સ્મિત મચ્છર : 9,750થી વધુ કલાકના ઉડ્ડયનનો અનુભવ ધરાવનાર પાઇલટની અસલી કહાણી

ઇમેજ સ્રોત, Embassy of India in Israel
- લેેખક, હેનરી મૂર
- પદ, લંડન
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, ભારત સંવાદદાતા, દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં છરીના હુમલાનો ભોગ બનેલા ભારતીય પાઇલટની હિંમતને ભારત સરકારે બિરદાવી છે. બુધવારે ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં છરીના હુમલાનો ભોગ બનેલા પાઇલટની ઓળખ ભારતીય નાગરિક કૅપ્ટન સ્મિત મચ્છર તરીકે થઈ છે.
તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સવાર અન્ય એક પાઇલટે સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. તેના કારણે વિમાનને સાઉદી અરેબિયા તરફ વાળવું પડ્યું હતું.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત મચ્છરને "અસલી હીરો" ગણાવ્યા હતા. તેમને ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તબુક શહેરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંયુક્ત આરબ અમીરાતમાં આવેલા ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે સ્મિત મચ્છરની તબિયત સારી છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. રાજદૂત દીપક મિત્તલે કહ્યું કે તેમને "કૅપ્ટન સ્મિતની હિંમત પર ગર્વ છે" અને તેમને મળીને "ઘણી રાહત" મળી છે.
નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે સ્મિત મચ્છરે "174 લોકોના જીવ બચાવ્યા" અને "હવામાં સર્જાઈ શકનારી વિનાશક દુર્ઘટનાને અટકાવી."
સ્મિત મચ્છરને 9,750થી વધુ કલાકનો ઉડ્ડયનનો અનુભવ

ઇમેજ સ્રોત, Dharav Gosalia
સ્મિત મચ્છરે ભારતના મુંબઈ શહેરમાં બાળપણ વિતાવ્યું હતું. તેમનાં માતાપિતા હજુ પણ મુંબઈમાં રહે છે. 2008માં તેઓ ન્યૂઝીલૅન્ડના ડ્યુનેડિનમાં આવેલી મેઇનલૅન્ડ ઍર નામની એવિએશન કૉલેજમાં જોડાયા હતા. ત્યાર પછી 3 વર્ષ બાદ તેઓ ભારતીય ઍરલાઇન સ્પાઇસજેટમાં કૉમર્શિયલ પાઇલટ તરીકે જોડાયા હતા.
2022માં તેઓ દુબઈ ગયા અને અનુભવી પાઇલટ તરીકે ફ્લાયદુબઈમાં જોડાયા.
મેઇનલૅન્ડ ઍરના સીઇઓ ફિલિપ કીને બીબીસીને જણાવ્યું હતું કે તેમને મચ્છર એવી વ્યક્તિ તરીકે યાદ છે, જે કટોકટીની સ્થિતિમાં પણ શાંત રહેતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કીને કહ્યું, "અમે તેમને વિમાનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની તાલીમ આપી હતી, પણ આવી પરિસ્થિતિ માટે નહીં, કારણ કે આવું બનવું ખૂબ જ દુર્લભ છે. આ વાતને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ તેઓ સારા અને પ્રામાણિક કર્મચારી લાગ્યા હતા."
તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, મચ્છરને 9,750થી વધુ કલાકનો ઉડ્ડયનનો અનુભવ છે. તેમાં 6,400 કલાકથી વધુ સમય તેમણે વિમાનના કમાન્ડિંગ પાઇલટ તરીકે ઉડ્ડયન કર્યું છે.
તેમના અગાઉના નોકરીદાતા સ્પાઇસજેટે એક નિવેદન બહાર પાડીને મચ્છરને "હીરો" ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે "અસંખ્ય લોકોના જીવ બચાવ્યા" છે.
સ્પાઇસજેટમાં તેમની સાથે કામ કરી ચૂકેલા જૂના મિત્ર કૅપ્ટન ધારવ ગોસાલિયાએ તેમને હંમેશાં લોકો સાથે હળીમળીને રહેનારા અને "ખૂબ જ ખુશમિજાજ" વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા.
"સ્મિત મૅક" હુલામણા નામથી ઓળખાતા મચ્છર "શિસ્તબદ્ધ પાઇલટ" હતા. ગોસાલિયાના જણાવ્યા પ્રમાણે, તેમણે વર્ષો સુધી તાલીમ લીધી હતી. તેમાં કૉમર્શિયલ એવિએશનમાં જોડાયેલા ભૂતપૂર્વ ભારતીય વાયુસેનાના પાઇલટો પાસેથી મેળવેલી તાલીમનો પણ સમાવેશ થાય છે.
પાઇલટ તરીકે સ્મિત મચ્છરના અનુભવો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગયા વર્ષે સ્મિત મચ્છરે 'બોનાફાઇડ બૅન્ટર' નામના પૉડકાસ્ટમાં તેમણે પાઇલટ તરીકે ઉડ્ડયન કેવી રીતે શરૂ કર્યું તેની અને પોતાના અનુભવો વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે એવિએશન તેમનું "બાળપણનું સપનું ક્યારેય નહોતું." લગભગ 19 વર્ષની ઉંમરે તેઓ મૅનેજમૅન્ટના એક કોર્સમાં જોડાયા હતા. તેમનો વિચાર પોતાના પારિવારિક વ્યવસાયમાં કામ કરવાનો હતો, પરંતુ પછી તેઓ એક એવિએશન સેમિનારમાં ગયા અને "મને તેનો ચસકો લાગી ગયો."
સ્મિત મચ્છરે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પાઇલટનો યુનિફૉર્મ પહેરતા ત્યારે તેઓ "કામ સિવાય બીજી કોઈ વાત ન કરતા" અને "100% કામ પર ધ્યાન આપતા." જોકે, યુવાનીના દિવસોની સરખામણીમાં હવે તેઓ કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવા તથા પરિવાર સાથે સમય વિતાવવાને વધુ મહત્ત્વ આપતા હતા.
તેમણે સલાહ આપી હતી, "અંગત જીવનને પણ એટલું જ મહત્ત્વ આપો, એ તમને લાંબા સમય સુધી ઉડ્ડયન કરવામાં મદદરૂપ બનશે."
તેમણે હવામાં પોતે સામનો કર્યો હોય પડકારો વિશે પણ વિગતવાર વાત કરી હતી. તેમાં એક એવી ઘટના પણ હતી, જ્યારે એક મુસાફરને સમય પહેલાં પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી અને બાળકનો સુરક્ષિત જન્મ થાય તે માટે સમગ્ર ક્રૂએ સાથે મળીને કામ કર્યું હતું.
તેમણે કહ્યું હતું, "એવિએશનની દૃષ્ટિએ હું નસીબદાર હતો કે મને એવા લોકો સાથે કામ કરવાની તક મળી, જેમણે મને આજે જે પાઇલટ છું તે બનવામાં મદદ કરી." તણાવભરી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે શીખવવા બદલ તેમણે વરિષ્ઠ પાઇલટોને શ્રેય આપ્યું હતું.
આ વાતચીત વખતે મચ્છરે કહ્યું હતું કે તેમણે ઉડાવ્યું હોય એવા કોઈ પણ વિમાનને ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની જરૂર પડી નહોતી. જોકે, તેમણે તબીબી કટોકટી અને વિમાનમાં સર્જાયેલી નાની-મોટી સમસ્યાઓનો સામનો કર્યો હતો, જેના કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો.
તેમણે કહ્યું હતું કે વિલંબ "મારી સમસ્યા નથી. જ્યાં સુધી તમે વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી રહ્યા છો, ત્યાં સુધી મારા માટે એ જ મહત્ત્વનું છે."
મચ્છરની ઓળખ જાહેર થયા પછી ભારતીય સોશિયલ મીડિયામાં તેમનાં વખાણ થઈ રહ્યાં છે. ઘણા લોકોએ તેમને હીરો ગણાવ્યા છે. પૉડકાસ્ટના કેટલાક અંશો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
હવામાં જ પાઇલટ પર છરીથી હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટે સંયુક્ત આરબ અમીરાતના દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટથી 03:05 જીએમટી (સ્થાનિક સમય મુજબ 07:05)એ રવાના થઈ હતી. તેનું ગંતવ્યસ્થાન ઇઝરાયલનું બેન ગુરિયન ઍરપૉર્ટ હતું.
આ ફ્લાઇટમાં ઓછામાં ઓછા 150 લોકો હતા. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમાંના "લગભગ બધા" મુસાફરો ઇઝરાયલી હતા.
ફ્લાઇટ ટ્રૅકિંગ વેબસાઇટ Flightradar24ના આંકડા મુજબ, રવાના થયાના લગભગ અઢી કલાક પછી વિમાને સાઉદી અરેબિયા ઉપરથી ઝડપથી નીચે આવવાનું શરૂ કર્યું હતું. 05:21 વાગ્યાની આસપાસ 2 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તે 17,000 ફૂટ (5,000 મીટર)થી વધુ નીચે આવી ગયું હતું.
થોડી જ મિનિટો પછી વિમાને ઇમર્જન્સી કોડ- સ્ક્વૉક 7700-નો સિગ્નલ આપ્યો હતો. ત્યાર પછી તેને સ્ક્વૉક 7500 કોડમાં બદલવામાં આવ્યો હતો, જે વિમાનના અપહરણનો સંકેત આપે છે.
05:40 વાગ્યે વિમાન થોડા સમય માટે જૉર્ડનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી ફરી સાઉદી અરેબિયા તરફ વળ્યું હતું. ત્યાર પછી પાઇલટે જાતે વિમાનને નીચે ઉતારવાનું શરૂ કર્યું હતું
એક કલાક કરતાં પણ ઓછા સમય પછી વિમાને ફરી સ્ક્વૉક 7700 સિગ્નલ આપ્યો હતો.
શરૂઆતના સ્થાનિક મીડિયા અહેવાલોમાં ઇઝરાયલી અધિકારીઓને ટાંકીને જણાવાયું હતું કે બન્ને પાઇલટો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
પરંતુ બુધવારે ઘટનાના થોડા સમય પછી વાત કરતાં નેતન્યાહૂએ પાછળથી આવેલા અહેવાલોની પુષ્ટિ કરી હતી કે એક પાઇલટે બીજા પાઇલટ પર છરીથી હુમલો કર્યો હતો અને ત્યાર પછી "એવું જણાતું હતું કે તે વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો."
તેમણે કહ્યું હતું કે એક ઇઝરાયલી મુસાફરે તેમને જણાવ્યું હતું કે "વિમાન ગોળગોળ ફરવા લાગ્યું અને નીચે ઊતરવા લાગ્યું." ત્યાર પછી તે મુસાફર અને ક્રૂના એક સભ્ય કૉકપિટમાં ઘૂસી ગયા અને "છરીથી હુમલો કરનાર પાઇલટ"ને કાબૂમાં લીધો.
વિમાનને ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તબુક ઍરપૉર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને સ્થાન સંબંધિત આંકડા મુજબ તે 06:58 વાગ્યે ત્યાં ઊતર્યું હતું.
સાઉદી અરેબિયામાં આવેલી ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે છરીના હુમલાનો ભોગ બનેલા પાઇલટની સ્થિતિ સ્થિર છે. પછી તેમની ઓળખ સ્મિત મચ્છર તરીકે થઈ હતી.
મોદી અને ટ્રમ્પે મચ્છરની હિંમતને બિરદાવી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મચ્છરે "અસાધારણ હિંમત અને અન્ય લોકોના જીવ બચાવવાનો અડગ સંકલ્પ" દર્શાવ્યો હતો.
તેમણે ઍક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે "તેમની બહાદુરીને કારણે સેંકડો લોકોના જીવ બચી ગયા અને મોટી દુર્ઘટના ટળી." તેમણે પાઇલટ ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ પાઇલટની "અસાધારણ હિંમત અને જોખમની ગંભીર સ્થિતિ વચ્ચે પણ તેમણે દર્શાવેલી સમયસૂચકતા"ની પ્રશંસા કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે "પાઇલટની હાલત ખૂબ જ ખરાબ હતી", પરંતુ હુમલા દરમિયાન કૉકપિટનો દરવાજો ખોલવાની તેમને સમજ હતી.
ટ્રમ્પે કહ્યું, "એક રીતે જોઈએ તો દરવાજો ખોલીને તેમણે અદ્ભુત કામ કર્યું. તેઓ પાછળ ખસી શક્યા અને દરવાજો ખોલી શક્યા."
વધારાનું રિપોર્ટિંગ રોરી બોસોટ્ટી, રચિતા પ્રસાદ અને મેરિલ સેબાસ્શ્ચિયન દ્વારા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















