમ પણ કહ્યું કે, "રિંગ એક સહાયક સાધન છે, તે ડૉક્ટરની ટીમનો વિકલ્પ નથી."
કમનસીબે રવિકાને ગર્ભપાત થઈ ગયો. હવે તેઓ ફરીથી ગર્ભધારણની કોશિશ શરૂ કરવાની આશા રાખે છે.
પરંતુ આ અનુભવે તેમને વિચારવા મજબૂર કરી દીધા છે કે શું તેઓ ફરીથી પોતાનું ફિટનેસ ટ્રૅકર પહેરશે કે નહીં.
રવિકા કહે છે, "હું મારી જાતને બહુ ચિંતા કરનારી વ્યક્તિ ગણતી નથી. પરંતુ હવે મને લાગે છે કે ભવિષ્યમાં મને લાગે કે હું ગર્ભવતી છું, અને મારા આરોગ્યને લગતા આંકડા નબળા દેખાતા હોય, તો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે જ મારા માટે યોગ્ય એ રહેશે કે હું તે રિંગ ઉતારી નાખું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન